પ્રિ-વેડિંગ ડિટેક્ટીવ એજન્સી !

- રજનીગંધા-વિભાવરી વર્મા
- હવે ખબર પડી કે સુરમયીના 'પપ્પાઓ' કોણ કોણ છે! એ તો ઠીક, સુરમયીના બેન્ક એકાઉન્ટમાં નજર કરી ત્યારે તો કેતવની આંખો જ ફાટી ગઈ!
'જો સમજી લે, આપણા એક એનઆરઆઈ ક્લાયન્ટ માટે એક યુવતીનું સર્વેલન્સ કરવાનું છે…'
કેતવ નવો નવો એક ડિટેક્ટીવ એજન્સીમાં જોડાયો હતો. જોડાયો નહીં, બલ્કે ડિટેક્ટીવ એજન્સીએ જ એને શોધીને અહીં જોડાવાની ઓફર આપી હતી.
એનું કારણ એ હતું કે એન્જિનિયરીંગ કોલેજમાં ભણતાં ભણતાં કેતવે 'હેકાથોન'માં ભાગ લઈને સળંગ બે વરસ સુધી ફર્સ્ટ પ્રાઈઝ જીત્યું હતું. 'હેકાથોન' એટલે કોઈ કંપનીનાં અથવા કોઈ વ્યક્તિનાં કોમ્પ્યુટરોને 'હેક' શી રીતે કરવાં તેની હરિફાઈ!
આમ જોવા જાવ તો આ એક જાતનો ક્રાઈમ છે. પરંતુ હવે દુનિયામાં 'એથિકલ હેકર્સ' નામની એક કોમ્યુનિટી બની છે. જેઓ દેશ માટે કે પોતે જે કંપનીમાં જોબ કરે છે તેને માટે 'સારા હેતુસર' અમુક લોકોનાં કોમ્પ્યુટરો હેક કરવાનું કામ કરે છે.
'પ્રિ-વેડિંગ ડિટેક્ટીવ એજન્સી' પણ અહીં એવું જ કામ કરી રહી હતી. આજકાલ લગ્ન કરતાં પહેલાં છોકરા છોકરીઓ એકબીજાનાં 'બેકગ્રાઉન્ડ' ચેક કરવા માટે આવી સેવાઓ લેતા થઈ ગયા છે.
એમાંય, જ્યારે એનઆરઆઈ યુવક કે યુવતી હોય તો વિદેશ બેઠાં બેઠાં પોતાના થનારા જીવનસાથી વિશે સાચી માહિતી શી રીતે મેળવે ? આના કારણે અહીં 'પ્રિ-વેડિંગ ડિટેક્ટીવ એજન્સી'ને એવાં કામો વધારે મળતાં હતાં.
'તો કેતવ, તારા માટે તો આ સાવ સહેલું કામ છે…' કેતવના બોસે તેને સમજાવ્યું 'તારે એ છોકરીના ઘરે પાર્સલ ડિલીવરી કરવાને બહાને જવાનું છે. જઈને કહેવાનું કે તમારા જે ફિયાન્સે છે એમણે તમારા માટે કોઈ ગિફ્ટ મોકલાવી છે, જે આપણા એનઆરઆઈ ક્લાયન્ટે ખરેખર મોકલી જ હશે, પણ રેગ્યુલર ડિલીવરી કંપનીના બદલે તારે જવાનું છે, રાઈટ !'
'સમજી ગયો… પછી ?'
'પછી તારે એ છોકરીના હાથોહાથ જ પાર્સલ આપવાનો આગ્રહ રાખવાનો. જ્યારે તું પાર્સલ આપે ત્યારે એક ઓટીપી એ છોકરીના નંબર ઉપર જશે. તારે કહેવાનું જરા ઓટીપી શેર કરશો ? જેવો એ ઓટીપી શેર થશે કે તરત એ છોકરીનો ફોન હેક થઈ જશે!'
સમજી ગયો! પછી મારે શાંતિથી ઓફિસમાં બેઠાં બેઠાં લેપ-ટોપ ખોલીને એ ફોનની તમામ ચેટ, તમામ ફોટા, ચેક કરવાની છે! બોસ, આ તો સિમ્પલ કામ છે.'
'હા, પણ બિ કેરફૂલ! આમાંથી કોઈપણ ઈન્ફર્મેશન આપણી ઓફિસની બહાર જશે તો આપણા ઉપર ક્રિમિનલ કેસ થઈ શકે છે. સમજ્યો ને ?'
'સર, એથિકલ હેકિંગની લાઈનમાં આવ્યો ત્યારથી આ વાત મેં કંઠીએ બાંધી રાખી છે. ગ્રાહકનો વિશ્વાસ એ જ આપણી અમૂલ્ય મૂડી છે.'
'ગુડ, તો લે આ છોકરીની ડિટેલ્સ…. તને તારા મોબાઈલમાં સેન્ડ કરું છું.'
કેતવ બોસની કેબિનમાંથી ઊઠીને પોતાના ટેબલ પાસે આવ્યો. પરંતુ જેવી એણે પેલી છોકરીની ડિટેલ્સ ખોલી કે તરત એના હોશ ઊડી ગયા!
'સુરમયી? માય ગોડ ?' સુમરયી માટે વિદેશથી કોઈ મેરેજની વાત ચાલી રહી છે ? એણે તો મને કીધું પણ નથી!!'
