- રજનીગંધા-વિભાવરી વર્મા
- માંગા તો અનેક આવે, પણ જેવી ખબર પડે કે 'છોકરી તો રીલ્સ બનાવે છે'.. તરત જ વાત ઢીલી પડી જાય
એ ક તો એનું નામ જ સૌંદર્યા. ઉપરથી દેખાવે પણ ખુબ જ સુંદર, ગોરી ચમકતી ત્વચા, ગુલાબની પાંખડી જેવા હોઠ, માંજરી ભૂરી આંખો, વાંકડીયા સોનેરી ઝાંયવાળા વાળ અને હંસીનિ જેવી લચકતી ચાલ.
એમાં વળી મોબાઈલ હાથમાં આવ્યો. શરૂશરૂમાં તો ફની જોક્સના 'ઓડિયો ટ્રેક' (માત્ર અવાજ) ઉપર રિ-એકશન આપતા વિડીયો બનાવીને અપલોડ કર્યા.
અને એમાં તો જોતજોતામાં બે હજાર ફોલોઅર્સ ! પછી ભણવામાં ક્યાંથી ધ્યાન રહે ?
છતાં જેમ તેમ કરીને બારમું પાસ કરી લીધું પણ એ પછી તો કોમર્સમાં ખાસ મહેનત પણ ક્યાં કરવી પડે ? એટલે આખું ધ્યાન રીલ્સ ઉપર !
હવે તો સૌંદર્યા બીજા ફની વિડીયોના અવાજ ઉપર લિપ-સિંક (હોઠ ફફડાવાનું) કરવા લાગી. પરિણામ ? પાંચ હજાર ફોલોઅર્સ !
પછી રોમેન્ટીક ગાયનો ઉપર માત્ર ખાટામીઠા હાવ ભાવ કરીને હોઠ ફફડાવવાના વિડીયો શરૂ કર્યા. પરિણામ ! દસ હજારથી વધુ ફોલોઅર્સ ! એમાંય 'આશિકો'ની સંખ્યા તો કૂદકે ને ભૂસકે વધતી ચાલી.
'આશિકો'માંથી થોડા બોયફ્રેન્ડ પણ બની ગયા. એમની પાસેથી મીઠી મીઠી વાતો કરીને ગિફ્ટો શી રીતે કઢાવવી એ તો સૌંદર્યા માટે ડાબા હાથનો ખેલ હતો.
બોયફ્રેન્ડો પાસેથી ગિફ્ટમાં લીધેલા ડ્રેસીસ, અને બ્યુટિ પ્રોડક્ટસનો ખરો ઉપયોગ તો ત્યારે શરૂ થયો જ્યારે સૌંદર્યાએ હાઈ-ફાઈ વિડીયોઝ બનાવવા માટે લાઈટિંગ એન ફોટાગ્રાફીની આખી કીટ વસાવી લીધી.
સૌંદર્યાની હવે 'ઇન્ફ્લુએન્સર'માં ગણત્રી થાય એટલું જ બાકી હતું. મમ્મી તો સૌંદર્યની આ પ્રગતિથી રાજીરાજી હતી.'મારી દીકરીનો તો વટ છે. એ જ્યાં જાય છે ત્યાં છવાઈ જાય છે ! એના માટે તો રાજકુમાર જેવો પતિ મળશે, રાજકુમાર જેવો !'
ભણી લીધા પછી સમય આવ્યો લગ્નનો. હવે ખરી કસોટી શરૂ થઈ...
જ્ઞાતિમાંથી માંગા તો અનેક આવે, પણ જેવી ખબર પડે કે 'છોકરી તો રીલ્સ બનાવે છે'.. તરત જ વાત ઢીલી પડી જાય. 'તમને પછી જણાવીશું' 'વિચારીને ફોન કરીશું...' એવા ગોળગોળ જવાબો મળવા લાગ્યા.
મમ્મીને સમજ નહોતી પડતી કે આવું કેમ થઇ રહ્યું છે ?
ક્યારેક એવું બનતું કે છોકરાને સૌંદર્યા ખૂબ જ ગમી જાય, વાત આગળ પણ વધે, પરંતુ બીજી ત્રીજી મુલાકાતમાં છોકરો ફસકી જાય : 'મને તો તું ગમે છે પણ મમ્મી ના પાડે છે !'
