- હરતાં ફરતાં-વિક્રમ વકીલ
પે સિફિક બેલ નામની ખાનગી કંપનીમાં ટપાલીનું કામ કરતા એક રોબોએ ઓફિસની એક મહિલાને હેરાનપરેશાન કરી નાખી. પામેલા બેકમેન નામની અ મહિલા કર્મચારી ઓફિસમાં ટપાલો ભેગી કરી રહી હતી ત્યારે એકાએક યંત્રમાનવ વીફર્યો. ૫૦૦ રતલ વજન ધરાવતો એ યંત્રમાનવ એકાએક પામેલા તરફ ધસી આવ્યો. પામેલાએ યંત્ર માનવની સ્વિચ બંધ કરીને તેને ટાઢો પાડવાની કોશિશ કરી તેમાં તો તે ઓર ભડક્યો. તેણે વધુ આક્રમક બનીને પામેલા પર હલ્લો કર્યો. પામેલા પાછળ હટી, પરંતુ પાછળ ફાઇલો રાખવાનું સ્ટેન્ડ હતું. યંત્રમાનવે પામેલાને સ્ટેન્ડસરસી ચાપીને ધક્કા માર્યા. પરિણામે પામેલાને ખભા, હાથ અને જમણા પગના અંગૂઠા પર ઇજાઓ થઈ. આ ઘટના બની તેના બીજા જ દિવસે પામેલા એ ઓફિસ છોડીને જતી રહેવાની હતી. એ ઓફિસમાં તેની નોકરીનો એ છેલ્લો દિવસ હતો ત્યારે આવું બન્યું.
અમેરિકામાં ત્રણ ટાઇમ ઝોન છે!
અમેરિકામાં ૩ ટાઇમ ઝોન છે અને રશિયામાં ૧૧ ટાઇમ ઝોન છે, ઇંગ્લેંડ ઋતુ પ્રમાણે ઘડિયાળ એક એક કલાક આગળ પાછળ કરે છે. 'ડેલાઇટ સેવિંગ ટાઇમ' એટલે સૂર્યોદય પ્રમાણે સ્થાનિક સ્ટાન્ડર્ડ ટાઇમને એક કલાક આગળપાછળ કરવો આને લીધે દિવસના પ્રકાશનો એક કલાક વધે છે અને સાંજે સૂર્યપ્રકાશનો લાભ મળે છે. ૧૮મી સદીમાં બેન્જામીન ફ્રેંકલીને આ વિચાર મૂક્યો હતો, પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન આ વિષે કાયદો પસાર કરવામાં આવ્યો હતો. ૧૯૧૫માં જર્મનીએ પ્રથમ આ કાનૂન પસાર કર્યો, ૧૯૧૬માં ઇંગ્લેંડ અને ૧૯૧૮માં અમેરિકામાં સમયઅંકુશ આવ્યા. હિંદુસ્તાનમાં ગુજરાતમાં સવારના સાડા પાંચનું અજવાળું હોય છે ત્યારે નાગાલેન્ડના કોહીમામાં સવારના સાડા આઠ જેટલો પ્રકાશ હોય છે!
યુવાનને બિલાડીએ કરોડપતિ બનાવ્યો
ઍડ લોવે નામનો યુવાન ૧૯૪૭માં મીશીગનમાં ઇન્ડસ્ટ્રીયલ ઍબ્સોર્બન્ટ (પ્રવાહી શોષી લે તેવા પદાર્થો)નો ધંધો કરતો હતો. એક દિવસ એમની પડોશણ એમને ત્યાં આવીને કહે કે હુ બધાની માફક મારી બિલાડીને રાખ પર કુદરતી હાજતે બેસાડું છું, પણ તેનાથી ઘર અને ટાઇલ્સ ખૂબ ગંદા થાય છે, તો મને થોડી રેતી આપશો? ઍડ લોવેએ કહ્યું કે રેતીને બદલે માટી વાપરો. અને પડોશણને તે આઇડિયા ગમી ગયો. માટી વધારે અનુકૂળ પડતી હતી. એ જાઇને ઍડ લોવેએ પોતે જ 'કીટી લીટ્ટર' નામના માટીના પેકેટ બજારમાં મૂક્યાં. અનેક વેપારીઓએ દલીલ કરી કે લોકોને મફતમાં રેતી કે રાખ મળતી હોય તો ૬૫ સેન્ટમાં કોઈ માટી શા માટે ખરીદે ? પણ ઍડ લોવે નિરાશ ન થયો. માટીની અનુકૂળતાની વાત ફેલાતી ગઈ તેમ એનો ધંધો વિકસ્યો. અડ લોવેની કંપની વરસના ૨૧ કરોડ ડોલરનો ધંધો કરતી હતી. બીજા યુવાન સાહસિકોને ધંધો કરવાની પ્રેરણા મળે તે માટે ઍડ લોવેઅ અક ફાઉન્ડેશનની પણ સ્થાપના કરી છે.
