Get The App

અમેરિકાએ પકડયા 'ઇરાની' જાસૂસો..... .

Updated: Apr 7th, 2026

GS TEAM

Google News
Google News
અમેરિકાએ પકડયા 'ઇરાની' જાસૂસો.....                           . 1 - image

- ટોપ્સીટર્વી-અજિત પોપટ

- આ ત્રણે જણ જે તે કંપનીમાં કામ કરવાને બહાને પ્રોસેસર સિક્યોરિટી, ક્રીપ્ટોગ્રાફી અને બીજી મહત્ત્વની વિગતો ઇરાનને મોકલી રહ્યા હતા.

ઇ રાન સાથે અમેરિકા અને ઇઝરાયેલના ચાલતા યુદ્ધ વચ્ચે જાતજાતની અફવા અમેરિકા અને ઇઝરાયેલ વહેતી કરે છે. ઇરાની ધાર્મિક વડા ખોમેઇનીની હત્યા પછી ખોમેઇનીના પુત્ર મોજતબાને પણ અમે ખતમ કર્યો છે એવી ડંફાસ ડોનાલ્ડ ટ્રમ્પે મારેલી. હકીકતમાં મોજતબા ગુપ્ત માર્ગે રશિયા પહોંચી ગયા હોવાનું અને યુદ્ધમાં પોતાને થયેલી ઇજાની સારવાર લઇ રહ્યા હોવાના અહેવાલ ચીન અને રશિયન મિડિયાએ પ્રગટ કર્યા હતા.

હવે અમેરિકાએ એવો દાવો કર્યો છે કે અમારી કેન્દ્રીય ગુપ્તચર સેવા ફેડરલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશને અમારા દેશમાં ઇરાન વતી જાસૂસી કરતા જાસૂસોને ઝડપી પાડયા છે. આ લોકો અમેરિકામાં રહીને અમેરિકી સરકાર વિરુદ્ધની માનસિકતા ધરાવતા લોકોને ઉશ્કેરવાનું કામ કરતા હતા. સાથોસાથ અમેરિકી વિરોધપક્ષના નેતાઓને હાલની સરકાર વિરુદ્ધ ભડકાવતા હતા. અમેરિકામાં વસતા ઇરાની નાગરિકોને અમેરિકા વિરુદ્ધ ઉશ્કેરવાનું અને ઇરાનના હિતમાં જાસૂસી કરવાનું કામ પણ આ જાસૂસો કરતા હતા. ગૂગલ અને માઇક્રોસોફ્ટ જેવી અમારી કેટલીક મહત્ત્વની સંસ્થાઓમાં નોકરી કરવાને બહાને ક્લાસિફાઇડ માહિતી ચોરીને ઇરાન મોકલતા હતા. અમેરિકી સરકારની નીતિને અસર કરે એ રીતે લૉબિંગ કરતા હતા. અમે આવા કેટલાક જાસૂસોની ધરપકડ કરી છે. યોગાનુયોગે આવો જ દાવો ઇરાનની સરકારે પણ કર્યો હતો કે અમેરિકા અને ઇઝરાયેલને મદદ કરે એવી માહિતી દેશની બહાર મોકલતા કેટલાક જાસૂસોને અમે પકડી પાડયા છે. આવા જાસૂસ ઇરાની નાગરિકો છે જેમને મોટી રકમની લાલચ આપીને તેમની પાસે જાસૂસી કરાવાય છે.

એફબીઆઇએ એવો દાવો કર્યો હતો કે ઇરાની જાસૂસો સિલિકોન વેલીમાં પણ ઘુસ્યા છે અને સ્થાનિક આગેવાનો સાથે મળીને એ લોકો સાઇબર ભાંગફોડ કરી રહ્યા હતા. માર્ચ મહિનામાં એફબીઆઇએ ઓછામાં ઓછા ત્રણ ઇરાની સોફ્ટવેર એંજિનિયર્સની ધરપકડ કરી હતી. એમના પર એવો આક્ષેપ મૂકવામાં આવ્યો હતો કે ગૂગલ અને માઇક્રોસોફ્ટ જેવી કંપનીઓના ટ્રેડ સિક્રેટને એ લોકો દેશની બહાર (ઇરાનને એમ વાંચો) મોકલી રહ્યા હતા. જે ત્રણ કહેવાતા જાસૂસ પકડાયા એમાં બે તો સગ્ગી બહેનો છે. ૪૧ વર્ષની સામાનેહ ઘંડાલી અને ૩૨ વર્ષની સોરૂર ઘંડાલી. સામાનેહના પતિ મુહમ્મદ જાવેદ ખોસરાનીની પણ ધરપકડ કરાઇ હતી. એમના પર એવો આરોપ મુકવામાં આવ્યો કે વિશ્વવિખ્યાત કંપનીઓના ટ્રેડ સિક્રેટને એ બહાર મોકલી રહ્યા હતા. ધરપકડ કરનારી ઑથોરિટીએ જો કે એ વિશ્વવિખ્યાત કંપનીઓનાં નામ જાહેર કર્યા નહોતા. ફક્ત એટલું જાહેર કર્યું હતું કે આ ત્રણે પ્રતિષ્ઠિત કંપનીઓમાં કર્મચારી તરીકે કામ કરતાં કરતાં ઇરાન વતી જાસૂસી કરતાં હતાં.

