Shatdal

રેડિએટર એન્ડ ડ્રેઇન : એક ખુશી વહેંચે, બીજો ગમ

By GS Team
28 Jul 20265 mins read
રેડિએટર એન્ડ ડ્રેઇન : એક ખુશી વહેંચે, બીજો ગમ
  • શબ્દસંહિતા - પરેશ વ્યાસ
  • કેટલાંક લોકો એવા હોય છે કે તેઓ જ્યાં પણ જાય ત્યાં ખુશાલી ફેલાવે છે. અને કેટલાંક લોકો એવા હોય કે તેઓથી ત્યાંથી જાય ત્યારે ખુશાલી આપોઆપ ફેલાઈ જાય છે

કોઈ આવે હૈયું હરખાવે, અમૃત જેવા વેણ સુણાવે દુ:ખના વાદળ દૂર હટાવી, રાતદિ' રાજીપો લાવે. કોઈ આવે, આગ લગાડે, નિત નવી ફરિયાદો લાવે, એની સંગે વસંત વિરમે, ખીલેલાં ચહેરાં કરમાવે.

  • યામિની વ્યાસ
    હ મણાં સંપન્ન થયેલી ફિફા વર્લ્ડકપ ફૂટબોલ ટૂર્નામેન્ટ ફાઇનલનાં દિવસે ફિફાના પ્રેસિડન્ટ જિયાની ઈનફેન્ટીનો અને યુએસએના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે થયેલી નોંકઝોંક વાઇરલ થઈ. ઈનફેન્ટીનોએ દાવો કર્યો કે 'ફિફા ૧૨૦ વર્ષોથી સમગ્ર માનવજાતનું ઓફિસિયલ હેપ્પીનેસ પ્રોવાઇડર છે'. અધિકૃત ખુશીનો આપનાર! તેઓ આવું બોલતા હતા ત્યારે ટ્રમ્પે વચ્ચે કોમેન્ટ કરી કે..'સિવાય કે તમારી ટીમ હારી જાય!!!' હારી જાય પછી ખુશી કેવી' ને વાત કેવી? અફવા છે કે ઇનફેન્ટીનોએ આર્જેન્ટિનાની તરફદારી કરી હતી. ટીકાકારો ઈજિપ્ત સામેની મેચમાં રેફરીનાં વિવાદાસ્પદ નિર્ણયોનો દાખલો આપે છે. પણ અમને આ 'હેપ્પીનેસ પ્રોવાઇડર' શબ્દો ગમ્યા. એવી વ્યક્તિઓ જે આવે અને તમને સુખ જ સુખ આપે, મઝા કરાવે, જલસો જ જલસો! અને એવો અર્થ ધરાવતા સુખની સાયકોલોજીનાં બે શબ્દો અમને મળ્યા. રેડિએટર (Radiator) અને એનો વિરોધાર્થી શબ્દ ડ્રેઇન(Drain).
    'રેડિએટર'માં મૂળ લેટિન શબ્દ રેડિયસ એટલે કે પૈડાંનો આરો(સ્પોક) અથવા પ્રકાશનું કિરણ. જેમ પૈડાંના આરા કેન્દ્રમાંથી બહાર નીકળે છે અને કિરણો ફેલાવે એવો અર્થ થાય. જ્યારે 'ડ્રેઇન' જર્મનિક શબ્દ 'ડ્રેએગ' એટલે કે સૂકવવું પરથી આવ્યો છે. જૂની ઇંગ્લિશ ભાષામાં 'ડ્રેહનિયન' એટલે કે પ્રવાહીને ધીમે ધીમે ગાળીને કે નિતારીને બહાર કાઢવું. 'ડ્રેઇન' એટલે ગંદા પાણી નિકાલની વ્યવસ્થા, ગટર, મોરી, નીક. આ તો થયો શબ્દાર્થ.
    'રેડિએટર એન્ડ ડ્રેઇન થિયરી'ના સ્થાપક હતા ફિલોસોફર અને મેનેજમેન્ટ નિષ્ણાત ચાર્લ્સ હેન્ડી. ઓફિસ અને બિઝનેસમાં લોકોના વ્યવહારને સમજાવવા તેઓએ આ શબ્દો વાપર્યા હતા. આ બંને શબ્દો લાક્ષણિક અર્થમાં છે. રેડિએટર એન્ડ ડ્રેઇન થિયરી દર્શાવે છે કે આપણી આસપાસના લોકો આપણી માનસિક ઉર્જા પર કેવી અસર કરે છે. વ્યક્તિઓ બે પ્રકારની હોય. એક રેડિએટર ઉર્ફે ઉર્જા અને ખુશી આપનાર. હેપ્પીનેસ પ્રોવાઇડર. આ એવી વ્યક્તિઓ છે કે જેઓ રૂમમાં આવતા જ હકારાત્મકતા અને ઉત્સાહ ફેલાઈ જાય. હું રેડિએટર છું. મારો સ્વભાવ હંમેશા બધાને મદદરૂપ થવાનો છે. હું મુશ્કેલીના વિવરણને બદલે એના ઉકેલ પર ધ્યાન આપું છું. બીજાને પ્રોત્સાહન આપું છું. હું અલબત્ત સારો શ્રોતા છું. તમારી વાતો ધ્યાનથી સાંભળું છું. માત્ર સાંભળવાથી આનંદ અને શાંતિનો તમને અનુભવ થાય છે. મારી સાથે વાત કરીને તમારો મૂડ થઈ જાય ઝકાસ. પણ હું ડ્રેઇન હોઉં તો? મારી નકારાત્મકતાથી તમારી ખુશી અને ઊર્જા શોષી લઉં છું. હું ફરિયાદો કર્યા કરું. સતત. ખામીઓ શોધ્યા કરું. અવિરત. આસપાસનું વાતાવરણ ભારેખમ બનાવી દેવું એ મારો ટ્રેડમાર્ક. કુછ દિન ગુજારો મેરે સાથ અને તમે માનસિક થાકથી થઈ જાઓ લોથપોથ. ઓસ્કાર વાઇલ્ડની વાત સાચી છે. કેટલાંક લોકો એવા હોય છે કે તેઓ જ્યાં પણ જાય ત્યાં ખુશાલી ફેલાવે છે. અને કેટલાંક લોકો એવા હોય કે તેઓથી ત્યાંથી જાય ત્યારે ખુશાલી આપોઆપ ફેલાઈ જાય છે. હાશ, ગયા! રેડિયેટર અને ડ્રેઈનમાં બસ આટલો જ ફેર છે.
    જે રેડિએટર છે તેઓને અન્ય લોકોના દુ:ખ સુખને પોતાના માનીને અનુભવવાની ક્ષમતા વિશેષ હોય છે. સહ અનુભૂતિ! બીજાને મદદ કરે ત્યારે એને પોતાને કાયમ ખુશી જ થાય. એનાં વાણી વર્તનથી આસપાસના વાતાવરણને સતત ખુશનુમા બનાવવવાની કળા તેઓને આત્મસાત હોય. એને સમજ હોય છે કે હું શું કહીશ કે કરીશ, જે સામેવાળી વ્યક્તિને ગમશે. તમારો બોસ જો રેડિએટર હોય તો એ તમારી નાની સફળતાના પણ જાહેરમાં ગુણ ગાશે પણ તમારી મોટી ભૂલ વિષે એકાંતમાં પ્રેમપૂર્વક ખખડાવશે. કેટલાંક ખુશમિજાજ વડીલોનો પણ તમને અનુભવ થયો હશે. જેમ કે ઘરમાં એવા દાદા-દાદી કે નાના-નાની જે સદા હસતા રહે. ઘરમાં ગમે તેટલો ઝઘડો કે તણાવ હોય, તેઓ પોતાની મીઠી વાતો, જૂના કિસ્સાઓ કે રમૂજ દ્વારા આખા પરિવારને એક તાંતણે બાંધી રાખે અને ઘરનું વાતાવરણ હળવું રાખે. અને મિત્ર તો રેડિએટર હોવાના જ. કારણ કે એ મિત્ર છે. એમ કે તારો આઈડિયા છે જોરદાર. એમ કે તું સક્ષમ છે અને હું તારી પડખે જ છું. નાની જીતની મોટી ઉજવણી જે કરે એ રેડિએટર.
    ડ્રેઇન કાયમ ફરિયાદ કરતા રહે. વાંકુ એમને જ પડે. કાયમ. લગ્નપ્રસંગે ફૂઓ કેવો હોય?! સમસ્યાની લાંબી લચક યાદી એમની કને હોય. ડ્રેઇન માને કે આખી દુનિયા તેની વિરુદ્ધ છે. અન્ય સામે દોષારોપણ કરવું અને દરેક ચીજમાંથી ખામી જ કાઢવી એ એની તાસીર. તેઓ જોય કિલર્સ હોય છે. તમને સારી નોકરી મળે કે પ્રમોશન મળે તો અભિનંદનની જગ્યાએ એમાં છૂપાયેલાં જોખમ ગણાવવા માંડશે. હું કહું કે મેં નવી કાર ખરીદી! ત્યારે રાજી થવાને બદલે તરત કહેશે, અરે યાર, આ કાર કેમ લીધી? એવરેજનું ઠેકાણું નથી, સ્પેરપાર્ટ્સ મોંઘા છે અને આ કલર ભંગાર છે. ઇર્ષા, સરખામણી અને માત્ર પોતાની જ વાત. જે પુરુષને એનો પગાર પૂછે અને સ્ત્રીને એની ઉંમર, એને તમે સર્ટિફાઈડ ડ્રેઇન વ્યક્તિ કહી શકો.
    નજર દોડાવો તો બંને પ્રકારની વ્યક્તિઓ તમને મળી આવશે. રેડિએટરને આવકારો અને ડ્રેઇનને જાકારો આપો. જો કે માણસ કાંચીડો છે. વારે વારે રંગ બદલે. ઓળખવો અઘરો. ખબર ન પડે કે એ રેડિએટર છે કે ડ્રેઇન. ક્યારેક તો માણસ રેડિયેટર અને ડ્રેઈનનું કોમ્બો પેકેજ ય હોય. સમજવો અઘરો!
    શબ્દશેષ
    ''કાશ, મેં રેડિએટર્સ (ઊર્જા આપનારા લોકો) અને ડ્રેઇન્સ (ઊર્જા ચૂસી લેનારા લોકો) વચ્ચેનો ભેદ પારખવાનું વહેલું શીખી લીધું હોત.'' -ઓપ્રાહ વિનફ્રે, જ્યારે તેઓને પૂછવામાં આવ્યું કે તેઓ તેમના જીવનમાં વહેલા શું શીખ્યા હોત તો સારું થાત.