રાધા-કૃષ્ણ-વિશ્વનું એક માત્ર પ્રેમતીર્થ

- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી
- જ્ઞાનનો માર્ગ પણ પ્રેમ પાસેથી જ પસાર થતો હોય છે. જગતનો સાર કેવળ પ્રેમ છે
મા રે પણ મારો એક ખાસ સજાવેલો શ્રાવણ છે. વરસાદી જલધારાઓ વચ્ચે હું એને ભિન્ન ભિન્ન રૂપે ભીતરથી પામતો જાઉં છું. એનાં બાહ્ય દ્રશ્યો કે રૂપોથી તો હું અભિભૂત છું જ, પણ ભીતરી રૂપોય મને એટલાં જ પ્રિયતર છે. આવાં રૂપોમાં સૌથી આગળ હું કૃષ્ણરૂપને મૂકું છું. કૃષ્ણને જેમ જેમ વાંચતો-વિચારતો જાઉં છું તેમ તેમ તે મને વધુ ને વધુ મધુર-મોહક લાગતો જાય છે. મારે મન તો એ પણ પ્રેમરૂપનો એક બીજા પ્રકારનો ધોધમાર વરસાદ જ છે. કોઈ મહાગ્રંથનું એકાદ પાનું ઉઘાડો, વાંચો અને મન વળી આગળના પાનને સમજવા ઉત્સુક થઈ જાય એવું જ આ કૃષ્ણનું આકર્ષણ રહ્યું છે. તમે જ્યારે પણ કૃષ્ણનું સ્મરણ કરો ત્યારે તે સાવ નવો જ લાગવાનો. દરેક વખત તેની શબ્દલીલા જુદી જ હશે, તેનું સ્મિત અને તેની ચહેરાની લકીરો સાવ પૃથક જ જણાશે. કૃષ્ણ એક આશા, એક શ્રધ્ધા, કોઈક અરમાન તો નર્યો આનંદ, નર્યું નૃત્ય, અકળ અને ગુહય લાગવાનો. પળે પળ, બધી રીતે, સર્વાંગથી !
આવા કૃષ્ણ પાસે જ્ઞાન ઓગળી જાય છે, બધા તર્ક બુઠ્ઠા થઈ જાય છે, અહમ્ પણ બાજુએ રહી જાય છે, ધારણાઓ પણ ખોટી પડે છે. 'કૃષ્ણ' જલ્પન નથી, કલ્પન છે, કલ્પના પણ છે અને ખરા અર્થમાં કુદરત પણ છે. 'કુદરત'નો અર્થ મારે મન 'ઈશ્વર'થી જુદો, સાથે આગળનો પણ છે. ક્યારેક અવકાશે મહાભારતના કૃષ્ણનો વિચાર કરજો, ભાગવદ્માં નિરૂપાયેલા કૃષ્ણનો વિચાર કરજો, વૃંદાવન-મથુરા કે યમુનાકાંઠે ભમતા કૃષ્ણને યાદ કરજો, ગોકુળના કે દ્વારકાના કૃષ્ણને પણ સ્મરી લેજો- અલબત્ત આવી યાદી તો લંબાતી જ જાય, લંબાતી જ જાય એવી છે. કારણ કે કૃષ્ણ પૃથ્વી પરનો જાદુ છે. હજારો વર્ષ પછી પણ એ જાદુ જેવો ને તેવો રહ્યો છે. એમાં ઓટ કદી આવી નથી, માત્ર ભરતી ને ભરતી જ આવ્યા કરી છે. શું હશે કૃષ્ણમાં એવું તે ? એવો પ્રશ્ન થાય એ સ્વાભાવિક છે. ત્યાં થોડોએક ઉત્તર પામવા આપણે ઉદ્ધવજી પાસે પહોંચવું પડે. નંદ-જશોદાને મળવું પડે. વ્રજભૂમિ પર સંચરણ કરવું રહે. પેલી ગોપીઓને-ગોપબાળને, ગંગલી ગાયને પૂછવું પડે. ગંગલી ગાયને ઘાસનું નીરણ કરવું પડે, તેના ડિલે હાથ ફેરવવો પડે, વ્રજમાંના તેમના મિત્ર મધુમંગલને મળવું પડે, જરૂર પડે સુદામા કે સાંદીપનિ ઋષિ પાસે પણ મુલાકાત માગવી પડે. કૃષ્ણની પટરાણીઓ સુધી એવા કૃષ્ણનું પગેરું કાઢવા જવું પડે અને, અને હિંમત હોય તો વિશાખા, લલિતા, સુનંદા કે માલતી સાથે ગોષ્ઠી ગોઠવવી પડે. આ સુકન્યાઓ કૃષ્ણની સખીની ખાસ સખીઓ છે. સમજ્યાને ?
આ કૃષ્ણની સખી તે બીજું કોઈ નહીં - રાધા, હા રાધાને જ તમારે, મારે સૌ કોઈએ મળવું પડે, મનભરીને, ખુલ્લા મને… બસ, તમારા-મારા બધા પ્રશ્નોના, કૃષ્ણની ઓળખ માટેના પ્રશ્નોના ઉત્તરો કેવળ રાધા પાસે છે. અને રાધા તો નિરુત્તરી છે ! રાધા તો બહુશ: તો મૌન ધારીને બેઠી છે. ઉત્ફુલ્લ ખરી અને ઉદાસ પણ ખરી. લૌક્કિ રીતરસમોથી જોજનો દૂર તે પોતાનું આગવું નીતિશાસ્ત્ર અને પ્રીતિશાસ્ત્ર લઈને સમયનું કોઇક અભિનવ રૂપ રચતી રહી છે. સંપૂર્ણ નિગરણ, સંપૂર્ણ સમર્પણ, સદાનું એકત્વ. કૃતિ-પ્રકૃતિ, સૃષ્ટિ-સ્રષ્ટા, સખા-સુહાગ, તૃષા-તોષ બધું જ કૃષ્ણ છે. એનાં વેદ-ઉપનિષદ બધું કૃષ્ણ છે. એથી તો કહેવાયું કે જે કૃષ્ણ છે તે પોતે જ રાધા છે, અને જે રાધા છે તે જ શ્રીકૃષ્ણ પોતે છે. શ્રી રાધા-માધવમાં એક જ જ્યોતિ બે સ્વરૂપે પ્રકટ થઈ છે.
