રક્ષાબંધન એ પર્વ નથી, એક પ્રતિજ્ઞા છે

- એક જ દે ચિનગારી-શશિન્
- રક્ષાબંધન નિમિત્તે ભાઈએ બહેનને વીરપસલીમાં શું આપવું જોઈએ?
શ્રા વણ શ્રધ્ધા, ઉપાસના અને સમર્પણનો મહિનો છે. માણસને પ્રેમ અને લાગણી વગર કયારેય ચાલતું નથી અને ચાલશે પણ નહીં. પરિવારમાં પ્રેમ અને લાગણીથી સહુ ઘરના સભ્યો આનંદથી જીવતા હોય છે. અને એમાંય તે ભાઈ-બહેનનો પ્રેમ તો અજોડ છે. ભાઈ-બહેનના અવિરત નિ:સ્વાર્થ પ્રેમની પ્રતીતિ કરાવતું પર્વ એટલે રક્ષાબંધન.
રક્ષાબંધન રક્ષક અને રક્ષ્ય એટલે કે જેના રક્ષણ માટે રક્ષકે સંકલ્પબધ્ધ બનવાનું એ બન્ને વચ્ચેનો શ્રદ્ધાદીપ છે. રાખડી એટલે લાગણીભીની આંખડી. વગર કહે સમજી જવાની અને આફતની પળે રક્ષ્યને મદદ કરી જવાની તૈયારી હૈયામાં સંઘરી રાખેલી વાતલડી. રાખડી એ પર્વ પણ છે અને રક્ષકને પોરો ચઢાવવાની પ્રવૃત્તિ પણ છે. રાખડીની રક્ષાપોટલી કાંડે બંધાતા માણસમાં વીરત્વ અને ઓજસ્વિતા જાગૃત થવાની સંભાવના સ્વીકારાઈ છે. રક્ષા પ્રતીક હારતા-થાકતા, નિર્બળ બનતા, ઉત્સાહની ઓટમાં સરી જતા મનને તાજગી, સ્ફુર્તિ, બળ અને ઉત્સાહમાં લાવનારું રક્ષાકવચ સાબિત થશે એવી ભાવના સાથે રાખડી બાંધવામાં આવે છે.
રક્ષાબંધન એ શ્રદ્ધા, ભાવના અને શુભત્વમાં વિશ્વાસનો વિષય છે. રક્ષાબંધન એ ખૂબ પ્રાચીન પર્વ છે. એટલે તેને 'વૈદિકપર્વ'ના નામે ઓળખવામાં આવે છે.
પૌરાણિક માન્યતા મુજબ રક્ષાબંધનના દિવસે ઇંદ્રાણીએ શાસ્ત્રીય વિધિ-વિધાન સાથે એક રક્ષાકવચ તૈયાર કર્યું હતું અને તેને ઇંદ્રના કાંડા પર બાંધ્યું હતું. રાક્ષસો સામેના યુધ્ધના સમયે એનો ઉપયોગ કરી ઇન્દ્રાણીએ જીતનો માર્ગ ખોલી આપ્યો હતો. રક્ષાસૂત્ર અથવા રાખડી બાંધવાની પ્રથા એ ક્રિયાથી શરૂ થઈ હોવાનું મનાય છે.
રક્ષાબંધન એ ભાઈ-બહેનના પવિત્ર પ્રેમનું પર્વ છે. સાસરે જતી બહેને તો અનેક અગ્નિપરીક્ષાઓમાંથી પસાર થવાનું હોય છે. આફતની પળોમાં માડીજાયો વીર પોતાની પડખે આવીને ઢાલ બનશે, ઉગારી લેશે, પોતાને અનાથ અને લાચાર બનવા કે રહેવા નહીં દે એવો દૃઢવિશ્વાસ રાખડીના ધાગા દ્વારા બહેન સમાજ સમક્ષ જાહેર કરે છે અને સમાજ એની નોંધ પણ લે છે. એટલું જ નહીં પણ રક્ષાનો સાદ કરે ત્યારે કમજોરની વહારે થવાની પ્રત્યેક સમર્થ-સશક્તની ફરજ છે. એવા સમાજધર્મની પણ રાખડી ઢંઢેરો પીટે છે. મદદમાં આવનાર અને મદદ માગનાર વચ્ચે જાતિ, જ્ઞાાતિ, ધર્મ, વર્ણના બંધનો ન હોવા જોઈએ. ભલે મદદ માગનાર હિંદુય હોય અને મદદકર્તા ઇસ્લામધર્મી- અંતે તો લાગણીના સંબંધો રક્તના સંબધો જેટલા જ પાવનકારી છે.
