Get The App

માર્ક ટ્વેઇનનું ચાહકોને 'જૂઠ્ઠાણું' .

Updated: Feb 10th, 2026

GS TEAM

Google News
Google News
માર્ક ટ્વેઇનનું ચાહકોને 'જૂઠ્ઠાણું'                              . 1 - image

- હરતાં ફરતાં-વિક્રમ વકીલ

વિખ્યાત અમેરિકન લેખક માર્ક ટ્વેઇન કહેતા, ''મારા બે શબ્દોથી કોઈ ખુશ થાય તો હું જૂઠું બોલીને પણ સામા માણસને ખુશ કરું.'' અમેરિકામાં માર્ક ટ્વેઇન એટલા બધા મશહૂર હતા કે તેમના જેવો ચહેરો ધરાવવો તેને પણ ઘણા ગૌરવ ભર્યું માનતા. કોઈને એમ કહેવામાં આવે કે, ''તારો ચહેરો માર્ક ટ્વેઇન જેવો છે-'' એટલે તે માણસ ખુશ થઈને પોતાના ફોટા માર્ક ટ્વેઇનને મોકલતો. માર્ક ટ્વેઇનનું ઘર આવા સંખ્યાબંધ ફોટાથી ભરાઈ ગયું. તમામ લોકોને માર્ક ટ્વેઇનને જવાબ આપવો પડતો. જવાબ આપી આપીને થાકી ગયા પછી માર્ક ટ્વેઇનને અકસાથે હજારેક કાગળો છપાવી નાખ્યા. જે કોઈ ફોટો મોકલે તેમને આ છાપેલો કાગળ તેઓ મોકલી દેતા અને સાથે લખતા - 'વહાલા બંધુ, તારો ફોટો મળ્યો. તારો ફોટો મને એટલો બધો આબેહૂબ મળતો આવે છે કે હું છક્ક થઈ ગયો! અરે, એમ પણ કહી શકાય કે મારો ચહેરો મને મળતો આવે છે તેના કરતાં પણ તારો ચહેરો મારા ચહેરાને વધુ મળતો આવે છે! હકીકતમાં તો હવે હું મારા જેવો થવા તારો ફોટો મારી સામે રોજ સવારે રાખીને તારી સ્ટાઇલ પ્રમાણે હજામત કરું છું.''

અજાયબ શક્તિઓનું વૈજ્ઞાનિક સંશોધન

અમેરિકન જીવવિજ્ઞાનીઓની એક ટુકડી પંદરેક વર્ષ પહેલાં તિબેટ ગયેલી. ત્યારે અત્યંત જોખમી ચડાવ-ઉતારવાળા પર્વતો પર યાત્રા કરતી વખતે તેમણે અમુક બૌદ્ધ સાધુઓની મદદ માગી. એ બધા સાધુઓ સિત્તેર-એંશી વર્ષના હતા. પરંતુ એક ટેકરી પરથી બીજી ટેકરી પર એ લોકો એટલી આસાનીથી જઈ શકતા હતા કે તે જોઈને વિજ્ઞાનીઓને આશ્ચર્ય થયું. તેમણે બૌદ્ધ સાધુઓને તેમની આ ક્ષમતા વિશે પૂછયું તો તેમણે હસીને જવાબ વાળ્યો : અમારા માટે તો આ સ્વાભાવિક છે. પછી જ્યારે છૂટા પડવાની પળ આવી ત્યારે વિજ્ઞાનીઓએ તેમને અમેરિકન ધ્વજ ભેટમાં આપ્યા. સાધુઓએ ખુશીખુશી ધ્વજ સ્વીકાર્યા અને પછી આવજો કહીને તેઓ ટેકરીઓ પરથી કૂદીને હવામાં તરતાં તરતાં નીચે પહોંચી ગયા. વિજ્ઞાનીઓને પોતાની આંખ પર વિશ્વાસ ન બેઠો. આજુબાજુના ગામના લોકો સાથે આ વિજ્ઞાનીઓએ વાત કરી તો ખબર પડી કે એ લોકોએ પણ આ વૃદ્ધ બૌદ્ધ સાધુઓને આવી રીતે ઊડતા જોયા છે. ત્યાર પછી એ સાધુઓની ક્ષમતા વિશે ચકાસણી કરવા અમેરિકાથી બીજી એક ટીમ આવી પહોંચી ત્યારે ખબર પડી કે ચીનાઓએ એ મઠ પર હુમલો કર્યો તેમાં એ બધા જ મૃત્યુ પામ્યા. પશ્ચિમમાં આજકાલ મનની આવી 'અજાયબ શક્તિઓ' વિશે ખૂબ સંશોધન થઈ રહ્યાં છે. વિજ્ઞાનને શંકા ગઈ છે કે આવી શક્તિઓ માત્ર શંકાસ્પદ જ નહીં, કયારેક સ્વાભાવિક પણ હોઈ શકે છે.