કૃષ્ણને પામવાનો ખરો પથ જ આ એક જ્યોતિ છે. કૃષ્ણને પામવા રાધાના રસ્તેથી જ અનિવાર્યપણે પસાર થવું પડે. બીજો કોઈ માર્ગ જ નથી. આજે - હજારો વર્ષ પછી ય કોઈ કૃષ્ણ પાસે પહોંચવાનો નવા માર્ગ હજી શોધી શક્યું નથી… ઉદ્ધવનું જ્ઞાન એ શોધ માટે હાર્યું નથી પણ એ જ્ઞાનમાં તેણે ઉમેરણ કરવું પડયું કે જ્ઞાનનો માર્ગ પણ પ્રેમ પાસેથી જ પસાર થતો હોય છે. કૃષ્ણ-રાધા પુરુષ-પ્રકૃતિ છે, ચિર યુગ્મ છે. આવા જ્ઞાનીજને તેથી જ ઊંડી ભાવસંવેદના સાથે સ્વીકાર્યું કે જગતનો સાર કેવળ પ્રેમ છે, એ સિવાય અન્ય કોઈ સાર સંભવી શકે જ નહીં. આવી પ્રેમમયતા, પ્રેમની તન્મયતા, તરબોળપણું એટલે સાક્ષાત્ કૃષ્ણ-રાધા, પેલી ગોપીઓ… ગોપીભાવ એ જ પ્રેમરસ, એ જ પ્રેમલીલા, એ જ પ્રેમસમાધિ એ જ ઔષધ અને અસ્ત્ર-શસ્ત્ર…
વૃન્દાવન તેથી જ પ્રેમવન બન્યું છે, વિશ્વનું પ્રેમવન, સ્ત્રી-પુરુષ પ્રકૃતિનું ધામ. ત્યાં જ સૂક્ષ્મરૂપે સર્વ દેવ-દેવીઓનું કે એવાં દૈવી રૂપોનું પ્રવર્તન રહ્યું છે. નારદનું પણ ત્યાં જ, વૃન્દાવનમાં પ્રેમરૂપ સંસિદ્ધ થઈ ચૂક્યું હતું. ભાગવદ તો આગળ વધીને એમ પણ કહેવાનું ગોપીઓ જ શ્રુતિઓ છે, વેદની ઋચાઓ છે, દેવકન્યાઓ છે. એવું સ્ત્રીત્વ, એવો અહર્નિશ ગોપીભાવ જ કૃષ્ણનું વિશ્વ છે. એ જ સખીઓ, એ જ પ્રેમસીઓ, એ જ સહાયિકાઓ, એ જ શિષ્યા અને એજ ગુરુ. એ જ વેદજ્ઞા અને એ જ ઋષિઓ… અર્જુન જેવો પણ અર્જુનીમાં પરિવર્તિત થઈ ગયો હતો. આવો ગોપીભાવ જ રતિ-સ્નેહ-માન- પ્રણય-રાગ- અનુરાગ-ગોપીભાવ અને છેલ્લે મહાભાવમાં પરિણમે છે.
રાધા સાથે કૃષ્ણનો અને કૃષ્ણ સાથે રાધાનો આવો પરસ્પર મહાભાવ હતો. પુરુષત્વમાં સ્ત્રીત્વ ઉમેરાય અને સ્ત્રીત્વમાં પુરુષત્વ ઉમેરાય-નિસ્પૃહ-નિરામય રીતે, અધિકાર - ભાવ વિનાનો અધિકાર ત્યારે અદ્વૈતનું પુષ્પ જીવનવૃંત પર ખીલી ઊઠે છે. એવા શીલવંત પ્રેમને પ્રશ્નો-ઉત્તરોની પાર જઈ નિહાળવો પડે. ત્યારે ત્યાં કોઈ પણ યુગના માપદંડો કે માપપટ્ટીઓ તેને માપવા ઊંણાં ઊતરે. દ્વારિકામાં તેથી તો કૃષ્ણ આખરી ધર્મસભા યોજીને નારદજીને કહ્યું હતું કે રાધા સાથેના પવિત્ર સંબંધને કોઈ એમના ત્રાજવે ન તોળે તે વાત તમે
ધર્મસભામાં જ કરજો. જુઓ, આ પણ કૃષ્ણ છે. તે યુગમાં અને પછી - આજ સુધી કૃષ્ણનું પ્રેમગણિત પણ એટલું જ ધ્યાનમાં રાખવું પડે છે. 'પ્રેમ' શબ્દ લોક સુધી પહોંચતો નથી અને પહોંચે છે તો પણ આવી 'ધર્મસભા'માં સ્પષ્ટતા કરવી પડે છે ! છતાં પ્રેમનું ઐશ્વર્ય જુઓ - રાધા અને કૃષ્ણ જ સનાતન પ્રેમતીર્થ રહ્યાં છે. સ્ત્રી-પુરૂષની અદ્વૈત શક્તિ જ બધાં દ્વાર ઉઘાડી આપે છે. રાધા-કૃષ્ણની આવી ગૂંથણીમાં જ બંનેનાં સાચા જન્માક્ષર-કુંડળી રહ્યાં છે.




