- હરતાં ફરતાં-વિક્રમ વકીલ
બ્ર હ્માંડ વિસ્તરી રહ્યું છે એવું કહેનાર વિજ્ઞાની આલ્બર્ટ આઇન્સ્ટાઇનની થિયરીને મજબૂત ટેકો મળી રહ્યો છે. અક નહીં, બબ્બે અભ્યાસોમાં એવું પ્રતિપાદિત થયું છે કે બ્રહ્માંડમાં ચોતરફ એવું એક પરિબળ છે જે ગુરુત્વાકર્ષણ બળના વિરોધમાં કાર્યરત છે. અને તેને કારણે બ્રહ્માંડ જાણે બધી જ બાજુથી ખેંચાઈ રહ્યું છે. આ વિષય પર સંશોધન કરી રહેલા વિજ્ઞાની સોલ પર્લમટર ફોડ પાડતાં કહે છે કે અવકાશમાં એવું એક પરિબળ કામ કરી રહ્યું છે જે અવકાશમાંની પ્રત્યેક વસ્તુઓને એકબીજીથી દૂર ખેંચવાની કોશિશ કરી રહ્યું હોય તેવું લાગે. વિજ્ઞાનીઓને ચિંતા એ વાતની છે કે જો બ્રહ્માંડ બધી તરફથી ખેંચાઈ રહ્યું હશે તો એ તો હંમેશાં વિસ્તરતું જ રહેશે અને જો ખરેખર એવું થઈ રહ્યું હોય તો તેનો અર્થ અ થાય કે વહેલું મોડું આખુ બ્રહ્માંડ વિખેરાઈ જશે અને તારાઓ અકબીજાથી અનંત અંતરે દૂર છટકી જશે. પછી બ્રહ્માંડમાં રહી જશે માત્ર બર્ફીલી નિ:સ્તબ્ધતા. વિજ્ઞાનીઓ પણ એવી આશા રાખી રહ્યું છે કે આ થિયરી ખોટી પડે તો સારું.
મીઠા વિશેની ચિત્ર-વિચિત્ર માન્યતા
મીઠા વિષે અનેક વહેમો અને માન્યતાઓ છે. મેસોપોટિમિયાના લોકો માનતા કે ઉંદરડીને સંભોગ કરાવવાની જરૂર નથી. ઉંદરડી માત્ર મીઠું ચાટે એટલે ગર્ભવતી થઈ જતી! જોકે પશ્ચિમના ડૉ. જે. લોયેબે શોધી કાઢયું છે કે સમુદ્રમાં રખડતા અમુક જંતુને ફળદ્રુપ કરવા માટે મીઠાનાં દ્રાવણના એક બે ટીપાની જરૂર પડે છે. આ માન્યતાને કારણે કુંવારી છોકરીઓ સમુદ્રમાં સ્નાન કરવા જતા ડરતી. જર્મનીના હોલસ્ટાટની મીઠાની ખાણો ઉપર સ્વસ્તિકનું ચિહ્ન રહેતું. ખાણો ઉપરના આ ચિહ્ને હિટલરે અપનાવી લીધું. મીઠાની ખાણ ઉપર સ્વસ્તિકનું ચિહ્ન લગાવાતું કારણ કે મીઠાની ખાણને પવિત્ર ગણવામાં આવતી. 'મીઠું' ઢોળાઈ તેને યુરોપમાં પણ અપશુકન માનવામાં આવે છે. એટલે જ આ અપશુકનને ટાળવા માટે મીઠું ઢોળાઈ જાય ત્યારે માણસના જમણા ખભા ઉપરથી મીઠું ઉતારીને ફેંકી દેવામાં આવે છે. સ્કોટિશ લોકો બાળક જન્મે ત્યારે માતાની ગાંઠે મીઠાની પોટલી રાખે છે જેથી ભૂતપલિત ભાગી જાય. આરબ લોકો બહુ માથું દુ:ખે તેને 'સોડા' કહે છે. તેના ઇલાજ તરીકે આરબ લોકો ધોવાનો સોડા કે ખાવાનો સોડા પાણીમાં નાખીને પીતા હતા.
ઓવરવેઇટ નહીં સૂપરસાઈઝ કહો
પતલી સોટા જેવી કાયા ધરાવવાના વળગણથી પીડાતા અને તે માટે હંમેશાં ડાયેટિંગ કરતા અમેરિકનોના દેશમાં મોટિયાઓ પણ ગાંજ્યા જાય તેવા નથી. ડાયાન ઇલિક નામની છોકરીએ ૨૦ વર્ષથી ઉપરના અને ૨૦ સ્ટોનથી વધુ વજન ધરાવતા ઓવરવેઇટ સ્ત્રી-પુરુષો માટે ડિસ્કો-ક્લબ ખોલી છે. નામ પણ એવું જ રાખ્યું છે : વેલ રાઉન્ડેડ ક્લબ (ગોળમટોળ લોકોની કલબ). ર્હોડ આઇલેન્ડના ક્રેન્સ્ટન શહેરમાં શરૂ થયેલી આ કલબને એટલી સફળતા મળી કે બાજુના કનેક્ટિક્ટમાં બીજી કલબ ખોલવી પડી. જોતજોતાંમાં અમેરિકામાં તેનો ચેપ ફેલાઈ ગયો. જ્યાં ગુજરાતીઓ પણ વસે છે તે ન્યુ જર્સીમાં લાર્જ અન્કાઉન્ટર્સ નામનું ગ્રુપ ઊભું થયું છે તેમાં ત્રણસો જેટલી સ્ત્રીઓનું વજન ૨૦ સ્ટોનથી ૩૫ સ્ટોન સુધીનું છે. થોડા સમયમાં આ ગ્રુપ જાડી સ્ત્રીઓને કામણગારી બનાવે તેવાં ઉપવસ્ત્રોની સ્પર્ધા યોજશે. જાડી બહેનો નોર્મલ ક્લબોમાં ભાગ લઈ શકતી નથી ત્યાં પતલા માણસોની વચ્ચે તેને એવું લાગે છે કે પોતે બીજા કરતાં વધુ જગ્યા રોકે છે.