આ બંને બહેનોના પિતા શાહબુ્દ્દીન ઘંડાલી ઇરાનમાં ટીચર્સ ઇન્વેસ્ટમેન્ટ ફંડ કોર્પોરેશનના ચીફ એક્ઝિક્યુટીવ રહી ચૂક્યા છે. તેમને ઇરાનના શાસક પક્ષના વરિષ્ઠ નેતાઓ સાથે ઘનિષ્ઠ સંબંધો છે એવો  દાવો પણ અમેરિકાએ કર્યો હતો. ૨૦૧૬માં શાહબુદ્દીનની આશરે અઢી અબજ ડૉલર જેટલી રકમની ગોલમાલ માટે ઇરાનમાં ધરપકડ થઇ હતી. જો કે શાહબુદ્દીન સામે કોઇ કાયદેસર કામ ચલાવાયું હતું કે કેમ એની અમને પાક્કી માહિતી અમને મળી નથી એવું અમેરિકી સૂત્રોએ કહ્યું હતું. જો કે શાહબુદ્દીનના કહેવાતા સાથીઓ સામે ઇરાની કાયદા હેઠળ કામ ચલાવાયું હતું અને તેમને કડક સજા કરવામાં આવી હતી. શાહબુદ્દીનની બાબતમાં એવી કોઇ કાયદેસરની કામગીરી થઇ નહોતી અથવા થઇ હોય તો જાહેર કરાયું નહોતું.

સામાનેહ અને સોરૂરને જાસૂસીની તાલીમ આ શાહબુદ્દીને અપાવી હતી.

 આ ત્રણે જણ જે તે કંપનીમાં કામ કરવાને બહાને પ્રોસેસર સિક્યોરિટી, ક્રીપ્ટોગ્રાફી અને બીજી મહત્ત્વની વિગતો ઇરાનને મોકલી રહ્યા હતા. તેમણે તફડાવેલા ડોક્યુમેન્ટસ અને બીજી સામગ્રી ટ્રેડ સિક્રેટ જેવી હતી. 

એમ તો અમેરિકામાં વસતા મૂળ ઇરાનના અને પોલિટિકલ સાયન્સના પ્રોફેસર કાવેહ આફ્રાસિયાબીની થોડાં વરસ પહેલાં કહેવાતી જાસૂસી માટે ધરપકડ કરાઇ હતી. આ અધ્યાપક હાર્વર્ડ યુનિવર્સિટીમાં ભણાવતા હતા અને ટોચના અમેરિકી નેતાઓ જોડે તેમને સારા સંબંધ હતા. પ્રોફેસરે કોર્ટમાં પોતે નિર્દોષ હોવાની અને યુનિવર્સિટીના અન્ય અધ્યાપકોએ માત્ર અદેખાઇના કારણે પોતાને ફસાવ્યા હોવાનું કહ્યું હતું. ૨૦૨૩માં બાઇડેન અમેરિકી પ્રમુખપદે હતા ત્યારે તેમણે આ અધ્યાપકની સજા માફ કરી હતી અને હાર્વર્ડ યુનિવર્સિટીને એમની સેવા ચાલુ રાખવાનો આદેશ આપ્યો હતો. જો કે આફ્રાસિયાબી સામે અગાઉ પણ આવા આક્ષેપ થયા હતા પરંતુ અકળ કારણોસર એમની સામે કાયદેસર કામ ચલાવાયું નહોતું. પ્રોફેસર આફ્રાસિયાબી અવારનવાર ન્યૂયોર્ક ટાઇમ્સમાં અભ્યાસપૂર્ણ લેખો લખે છે. એક લેખક તરીકે પણ એમની અમેરિકામાં સારી નામના છે.

સામાનેહ, સોરૂર અને સામાનેહના પતિ મુહમ્મદ જાવેદ સામે હવે કેવા પ્રકારનો કેસ ચાલશે એ આવનારો સમય કહેશે. એફબીઆઇએ પુરવાર કરવું પડશે કે આ ત્રણે ખરેખર જાસૂસ છે.