Shatdal
અબ્સેશન એન્ડ લિમરન્સ : ઘેલછા અને પ્રેમઘેલછા
By GS Team
7 Jul 20264 mins read

શબ્દસંહિતા-પરેશ વ્યાસ
'લિમરન્સ' શબ્દનું કોઈ મૂળ નથી. ઇંગ્લિશ ભાષાને આ મનઘડંત શબ્દ ૧૯૭૦ના દાયકામાં અમેરિકન સાયકોલોજિસ્ટ ડોરોથી ટેન્નોવે આપ્યો છે
ઘેલછા કેવી હશે દરિયાને મળવાની જુઓ આ નદી સૂના મૂકીને ઘાટ ચાલી જાય છે
- યામિની વ્યાસ
સ માચાર છે કે સુપરહિટ સાયકોલોજિકલ હોરર ફિલ્મ 'અબ્સેશન' (Obsession) એને બનાવવામાં થયેલ ખર્ચથી ત્રણસો ગણી કમાણી કરી ચૂકી છે, તે પૈકી દસ ગણી કમાણી ફક્ત ભારતમાં થઈ છે. આ ફિલ્મ ૨૬ વર્ષના અમેરિકન યુ-ટયુબર કરી બાર્કરે બનાવી છે.ફિલ્મનો હીરો નામે બેર મ્યુઝિક સ્ટોર્સમાં કામ કરતો યુવાન છે, જે એની સાથી કર્મચારી નિક્કીના એકતરફી પ્રેમમાં છે. પોતે કહી નથી શકતો દિલની લાગણીને એટલે એક દિવસ સ્થાનિક દુકાનમાંથી 'વન વિશ વિલો' ખરીદે છે. વિલો એટલે એ વૃક્ષ જેના લાકડામાંથી ક્રિકેટના બેટ બને છે. એવું મનાય છે કે વિલો વૃક્ષની નાની સૂકી ડાળખીને તોડીએ અને જે વિચારીએ એ એક ઈચ્છા ફળે. બેર આ વિલો ડાળખીનો ટૂકડો તોડીને ઈચ્છા કરે છે કે નિક્કી એને અગાધ પ્રેમ કરે, અફાટ પ્રેમ કરે. અને ચમત્કાર થાય છે. આમ તો સારું લાગે કે નિક્કી બેરને બેફામ પ્રેમ કરે પણ એ પ્રેમ એટલો અતિશય હોય છે કે કોઈ અમથું ય બેરને હસી બોલીને મળે તો નિક્કી ઝનૂની થઇ જાય. એ વ્યક્તિનું ખૂન પણ કરી નાખે. ઇટ્સ અ હોરર ફિલ્મ, યૂ સી! પણ આપણે શબ્દોની વાત કરીએ.
ગુજરાતી લેક્સિકન અનુસાર 'અબ્સેશન' એટલે ઘેલછા, ભ્રમ થવો, ઘેરવું, ગ્રસવું, મનનો કબજો લેવો, વળગવું, સતાવવું, મનનું એકમાર્ગી વલણ, અમુક ખ્યાલનું નિતાંત આક્રમણ, સ્થિર પૂર્વગ્રહ/મંતવ્ય, મનોગ્રસ્તિ. ગુજરાતી શબ્દ 'મનોગ્રસ્તિ'ને ઇંગ્લિશમાં ઓસીડી(OCD) કહે છે. અબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર. હિંદીમાં જુનૂન, સનક કહી શકાય. કોઈ વસ્તુ, વ્યક્તિ કે વિચાર પાછળ હું મારી પોતાની સારાસારની બુદ્ધિ ગુમાવી બેસું તો એ મારી ઘેલછા કહેવાય. લેટિન મૂળનો શબ્દ અબ્સેશનમાં 'અબ' એટલે સામે અને 'સેડર' એટલે બેસવું. મિલિટરીમાં 'અબ્સેસિઓ' એટલેકિલ્લેબંધીકરવી. કોઈ વિચાર મનને ઘેરી વળે, મનની કિલ્લેબંધી કરે એ અબ્સેશન. સતત આવતો એવો વિચાર જે માણસ ઈચ્છે તો પણ મગજમાંથી જાય નહીં. અબ્સેશન કોઈ પણ વાતે હોઈ શકે. કોઈને વિદેશ જવાનું અબ્સેશન હોય, કોઈને હાથ ધોયા કરવાનું, એમ કે કીટાણુંથી ગંભીર બીમારીનો સતત ડર લાગે. કોઈ સેલેબ્રીટી પાછળ દિવાનો થઇ જાય. કોઈને વારંવાર અરીસામાં જાતને જોવાનું તો કોઈને વજનકાંટા પર ઊભા રહીને પોતાનું વજન વારંવાર કર્યા કરવાનું અબ્સેશન હોય. અબ્સેશન સામાન્ય રીતે નેગેટિવ હોય પણ ક્યારેક પોઝિટિવ પણ હોઈ શકે,જેમ કે ખેલકૂદ, સંગીત કે અન્ય કલાઓ પાછળ ઓતપ્રોત થઇ જવું. કોઈ વાણિજ્ય કંપનીને ગ્રાહકનો સંતોષ, એ જ અમારો નફો-નું અબ્સેશન હોય.