રક્ષાની ભાવના વ્યક્ત કરવાનો અધિકાર દેવ, દાનવો, માનવો સહુ કોઈનો છે. રક્ષ્યની ભાષામાં બહેન પણ આવે અને પતિ-પત્ની પણ આવે. નબળો પડોશી પણ આવે અને દબાયેલા કચડાયેલા વર્ગનો કોઈપણ માનવી પણ આવે. રાખડીને રંગ સાથે નહીં પણ રાંકત્વ સાથે લેવા-દેવા છે. સવર્ણો દલિતોને રક્ષ્ય માની સમસ્ત અને મમત્વને પ્રેમધાગે બાંધી શક્યા હોત તો અનામતની કાનૂની જોગવાઈનો બંધારણે વિચાર પણ ન કરવો પડયો હોત.
ભાઈ-બહેનના સંદર્ભમાં રક્ષાબંધનનું મહત્ત્વ જોઈએ તો બહેન માટે ભાઈ ૩૬૫ દિવસ રક્ષા માટે સંકલ્પ બધ્ધ છે અને બહેન આખું વર્ષ ભાઈ માટે શુભાશિષની અમીવાદળી બની રહેવા ક્રર્તવ્યબધ્ધ છે. પર્વ દિવસમાં નહીં, અંતરમાં વસેલું છે. દિવસ-વિશેષ તો એની એક સામટી અભિવ્યક્તિનો ઉમળકા ધોધ છે. ભાવના પોતે જ નર્મદા એટલે કે આનંદ આપનારી છે. રક્ષાબંધનના દિવસે ભાઈ-બહેનની પવિત્ર લાગણના પૂર જોવા મળે, પણ એમની લાગણીના નીર તો બારેમાસ વહેતા જ રહે છે.
રક્ષાબંધનના દિવસે ભાઈ બહેનનો રક્ષક બનવાની વણલેખી બાંયધેરી આપે છે અને બહેન ભાઈના રક્ષણની દુવા માગે છે. રાખડીની એ પવિત્રતાનું બંધન કોઈપણ અજાણી બહેન કોઈને રાખડી બાંધીને પણ ભાઈ બનાવી શકે છે. ભાઈના કપાળે તિલક કરી મંગલ કામના સાથે રાખડી બાંધે છે.
મહારાષ્ટ્રમાં રક્ષાબંધનનો તહેવાર 'નાળિયેરી પૂનમ' અથવા શ્રાવણી નામે પ્રસિધ્ધ છે. રક્ષાબંધનને દિવસે લોકો વરુણદેવને પ્રસન્ન કરવા માટે સમુદ્રમાં નાળિયેર પધરાવે છે. રાજસ્થાનના જોધપુરમાં બંધાતી 'રામરાખી' પરંપરાગત રાખડી કરતાં જુદા પ્રકારની હોય છે.
તામિલનાડુ, કેરાલા, તથા આરિસ્સાના બ્રાહ્મણો રક્ષાબંધનના આ પર્વને 'અવનિ અવિત્તમ' પણ કહે છે. જેમાં નદીસ્નાન સહિત ઋષિઓનું તર્પણ કરી નવી જનોઈ ધારણ કરે છે. યુજર્વેદી બ્રાહ્મણો ૬ મહિના માટે વેદના અધ્યયનો આરંભ કરે છે એટલે આ પર્વનું નામ 'ઉપક્રમણ' પણ છે, જેનો અર્થ છે નવી શરૂઆત.
