Shatdal

ભવ-રણમાં જીતવા જોઈએ આત્મબળ : શક્તિ અને સંકલ્પ

By GS Team
6 Oct 20262 mins read
ભવ-રણમાં જીતવા જોઈએ આત્મબળ : શક્તિ અને સંકલ્પ

(લંકા જીતવાની હતી, પગે ચાલીને દરિયા પાર ઊતરવાનું હતું, રાવણ સરખો દુશ્મન હતો અને રણભૂમિમાં સહાયમાં વાનરો હતા; છતાં પણ રામે એકલે હાથે આખા રાક્ષસ કુળનો નાશ કર્યો. ખરેખર! કાર્યમાં મહાપુરુષોની સફળતા આત્મશક્તિમાં વસે છે. તેમનાં સાધનોમાં નહિ)
સમરાંગણમાં તેમ જીવનમાં માત્ર સારાં સાધનોથી જ જીત મળતી નથી. તેને માટે પોતાની શૂરવીરતા, આત્મબળ અને અડગ નિર્ધારની જરૂર છે. સત્ત્વથી યુદ્ધો જીતાય છે. સત્ત્વ એટલે સર્વ હકારાત્મક અને બળવત્તર ગુણો. રામ-રાવણયુદ્ધમાં આવું ઉદાહરણ મળે છે. પોતાના વતન અયોધ્યાથી આટલે દૂર કેટલી વિટમ્બણાઓ વેઠીને દક્ષિણના દરિયાકિનારે પહોંચ્યા. લંકા જેવી સમૃદ્ધ અને સુરક્ષિત નગરી જીતવાની હતી. પણ વચ્ચે સાગર હતો, તે તરીને પાર કરવા કોઈ સાધન હતું નહિ. રાવણ જેવો અજેય શત્રુ હતો, અને સેનામાં મદદ કરનારા વાનરો જ હતા! એ રાવણની સજ્જ સેના સામે શું લડી શકે? એમની સહાય શા કામની? આ બાજુ રામ-લક્ષ્મણ બે જ બાણાવળી હતા. રામ મહાબાણાવળી હતા, પણ તે એકલા હતા, અને સામે રાવણની અગણિત સેના, તેના શક્તિશાળી સેનાનીઓ ઘાતક હથિયારો સાથે પૂરી તાકાતથી લડવા આવ્યા હતા. આ બધાં વિધ્નો છતાં રામે એકલે હાથે રાવણને અને એની સેનાને હણી નાખી અને અપૂર્વ વિજય મેળવ્યો.
દુનિયામાં સાધન વિનાની પ્રજાઓએ વિખ્યાત ક્રાંતિઓ સર્જી છે. આપણે ઘર-આંગણે જ જોઈએ, તો ગાંધીજી અને તેમના સ્વાતંત્ર્ય સૈનિકો પાસે ક્યાં સાધનો હતાં? સત્તા નહોતી, નાણાં પણ નહોતાં. સામે દુનિયાનું મોટામા મોટું સામ્રાજ્ય હતું, પણ ગાંધીજી પાસે સત્ય હતું, અને દેશભક્તિ, આત્મબળ અને સંકલ્પ રૂપી સત્ત્વ હતું અને આખરે તેમનો જ વિજય થયો. કવિ પ્રદીપજીએ પ્રખ્યાત ગીત લખ્યું: દે દી હમેં આઝાદી બિના ખડ્ગ, બિના ઢાલ; સાબરમતી કે સંત તૂને કર દિયા કમાલ! શ્લોકનું ચોથું ચરણ સંસ્કૃતમાં કહેવત સમાન બની ગયું છે. કોઈને કોઈ વીરના પરાક્રમને તેની સાથે જોડી દઈ, પાદપૂર્તિ કરી સુભાષિતો લખાયાં છે.

  • કુલીનચંદ્ર પો. યાજ્ઞિક