પ્રેમિકાએ જ જીભ કરડી નાંખી

અમેરિકાના ઓહિયો પ્રાંતમાં ૨૯ વર્ષના એક યુવકે ૨૫ વર્ષની યુવતીએ પોતાની જીભ કરડી ખાધી એ મતલબની પોલીસફરિયાદ નોંધાવી. ચેડ રિંગો નામના આ યુવકને કપાયેલી જીભ સાથે હૉસ્પિટલમાં ભરતી કરાયો હતો, પરંતુ જીભ ૩૦ ટકા જેટલી કપાયેલી હોવાથી ડૉક્ટરોએ ફરીથી તે સાંધી આપવાની અસમર્થતા દર્શાવી હતી. દરમિયાન પોલીસ અપરાધી યુવતી ઍમિલી મેસ્કરની ધરપકડ કરી અને કોર્ટમાં હાજર કરી હતી. બાદમાં યુવતીને ૬૫ હજાર રૂપિયાના જામીન પર મુક્તિ મળી હતી. યુવતીએ કયાં કારણોસર યુવકની જીભ કરડી ખાધી એ રહસ્ય પ્રકાશમાં આવ્યું નથી પણ મેસ્કન અને રિંગો સજાડે રહેતાં હતાં એટલું પોલીસ જાણી શકી છે. આટલી જાણકારીના આધારે કેટલીક સંભાવનાઓ કલ્પી શકીએ. પહેલી સંભાવના મુજબ, સેક્સ દરમિયાન યુવતીએ વધુ ઉત્તેજિત થઈને ડીપ કિસ કરી હોય અને યુવકની જીભ મમળાવતી વેળાએ જ મોં ભીડી દીધું હોય ને તેથી અકસ્માત જીભ કપાઈ ગઈ હોય. બીજી સંભાવના મુજબ, બન્ને વચ્ચે અગાઉ અણબનાવ બન્યો હોય તેથી ખીજે ભરાયેલી યુવતીએ મનમાં ખાર રાખીને સેક્સ વેળા ઇરાદાપૂર્વક જીભે બચકું ભર્યું હોય અને બાદમાં 'સોરી, ઇજા પહોંચાડવાનો મારો ઇરાદો નહોતો' એવું કહીને છટકી શકાશે એવું યુવતીએ આયોજન કર્યું હોય. રિંગો હાલમાં ઘણો દુ:ખી છે. અધૂરામાં પૂરું તે દુ:ખ સંભળાવી શકે એવી સ્થિતિમાં પણ નથી.

કયા ઈંડા વેજ અને કયા નોનવેજ?

