Get The App

અપવાદરૂપ લોકોને વીજળીનો શોક નથી લાગતો

Updated: Feb 3rd, 2026

GS TEAM

Google News
Google News
અપવાદરૂપ લોકોને વીજળીનો શોક નથી લાગતો 1 - image

- હરતાં ફરતાં-વિક્રમ વકીલ

દુ નિયાના દરેક વૈજ્ઞાનિક સિદ્ધાંતની જેમ વીજળીની બાબતમાં પણ કેટલાક વિસ્મયકારક અપવાદો પડયા છે. આવા અપવાદરૂપ લોકોને વીજળીનો શોક જ નથી લાગતો. અમેરિકાનો ઓસ્ટિન રિચર્ડસ નામનો યુવાન આવો જ એક અપવાદ છે. ઓસ્ટિન પાંચ વરસનો હતો ત્યારથી વીજળી સાથે રમતો આવ્યો છે. ભમરડા ફેરવવાની અને લખોટીથી રમવાની ઉમરે ઓસ્ટિન ઇલેક્ટ્રિસિટીથી રમતો હતો. બહુ નાની વયે જ એને વીજળીનો સંગાથ ગોઠી ગયો હતો. એ વારંવાર વીજળી સાથેની પોતાની દોસ્તીનું પ્રદર્શન જાહેરમાં કરે છે. છેલ્લે ઓસ્ટિને ઓગસ્ટ મહિનામાં જીવ સટોસટનો એક કરતબ દેખાડીને બધાને રાડ પડાવી દીધી હતી. એ કેલિફોર્નિયાના એક વેરહાઉસમાં બે જાયંટ કોઇલની વચ્ચે રૂઆબથી ઊભો રહી ગયો. અત્રે એ જાણી લેવું જરૂરી છે કે આવી એક જાયંટ કોઇલમાંથી ૨૦-૨૦ ફૂટ દૂર સુધી વીજળીના ઝબકારા ફેંકાતા હતા. વ્યવસાયે ભૌતિકશાસ્ત્રી ઓસ્ટિન રિચર્ડસે ધસમસતી વીજળીને ભેટવાની પોતાની રીતે તૈયારી કરી હતી. અણે ઘરે જ ગેલ્વનાઇઝડ સ્ટીલમાંથી એક સૂટ તૈયાર કર્યો અને માથા ઉપર પક્ષીનું પાંજરુ હેલ્મેટ તરીકે ગોઠવ્યું. પછી બન્ને કોઇલ વચ્ચે ઊભા રહીને એણે વીજળી પુરવઠો ચાલુ કરવાનું કહ્યું અને ઘડીના છઠ્ઠા ભાગમાં વીસ લાખ વોલ્ટ વીજળી લબકારા મારતી ઓસ્ટિનના શરીર તરફ ફેંકાઈ. છતાં ઓસ્ટિનને એની કોઈ અસર ન થઈ. ઓસ્ટિનનું એવું માનવું છે કે આવો કરતબ જો ચોકસાઇપૂર્વક કરવામાં આવે તો એ જરાય ખતરનાક પુરવાર નથી થતો.

યુદ્ધ સમયે જોખમ ટાળવા હવે જીપમાં ઍન્ટિ-સ્નિપર લેસર

યુદ્ધ ચાલતું હોય એ દિવસોમાં શત્રુપક્ષની ગતિવિધિઓ પર નજર રાખવા માટે તેમ જ હુમલો કઈ દિશાએથી થયો તે જાણવા માટે કેટલીક જીપ સતત કાર્યરત રહેતી હોય છે. આ માટે તેમણે ખૂબ મોટું જોખમ ખેડી શત્રુદળના પેંગડામાં પગ ઘાલવો પડે છે અને છતાં સરવાળે ખાસ કંઈ બાતમી ન મળે એવું પણ બને. સંરક્ષણ માટે ફરતી આ જીપમાં હવેથી ઍન્ટિ-સ્નિપર લેસર નામનું ઉપકરણ ઉપલબ્ધ રહેશે જેનાથી દસ કરતાંય વધારે કિલોમીટર સુધીના વિસ્તારની હિલચાલ પર ચાંપતી નજર રાખી શકાશે. ગોળીબાર કે હુમલો બરાબર કઈ જગ્યાએથી થયો હતો તે પણ જાણી શકાશે. શત્રુદળ તરફથી છોડવામાં આવેલી બુલેટ દ્વારા જે તરંગોનું નિર્માણ થયું હશે તે તરંગોનું વિશ્લેષણ કરી આ ઉપકરણ ગોળીબારના ઉદ્ગમસ્થાન વિશે પાક્કી માહિતી આપી શકશે.