સુગંધવાળાં શાકભાજી
બાળકો શાકભાજી નથી ખાતાં તેવી ફરિયાદ વિશ્વવ્યાપી છે. લંડનમાં બાળકોને શાકભાજી ખાતા કરવા માટે અહીંની આઇસલેન્ડ કંપનીએ ચોકલેટની સુગંધવાળાં ગાજર અને બેક્ડ બીન્સ બજારમાં મૂક્યાં હતાં. બાળકોએ સુગંધી શાકભાજીને તરત પસંદ કરી લીધાં પણ તેની કિંમત માતાપિતાના ગજવાને પરવડી નહીં અટલે આ યોજના નિષ્ફળ ગઈ.
સ્ત્રીને વાંકે બાઇકને 'ડામ'
સિંગાપુરના સ્ટીવન નિયોને છેલ્લા થોડા સમયથી રોજ રાત્રે એક ભયાનક સપનું આવતું હતું કે તે આગળ આગળ દોડી રહ્યા છે અને એક મોટરસાઇકલ તેનો પીછો કરી રહી છે. આ સપનાથી સ્ટીવન એટલો બધો કંટાળી ગયો કે છેવટે તેણે બીજાઓને આ ત્રાસજનક સપના વિશે વાત કરી. છેવટે બધાને ખબર પડી કે આ ભાઇ પોતે જ અત્યાર સુધીમાં કુલ ૧૯૪ મોટરસાઇકલને બાળી ચૂક્યા છે. મોટરસાઇકલ પર સ્ટીવનને એટલી બધી દાઝ છે કે જરાક મોકો મળે કે તરત જ તે મોટરસાઇકલ બાળી નાખે છે. આવું કેમ? એ વિશે સ્ટીવનના વકીલે કોર્ટમાં ખુલાસો કર્યો કે સ્ટીવનની સ્ત્રી મિત્રે તેની પાસે એવી માગણી કરેલી કે તું મોટરસાઇકલ વસાવી લે તો કંઈક
મજા આવે. પણ ગરીબ સ્ટીવન મોટરસાઇકલ ન વસાવી શક્યો. ધીમે ધીમે સ્ત્રીમિત્ર તેનાથી દૂર થતી ચાલી. એક દિવસ સ્ટીવને તેની સખીને કોઈ બીજા પુરુષ સાથે બાઇક પર ફરતી જોઇ અને સ્ટીવનનું ફટક્યું. તેના મનમાં એવી ગાંઠ બંધાઈ ગઈ કે મોટરસાઇકલ જ તેની કમનસીબીની જડ છે. એવામાં વળી એક દિવસ સ્ટીવનના મગજમાં કોઈ અજાણ્યા પુરુષનો અવાજ સંભળાયો કે 'દોસ્ત, તું બીજાઓની બાઇક સળગાવવાનું શરૂ કરી દે.' બસ, ત્યારથી સ્ટીવને બાઇક બાળો ઝુંબેશ શરૂ કરી દીધી. સ્ટીવનનું કહેવું છે કે કોઈની બાઇક સળગાવી દીધા બાદ તેને ખૂબ જ રાહત અને સંતોષની લાગણી થાય છે!


