Shatdal

રૂપનું અભિમાન

By GS Team
21 Jul 20265 mins read
રૂપનું અભિમાન

વહેતું જીવન-ડૉ. હર્ષદ કામદાર
અરીનાને રસોઈ બનાવવાની ક્યાં જરૂર છે. તમારે ઘરેતો કૂક અને સર્વન્ટ હશે જ ને !'


'શું આખો દિવસ વાંચવાંચ કરે છે?' અરીનાએ તેની કાકાની દિકરી બહેન નતાલિયાને કહ્યું.
'અરીના, આપણી પરીક્ષાઓ આવતા મહિને જ છે. ડિગ્રીના ફાઇનલ ઈયરમાં વાંચીને ફર્સ્ટ ક્લાસ તો લાવવા ેજ પડશે ને !'
'એ બધું તું કર, મને તો એમાં કોઈ રસ નથી. આપણે છોકરીઓએ વધારે ભણીને, ગ્રેડ લાવીને શું કામ છે ? આપણે તો રૂપ અને ગ્લેમરથી સારા પૈસાદાર છોકરાને ફસાવી મોજમજા કરવાની.' અરીનાએ બેફિકરાઈથી કહ્યું, અને પોતાનો મેકઅપ કરવા લાગી.
'બહેન, એવું નથી. ફક્ત રૂપિયા જ નહીં, ભણતરથી વ્યક્તિમાં સ્માર્ટનેસ અને જ્ઞાન આવે છે.' નતાલિયા સમજાવતા બોલી.
'હા,હા, તારા જેવી શ્યામ છોકરીમાં તો ભણતર અને નોકરી જોઈશે જ ને ! નહિતર તને પસંદ કોણ કરશે ?' કહીને અરીના હસવા લાગી.
શ્યામલી નતાલિયાને ચશ્મા અને સામાન્ય દેખાવ હતો, જ્યારે અરીના રૂપાળી અને દેખાવડી હતી. નતાલિયાના પપ્પા પરેશભાઈ અને અરીનાના પપ્પા હરેન્દ્રભાઈને વારસામાં મોટો બંગલો મળેલો હતો, એટલે બન્ને કુટુંબો જોઇન્ટ ફેમિલીમાં જ રહેતા હતા. હરેન્દ્રભાઈની નોકરી સારી હતી, અને કંપની તરફથી એમને બે વરસ માટે અમેરિકા પોસ્ટિંગ મળ્યું હતું. તે ત્યાંથી રૂપાબેન અને અરીનાને ડોલર મોકલતા રહેતા. પૈસાની રેલમછેલ હોવાથી અરીના ઉડાઉ, રખડું અને ઉછાંછળી બની ગઈ હતી.
નતાલિયા પપ્પા પરેશભાઈની નોકરી સામાન્ય હતી. પણ તેના પત્ની રેખાબેન ખુબજ સમજુ અને ઘરરખ્ખું સ્ત્રી હતા. તે ઘરનું અને રસોડાનું તમામ કામકાજ કર્યા કરતાં, અને નતાલિયાને રસોઈમાં પણ પારંગત બનાવી દીધી હતી.
અરીનાને પોતાના રૂપનું બહુ જ અભિમાન હતું. તેની મમ્મી રૂપાબેન પણ આળસુ હતા, અને વારેવારે બહારથી ખાવાનું ઓનલાઈન મંગાવતા રહેતા, તેથી અરીનાને રસોઈ કે ઘરકામ આવડતા જ નહીં. તે બ્યુટી પાર્લરમાં અને રેસ્ટોરેન્ટમાં જ રખડયા કરતી.
રવિવારની સાંજે એન્જિનિયર મુરતિયો અશોક નતાલિયાને જોવા આવ્યો હતો. સામાન્ય ઘર હતું, તેનો પગાર સારો હતો, તેથી પરેશભાઈએ આ મિટિંગ ગોઠવી હતી. અશોકને નતાલિયાનો દેખાવ બહુ ગમ્યો નહીં, પણ તેની સાથેની મિટિંગમાં નતાલિયાની આવડત અને સમજણ ગમતાં તેની મમ્મી સાથે તેણે મસલત કરી, અને કન્યા પસંદ પડી, તેવું જાહેર કર્યું. સગાઈ ક્યારે કરવી તે વિચારવા
બેઠા હતા.
અરીનાને તેના રૂમમાં ખબર પડી કે નતાલિયાનું ગોઠવાઈ રહ્યું છે. તેને જલન થઈ, મારા પહેલા તેની સગાઈ ન થવા દઉં. તે ઊઠીને ડ્રોઇંગરૂમમાં આવી. તેને જોતાવેંત અશોક અને તેની મમ્મી પૂછવા લાગ્યા, 'આ કોણ છે ?'
'એ મારા દિયરની છોકરી અરીના છે.' રેખાબહેને જવાબ આપ્યો.
'અમને પહેલા અરીના બતાવવી જોઈએને !' અશોકને તો એજ ગમી ગઈ છે.' અશોકની મમ્મી સામેથી બોલ્યા. 'અરીનાનાં પપ્પા તો અમેરિકામાં છે. તેમને પૂછવું પડશે.' પરેશભાઈ બોલ્યા.
'સારું તેને પૂછી રાખજો.' કહીને બન્ને ઊભા થઈ ગયા. નતાલિયાના સંગપણની વાત જ ઉડી ગઈ.
અરીના તો ઈર્ષામાં રંગમાં ભંગ પાડવા જ આવી હતી. તેણે તો અશોક માટે ના પાડી, અને આખી વાત બગડી ગઈ. નતાલિયા દુ:ખી થઈને નિરાશ થઈ ગઈ.