કેમ ના પાડે છે ? એનો જવાબ કદી મોઢા ઉપર સાંભળવા મળતો જ નહોતો પણ છોકરાવાળા સૌંદર્યાને જોઇને ઘરે જાય એટલે એમનાં મમ્મી-પપ્પા શરૂ થઇ જાય : 'આવી વહુને ઘરમાં લાવીને શું કરવાનું ? આખો દહાડો એ તો રીલ્સ બનાવ્યા કરશે ! રીલ્સ તો રીલ્સ, પછી મોબાઈલમાં ને મોબાઈલમાં જ ઘૂસેલી રહેવાની ! એના હજાર આશિકો એના માટે શું કોમેન્ટો કરે છે એ બધું વાંચીને સમાજમાં કેવું લાગે ?'
આમ ને આમ બે વરસ નીકળી ગયાં. હવે ખુદ સૌંદર્યાએ આગળ પડીને પ્રયત્નો ચાલુ કર્યા.
પોતાની જ જ્ઞાતિના હોય અને પોતાની પોસ્ટ ઉપર 'લાઈક યુ' 'લવ યુ' જેવી કોમેન્ટો કરતા હોય એવા છોકરાઓને તે સામેથી સંપર્ક કરવા લાગી.
પણ પરિણામ એ જ, છોકરો શરૂશરૂમાં ઘેલો-ઘેલો ઘુઘરા જેવો બની જાય ! અને પછી મા-બાપ પિકચરમાં આવે એટલે છોકરો ફસકી પડે !
હવે તો સૌંદર્યાનાં મમ્મી પપ્પાએ દિકરીનું નામ મેરેજ બ્યુરોમાં લખાવીને પ્રયત્નો ચાલુ કર્યા આમાં મોટે ભાગના કિસ્સામાં શરૂશરૂમાં બરોબર લાગે અને પછી ધીમેથી મામલો ઠંડો પડી જાય...
સૌંદર્યાને થતું હતું કે 'આ રીલ્સને કારણે જ આવું થાય છે ને ? તો એનો અર્થ શું થયો ? સમાજ હજી જુનવાણી જ છે ને ? કોઈ પોતાની પત્ની કે પુત્રવધુને મોબાઈલમાં 'પોપ્યુલર'' થતી જોઈ શક્તું નથી. એમ જ ને ?
પરંતુ એક દિવસ નસીબ પલટાયું..
છોકરો ડોક્ટર હતો. હેન્ડસમ પણ હતો. હા, ઓછાબોલો ખરો. પણ એણે બધું જ જાણવા છતાં હા પાડી !
સવાલ હવે 'બીજો કોઠો' પાર કરવાનો હતો. પરંતુ સૌંદર્યાના આશ્ચર્ય વચ્ચે છોકરાના મમ્મી પપ્પાએ પણ હા પાડી !
રંગેચંગે લગ્ન લેવાયાં. વિદેશમાં હનીમૂન કરીને સૌંદર્યા સાસરે આવી. અહીં તો ઠાઠમાઠ હતો. મોટો બંગલો ઘરમાં નોકર-ચાકર, ચાર ચાર મોંઘી કાર... અને ઉપરથી મોંઘામાં મોંઘા બે આઈ-ફોન !
એક દિવસ સૌંદર્યાએ અચકાતાં અચકાતાં એની સાસુને પૂછી લીધું 'હું રીલ્સ બનાવું તો વાંધો નથી ને ?'
સાસુજી હસી પડયાં 'અરે, હોતું હશે બેટા ? હકીકતમાં તો તને એટલે જ વહુ બનાવી છે ! કેમકે તારા સસરાને કંસ્ટ્રકશનનો બિઝનેસ છે. ઉપરથી એપાર્ટમેન્ટો, બંગલાઓ વગેરેની લે-વેચનું બહુ મોટું કામકાજ છે. એમના બિઝનેસ પ્રમોશન માટે અમે ઇન્ફ્લ્યુએન્સરની તપાસ કરેલી... તો કોઈ ચાલીસ હજાર, કોઈ પચાસ હજાર માગે ! એ પણ બેચાર વિડીયોના જ ! પણ હવે તું આવી ગઈ છે ને, એટલે આપણા વરસે દહાડે બે પાંચ લાખ બચી જવાના...'
આ છેલ્લા શબ્દો સૌંદર્યાના કાનમાં ટકરાવા લાગ્યા : 'વરસે દહાડે બે પાંચ લાખ બચી જવાના...'
ત્યાં તો સાસુમા બોલી ઊઠયાં. 'આ તો એક જાતનું વર્ક ફ્રોમ હોમ જ થયું ને !'
સૌંદર્યા મુંઝાઈ ગઈ. શું મને આ જ કારણે ?...
એ સાંજે સૌંદર્યાનો પતિ ઘરે આવીને ચા પીતાં પીતાં બોલ્યો : 'ડિયર, એક ફાર્માસ્યુટિકલ કંપની છે, એની બ્રાન્ડ માટે તું એક વિડીયો બનાવી આપીશ, પ્લીઝ ?'