આંગળા પહોળા કરીને વિજય તરીકેની સંજ્ઞા બતાવવાનું કયારે શરૂ થયું?

બે આંગળાને પહોળા કરીને વિજય તરીકેની સંજ્ઞા બતાવવાનું ક્યારે શરૂ થયું? બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટનના પ્રમુખ વિન્સ્ટન ચર્ચિલે પ્રથમ બે આગળાને પહોળા કરીને બીજા વિશ્વયુદ્ધની વિજય ઘોષણા માત્ર સંકેત દ્વારા કરી હતી તે પછી ઘણી વખત શાંતિના ચિહ્ન તરીકે પણ 'વી'ની નિશાની કરાય છે. હવે તો વિદ્યાર્થીઓ, ખેલાડીઓ, બળવાખોરો, દાણચોરો વગેરે તમામ જીતની નિશાની આ પ્રકારે બતાવે છે. રમૂજની વાત એ છે કે અસલમાં ઇંગ્લેન્ડમાં બે આંગળા પહોળા કરીને બતાવતા તે અશ્લીલ ચેષ્ટા ગણાય છે. ચર્ચિલે 'વી'ની નિશાનીને સામે હથેળી બતાવીને વિજય તરીકે ઘોષિત કરી તે સારું થયું. કારણ કે ઇંગ્લેન્ડમાં કોઈ માણસ તમારી સામે બે આંગળા પહોળા કરીને હથેળી પોતાની તરફ રાખે તો તે ગાળ ગણાય છે! આરબ દેશોમાં બે આંગળા પહોળા કરવા તે પણ અશ્લીલ ગણાય છે છતાં આધુનિક આરબો ક્રિકેટ મચમાં પાકિસ્તાન જીતી જાય ત્યારે બે આંગળા પહોળા કરીને 'વી'ની સંજ્ઞા બતાવે છે. 'વી'ની નિશાની કરીને પાકેપાકી ગાળ દેવી હોય તો બે આંગળાની વચ્ચે નાક ભરાવીને હારેલા માણસને શરમિંદો કરાય છે.

શ્રદ્ધા કે અંધશ્રધ્ધા ?