બીજે દિવસે હરેન્દ્રભાઈનો ફોન આવ્યો, તેમના મિત્રનો છોકરો જીગર અમેરિકામાં કાર્ડિયોલોજીસ્ટ થઈને ગુજરાતી છોકરી પસંદ કરવા આવી રહ્યો છે. આપણે ઘરે જ રહેવાનો છે. તેને અરીના ફોટા પરથી પસંદ પડી ગઈ છે. પાંચ છ દિવસ સાચવી લેજો.
'હા,હા, અમે તેને સંભાળી લઈશું. તેનો ફોટો મોકલાવો.' રૂપાબેન ખુશ થતાં બોલ્યા. જિગરનો ફોટા જોઈ અરીના તેના પ્રેમમાં પડી ગઈ. અમેરિકામાં ડોક્ટર છે, એટલે કેટલો બધો પગાર હશે. તેને તો અમેરિકાની જાહોજલાલીના સપના આવવા લાગ્યા. મોટી લકઝરી કારમાં બન્ને નાયગ્રા ફોલ ફરવા જતાં હોય તેવો સપનાથી અરીના ખુશ થઈ ગઈ. હવે મારે જીગરને પાડવો જ પડશે.
અમદાવાદ એરપોર્ટ પર તૈયાર થઈને અરીના અને રૂપાબેન જીગરને લેવા ગયા.
'હાય, આઈએમ અરીના.' કહીને તેણે હાથ લંબાવ્યો.'જીગર સાદો અને સમજુ ડૉક્ટર હતો. તે અરીનાને જોતો જ રહી ગયો. ઘરે જઈને તેની ઓળખાણ નતાલિયા સાથે થતાં તેને તેની સાદગી ગમી ગઈ.
રાત્રિના ભોજનની બિરયાની જીગરને અને તેની મમ્મી આરતીબેનને બહુ જ સ્વાદિષ્ટ લાગી.
'વાહ, બિરયાની સરસ છે. અરીના તે બનાવી છે ?' જીગરે પૂછયું.
'ના, તે નતાલિયાએ બનાવી છે. અરીનાને રસોઈ બનાવવાની ક્યાં જરૂર છે. તમારે ઘરેતો કૂક અને સર્વન્ટ હશે જ ને !' અરીનાના મમ્મી રૂપાબેન તેનો પક્ષ લેતા બોલ્યા.
બીજે દિવસે સવારે અરીના અને જીગર ફરવા ઉપડયા. ઘરની બહાર નીકળતા જ એક વૃધ્ધ દંપત્તિ રોડ ક્રોસ કરવા કોશિશ કરી રહ્યા હતા, પણ ટ્રાફિક વધારે હોવાથી મુશ્કેલી અનુભવતા હતા. અરીના ચિડાઈને બોલી, 'શું આવા ડોશાડોશી આ ઉમરે ફરવા નીકળી પડે છે.'
ત્યાં તો સામેથી નતાલિયા આવી, તેણે પરિસ્થિતિ જોઈ બન્નેનો હાથ પકડી રોડ ક્રોસ કરાવી દીધો. જીગર જોઈ રહ્યો. અરીના બગડી, 'ખોટે ખોટા મદદ કરવાના દેખાડા કરી રહી છે.'
અરીનાએ એ.સી. ટેક્ષી કરી જીગરને બે ત્રણ જગ્યાએ ફેરવ્યો. પછી આશ્રમરોડની ફાઇવસ્ટાર હોટલમાં લંચ માટે લઈ ગઈ. જીગર ઇન્ડિયામાં થઈ રહેલા સુંદર વિકાસથી ખુશ થઈ વખાણ કરવા લાગ્યો. અરીનાને લાગ્યું, તે મારા રૂપના વખાણ કરી રહ્યો છે.
સાંજે ઘરના ગાર્ડનમાં બેસી બન્ને હાથમાં હાથ પરોવી વાતો કરી રહ્યા હતા. ત્યાં અચાનક નતાલિયા આવી જતાં, જીગર હાથ છોડાવી ઊભો થઈ જવા લાગ્યો. અરીના ગરમ થતાં બોલી, 'શું નતાલિયા જોતી પણ નથી અમે બે પ્રેમીઓ વાતો કરતાં હતા.' જીગર ઘરમાં દાખલ થતાં ઊભો રહી સાંભળવા લાગ્યો. 'સોરી' નતાલિયા બોલી.
'જોતી નથી. મારા રૂપ અને ગ્લેમરથી મે જીગરને લટ્ટુ બનાવી દીધો છે, આખો દિવસ તે મારી આગળ પાછળ ફર્યા કરે છે.' અરીના અભિમાનથી બોલી. જીગર આ સાંભળી ચમકી ગયો.
બીજે દિવસે રિંગ પહેરાવવા જીગરના મમ્મી ઊભા થયા, અરીના હાથ લંબાવવા ગઈ, પણ તેમણે નતાલિયાને રિંગ પહેરાવી દીધી. જીગરે કહ્યું, 'બહુ વિચારીને અમે નતાલિયાને પસંદ કરી છે.' અમારે રસોઈની જાણકાર, ઘરરખ્ખું, સમજુ અને દયાળુ છોકરીની જરૂર છે. રૂપની હવે અમેરિકામાં કોઈ વેલ્યૂ નથી. ત્યાં તો રૂપાળા લોકો સામેથી તડકામાં ટેનીંગ કરી શ્યામ થવા મહેનત કરે છે.' 'અરીના અને રૂપાબેન ભોંઠા પડી જોતાં જ રહી ગયા.
લાસ્ટ સ્ટ્રોક :
રૂપ અને દેખાવ શરૂઆતમાં જ સારું લાગે છે, પણ સમજુ, દયાળુ અને કામની જાણકાર સ્ત્રી જિંદગીભર સાથ આપે છે.