જાપાનમાં વૃદ્ધોની સારવાર માટે રોબો

- હરતાં ફરતાં-વિક્રમ વકીલ
જેમની કોઈ સારસંભાળ રાખનાર ન હોય તેવા એકાકી વૃદ્ધોની સંખ્યામાં દિનપ્રતિદિન જે ઉમેરો થતો જાય છે, તેને કારણે જાપાનમાં જે સમસ્યા ઊભી થઈ છે, તેનો ઉકેલ યાંત્રિક ઢબે થાય તેવા સંયોગો સર્જાયા છે. વૃદ્ધાવસ્થામાં માનવીને સારવાર, સલામતી અને સથવારાની બહુ જરૂર પડે છે. એને માટે બાળક જેવા દેખાવનું એક રોબો યંત્ર તૈયાર કરાયો છે અને હવે માર્કેટમાં વેચાણ માટે મુકાવાનો છે. આ રોબોટ વૃદ્ધોની નર્સની જેમ દેખરેખ કરશે, સથવારો આપશે અને વૃદ્ધના સલામતી ચોકિયાતની ભૂમિકા પણ અદા કરશે. વાકામારુ નામનો રોબો ઘરની ચોવીસે કલાક ચોકી કરશે. જો કોઈ સમસ્યા ઊભી થાય તો આ રોબો જરૂર પ્રમાણે વૃદ્ધના કુટુંબને, હૉસ્પિટલને કે પછી સિક્યુરિટી કંપનીને તેની તાત્કાલિક ખબર આપશે. દાખલા તરીકે વૃદ્ધ માનવી જો જમીન ઉપર ફસડાઈ પડે કે બાથરૂમમાંથી બહાર ન આવે તો તેનો સંદેશો તે તેનાં કુટુંબીજનોને તરત પહોંચાડી દેશે. આ જાતના રોબોની જે નવી ટેક્નોલોજી વિકસાવાઈ છે તેને સમગ્ર જાપાનમાં ભારે પ્રસિદ્ધિ મળી છે. કારણ કે ત્યાં વૃદ્ધોની વધતી જતી સંખ્યાને કારણે તેમને સાચવવાની સમસ્યા ઘેરી બની ચૂકી છે. છેલ્લા સર્વેક્ષણ અનુસાર જાપાનમાં સરેરાશ આયુષ્યનો આંક ઊંચો ગયો છે, તેમાંયે જાપાની મહિલાઓનું સરેરાશ આયુષ્ય તો વિશ્વમાં સૌથી ઊંચામાં ઊંચુ ૮૫ વર્ષનું છે. આયુષ્યની દોરી લંબાવાની સાથે જાપાનમાં સંયુક્ત કુટુંબની પ્રથા તૂટવા લાગી છે. નાનાં અને સ્વતંત્ર કુટુંબોની સંખ્યા વધવા લાગી છે. આને કારણે જાપાનમાં વૃદ્ધો એકલવાયા થવા લાગ્યા છે.
મૂંગા પ્રાણીઓની લકઝરી હોટલ
મૂંગા પ્રાણીઓના માનવીની જેમ જ સુખચેનથી જીવવાના હક માટે લડત ચલાવતા પ્રાણીપ્રેમી કર્મશીલો ખુશ થઈ જાય એવા એક સમાચાર છે. જર્મનીમાં પોટેચેન નામની એક એવી લકઝરી હોટેલ ખુલી છે જ્યાં ચૌપગા પાળીતા પ્રાણીઓ ફાઇવસ્ટાર આતિથ્ય માણી શકે છે. પ્રાણીઓ માટેની આ ઍક્સક્લુઝિવ હોટેલનો સ્ટાફ પોતાના ચાર પગા મહેમાનો મિની બસમાંથી ઉતરે ત્યારથી અમની જવાબદારી સંભાળી લે છે. આવેલ અતિથિ કૂતરો હોય કે બિલાડી, હોટેલના કર્મચારીઓ એને પહેલા ઉમળકાથી રિસેપ્શન રૂમમાં લઈ જાય છે. જ્યાં નોંધણીની ઔપચારિકતા પૂરી થયા બાદ એમને અમના લક્ઝરી રૂમમાં દોરી જવાય છે. આ રૂમમાં માણસને ફાઇવસ્ટાર હોટેલમાં મળે એવી તમામ સગવડો પ્રાણીઓ માટે હાજર હોય છે. હોટેલમાં એક સુંદર મજાનો સ્વિમીંગ પુલ પણ છે. આ સ્વિમીંગ પૂલમાં શ્વાનભાઈઓ હોટેલનો સ્ટાફ બોલની ગેમ રમાડે છે. એટલું જ નહીં પણ હોટેલમાં બિલ્લીભાઈઓ માટે બ્યુટી સલુન પણ હાજર છે. સલુનના નાનકડા ઍક્વેરિયમમાં તરતી રંગબેરંગી માછલીઓ જોતજોતાં બિલ્લીભાઈ પોતાનો મનપસંદ મેકઅપ કરાવી શકે છે.