ઈશ્વર પરની શ્રદ્ધા સારી બાબત છે, પણ શ્રદ્ધામાં જ્યારે ભ્રમણા ભળે ત્યારે એ કોઈકવાર ખતરનાક પુરવાર થતી હોય છે. આવો જ એક કિસ્સો અર્કાન્સાસ સિટીમાં બન્યો. જેમાં એક મહિલાએ ભ્રમણાથી પ્રેરાઇને પોતાનો જીવ ગુમાવ્યો. આ વિચિત્ર બનાવનું વર્ણન કરતા ઍવરેટ વિલિયમ્સ નામના ગૃહસ્થ કહે છે કે, 'અમે એ ગોઝારા દિવસે કારમાં જઈ રહ્યા હતા ત્યારે અમે ઇશુ ખ્રિસ્તને રોડની કોરે ચાલ્યા જતા જોયા. એમની સાથે જ ૧૨ જણ હવામાં ઊડી રહ્યાનો અમને ભાસ થયો. મને અને મારી પત્ની જ્યોરગનને થયું કે ઈશુ પૃથ્વી પર પાછા ફર્યા છે. જ્યોરગનને તો ત્યાં સુધીની ખાતરી થઈ ગઈ કે ઇશુ એને ઊંચકીને આકાશમાં લઈ જશે. હજુ તો હું એને રોકુ એ પહેલા જ્યોરગન 'ટેક મી લૉર્ડ.' (ઈશ્વર મને તમારી પાસે બોલાવી લો) કહેતી કારના છાપરા પર ચડી ગઈ અને ત્યાંથી નીચે ભૂસકો માર્યો. બરાબર એ જ વખતે પાછળથી ધસમસતી આવતી કાર એના પર ફરી વળી. પોલીસ ઓફિસર પોલ મેડીસન આ બનાવ પાછળની કરૂણાંતિકા સમજાવતા કહે છે કે, ''આ એક મિસ્ટેક આઇન્ડિરિટીનો કેસ છે. એર્ની જેનકિન્સ નામના સજ્જન ઇશુનો વેશ સજીને એક ટોગા પાર્ટીમાં જઈ રહ્યા હતા. એ વખતે એમની ટ્રકમાં બાર હેલિયમ ભરેલી પુરા કદની સેક્સ ડોલ્સ હતી. અચાનક ડોલ્સને ઓઢાડેલી તાડપત્રીની ગાંઠ ઢીલી થતા એ ડોલ્સ હવામાં ઉડવા લાગી હતી. એટલે જેનકિન્સ એમને પકડવા દોડયા. એ વખતે ત્યાંથી પસાર થતા જ્યોરગન અને ઍવરેટે ઇશુ જેવા લાગતા એક માનવીને હવામાં હાથ ઊંચા કરી દોડતો જોયો. એમને થયું કે એમના ભગવાને ફરી પૃથ્વી ઉપર અવતાર લીધો છે. એટલે જ્યોરગન હર્ષઘેલી બનીને કારમાંથી કૂદી અને મૃત્યુને ભેટી.

કઈ ગિલ્ટનો ખટકો પીકાસોને જીવનભર રહ્યો?

જગવિખ્યાત ચિત્રકાર પાબલો પિકાસોના બચપણની આ વાત છે. તેર વર્ષની વયે પિકાસોને ચિત્રકામનો ખૂબ શોખ હતો. તેની રંગ અને પીછીને કોઈ અડકે તો કિશોર વયનો પાબલો ધમાલ કરી મૂકતો. એ સમયે તેની સાત વર્ષની બહેન કોન્ચીટા સખત બીમાર પડી. ડૉક્ટરોની આવનજાવન પછી તેમનાં નિરાશ ચહેરા જોઈને બાળક-ચિત્રકાર પિકાસોને લાગ્યું કે તેની બહેન મરી જવાની છે. પિકાસોને તે ખૂબ વહાલી હતી. કોન્ચીટાને ખબર ન પડે કે તેની સ્થિતિ ગંભીર છે તે માટે તેની આજુબાજુ ખુશીનું વાતાવરણ ખડું કરાયું. પણ કોન્ચીટા તો ડૂબતી જતી હતી. એ સમયે બાળક પિકાસોએ ઈશ્વરને યાદ કરીને કહ્યું, ''હે ભગવાન, તું મારી બહેનને ઉગારી લે. હું મારી વહાલામાં વહાલી ચિત્રકામની પીંછી છોડી દઈશ.'' પરંતુ એ પછી પિકાસોનો ચિત્રકાર-જીવ અકળાયો. ચિત્રકામ વગર તે પોતે કેમ જીવશે તેના વિચારો આવવા લાગ્યા. અ સમયે આ બાળચિત્રકારના મગજમાં સ્વાર્થી વિચાર આવ્યો કે કોન્ચીટા મરે તો જ તેની ચિત્રકળા બચી જાય. કોન્ચીટા જીવી જાય તો પોતાને પીંછી અને રંગ હંમેશ માટે છોડી દેવા પડે. બહેન મરી ગઈ પણ પિકાસોને જિંદગીભર પોતે વિચારોમાં કરેલો ગુનો ખટક્યા કર્યો. પોતાના સ્વાર્થ માટે એણે બહેન મરવાની વાંછના કરી તે વાત એને સતત ખટક્યા કરી. મોટી વયે તેણે ક્યાંક લખ્યું પણ ખરું કે, 'દરેક સર્જનાત્મક બળ પાછળ વિનાશ રહ્યો છે. વિનાશમાંથી જ નવું સર્જન થાય છે.'