હકીકતમાં કેતવ અને સુરમયી છેલ્લા બે વરસથી એકબીજાનાં પ્રેમમાં હતાં!
કેતવનું દિમાગ ઘુમરી લઈ રહ્યું હતું. શું મારાથી છૂપું રાખીને સુરમયી કોઈ એનઆરઆઈને પરણી જશે ? સાલું ઈન્ડિયામાં રહીને મિડલ ક્લાસ હોવું એક જાતનો શ્રાપ જ છે!
છતાં કેતવને થયું કે કદાચ સુરમયીનાં મા-બાપે આ બધું ગોઠવ્યું હશે. સુરમયીની જરાય ઈચ્છા ન હોવા છતાં 'વાતચીત' તો ચાલુ રાખવી જ પડે ને?
આખરે કેતવે સુરમયીનાં મોબાઈલની ડિટેલ્સ ચેક કરવા માંડી… પણ આ શું ??
(ખેર કેતવે જાતે પાર્સલ ડિલીવર કરવાને બદલે એક પ્યુનને મોકલીને ઓટીપીનો ખેલ પાડી દીધો. હવે તમામ વિગતો કેતવના લેપટોપમાં હતી.
સુરમયીની ફોટો - ગેલેરી ખોલતાં જ કેતવના હોંશ ઊડી ગયા! અહીં 'કેતવ' નામનું ફોલ્ડર તો હતું જ, જેમાં કેતવ અને સુરમયીની પર્સનલ રોમેન્ટિક તસવીરો હતી… પણ એ સિવાય બીજાં ચાર એવા ફોલ્ડરો હતાં.!!એક 'રોશન' હતો, જે પૈસાદાર નબીરો લાગતો હતો! બીજો! 'બાદશાહ' હતો જે દેખાવે કોઈ ગેંગસ્ટરથી કમ નહોતો! ત્રીજો એક 'શોભિત' હતો જે નોઈડાની કોઈ આઈટી કંપનીનો માલિક હોય એવું લાગતું હતું!
માય ગોડ! સુરમયી એક સાથે ચાર પાંચ જણા સાથે 'રોમાન્સ' કરી રહી હતી.
સુરમયીની કોલ ડિટેલ્સ જોતાં તો ખાતરી થઈ ગઈ! દરેક સાથે સવા કલાક, દોઢ કલાક જેટલી વાતો ચાલતી હતી!
કેતવને અચાનક યાદ આવ્યું કે જ્યારે સુરમયી સાથે કોલ ચાલતો હોય ત્યારે તે અચાનક કહેતી 'સોરી હોં, પપ્પાનો ફોન આવતો લાગે છે. પછી કોલ કરું છું… એમ કરીને કટ કરી નાંખતી હતી!'
હવે ખબર પડી કે સુરમયીના 'પપ્પાઓ' કોણ કોણ છે! એ તો ઠીક, સુરમયીના બેન્ક એકાઉન્ટમાં નજર કરી ત્યારે તો કેતવની આંખો જ ફાટી ગઈ!
સુરમયી અવારનવાર કેતવને કહેતી હતી. પ્લીઝ, મને થોડા પૈસાની જરૂર છે. મમ્મીની કેન્સરની ટ્રિટમેન્ટ ચાલે છે ને ? એટલે કેતવે અવારનવાર પોતાની સેલેરીમાંથી દસ હજાર, પંદર હજાર જેવી રકમો સુરમયીના એકાઉન્ટમાં મોકલી હતી. પણ અહીં તો 'મદદ' નો રાફડો ફાટયો હતો! પેલા નબીરાઓએ લાખ, બે લાખ, પાંચ લાખ જેવી રકમો સુરમયીના ખાતામાં નાંખી હતી.!
કેતવ સમજી ગયો કે એની તો 'ગેઈમ' થઈ જ ગઈ છે.પણ હવે આગળ શું ?
શું સુરમયીનો સાચો રિપોર્ટ આપીને તેનો એનઆરઆઈ છોકરાને પરણી જવાનો પ્લાન ચોપટ કરી નાંખવો ? કે પછી જાતે જ સુરમયી પાસે જઈને પૂછવું કે 'મારા જેવા મિડલ ક્લાસિયાને તેં શા માટે તારી રમતમાં ફસાવ્યો? મારી લાગણીઓ સાથે આ રમત કરતાં પહેલાં કમ સે કમ એક વાર તો વિચાર કરવો હતો!'
ખેર, હજી ચેકીંગ અધૂરું હતું. ગેલેરીમાં એક 'મેડિકલ' નામનું ફોલ્ડર પણ હતું. એ ફોલ્ડર ખુલતાં જ કેતવ સ્તબ્ધ થઈ ગયો!
કેમકે એમાં સુરમયીની મમ્મીના રિપોર્ટસ હતા! જે દર્શાવતા હતા કે પેશન્ટને સેકન્ડ ગંભીર સ્ટેજનું કેન્સર છે! અહીં ટ્રિટમેન્ટના બિલો પણ હતાં… એક એક ટ્રિટમેન્ટ ૫૦ હજારથી એક લાખની થતી હતી…
બસ,થોડો વિચાર કર્યો પછી કેતવે તેના ફાઈનલ સર્વેલન્સ રિપોર્ટમાં લખી દીધું.
'વેરી ક્લિન રેકોર્ડ…'