ઈંડા વિશે બે વિશેષણો બહુ પ્રચલિત છે. દેશી અને વિલાયતી (જે કિફાયતી પણ હોય છે.) પણ એવી જ રીતે વેજ અને નોનવેજ, એવાં બે વિશેષણો પણ ઈંડા માટે વપરાય છે. સવાલ એ થાય કે મરઘીના શરીરમાંથી નીકળતાં ઈંડા વેજ કઈ રીતે ગણી શકાય? જવાબ છે : અમુક ઈંડા એવાં હોય છે જેમાં જીવ હોતો જ નથી. બજારમાં મળતાં સફેદ રંગનાં એટલે કે વિલાયતી તરીકે ઓળખાતાં ઈંડામાં જીવ હોતો નથી એટલે તેને વેજિટેરિયન ઈંડા કહેવાય છે. થાય છે એવું કે એ સફેદ ઈંડાં મોટા પોલ્ટ્રી ફાર્મ્સમાંથી આવતાં હોય છે. એ પોલ્ટ્રી ફાર્મ્સમાં માની લો કે એક લાખ મરઘી હોય તો પણ એકેય મરઘો તો હોતો જ નથી. મરઘાના સંપર્કમાં આવ્યા વગર જ મરઘી કુદરતી રીતે ઈંડાં મૂકતી જ 

હોય છે. કંઈક અંશે તે સ્ત્રીના ઋતુધર્મ જેવું ચક્કર છે. દુનિયાની કોઈ પણ મરઘી પુખ્ત થયા બાદ અઠવાડિયે બે-ત્રણ-ચાર- ઇંડાં મૂકે તે સામાન્ય બાબત છે. અને જ્યાં સુધી મરઘી મરઘાના સંપર્કમાં નહીં આવે ત્યાં સુધી તેનાં ઇંડાંમાં જીવ નથી આવવાનો. મતલબ કે પોલ્ટ્રી ફાર્મ્સના ઇંડાને ગમે તેટલા સેવવામાં આવે તો પણ તેમાંથી ક્યારેય બચ્ચું પેદા થાય નહીં. પરંતુ શેરીઓમાં રખડતી મરઘીઓનો કિસ્સો જુદો છે. તેના ઇંડામાંથી બચ્ચું જન્મે પણ ખરું અને ન પણ જન્મે. જો એ દિવસોમાં મરઘી મરઘાના સંપર્કમાં આવે તો ઇંડામાં જીવ હોઈ શકે અને જો એ દિવસોમાં મરઘીએ બ્રહ્મચર્ય પાળ્યું હોય તો તેનું ઇંડું વિલાયતી ઈંડા જેટલું જ વેજ ઈંડું હોય છે.

કૂતરાને 'પ્રેમિકા' મેળવી આપતી ઍજન્સી

ફ્રાન્સમાં ૯૦ લાખ કૂતરા-કૂતરી છે. તેમાં કૂતરાઓ માટે ઝૂરતી ૪૦ લાખ કૂતરીઓને સાથ મેળવી આપવા એક એજન્સ ફ્રાન્સના નાઇસ શહેરમાં ઊભી થઈ છે. ફ્રાન્સના કેન્સ શહેરમાં ફિલ્મ ફેસ્ટિવલ યોજાયો ત્યારે તેમાં હાજરી આપવા આવેલી હોલીવુડની નટીઓનાં પાળેલાં કૂતરા માટે એક દારૂ અને પાણીનો બાર ખોલવામાં આવ્યો હતો. પાળેલા કૂતરાઓ ઘરમાં ગોંધાઈ રહે અને તેમને પ્રેમ કરવાનું મન થાય તે માટે 'વન-ટુ-ટુ' નામની અજન્સી શરૂ થઈ છે. ઑડિલે મારોટ નામની ફ્રેન્ચ મહિલાએ કૂતરા-કૂતરીના મેળાપ કરવાની આ અજન્સીનું નામ 'વન-ટુ-ટુ' એટલા માટે રાખ્યું છે કે ૧૯૪૦ના દાયકામાં ફ્રાન્સમાં આ નામનો રૂપજીવીનીઓનો અક અડ્ડો હતો. અત્યાર સુધીમાં 'વન-ટુ-ટુ' એજન્સીએ ૨૦૦૦ કૂતરાં રજિસ્ટર કર્યાં છે. તેમની ઉંમર, કદ, વજન, રંગ અને તબીબી ઇતિહાસની વિગતો કૉમ્પ્યૂટરમાં પૂરી છે.