Get The App

નવ વરસની 'નજરકેદ' .

Updated: Feb 17th, 2026

GS TEAM

Google News
Google News
નવ વરસની 'નજરકેદ'                                  . 1 - image

- રજનીગંધા-વિભાવરી વર્મા

- 'ચાર્જની ચિંતા ના કરો, મોટાભાઈ મમ્મીની લાઇફ સેટ થઇ જવી જોઇએ.'

'આ ખરે છૂટયાં વિમલામાસી...' ૭૭ વરસનાં વિમલાબેનના પતિ હરિશંકરની સ્મશાનયાત્રા અને બેસણામાં આવનારા મોટેભાગના લોકો આવું જ બોલતા હતા.

'નવ નવ વરસ લગી પતિની સેવા કરી... એ પણ એકલે હાથે... એક શબ્દની યે ફરિયાદ કર્યા વિના.. પણ હવે છૂટયાં બિચારાં...'

હા, હરિશંકર દાદા છેલ્લા નવ વરસથી પેરેલાઇઝડ હતા. એમનો એક દિકરો કેનેડામાં અને બીજો અમેરિકામાં સેટલ થઇ ગયેલો. ત્યાંથી એ લોકો વરસમાં એકાદ વાર આવે પણ ખરા. દવા માટે પૈસા મોકલવામાં પણ કદી કસર રાખી નહોતી. પણ -

પણ દાદાની સારસંભાળ તો વિમલાદાદીએ જ કરવાની ને ? રોજ એમને પથારીમાંથી બેઠા કરવાના, એમનાં ઝાડો પેશાબ સંઘરેલાં ડાઈપરો બદલવાનાં, એમને નવડાવવાના, પીઠ ઉપર ભાંઠા ના પડી જાય તેના માટે એન્ટી સેપ્ટીક પાવડર લગાડવાનો, કપડાં બદલાવીને વ્હીલચેરમાં બેસાડીને ઘરના ઓટલે લાવવાના, મોટા અવાજે છાપાંના સમાચારો વાંચી સંભળાવવાના, ચા-નાસ્તો કરાવવાનો, એ પણ ચમચી-ચમચી વડે.. ભલે ને એમાં એક કલાક થઇ જાય ? શરૂ શરૂમાં તો હરિદાદા થોડો હોંકારો પણ ભરતા, ચહેરા ઉપર ક્યારેક ત્રાંસું સ્માઇલ પણ આવી જતું. પણ પછી ધીમે ધીમે શરીર જડ થતું ચાલ્યું. ક્યારેક લાગતું કે વિમલા કાકી માત્ર એક પૂતળાની સેવા કરી રહ્યાં છે.

જો એવું જ હોત તો પણ સારું હતું પરંતુ છેલ્લાં ત્રણેક વરસથી પૂતળું બેકાબૂ બનતું જતું હતું. હરિદાદા સતત જીદ કરે. ઝટ પથારીમાંથી બેઠા ન થાય, જમતી વખતે દાંત વડે ચમચીને દબાવી રાખે, વારંવાર ચીસો એન ચીચીયારીઓ પાડે, હડસેલો મારીને ભોજનની થાળી ગબડાવી પાડે, અડધી રાત્રે ઊંઘ ઊડી જાય તો જાતજાતના ઉધામા કરે... ઉપરથી મગજને શાંત કરવાની ગોળીઓ પણ ધરાર ગળેથી નીચે ન ઉતારે !

છતાં વિમલાબેને કદી ગુસ્સો ન કર્યો, કદી ઊંચા અવાજે ન બોલ્યાં. એ તો ઠીક, કોઈ આગળ ફરિયાદ પણ નહીં. દીકરાઓએ કહ્યું કે 'મમ્મી, ફૂલટાઈમ નર્સ રાખી લો. એ બધું કરશે. તમે આરામ કરો. પ્રભુ ભજન કરો. પપ્પાને ગમતું ખાવાનું બનાવીને જમાડો એટલું જ બસ છે.'

પણ વિમલાબેન કંઇ માને ? એ હળવું સ્મિત કરીને કહે 'પગારવાળી નર્સ એમનો આકરો તાપ સહન ન કરી શકે. અને પૈસાના બદલામાં પ્રેમ તે કંઇ ખરીદાતો હશે?'

