Shatdal

નાઉ ઈન અ મિનિટ : હમણાં જ થોડી વારમાં

By GS Team
6 Oct 20264 mins read
નાઉ ઈન અ મિનિટ : હમણાં જ થોડી વારમાં
  • શબ્દસંહિતા-પરેશ વ્યાસ
  • આપણો પણ અનુભવ હોય છે કે મગજ દોડે છે પણ પગ દોડતા નથી.

ક્યારનો ચિંતા કરે છે કાલની,
ઠાર પહેલાં આગ અબ્બીહાલની.

  • ભાવેશ ભટ્ટ
    સમય સાપેક્ષ છે. તત્ક્ષણ અને તત્કાલ વચ્ચે પણ ફેર હોય છે તો કાલ અને હાલ વચ્ચે તો ફેર હોવાનો જ. કૈફ ભોપાલીની ગઝલનો શેર છે કે આગકા ક્યા હૈ પલ દો પલમેં લગતી હૈ, બુઝતે બુઝતે એક જમાના લગતા હૈ. અને આ તો આગનો મામલો છે, ભાઈ. કાલ અને અબ્બીહાલ વચ્ચે ફરક તો હોવાનો જ. ક્યારેક આ ફરક જીવન મરણનો બની જાય છે. આજે સમયની 'થીયરી ઓફ રિલેટીવિટી' ટૂંકમાં કહેવી છે. આજનો શબ્દ કાંઈક એવો છે.
    મેરિયમ વેબ્સ્ટર્સ ડિક્સનરી પછી ઓક્સફોર્ડ ડિક્સનરીમાં પણ નવીન શબ્દો ઉમેરાયાના સમાચાર છે. એ ઉમેરણ પૈકી જાણીતા ઇંગ્લિશ શબ્દોનો બનેલો શબ્દસમૂહ અધિકૃત રીતે શામેલ થયો. 'નાઉ ઈન અ મિનિટ' (Now in a minute) શબ્દસમૂહમાં શામેલ તમામ શબ્દનાં પૃથક અર્થ આપણે જાણીએ છીએ. 'નાઉ' એટલે હજી હમણાં, 'ઈન' એટલે માં કે અંદર, 'અ' એટલે એક અને…. 'મિનિટ' તો હવે અધિકૃત ગુજરાતી શબ્દ છે. 'સાર્થ' અનુસાર 'મિનિટ' એટલે અઢી પળ જેટલો સમય, કલાકનો સાંઠમો ભાગ. પણ આ શબ્દો એક શબ્દ સ્વરૂપે ઉમેરાયા છે. યુનાઇટેડ કિંગડમમાં ઇંગ્લેન્ડ ઉપરાંત સ્કોટલેન્ડ, વેલ્સ અને નોર્ધન આયર્લેન્ડ પણ છે. આજનો શબ્દસમૂહ વેલ્સ બોલીનો શબ્દ છે. આયર્લેન્ડમાં પણ આ શબ્દ બોલાય છે. આ રૂઢિપ્રયોગનો સામાન્ય અર્થ 'થોડીવારમાં', 'હમણાં જ' અથવા 'ટૂંક સમયમાં' એવો થાય છે. આમ શાબ્દિક અર્થ થોડો પરસ્પર વિરોધી લાગે કારણ કે હમણાં એટલે અબ્બીહાલ અને મિનિટમાં એટલે એક મિનિટની અંદર. કાંઈ પણ કરવું હોય તો આમ એક મિનિટ વિચારવું તો પડે. સાવ હમણાં ને હમણાં કરી જ નાખવું?- એવું નહીં. લોકપ્રિય બ્રિટિશ સિટકોમ (સિચ્યુએશન કોમેડી) 'ગેવિન એન્ડ ટ્રેસી'માં ગેવિન ટ્રેસીને પૂછે છે કે 'રેસ્ટોરાંમાં ખાવાનાનો ઓર્ડર આપી દીધો?' અને ટ્રેસી જવાબ આપે છે : 'રેસ્ટોરાંમાં ફોન કરું છું, નાઉ ઈન અ મિનિટ'. ગેવિન કહે છે કે 'તું ઓર્ડર કાં તો હમણાં આપ અથવા એક મિનિટમાં આપ, બંને સાથે ન થઇ શકે.' આ તો એનાં જેવું થયું કે કોઈ પૂછે કે 'કેવું ચાલે છે?' તો ઉત્તર મળે કે 'ઠીક છે, સારું છે'. અરે પણ, ઠીક અને સારું બંને એક સાથે કઈ રીતે હોઈ શકે? વિલિયમ શેક્સપિયરનાં સદાબહાર નાટક 'મર્ચન્ટ ઓફ વેનિસ'માં એક નોકરનાં પાત્રમાં લૌન્સલોટ ગોબ્બોનો વ્યાજખોર યહૂદી માલિક શાયલોક ખૂબ જ શિસ્તબદ્ધ, કડક, કરકસરી અને ગંભીર માણસ છે. નોકરને થાય છે કે આ નોકરી