ઍક્સરેની શોધ નિષ્ફળ વૈજ્ઞાનિક રોન્ટજને કરી હતી
પોતાની લગભગ નિષ્ફળ જેવી વૈજ્ઞાનિક કારકિર્દીને આરે ઊભેલા પચાસ વર્ષના ભૌતિકશાસ્ત્રી વિલ્હેમ રોન્ટજને ૧૯મી સદીની સૌથી મહાન શોધ કરી હતી. એ શોધ ઍક્સ-રેની હતી. શૂન્યાવકાશમાંના ઇલેક્ટ્રોન્સ ગ્લાસમાંના ઍટમ્સ સાથે અથડાય ત્યારે ક્ષ-કિરણો પેદા થતાં હતાં. શરીરની આરપાર નીકળી જતા આ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનની શોધ સંશોધનોના ઇતિહાસમાં સૌથી મહત્ત્વની શોધ બની રહી. ઍક્સ-રેની શોધ સાથે રોન્ટજન ટૂંક સમયમાં જ વિશ્વભરમાં પ્રસિદ્ધ થઈ ગયા. ૧૯૦૧માં તેમને ભૌતિકશાસ્ત્ર માટેનું નોબલ પારિતોષિક મળ્યું, અને ઍ પછી ઍક્સ-રેને કેન્દ્રમાં રાખીને થયેલી અનેક આનુષંગિક શોધોને નોબેલ પારિતોષિકો મળ્યાં છે.
જિનેટિક્સ તેમ જ પાર્ટિકલ ફિઝિક્સના ક્ષેત્રમાં પણ ઍક્સ-રેની મદદ વડે ઘણાં મહત્ત્વપૂર્ણ સંશોધનો શક્ય બન્યાં છે. આજે એક સદી બાદ આધુનિક તબીબીક્ષેત્રે રોગના નિદાન માટે ઍક્સ-રેનું પ્રદાન અને મહત્ત્વ વધ્યાં છે. અગાઉ ઍક્સ-રેનો ઉપયોગ શરીરનાં ભાંગ્યાંતૂટયાં હાડકાંની ભાળ મેળવવા થતો હતો. આજે સ્મરણશક્તિનો અભ્યાસ કરવાથી માંડીને નશીલી દવાના વળગણના કારણે મગજ અને શરીર પરની તેની અસર માપવાનાં સંશોધનો પણ ઍક્સ-રે થકી થઈ રહ્નાં છે.
બ્રિટિશ સરકાર અને મહિલા જાસૂસો
અમેરિકાની સી.આઇ.એ., રશિયાની કે.જી.બી., ઇઝરાયલની મોસાદ, ઇંગ્લેન્ડની એમ.આઇ. ફાઇવ કે ચીન, પાકિસ્તાન સહિત દુનિયાના તમામ દેશોની જાસૂસી સંસ્થાઓ સ્ત્રીજાસૂસોનો ઉપયોગ કરતી આવી છે અને કરી રહી છે. બ્રિટનનાં અને દુનિયાનાં અખબારો એમ માનતાં આવ્યાં છે કે સ્ત્રીજાસૂસે ફક્ત કામવાસના જગાવીને પુરુષને ફસાવવાનો હોય છે. એ સિવાયનું બુદ્ધિ માગી લે તેવું કામ સ્ત્રીજાસૂસે કરવાનું રહેતું નથી. જેની જાસૂસી કરવાની હોય એવા પુરુષને આ રીતે કામવાસનાની જાળમાં ફસાવતી મહિલા જાસૂસો હનીટ્રેપ તરીકે ઓળખાય છે. બ્રિટનનો જાસૂસી વિભાગ એમ.આઇ. (મિલિટરી ઇન્ટેલિજન્સ) ફાઇવ તરીકે ઓળખાય છે. તેમા ડી-ફોર (ચાર) નામનો એક ખાસ વિભાગ છે. તેની યાદી પર અનેક વેશ્યાનાં નામો રજિસ્ટર્ડ થયેલાં છે. આ વેશ્યાઓ બ્રિટિશ સરકાર વતી દુશ્મનના માણસો સાથે સૂવા તૈયાર થાય છે, બદલામાં તેઓ વી.આઇ.પી. ટ્રીટમેન્ટ ઉપરાંત કંઈકેટલીય સગવડતાઓ મેળવે છે, પણ એમ-૧૫માં કામ કરતી તમામ સ્ત્રીઓ હનીટ્રેપ નથી હોતી.