છેવટે જ્યારે હરિશંકરનું શરીર સાવ ઠંડુ પડી રહ્યું હતું ત્યારે છેક સુધી વિમલાબેન ગીતાપાઠ કરતાં રહ્યાં. 'ભલે ને એમના કાને કશું ના પડતું હોય ? એમનો આત્મા તો સાંભળતો હશે ને ?' છેવટે આત્મા પણ પરમાત્મામા વિલીન થઇ ગયો. અંતિમ વિધી પતી ગઈ. શ્રાધ્ધવિધીઓ પણ પુરી થઇ ગઈ. એ રાત્રે ભોજન પછી દીકરાઓ અને વહુઓમાં ચર્ચા ચાલી.

'હવે તો બા છૂટયાં, નહીં?' 'હું તો કહું છું કે બાએ હવે ચારધામની જાત્રા કરીને સરસ બ્રેક લઇ લેવો જોઇએ.'

'મમ્મીની તબિયત પણ સારી છે. શી કેન સ્ટાર્ટ અ ન્યુ લાઇફ !'

'એક્ઝેક્ટલી ! એમને આપણે ત્યાં જ બોલાવી લઇએ. થોડો ટાઈમ કેનેડામાં રહેશે, તો થોડો ટાઈમ અમેરિકામાં !'

'ધેટ્સ અ ગ્રેટ આઈડીયા ! તો તો પછી આ જુનું ઘર શું કામનું ? એનો પણ વહીવટ કરી શકાય.'

'અરે, કાલે જ મને એક ડેવલપરે ઓફર આપી છે. એ બહુ સારી પ્રાઈસ આપવા તૈયાર છે !'

'તો તો એ ડીલ કરી જ નાંખો ને?'

'હા, પણ એની પહેલાં મમ્મીના વિઝાનો પ્રોસેસ પણ કરવો પડે ને ?'

'ઇન ફેક્ટ, મમ્મીની સિટિઝનશીપ માટેની ફાઈલ પણ મુકી જ દેવી જોઇએ.'

'મારો એક ઓળખીતો એજન્ટ છે. એ ફક્ત ત્રણ મહિનામાં આખું કામ પતાવવાની ગેરંટી આપે છે. જો કે ચાર્જ થોડો વધારે કહે છે.'

'ચાર્જની ચિંતા ના કરો, મોટાભાઈ મમ્મીની લાઇફ સેટ થઇ જવી જોઇએ.'

'સાચી વાત છે. મમ્મીએ બહુ સહન કર્યું. હવે તો એમણે બાકી રહેલી જિન્દગી એન્જોય જ કરવી જોઇએ.' 'શી વુડ લવ ટુ બિ વિથ હર ગ્રાન્ડ ચિલ્ડ્રન !'

'કરેક્ટ ! બસ, આ મકાનનો સોદો થઇ જાય એટલે-'

'અરે મકાન સાથે ફર્નિચરની પણ સારી પ્રાઇસ મળે એવું છે ! કેમ કે અમુક ચીજો તો એટલી એન્ટિક છે કે ઓનલાઈન વેચવા મુકો તો અનબિલિવેબલ ઓફર્સ આવશે.'

'ભેગાભેગી પપ્પાની વ્હીલચેરનું પણ કરી દઈએ. કોઈ સેવાભાવી સંસ્થાને ડોનેટ કરી દઈશું.'

'ગુડ આઈડીયા...'

આખી ચર્ચા ડિટેલમાં ચાલતી રહી. છેવટે બધો વહીવટ એમના કાકાવાળા એક ભત્રીજાને સોંપવાનું ફાઈનલ કરીને સૌ સૂવા ગયા.

પણ વહેલી સવારે કોઈએ ઊઠીને જોયું તો -

વિમલાદાદી પથારીમાં હતા જ નહીં ! આખું ઘર શોધી વળ્યા પછી ખબર પડી કે દાદી તો ઓટલા ઉપર છે ! એ પણ દાદાની વ્હીલચેરમાં !

'દાદી ? સવારે વહેલાં ઉઠીને અહીં ઝોકું ખાવા બેસી ગયા કે શું ?'

વિમલાદાદીને જગાડવા માટે હલાવ્યાં ત્યારે એમની ગરદન એક તરફ લટકી ગઈ !

મોટા દિકરાનો નાનો બાબો આવીને કહેવા લાગ્યો : 'લાસ્ટ નાઇટ દાદી વૉઝ સેઇંગ કે ના, વ્હીલચેર તો નહીં જ આપવા દઉં...'