Get The App

ઓ ભાઈબંધ ! તું સંભાળજે... .

Updated: Mar 31st, 2026

GS TEAM

Google News
Google News
ઓ ભાઈબંધ ! તું સંભાળજે...                           . 1 - image

- રજનીગંધા-વિભાવરી વર્મા

- 'વાઇફને ક્યાંથી ખબર પડે? હું તો ઓફિસમાંથી ડાયરેક્ટ મારી કાર લઈને જ મોનિકાના એપાર્ટમેન્ટ પર પહોંચી ગયો હતો.'

'યા ર, પેલી મોનિકા ગુપ્તા વિશે તારું શું માનવું છે?'

'કેમ, શું થયું ?'

'તું તો મારી વાઇફની બર્થ-ડે પાર્ટીમાં આવ્યો હતો ને ? આ મોનિકા ગુપ્તા એ જ જિમમાં જાય છે જ્યાં મારી વાઈફ જાય છે. એ બંને ફાસ્ટ ફ્રેન્ડઝ બની ગયાં છે.'

'હા, પણ એનું શું છે ?'

'યાર, એ પાર્ટીમાં મોનિકા મને જોરદાર ભાવ આપી રહી હતી ! એક પોઇન્ટ પર તો મને લાવ્યું કે એ મારી પાછળ પડી છે.'

'ખરેખર ?'

'હા યાર, પાર્ટીમાંથી ઊઠીને હું વોશરૂમ બાજુ ગયો તો મારી પાછળ પાછળ આવી ગઈ...છેક વોશરૂમની અંદર !'

'જા જા ! શું વાત કરે છે ?'

'મને કહે છે મારા ડ્રેસનું નાડું ખુલતું નથી. તમે ગાંઠ છોડી આપશો ?'

'તો તેં શું કર્યું ? છોડી આપી ?'

'હાસ્તો વળી ? પોતાના જ ઘરમાં મારે કોઈ સીન ઊભો નહોતો કરવો એટલે....પણ યાર, એના ગંઠાઈ ગયેલા નાડાને હું છોડવાની ટ્રાય કરી રહ્યો હતો એ દરમિયાન એણે એવા એવા સિસકારા બોલાવ્યા કે-'

'ઓ ભાઈબંધ ! તું સંભાળજે હોં !'

'કેમ ?'

'એક તો એ મોનિકા ગુપ્તા તારા કરતાં દસ વરસ મોટી છે. બીજું, એ ડિવોર્સી છે. પોતાના એપાર્ટમેન્ટમાં એકલી રહે છે. એની પાસે પૈસા પણ બહુ હોય એવું લાગે છે અને સ્વભાવે તો બિન્દાસ જ છે !'

'એટલે જ તો પૂછું છું, એ મોનિકામાં આગળ વધાય ખરું ?'

'જો ભાઈ, તારી વાઈફ તને ખૂબ પ્રેમ કરે છે. એને ખબર પડશે તો -'

'પણ ધારો કે એને ખબર ના પડે તો ? આ તો શું છે એક એડવેન્ચર જેવું છે. કરી તો જોઈએ ?'

'તો તું જાણે...મેં તો તને વોર્નિંગ આપી દીધી પણ -'

'પણ શું ?'

'પછી શું શું થાય છે એ જરા મને કહેતો રહેજે સાલા !'

***

'બે યાર, પેલી મોનિકા ગુપ્તા તો બહુ ફાસ્ટ નીકળી!'

'એમ ? શું થયું ?'

'બે દિવસ સુધી તો મને મોબાઈલમાં ડબલ મિનિંગવાળા મેસેજો કરતી રહી. પછી અચાનક મને ડાયરેક્ટ ફોન કરીને પૂછે છે 'બોલો, મારા ઘરે આવવું છે, બપોરના ટાઇમે ?'

'તો તું ગયેલો ?'

'હાસ્તો ? વાઇફને ક્યાંથી ખબર પડે ? હું તો ઓફિસમાંથી ડાયરેક્ટ મારી કાર લઈને જ મોનિકાના એપાર્ટમેન્ટ પર પહોંચી ગયો હતો.'

