Get The App

કતલ કેદીઓની, ખેતી અવયવોની...!

Updated: Feb 10th, 2026

GS TEAM

Google News
Google News
કતલ કેદીઓની, ખેતી અવયવોની...! 1 - image

- ટોપ્સીટર્વી-અજિત પોપટ

- આવા અમાનવીય કાર્યમાં ક્વોલિફાઇડ ડૉક્ટરો, નર્સિસ, એનેસ્થેટિસ્ટ્સ અને બીજા તબીબી વ્યાવસાયિકો ચીનની સરકારને સહાય કરે છે એ પોતાની વ્યાવસાયિક નીતિમતાને દગો આપવા સમાન છે

બધી રીતે તંદુરસ્ત એવો એ કેદી બરાડા પાડતો રહ્યો, મરેલા ઢોરની જેમ જેલ સ્ટાફ એને ઘસડતો રહ્યો. કેદીની દલીલ એવી હતી કે એને મૃત્યુદંડની સજાને હજુ કોર્ટે ઔપચારિક રીતે બહાલી આપી નથી. પરંતુ એની દલીલો બહેરા કાને અથડાઇ રહી હતી. એના જેવા જ હટ્ટાકટ્ટા જેલ વોર્ડનો એને ઘસડીને લઇ ગયા. જેલના બાકીના કેદીઓ નિ:સહાય બનીને આ દ્રશ્ય જોઇ રહ્યા. ચીનના એક પ્રાંતની જેલમાં બનેલી આ ઘટના લગભગ રોજની છે.

છેલ્લાં અનેક વરસોથી ચીનમાં સરકારી પીઠબળથી એક ક્રૂર પરંપરા ચાલી રહી છે. માનવ અધિકાર માટે લડતી દુનિયાભરની સંસ્થાઓ આ પરંપરાની ઝાટકણી કાઢી ચૂકી છે. પરંતુ ચીનના પેટનું પાણી હાલતું નથી.

યૂરોપ અમેરિકાનાં મોટા ભાગનાં પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મિડિયા ચીનને માનવ અંગોની પાશવી ખેતીનું પાટનગર કહે છે. માનવ અંગોની ખેતી એટલે શું એ જાણશો ત્યારે તમે પણ થથરી જશો. ભારતની જેમ ચીનમાં પણ વસતિ વિસ્ફોટ થયો છે. કૂદકે ને ભૂસકે વસતિ વધતી જાય છે. ચીનમાં પણ આપણી જેમ સોએ સો ટકા નાગરિકોને ચોખ્ખું પીવાનું પાણી મળતું નથી. બે ટંક ખાવાની વાત તો દૂર રહી. ચીનની પ્રજા મોટે ભાગે માંસાહારી છે. કીડી મંકોડાથી માંડીને જીવતાં કંસારી વાંદા કે સાપ સુદ્ધાં ખાઇ જાય છે. એક યા બીજા કારણે ચીનમાં પણ કિડની, લીવર કે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે દર્દીઓનું ખાસ્સું મોટું વેઇટિંગ લિસ્ટ છે. એક અહેવાલ મુજબ ચીનમાં દર વરસે ત્રણ લાખથી વધુ લોકોને એક યા બીજા અંગની જરૂર હોય છે. એની સામે સ્વૈચ્છિક અંગદાન કરનારાની સંખ્યા હજાર પંદરસોથી વધુ નથી. અંગદાન કરનારા લોકોને ડર હોય છે કે સરકારી ડૉક્ટરો એકને બદલે બે અંગો કાઢી લે તો અમને શી ખબર પડવાની છે. એટલે અત્યારે તો કેદીઓ જ મને યા કમને, કળથી યા જબરદસ્તીનો ભોગ બનીને અંગદાન કરે છે.

કિડની કે લીવર બજારમાં વેચાતાં તો મળતાં નથી. આવાં અંગો બદલવાં પડે એવા દર્દીઓનું લાંબું વેઇટિંગ લિસ્ટ હોય ત્યારે કરવું શું ? કયા રાષ્ટ્રપ્રમુખના શાસનથી આ રાક્ષસી પ્રથા શરૂ થઇ એ કહી શકાય એમ નથી. ચીનમાં સામ્યવાદી શાસન છે અને મિડિયા પર જબરદસ્ત કાબુ છે એટલે આ પરંપરા કોણે કયા સંજોગોમાં શરૂ કરાવી એ કોઇ જાણતું નથી. આજીવન કેદની કે મોતની સજા થઇ હોય એવા કેદીઓ પર જેલની હૉસ્પિટલમાં સરકારની સંમતિથી જે તે અંગો કાઢી લેવાની સર્જરી કરાય છે. એ અંગો ત્યારબાદ ઊંચી કિંમતે જે તે દર્દીને આપી દેવામાં આવે છે. આ સંદર્ભમાં ચીનને ઓર્ગન હાર્વેસ્ટિંગ કેપિટલ તરીકે આંતરરાષ્ટ્રીય મિડિયા ઓળખે છે.

