Get The App

હું એને આસાનીથી છોડવાની નથી! .

Updated: Feb 24th, 2026

GS TEAM

Google News
Google News
હું એને આસાનીથી છોડવાની નથી!                                        . 1 - image

- રજનીગંધા-વિભાવરી વર્મા

- એણે આ બ્લેક મેઇલિંગનો નવો બિઝનેસ ચાલુ કર્યો છે ! અને ખંડણી તરીકે પૈસા નહીં, પણ સેક્સની માગણી કરે છે ! 

લે, આશનાનો જ ફોન છે ! તું વાત કર... યામિની બે ક્ષણ માટે અટકી ગઈ. આશના એટલે એના પતિ શૌનકની એક્સ... યાને કે લગ્ન પહેલાંની પ્રેમિકા !

માત્ર પ્રેમિકા જ નહીં, એ બન્ને જણાં ગાઢ રીલેશનશીપમાં હતાં. યામિની અને શૌનકે એકબીજા સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું ત્યારે શૌનકે પુરી નિખાલસતાથી આશના વિશે બધી જ વાતો કરી હતી.

પરંતુ શૌનકે સાથે સાથે એ પણ કહ્યું હતું કે આશના સાથેના તમામ સંબંધો એ તોડી ચૂક્યો છે અને હવે ભૂંસાઈ ચૂકેલા ભૂતકાળની એકપણ લકીરને ફરી ચીતરવા નથી માગતો.

આ બાજુ યામિનીની સ્ટોરી પણ લગભગ સરખી હતી, તેને તેના પ્રેમી તિમિરે દગો દીધો હતો. યામિની પણ સળગીને રાખ થઇ ચૂકેલા એ સંબંધને પગે તળે કચડીને શૌનક સાથે નવી જિંદગી શરૂ કરવા માગતી હતી.

પણ છેલ્લા બે મહિનાથી શૌનક ઉપર આશનાના સતત ફોન આવી રહ્યા હતા. આજે શૌનકે સામે ચાલીને જ ફોન પકડાવી દીધો !

યામિની શું બોલે ?

છતાં એણે ધીમા અવાજે 'હલો' કહ્યું કે તરત સામેથી આશનાએ તીર છોડયું : 'અચ્છા'! તો શૌનકે સીધી એની પત્નીને જ ખો આપી દીધી ! એમ ?

'તમને -' યામિની થોથવાઈ 'આઈ મિન, તને શું જોઇએ છે ? તારો અને શૌનકનો સંબંધ પુરો થઇ ગયો છે. છતાં -'

'છતાં ઘણા હિસાબો હજી બાકી છે ! જો શૌનક એમ સમજતો હોય કે તે અચાનક ભૂતની માફક મારી જિંદગીમાંથી ગાયબ થઇ જશે, તો એ એની ભૂલ છે ! હું એને આટલી આસાનીથી છોડવાની નથી !'

'એટલે ? તું કહેવા શું માગે છે ?'

'પેલી કહેવત છે ને, અ પિકચર ઇઝ વર્થ થાઉઝન્ડ વર્ડઝ... એક દ્રશ્ય હજાર શબ્દોનું કામ કરી શકે છે ? તો એવાં દસ બાર દ્રશ્યો, યાને કે દસ બાર ફોટા મેં હમણાં જ ફોનમાં મોકલ્યા છે ! એ જરા જોઇ લે ! પછી તને સમજાઈ જશે કે હું કહેવા શું માગું છું...'

યામિનીએ ધુ્રજતા હાથે શૌનકના ફોનમાં ફોટા ખોલીને જોયા.. જોતાં જ એના ધબકારા વધી ગયા ! કેમ કે એમાં આશનાએ પોતાના શૌનક સાથેના એવા એવા ફોટા મોકલ્યા હતા જેમાં બન્નેનાં શરીર ઉપર એકપણ વસ્ત્રો નહોતાં ! અને -

યામિની તમામ ફોટા જોઈ પણ ના શકી. તેણે ધૂ્રજતા અવાજે પૂછ્યું 'આ - આ બધું શું છે ?'

'બાકી રહેલો હિસાબ છે !' આશનાના શબ્દો તીરની માફક આવી રહ્યા હતા. 'શૌનક ભલે તારો હસબન્ડ રહ્યો, રાખ તેને તારી પાસે! પણ એણે મારી પાસે પણ આવતા જ રહેવું પડશે...નહિતર-'

'નહિતર શું ?'

'વેરી સિમ્પલ...' આશના હસી રહી હતી. 'આ બધા ફોટા હું વાયરલ કરી દઈશ ! પછી જોઉં છું સમાજમાં તારી શી ઇજ્જત રહે છે ?'

યામિની હચમચી ગઇ. તેણે ફોન કટ કરી નાંખ્યો.

શૈનકે પૂછ્યું 'શું કહે છે આશના?'

યામિની પાસે કોઈ જવાબ નહોતો. આ તો રીતસરની ધમકી હતી. કોઈ સ્ત્રી આટલી હદે બેશરમ અને નફ્ફટ હોઈ શકે? યામિનીની કલ્પના બહારની વાત હતી.