'પછીઈઈ ?'

'પછી વળી શું ? મઝા આવી ગઈ યાર ! રોજ ઘરનું ખાઈખાઈને કંટાળ્યા હોઈએ ત્યારે બહારનું મસાલેદાર ખાવાનું કોને ના ભાવે ?'

'એ તો ઠીક છે બકા, પણ રોજ રોજ બહારનું ખાવાથી પેટ બગડે ! એટલી તો ખબર છે ને ?'

'તે આપણે ક્યાં રોજ રોજ ખાવું છે ? આ તો જસ્ટ એડવેન્ચર યાર...'

***

'યાર, હું પેલી મોનિકા ગુપ્તામાં ફસાઈ ગયો છું.'

'કેમ શું થયું ? ઝગડો થયો ? એના હસબન્ડને ખબર પડી ગઈ ?'

'ના યાર, એ તો ડિવોર્સી છે, હસબન્ડનો સવાલ જ ક્યાં છે ? પણ એ હવે મને બ્લેકમેઈલ કરી રહી છે.'

'શું વાત કરે છે ? એણે તારા વિડીયો ઉતારી લીધા છે ?'

'ના, એનાથી પણ ખતરનાક...'

'શું ? એણે તારી વાઇફ આગળ બધું કહી દીધું ?'

'કીધું નથી પણ કહેશે એવી ધમકી આપે છે !'

'તો કહેવા દે ને ? એની પાસે કોઈ પ્રૂફ જ ના હોય તો-'

'છે...પ્રુફ છે. એક નહીં બે ડઝન પ્રુફ છે !'

'કેવા પ્રુફ ?'

'એમના એપાર્ટમેન્ટમાં સીસીટીવી કેમેરા લાગેલા છે. એમાં મારી કાર વારંવાર દાખલ થતી દેખાઈ છે. એપાર્ટમેન્ટના ગેટ પર મેં જ મારા હાથે મારા નામની એન્ટ્રીઓ કરેલી છે. એના બિલ્ડીંગની લિફટમાં સીસીટીવી કેમેરા છે..અને એના એપાર્ટમેન્ટના દરવાજાની બહાર પણ કેમેરા લાગેલા છે !'

'તો શું થયું ? એ કંઈ ફિઝિકલ રીલેશનનું પ્રૂફ ના કહેવાય ! અને એ બધા ફૂટેજ એણે તારીખ-વાર યાદ રાખીને કઢાવવા તો પડે જ ને ?'

'યાર, હવે શું કહું ? એણે એ તમામ ફૂટેજ કઢાવીને રાખ્યા છે ! એટલું જ નહીં, એપાર્ટમેન્ટના ગેટ ઉપર જેમાં મારી એન્ટ્રીઓ છે, એ ચોપડો પણ એના જ કબજામાં છે, કેમકે એ મોનિકા ગુપ્તા એપાર્ટમેન્ટની સોસાયટીની સેક્રેટરી છે !'

'માર્યા ઠાર ! તો હવે એ શું ડિમાન્ડ કરી રહી છે ?'

'ખાસ કંઈ નહીં...કહે છે કે દર મહિને મારે એને પંદર હજાર આપવાના ! જ્યાં સુધી એ 'ના' કહે ત્યાં સુધી !'

'હં....'

'શું હં...હં..કરે છે ?'

'એ જ કે પહેલી વાર એને જોઈ ત્યારે જ મને વિચાર આવેલો કે આ બાઈ ક્યાંય નોકરી નથી કરતી, કશું બિઝનેસ નથી કરતી, તો આટલી લેવિશ રીતે જીવે છે શી રીતે ? પણ હવે સમજાયું કે-'

'કે શું ?'

'તારા જેવા પંદર વીસને એણે બાંધેલા પગાર જેવી આવક માટે આ જ રીતે ફસાવી રાખ્યા હશે !'