રક્ષાબંધનના દિવસે બલિરાજાનું બળ વિષ્ણુ-ભગવાને વામનવેશે ખંડિત કર્યું હતું. એટલે રક્ષાબંધનને 'બળેવ' પણ કહેવામાં આવે છે. આફ્રિકા સહિત અન્ય દેશોમાં ભારતીય નાગરિકો પણ રક્ષાબંધનના પવિત્ર દિવસની ઉજવણી કરે છે.
મૂળ વાત છે ' રાખડી'ના ધાગા માં ? જીવનનું રક્ષણ કરવાની શક્તિ છે ખરી ? આ શક્તિ રાખડીમાં નહીં પણ તેની ભાવનામાં છે. એ ભાવના સાથે બહેન ભાઈને રાખડી બાંધે છે. એનો અર્થ એ થયો કે 'ભાઈ, હું તમારી રક્ષા માટે રાખડી બાંધુ છું. ભગવાન તમારી રક્ષા કરી.
અને ભાઈ આજીવન બહેનની રક્ષા કરવાની ભાવનાથી બંધાય છે.
જૈન મતાનુસાર રક્ષાબંધનના દિવસે વિષ્ણુકુમાર નામના મુનિએ ૭૦૦ જૈન મુનિઓની રક્ષા કરી હતી, એની સ્મૃતિમાં રક્ષાબંધનનું પર્વ ઉજવાય છે.
રક્ષાની આવી પવિત્ર ભાવના માટે જેલમાં રહેતા કેદીઓને પણ રક્ષા બાંધી 'સદ્વિચાર' પરિવાર જેવી સંસ્થાઓ આ દિવસે કેદીઓને રાખડી બાંધે છે.
રક્ષાબંધનની આ ભાવનાની સાર્થકતા આજના યુગમાં યાંત્રિકતા ધારણ કરી ન દે તેમાં રહેલી છે.
આજના પ્રોદ્યોગિક યુગમાં રાખડી 'ઓનલાઈન'નો વિષય બની ગઈ છે, એ માટે જાગૃતિ કેળવવાનું અનિવાર્ય બની ગયું છે.
આપણા દેશમાં હજુ પણ દીકરા-દીકરી વચ્ચે ભેદભાવ રાખવામાં આવે છે. સંતાન એ સંતાન છે. સંતાનને સ્વાર્થની નજરે મૂલવવું એ જ એક પાપ છે.
મારી દૃષ્ટિએ ભાઈ પોતાની બહેનને પોતાને સમકક્ષ હક અને દરજજો અપાવે એ જ બહેનની સાચી વીરપસલી ગણી શકાય રક્ષાબંધન નિમિત્તે ભાઈએ બહેનને વીરપસલીમાં શું આપવું જોઈએ ?
૧. દીકરા-દીકરીનો ભેદ, ઉડાડી દો એનો છેદ.
૨. ભાઈએ બહેનને પરિવારમાં પોતાને સમકક્ષ હક અને દરજજો અપાવવો જોઈએ.
૩. મમ્મી-પપ્પા ભલે સંતાનભેદ સ્વીકારે પણ ભાઈએ બહેનના લગ્ન બાદ પણ તેને પારકી ગણવી જોઈએ નહીં.
૪. ભાઈએ પૈતૃક વારસારૂપે મળનાર પોતાની સંપત્તિમાં બહેનને સમાનાધિકારાણી બનાવવી જોઈએ.
૫ . એક વ્યક્તિ (દીકરી) જે પોતાના જીવનનો લગભગ એક તૃતીયાંશ હિસ્સો તમારા સાન્નિધ્યમાં વિતાવીને સાસરે જાય છે. ત્યારે એનો પિયરવાસ ધન્ય ધન્ય બની જાય એટલી હુંફાળી લાગણી પામવાનો અધિકાર એને આપવો જોઈએ.




