Get The App

વિજ્ઞાની, ફિલસૂફ અને યોગી સ્વામી રામ .

Updated: Jan 13th, 2026

GS TEAM

Google News
Google News
વિજ્ઞાની, ફિલસૂફ અને  યોગી સ્વામી રામ                        . 1 - image

- મનુષ્ય પોતાનાં મન,  મગજ અને શરીરનો સ્વામી બની શકે છે

સ્વા મી રામ વિજ્ઞાની, ફિલસૂફ, યોગી, માનવતાવાદી અને અનેક લોકો માટે અધ્યાત્મિક માર્ગદર્શક છે. હિમાલયના એક નાના ગામમાં ૧૯૨૫માં જન્મેલા રામને નાની ઉંમરથી જ તેમના ગુરુ લઈ ગયા હતા. સંન્યાસી બનવાની તાલીમના ગાળામાં યોગાભ્યાસ ઉપરાંત બીજા ઘણા વિષયોનો તેમણે અભ્યાસ કર્યો. શાંતિનિકેતનમાં સંગીત અને નૃત્ય પણ શીખ્યા. મહાત્મા ગાંધી, રમણ મહર્ષિ વગેરે મહાપુરુષોના આશ્રમોમાં પણ તે રહ્યા છે. ૧૯૩૯ થી ૧૯૪૪ દરમ્યાન તેમણે વિવિધ મઠો ને સંસ્થાઓમાં ઉપનિષદો તથા બૌદ્ધ શાસ્ત્રો શીખવવાનું કામ કર્યું હતું. ત્યાર પછી ગુરુની આજ્ઞાથી તેમણે પશ્ચિમના દેશોમાં જઈ પાશ્ચાત્ય મનોવિજ્ઞાન, તત્ત્વજ્ઞાન અને આધુનિક દવાશાસ્ત્રનો અભ્યાસ કર્યો.

૧૯૭૦માં કાન્સાસ (અમેરિકા)ના મેનિજર ઈન્સ્ટિટયૂડના ડૉ. એલ્મર ગ્રીન 'બ્રેન વેવ્ઝ' પર સંશોધન કરવાના અનુસંધાનમાં ભારત આવેલા. સ્વામી રામનો તેમને ત્યારે પરિચય થયો, અને સ્વામી રામની શરીર પરની અદ્ભૂત નિયંત્રણશક્તિ જોઈ તે ચકિત થઈ ગયા. સ્વામી રામે પોતાની નાડીની ગતિ એક મિનિટના ૩૦૦ ધબકાર સુધી પહોચાડી હતી, ૧૭ સેકન્ડ સુધી હૃદયની ગતિ અટકાવી દીધી હતી અને અંગૂઠાનું ઉષ્ણતામાન તે જ હાથની ટચલી આંગળીના કરતાં ૧૦ ડિગ્રી વધારી દીધું હતું. શરીરવિજ્ઞાન કહે છે કે હૃદય, મગજ, ફેંફસાં, રક્ત-અભિસરણનું કામ શરીર આપમેળે કરે છે, પણ સ્વામી રામે આવા અનેક પ્રયોગોથી દર્શાવ્યુ કે મનુષ્ય પોતાનાં મન,  મગજ અને શરીરનો સ્વામી બની શકે છે.

ઊંચો સૌષ્ઠવયુક્ત દેહ, પ્રફુલ્લ આત્મવિશ્વાસપૂર્ણ વ્યક્તિત્વ અને મધુર પ્રભાવક અવાજ ધરાવતા સ્વામી રામ પશ્ચિમી દુનિયાનાં ભૌતિકવિજ્ઞાનો અને પૂર્વી દુનિયાના ગૂઢ આંતરજ્ઞાન વચ્ચે સેતુ બાંધવાને પોતાનું જીવનકાર્ય ગણતા. આ હેતુથી તેમણે અમેરિકાના પેન્સિલવાનિયા રાજ્યમાં પોકોનો પર્વતમાળાની રમણીય ગોદમાં એક સંસ્થા સ્થાપી છે, જેનું નામ છે : હિમાલયન ઈન્સ્ટિટયૂટ ઑફ યોગ, સાયન્સ એન્ડ ફિલોસૉફી.