શૈનકે તેના ખભે હાથ મુકતાં કહ્યું 'પ્લીઝ, તારાં ઇમોશન્સને કંટ્રોલ કર... આનો કોઈ ઉપાય તો જરૂર હશે.'

શૈનક ઓફિસે જતો રહ્યો. આ બાજુ યામિનીની આખી બપોર બેચેનીમાં વીતી.

છેવટે તેણે મન મક્કમ કરીને એક નિર્ણય કર્યો. અને આશનાને ફોન લગાડયો. સામેથી 'હલો' સંભળાયું કે તરત યામિની બોલી :

'ઓકે. કરી દે એ ફોટા વાયરલ'

'હેં ?'

'તેં સાંભળ્યું નહીં ? મેં કહ્યું કે કરી દે એ ફોટા વાયરલ !'

'હું ખરેખર કરી દઈશ હોં ? પછી વિચારી લેજે, તારી કેટલી ઇજ્જત રહેશે...'

'કેમ ? આ દુનિયામાં ફક્ત મારી જ ઇજ્જત છે ? આશના, તારી કોઈ ઇજ્જત જ નથી ?'

'તું કહેવા શું માગે છે ?'

'એ જ કે સેઇમ ફોટા હું પણ વાયરલ કરીશ ! અને લખીશ, કે જુઓ આ નફ્ફટ બેશરમ ઔરત ! એણે આ બ્લેક મેઇલિંગનો નવો બિઝનેસ ચાલુ કર્યો છે ! અને ખંડણી તરીકે પૈસા નહીં, પણ સેક્સની 

માગણી કરે છે ! પરંતુ મારા પતિ કેટલું પહોંચી વળશે ? એટલે, બીજા કોઈ પુરુષો આ બિચારી આશના નામની સ્ત્રીને મદદ કરવા માગતા હોય તો એનો કોન્ટેક્ટ નંબર આ છે !'

'એએય ! એક મિનિટ !!' આશના ભડકી ઊઠી. 'તું મને શું સમજે છે ?'

'એ જ, જે તું તારી જાતને ચીતરી રહી છે !' યામિનીએ હવે સામાં તીર છોડવાનાં શરૂ કર્યા 'તને શું લાગે છે, આવા ફોટાની ધમકી આપીને તું તારું ધાર્યું કરાવી લઈશ ? અરે, હું જ આ ફોટા સાયબર પોલીસને મોકલીને ફરિયાદ કરીશ ! અને સાંભળ ફરિયાદ તો હું પછી કરીશ પહેલાં તો હું જ તારાં મા-બાપ, તારાં સગાંવ્હાલાં, તારાં ઓળખીતાં પાળખીતાં અને તારા સોશિયલ મિડીયાના કહેવાતા 'ફ્રેન્ડઝ'ને પણ આ સેન્ડ કરીશ ! અને હા, એક વાત યાદ રાખજે આશના, કે હું એક 'પત્ની' છું અને પત્ની જ રહીશ ! જ્યારે તું એક 'વો' છે અને તારી સમાજમા 'વો' જેટલી જ ઇજ્જત છે ! સમજી ?'

સામા છેડે સન્નાટો છવાઇ ગયો. થોડીવાર પછી ફોન કટ પણ થઇ ગયો ! સાંજે મોડેથી જ્યારે શૌનક ઘરે આવ્યો ત્યારે યામિનીએ તેને બધી વાત કરી. એટલું જ નહીં, આખા કોલનું તેણે જે રેકોર્ડિંગ કરી લીધું હતું તે પણ સંભળાવ્યું !

શૌનક ખુશ થઇ ગયો. તેણે યામિનીનો ખભો થાબડતાં કહ્યું 'મને ખાતરી હતી કે તું એને આવો જ જડબાતોડ જવાબ આપીશ ! હવે મને નથી લાગતું કે આશના ફરી આવી ધમકી આપવાની હિંમત કરે.'

'યુ આર રાઇટ !' યામિની શૌનકનેે વળગી પડી. પછી કહ્યું 'અરે હા, કાલે તારે એક વીક માટે બેંગ્લોર જવાનું છે ને ? ચાલ, હું તારી બેગ પેક કરી આપું છું..'

'અને બેંગ્લોરમાં ક્યાંક પેલી આશના મને ભિટકાઈ ગઇ તો ?' શૌનકે હસતાં હસતાં પૂછ્યું.

યામિની હસી પડી 'અરે, હિંમત છે એની ?'

બસ, એ રાત્રે જ્યારે યામિની આનંદ અને શરીર સુખની ચરમસીમા પછી ઘસઘસાટ ઊંઘી રહી હતી ત્યારે પથારીમાંથી ઊભા થઇને શૌનક આશનાને મેસેજ કરી રહ્યો હતો :

'હોટલ ગ્રીન-ટૉપ, રૂમ નંબર ૨૦૦૯.'