પંદર મિનિટ મોડા પડવાનું પાદરીને ભારે પડયું!
પહેલાંના જમાનામાં બાળકને સાહસિક અને કઠણ બનાવવા માટે પિતા તેના બાળકને ઊંચે ચઢાવતો અને પછી ત્યાંથી કૂદકો મારે ત્યારે તેને ઝીલી લેવા હાથ પહોળા કરીને ઊભો રહેતો. પણ બાળક કૂદકો મારે ત્યારે તેને ઝીલી લેવાને બદલે પિતા ખસી જતો જેથી બાળકને અસલામતીની પ્રૅક્ટિસ પડે. અમેરિકન લેખિકા લેસલી ગારનર કહે છે કે, 'હવે જા અમેરિકન પિતા આવી રીતે ખસી જાય તો નીચે પડી ગયેલો બાળક સીધો જ વકીલ પાસે જાય અને તેના પિતા ઉપર કોર્ટમાં કેસ કરીને વળતર માગે.' હમણાં કેલિફોર્નિયામાં બીજા એક કિસ્સો બન્યો તે જાણવા જેવો છે. ક્રિસ્ટાઇન નામની મહિલા એડવોકેટ ઘણો સમય કુંવારી રહ્યા પછી રસેલ ઍડલર નામના વકીલને પરણી. પરણવાની વિધિ માટે પાદરીને સવારે બરાબર ૮ વાગ્યે બોલાવ્યો. મહેમાનો આવી ગયા હતા. પણ પાદરી પંદર મિનિટ મોડો પડયો. આ રીતે પાદરી મોડો પડયો તેનાથી ક્રિસ્ટાઇન અને રસેલ ઍડલર બન્ને દુ:ખી દુ:ખી થઈ ગયાં. આ રીતે તેમને દુ:ખ પહોંચ્યું એટલે તેમણે ૭૬,૦૦૦ પાઉન્ડ એટલે કે વળતર માટે કોર્ટમાં કેસ કર્યો. ક્રિસ્ટાઇને દલીલ કરી કે : પાદરીસાહેબ પંદર મિનિટ મોડા આવ્યા તેથી આમંત્રિત મહેમાનો રાહ જાઈને બોર થવા લાગ્યા. તેને કારણે તેમને દારૂના બારમાં દારૂ પીવા લઈ જવા પડયા. દારૂ પીતાં પીતાં મહેમાનો ગપ્પે ચઢયા અને કેટલાક મહેમાનો ઝઘડી પડયા. આ બધાને કારણે તે માનસિક રીતે ખૂબ જ દુ:ખી થઈ. તે દુ:ખ એટલા માટે થયું કે પાદરી પંદર મિનિટ મોડા પડયા!
આ તે લૂંટારાની લોકપ્રિયતા કે ફિલ્મી હીરોની?
