Shatdal

ઓહ... આઇ એમ Cooked !

By GS Team
6 Oct 20262 mins read
ઓહ... આઇ એમ Cooked !
  • નેટ-બોલી

ના, અહીં કિચનની વાત નથી થઈ રહી. સોશિયલ મીડિયા પર જો કોઈ કહે કે 'આઈ એમ કુક્ડ'(હું રંધાઈ ગયો છું), તો એવું જરાય નહીં માનવાનું કે તેઓ લંચ કે ડિનરની વાત કરી રહ્યા છે. તેમનો કહેવાનો અર્થ એવો હોય છે કે 'હું ખતમ થઈ ગયો, બરબાદ થઈ ગયો, સાવ થાકીને લોથપોથ થઈ ગયો, હારી ગયો કે મોટી મુસીબતમાં મુકાઈ ગયો.'
'કુક્ડ' શબ્દ કઈ રીતે વાપરવો? આ રહ્યાં ઉદાહરણો:
'કાલે એક્ઝામ છે ને મેં બિલકુલ વાંચ્યું નથી. આઈ એમ કુક્ડ.' (મારું આવી બનવાનું છે.)
'૧૪ કલાક કામ કર્યા પછી… આઈ એમ કમ્પ્લીટલી કુક્ડ.'? (હું સાવ થાકીને લોથપોથ થઈ ગયો છું.)
'પછી તો કેન્ટીનમાં એવી જોરદાર દલીલબાજી થઈ કે બ્રો ગોટ કુક્ડ.' (દોસ્ત કે ભાઈ ખરાબ રીતે હારી ગયો, તેની બોલતી બંધ થઈ ગઈ.)
'જો મમ્મીને ખબર પડી જશે, તો વી આર કુક્ડ.' (આપણે મુશ્કેલીમાં મુકાઈ જઈશું, આપણી ખેર નથી.)
'ઓહ નો! આર વી કુક્ડ?' (શું આપણો ખેલ ખતમ?)
કુક્ડ શબ્દ શબ્દ નિર્જીવ વસ્તુઓ માટે પણ વપરાય છે - 'માય લેપટોપ ઈઝ કુક્ડ' એટલે કે મારું લેપટોપ હવે કદાચ ખતમ થઈ ગયું છે, તે સમું થઈ શકે તેમ નથી.
અહીં એક મજેદાર ટ્વિસ્ટ પણ છે. 'કુકિંગ'નો અર્થ આનાથી સાવ ઊલટો થઈ શકે છે. 'લેટ હિમ કુક' કહેવાનો અર્થ એ છે કે તેને થોડો સમય આપો, તે કંઈક જબરદસ્ત કરી રહ્યો છે. આમ, 'હી ઈઝ કુકિંગ' મતલબ, તે કંઈક શાનદાર કામ કરી રહ્યો છે, જ્યારે 'હી ઈઝ કુક્ડ' મીન્સ તેનો ખેલ ખતમ!
આ શબ્દપ્રયોગ
ક્યાંથી આવ્યો?
આ શબ્દ જેન-ઝી કે ટિકટોક કરતાં ઘણો જૂનો છે. અંગ્રેજી ભાષામાં 'ડન' કે 'ફિનિશ્ડ' (કામ તમામ થઈ જવું)ના લાક્ષણિક અર્થમાં 'કુક્ડ' શબ્દ લાંબા સમયથી વપરાતો આવ્યો છે, અને આજના ઇન્ટરનેટ કલ્ચર પહેલાં પણ આ અભિવ્યક્તિ નોંધાયેલી જોવા મળે છે. ત્યારબાદ જુદા જુદા લોકોએ તેના આધારે સ્લેંગ (બોલચાલના રૂઢિપ્રયોગો) વિકસાવ્યા. સ્પોર્ટ્સ અને ગેમિંગ વર્તુળોમાં કોઈને ખરાબ રીતે હરાવી દેવા કે માત આપવા માટે 'ગેટિંગ કુક્ડ'વપરાવા લાગ્યું, જ્યારે ઓસ્ટ્રેલિયન સ્લેંગમાં થાકી જવા કે યોગ્ય રીતે કામ ન કરી શકવાની સ્થિતિ માટે લાંબા સમયથી 'કુક્ડ'શબ્દ વપરાય છે.
સોશિયલ મીડિયા, ખાસ કરીને ટિકટોક, ગેમિંગ સ્ટ્રીમ્સ અને મીમ કલ્ચરે આ અર્થોને એક વિશાળ નવો વાચક-દર્શક વર્ગ આપ્યો. ખાસ કરીને ૨૦૨૪ની આસપાસ આ અભિવ્યક્તિ ખૂબ વ્યાપક બની ગઈ, જ્યારે નબળી ગયેલી પરીક્ષાઓથી લઈને નિષ્ફળ નીવડેલા પ્લાન્સ સુધીની દરેક બાબત પર રમૂજી પ્રતિક્રિયા આપવા માટે 'આઈ એમ કુક્ડ'અને 'વી આર કુક્ડ' જેવી વાક્યો ખૂબ વપરાવા લાગ્યા.
ટૂંકમાં, 'કુક્ડ' એટલે 'ખેલ ખતમ. ખલ્લાસ! મને કોઈ બચાવી શકે તેમ નથી!' અલબત્ત, સાવ ધૂળ જેવી વાતમાંય આ શબ્દ વાપરી જ શકાય છે. ઇન્ટરનેટના સ્લેંગ્સને ભરપૂર ડ્રામા વગર ક્યાં ચાલે જ છે!