વચ્ચે બહુ હો હા થઇ ત્યારે ૨૦૧૫માં ચીને એવો દાવો કર્યો હતો કે હવે અમે આ પરંપરાને બને તેટલી જલદી તિલાંજલિ આપીશું. પરંતુ ત્યારબાદ ચીન ફરી ગયું કે અમે આવી કોઇ ખાતરી કોઇને આપી નથી. આ આખી અમારી અંગત બાબત છે. એમાં કોઇએ માથું મારવાની જરૂર નથી. મૃત્યુદંડની સજા પામેલા કેદીએ વહેલા મોડા મરવાનું જ હોય છે. એના શરીરના સાજાસારા અંગોથી અન્યને નવું જીવન મળતું હોય તો એમાં બહારના દેશોએ શા માટે વાંધો લેવો જોઇએ ? આ તો અંગદાન જેવું માનવતાવાદી કાર્ય છે.

પરંતુ ચીનની એક જેલમાંથી યૂરોપના મિડિયા સુધી પહોંચેલી અત્યંત સંવેદનશીલ માહિતી ચોંકાવનારી હતી. ફાલુન ગોંગ નામની એક પ્રતિબંધિત અધ્યાત્મવાદી સંસ્થાના કાર્યકરોને વીણી વીણીને તેમના પર આવી અંગોની ખેતી કરવામાં આવતી હતી. એજ રીતે ઊઇઘર તરીકે ઓળખાતા મુસ્લિમો જે જે વિસ્તારોમા્ં રહે છે ત્યાં એક યા બીજા બહાને ચીની પોલીસ ઓચિંતા દરોડા પાડે છે. ત્યાંથી બે ચાર ઊઇઘર મુસ્લિમ યુવાનોને ઉપાડી જવામાં આવે છે. આ યુવાનોનો ત્યાર પછી ક્યાંય અતોપતો મળતો નથી. ભારતના મુસ્લિમોનાં હિતોની વાતો કરતા પાકિસ્તાન કે બીજા ઇસ્લામી દેશો ચીનની આ ઘાતકી રીતભાત સામે ચૂં કે ચાં કરી શકતા નથી.

પાશ્ચાત્ય મિડિયા એવો પણ આરોપ મૂકે છે કે ચીન આવાં અંગોની અનિવાર્ય જરૂરિયાત હોય એવા વિદેશી લોકોની માહિતી પોતાની રીતે મેળવીને એવા દર્દીઓનો સંપર્ક સાધે છે. આમ ઓર્ગન હાર્વેસ્ટિંગ ટુરિઝમ વિકસાવવામાં આવ્યો છે. એવા દરેક ગરજવાન પાસેથી અમેરિકી ડોલરમાં ફી વસૂલ કરવામાં આવે છે. આવી પ્રથા સામે વર્લ્ડ મેડિકલ એસોસિયેશને ચીનના વિરોધમાં એક કરતાં વધુ વાર ખાસ ઠરાવ પસાર કર્યો છે. ચીન આવા બધા ઠરાવની નકલોનો ટોયલેટ પેપર તરીકે ઉપયોગ કરીને આખી વાતને વિસારી દે છે. એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ અને વર્લ્ડ  મેડિકલ એસોસિયેશન કહે છે કે આવા અમાનવીય કાર્યમાં ક્વોલિફાઇડ ડૉક્ટરો, નર્સિસ, એનેસ્થેટિસ્ટ્સ અને બીજા તબીબી વ્યાવસાયિકો ચીનની સરકારને સહાય કરે છે એ પોતાની વ્યાવસાયિક નીતિમતાને દગો આપવા સમાન છે. દુનિયાની આંખમાં ધૂળ નાખવા ચીને ૧૯૮૦માં જર્નલ ઓફ ચાઇનીઝ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન નામે એક મેડિકલ મેગેઝિન શરૂ કરેલું. શરૂઆતમાં આ એક સાપ્તાહિક હતું. થોડા સમય પછી એ પાક્ષિક થઇ ગયું અને .છેલ્લે ત્રિમાસિક હતું. એમાં  એવો દાવો કરાયો હતો કે વૈજ્ઞાાનિક સંશોધન માટે અંગદાનની પ્રક્રિયાનો ખાસ ઉપયોગ કરવાની ચીનની સરકારે એક વિરાટ યોજના ઘડી છે. એના દ્વારા માનવ અંગોના ટ્રાન્સપ્લાન્ટને લગતા લેટેસ્ટ સંશોધનની વિગતવાર માહિતી આ સામયિક દ્વારા વિશ્વને આપવામાં આવશે. બધું ભૂલાઇ ગયું.