નામ છે અટિલા 'વ્હિસ્કી' ઍમ્બ્રસ. હંગેરીમાં તે રાષ્ટ્રીય હીરો બની ગયો વ્યવસાયે તે ચોર છે. અત્યાર સુધીમાં ૨૭ વાર બેન્કો લૂંટી ચૂક્યો છે. બંદૂકની અણીએ તેણે બેન્કોમાંથી કુલ ૧૪.૨ કરોડ હંગેરિયન ફોરિન્ટ્સ (૨.૬ કરોડ રૂપિયા) લૂંટયા છે. છતાં લોકોને તે પ્યારો છે. હાલમાં જેલમાંથી નાસી છૂટેલો અટિલા 'વ્હિસ્કી' પકડાઈ જાય તે સારું કે ન પકડાય તે સારું એ વિશે ઇન્ટરનેટ પર સવાલ પૂછવામાં આવ્યો તો ૧,૦૦૮ હંગેરિયનોઅ જવાબ આપ્યો કે તે ફરી પોલીસના હાથમાં ન આવે એવું અમે ઇચ્છીએ છીએ. ફક્ત ૯૨ જણે તે ફરી પકડાઈ જાય તેવી ઇચ્છા વ્યક્ત કરી. આખા હંગેરીમાં અટિલા 'વ્હિસ્કી' વિશે ચર્ચાઓ ચાલી રહી છે. તેની લોકપ્રિયતા પાછળ ત્રણ કારણો છે. પહેલું એ કે તે 'અહિંસક' છે. આજ સુધીમાં તેણે એકપણ માણસને ઇજા નથી પહોંચાડી. બીજું કારણ એ કે તે હંમેશા બેન્ક લૂંટતાં પહેલાં નજીકના કોઈ બારમાં જઇને વ્હિસ્કીનો કમસે કમ એક પેગ અચૂક પીતો (એટલે જ પોલીસે તેનું ઉપનામ 'વ્હિસ્કી' રાખ્યું છે.) બેન્ક લૂંટવા માટે તેને નશાના જારની જરૂર પડતી હોવાને કારણે હંગેરિયનોને અટિલા કોમળ અને માનવીય લાગે છે. અને તેની લોકપ્રિયતાનું ત્રીજું કારણ તેનો શ્વાનપ્રેમ છે. તે હંમેશા બેન્ક લૂંટવા જતો ત્યારે પોતાના કૂતરાને સાથે જ રાખતો. છેલ્લી વાર તેણે જ્યારે બેન્ક લૂંટી ત્યારે પૈસા મેળવી લીધા બાદ તે ભાગી શકે તેમ હતો, પરંતુ તેનો કૂતરો બેન્કના અંદરના કોઈ કમરામાં માંટો મારવા ગયો હતો. કૂતરાને મૂકીને તે ભાગ્યો નહીં. તેણે બેન્કમાં કૂતરાની શોધ ચલાવી. એમાં તેને વાર લાગી ગઈ એટલે તે પોલીસના હાથમાં ઝડપાઈ ગયો.
ચિત્તા સાથે રેસ ?
નામિબિયાના ઍથ્લેટ ફ્રેન્કી ફ્રેડરિક્સે ગઈ ઓલિમ્પિક્સ સ્પર્ધામાં સૌથી તેજ દોડવીર તરીકે નામના મેળવી ત્યાર બાદ તેને ચિંતા થઈ પડી કે તેના મુકાબલાનો બીજા કોઈ દોડવીર દુનિયામાં છે જ નહીં, તો પછી તે પોતાની ક્ષમતા વધારવા હવે કોની સાથે સ્પર્ધા કરશે. છેવટે તેને એક ઇલાજ સૂઝયો. તેની પાસે એક પાળેલો ચિત્તો છે. એ ચિત્તો નાનો હતો ત્યારે તો મંદગતિએ ચાલતા કાચબાની પીઠ પર બેસીને લટારે નીકળતો. પણ હવે એ મોટો થઈ ચૂક્યો છે. ફ્રેન્કીને લાગ્યું કે હવે તેની સાથે દોડની સ્પર્ધામાં ઊતરવાથી પોતાની ક્ષમતા વધારી શકાશે. એટલે હવે તેણે ચિત્તાને 'ઓન યોર માર્ક, સેટ, ગો' બોલાય કે તરત બધી તાકાત કામે લગાડીને દોટ મૂકવાની તાલીમ આપી છે.