પ્રેમ ઘેલો હોય છે. ઘેલસપ્ફો હોય છે. પ્રેમના અબ્સેશન માટે ઇંગ્લિશમાં ચોક્કસ શબ્દ છે લિમરન્સ (Limerence). મોહાવેશ અથવા રોમેન્ટિક આકર્ષણનું પાગલપણું. 'યે મોહ મોહ કે ધાગે તેરી ઉંગલીયોસે જા ઉલઝે' એ પ્રેમ. પણ… કાબિલ અજમેરીની ગઝલનો શેર 'હૈરતો કે સિલસિલે સોઝ-એ-નિહાં તક આ ગયે, હમ નઝર તક ચાહતે થે તુમ તો જાં તક આ ગયે' એ લિમરન્સ. સામાન્ય આકર્ષણ જ્યારે જીવલેણ બની જાય એ લિમરન્સ. અમને લાગે છે કે ફિલ્મનું શીર્ષક 'અબ્સેશન'ની જગ્યાએ 'લિમરન્સ' રાખવું જોઈતું હતું કારણ કે લિમરન્સ એવું અબ્સેશન છે, જેનો એક માત્ર મુદ્દો પ્રેમ છે.તીવ્ર અને અનિચ્છનીય મોહાંધતા (કે આકર્ષણ), પ્રેમીનાં વિચારોમાં સતત ખોવાયેલા રહેવું, અને સામી વ્યક્તિ પાસેથી પણ એવા જ પ્રેમ કે લાગણી મેળવવાની તીવ્ર ઈચ્છા એનો અર્થ. કોઈ અમથું જરાક હસી પડે કે તમને લિફ્ટમાં દાખલ થવા માટે દરવાજો ખુલ્લો રાખે એટલે તો એની સાથે મનોમન પરણી પણ જાય! 'લિમરન્સ' શબ્દનું કોઈ મૂળ નથી. ઇંગ્લિશ ભાષાને આ મનઘડંત શબ્દ ૧૯૭૦ના દાયકામાં અમેરિકન સાયકોલોજિસ્ટ ડોરોથી ટેન્નોવે આપ્યો છે.
આપને ફિલ્મ 'ડર' (૧૯૯૩) યાદ હશે. રાહુલ (શાહરૂખ ખાન)ની કિરન(જૂહી ચાવલા)ને પામવાની ઝનૂની પ્રેમ ઘેલછાની વાર્તા. ક..ક..ક કિરન! એ ફિલ્મનું પૂરું નામ હતું 'ડર- અ વાયોલન્ટ લવ સ્ટોરી'. વાર્તા પ્રેમની પણ હિંસક. પ્રેમમાં આખરી અને જીવલેણ પતનનો રોમાંચ. છોકરીએ અમસ્તા જ કહેલાં શબ્દોનું મનમાં ને મનમાં સ્મારક રચાઇ જાય. અરે, એવા શબ્દો જે કહેવાયા જ નથી, એનું ય વિશ્લેષણ થાય, પિષ્ટપેષણ થાય. આજકાલ તો દુનિયા ડિજિટલ છે. હવે તો પ્રેમિકા ક્યારે ક્યારે ઓનલાઈન છે, એનું ય સતત પૃથ્થકરણ થઈ શકે. સોશિયલ મીડિયા ઉપર ચોંટાડેલા ભૂતકાળના ફોટાઓ વિષે પણ જાસૂસી થઈ શકે. ડિજિટલ ઘેલછા ય સાયબર ક્રાઇમ થઈ જાય.
પ્રેમને કોઈ પણ નામ આપવાની ગુલઝાર સાહેબ ના પાડે છે. કહે છે કે પ્યાર કો પ્યાર હી રહને દો… તો પછી તમે લવ કહો કે લિમરન્સ એટલે કે પ્રેમ માફકસરનો હોય કે અતિશય હોય, શું ફેર પડે? પણ ફેર છે સાહેબ. પ્રેમમાં વાસ્તવિકતાની જાણકારી હોય અને પરસ્પર સમજણ તો હોય જ, એટલે શાંતિ રહે. પણ લિમરન્સમાં તો અનેક અંગત વિસ્ફોટક ઉત્તેજનાઓ હોય, આમાં અશાંતિ જ થાય. સાચો પ્રેમ ખામીનોય સ્વીકાર કરે પણ લિમરન્સમાં એવું નહીં. અહીં વ્યક્તિ એવું માને કે મારામા ંતો કોઈ ખામી છે જ નહીં. અને પછી જે થાય એ ઈમોશનલ અત્યાચાર. એમાં વ્યક્તિની ઊંઘ, કામ, એકાગ્રતા અને આત્મવિશ્વાસની દેવાઈ જાય. ક્યારેક પ્રેમ અનહદ કરે તો ક્યારેક બેહદ નફરત. લિમરન્સ વાસ્તવિકતાથી ઘણો દૂર છે. બે પાત્ર વચ્ચે જોડાણમાં જો લિમરન્સ હોય તો લવ-સ્ટોરી હોરર-સ્ટોરી બની જાય.
શબ્દશેષ
''અબ્સેશન ક્યારેય ટકોરા મારતું નથી, તે દરવાજો તોડી નાખે છે, તમારા મન પર કબજો જમાવે છે અને તમારા અંતરાત્મા ઉપર દાવો કરે છે.'' - ફિલ્મ 'અબ્સેશન'ની ટેગલાઈન









