Shatdal

લોકપ્રિયતા અને વિચારક !

By GS Team
25 Aug 20262 mins read
લોકપ્રિયતા અને વિચારક !
  • અન્તર્યાત્રા-ડો.સર્વેશ પ્ર. વોરા
  • ભૌતિક પ્રકાશ બધાને જોઈએ છે, પણ આંતરિક પ્રકાશ કોને જોઈએ?

જે ક્ષણે માણસ પોતાને આડે આવતી પોતાની જ 'દીવાલ'ને ઓળખી જાય, તે ક્ષણ જ એના ઉદ્ધારની ક્ષણ હોય છે, એ ક્ષણે એ દીવાલ પર ''ઘણ ના ઘા'' કે હથોડા ઝીંકનારાનો આભાર માને છે, એ હથોડા મારનારને 'દુશ્મન' નથી સમજતો. પણ, વચ્ચે તોંતેર મણનો નહીં, અબજો મણનો 'ભારેખમ પણ' છે ! નવ્વાણું ટકાને પોતાની દીવાલ અંદરની આત્મવંચના ફાવી ગઈ હોય છે, ને પરિણામે દીવાલ પર હથોડા તો દૂર રહ્યાં, એ દીવાલ પરના કાંકરીચાળા કરનાર સામે પણ એ 'દાંતિયાં' કરે છે.
સત્યનો પ્રકાશ 'કોહિનૂર' હીરા જેવો હોય છે, બહુ વિરલ હોય છે. પયગમ્બર કે યુગપુરુષ વિચારકની જિન્દગી સાથે એક વિચિત્રતા જોડાયેલી હોય છે, આ વિચિત્રતા છે હથોડાના, ઘણના ઘાવની ! હથોડાના ઘાવ પડે નહીં તો ભ્રમણાની દીવાલ તૂટે નહીં, ને આ તોડફોડનું કામ કાંઈ વિચારકની પસંદ-નાપસંદનું હોતું નથી. કુદરતે આ કડવાશભર્યાં કામ માટે એને ''પસંદ'' કર્યો હોય છે.
પયગમ્બરો, પ્રવાહને સામે તરનારા વિચારકોનું કામ ''કોહિનૂર''ના ગ્રાહકો મેળવવાનું હોય છે. હા, કચરો વેંચનાર અને કોહિનૂર માટે ગ્રાહક શોધનાર વિચારક - બન્ને માટે ગ્રાહક શોધવાની વ્યથા હોય છે. તમે પેલી ચીલાચાલુ છાપાળવી દલીલ ફેંકી શકશો. ''સૂર્યને પ્રકાશના ગ્રાહક શોધવાની શી જરૂર ?'' હા, સાહેબ મારા, સૂર્યને ભલે જરૂર ન હોય, એ ભૌતિક પ્રકાશ બધાને જોઈએ છે, પણ આંતરિક પ્રકાશ કોને જોઈએ ? અને આ પ્રકાશ માટે હથોડો જેને સોંપ્યો છે એવા વિચારકોને, પયગમ્બરોને ઈશ્વરે 'કોમ્યુનિકેશન'ની, (વિચાર-સંક્રમણ) ભૂખ આપી હોય છે. જરા જવાબ આપો, જો પ્રેરકબળ તરીકે 'કોમ્યુનિકેશન'ની ભૂખ ના હોત તો કબીરે દુહા આપવાની, વિવેકાનંદે પ્રવચનોની, રમણમહર્ષિએ વાર્તાલાપની જરૂર જ શી હતી ? એ લોકો શા માટે ગંગોત્રીની ગુફામાં ચાલ્યા ન ગયા ? આ 'કોમ્યુનિકેશન'ની ભૂખને મેં 'કોહિનૂર હીરા'ના ગ્રાહકોની શોધ તરીકે ઓળખાવી છે. એ 'માતૃત્વ'ની ભૂખ જેવી ભૂખ છે, જે સંતો, વિચારકોને - આખા જમાનાની વિરુદ્ધમાં જઈને પણ બોલવા માટે અંદરથી ધક્કા મારતી રહે છે.
આની સામે સ્વામી વિવેકાનંદ જેવાનો આક્રોશ જુઓ : (એમના જીવનનાં છેલ્લાં પાંચ વર્ષોમાં લખાયેલો પત્ર) :
''જગત પ્રતિ મીઠા બનવા જેટલો મારી પાસે સમય નથી, અને એવા 'મીઠા' બનવાનો યત્ન મને 'દંભી' બનાવે છે. નરમ ઘેંશ જેવી જિન્દગી ગાળવી અને આ બેવકૂફ દુનિયા જેમ કહે તેમ દરેક વખતે કર્યે જવું તેના કરતાં તો હું હજાર વાર મરી જવાનું પસંદ કરીશ.''
''મહેરબાની કરી 'બાંધછોડ'ની અને 'સરસ-મીઠા' થવાની અર્થ વગરની વાતો કરી કાદવનાં કમળમાં ફરી ઘસડવાનો યત્ન ન કરો.'' (સ્વામી વિવેકાનંદના પત્રો - ૧ ફેબુ્રઆરી ૧૮૯૫ : પૃષ્ઠ ૧૬૬ : રામકૃષ્ણ આશ્રમ)