છોડીને બીજે જતો રહું. વેનિસના રસ્તા પર ઊભો રહીને એ મોટેથી બૂમો પાડે છે કે હું હમણાં જ ભાગી જઈશ, હું હમણાં જ દોડીશ!' આપણો પણ અનુભવ હોય છે કે મગજ દોડે છે પણ પગ દોડતા નથી. અને આવું કહ્યા પછી નોકર ત્યાંથી એક ડગલું પણ હલતો નથી અને પછીની દસ મિનિટ સુધી વાતો જ કર્યા કરે છે. આ જ આપણી પણ માનસિકતા છે. ૧૬મી સદીનો શેક્સપિયરનો નોકર હોય કે ૨૧મી સદીની વેલ્સ મહિલા, માણસની એક આદત સનાતન છે : આપણે કામ ટાળવું હોય છે, છતાં એવું દેખાડવું હોય છે કે આપણે બહુ ઉતાવળમાં છીએ! 'હમણાં' અને 'એક મિનિટમાં' ભેગું કરીને આપણે એ જ માનસિકતા રજૂ કરીએ છીએ. 'હમણાં' એટલે 'બરાબર આ જ ક્ષણે' માટેનો એક ટૂંકો શબ્દ છે. જ્યારે 'એક મિનિટમાં' એટલે 'અત્યારે તો નહીં'. અહીં પૂરેપૂરી શક્યતા છે કે તે ક્યારેય નહીં થાય. અભી નહીં તો કભી નહીં!
    આમ જોઈએ તો 'નાવ ઈન અ મિનિટ' સારી વાત છે. આ કાંઈ કામ ટાળવાની વાત નથી. જુઓને તમે કહ્યું. મેં તુરંત સ્વીકાર્યું. પણ વિચારીને તો કરવું પડે. શરૂ કરવામાં એક મિનિટ તો લાગે. અતિ ઉત્સાહ દેખાડવા કરતા ધીર ગંભીર હોવું, સારી વાત છે. કહે છે કે સમય પૈસો છે. એક એક મિનિટની કિંમત હોય છે. પણ એવો પૈસો ય શું કામનો જેમાં યંત્ર બની જાઉં. આગ લાગી હોય તો એને અબ્બીહાલ ઠારવી જરૂરી છે પણ અનિયંત્રિત આગ ક્વચિત જ લાગે. અને લાગે ત્યારે પણ એક મિનિટ વિચારવું સારી વાત છે. પણ હા, આજનું કામ કાલ પર ન ટાળવું જોઈએ. કારણ કે….. કર્યું એ કામ, ને ભજ્યાં એ રામ, બાકી રામ રામ! અમે આ શબ્દને ગંભીર ફિલસૂફી તરફ દોરી ગયા. આદતસે મજબૂર! પણ યાદ રહે, આજનાં શબ્દનું ગોત્ર હળવું હાસ્ય છે. એને ઝાઝી ગંભીરતાથી લેવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. અગાઉ કહ્યું એમ સમય સાપેક્ષ છે. એક મિનિટ એટલે કેટલો સમય? એ તો એની ઉપર નિર્ભર છે કે તમે સંડાસનાં બારણાંની ભીતર છો કે બહાર! મારે અને મારા ધર્મપત્ની વચ્ચે જબરો તાલમેલ છે. મારા ધર્મપત્ની તૈયાર થતાં હોય ત્યારે એ 'નાવ ઈન અ મિનિટ' કહે છે અને હું દર પંદર મિનિટે પૂછ પૂછ કરતો નથી કે હજી કેટલી વાર! એ જ રીતે હું એને યાદ અપાવું છું કે એનું સોંપેલું કામ હું અબ્બીહાલ કરી દઈશ. એ તો બિચારી ભૂલી ય ગઈ હતી. મને પૂછયું કે કયું કામ? મેં કહ્યું કે પેલું ત્રણ મહિના પહેલાં કહ્યું'તું તે, પંખો સાફ કરવાનું, બસ આ મેચ પતે એટલે તરત જ કરી દઈશ, ઈન અ મિનિટ! આજનું કામ ક્યારે ય કાલ પર ન છોડવું, એવું કામ જે તમે પરમ દિવસે પણ સારી રીતે કરી શકો. એવું હું નથી કહેતો, આવું માર્ક ટ્વેઇન કહી ગયા.
    શબ્દશેષ
    ''વીતેલી એક મિનિટ કરતાં વધુ દૂર દુનિયામાં કશું જ નથી.''
  • જિમ બિશપ