Shatdal
નિર્મળ જ્યોતને કોઈ ધરમ નડતો નથી
By GS Team
15 Sep 20265 mins read

- શબ્દ સૂરને મેળે-રાજેશ વ્યાસ 'મિસ્કીન'
- જીવનમાં દુ:ખ આવે ત્યારે જાણવું કે ઈશ્વરનું સ્મરણ કરવાનો, ઈશ્વરની નજીક જવાનો અવસર સાંપડયો છે
અખંડ જ્યોત, અખંડ દીવો…
ક્યાં ધરમ કોઈ નડે છે કોઈ નિર્મળ જ્યોતને,
ક્યાં કદી બાંધી શકી છે કોઈ સાંકળ જ્યોતને.
નામ આપીને રમકડામાં રૂપાંતર તે કર્યું,
સર્વની ભીતર પ્રગટવુંતું જે 'કેવળ' જ્યોતને.
રંક અજવાળે કરી લે ડોકિયું ભીતર સહજ,
ધન અને સત્તા હવે તોલે છે હરપળ જ્યોતને.
બ્હાર બારે માસ સૌની આસ્થા ખાતર બળે,
સાચવે પ્રત્યેક હૈયું એક શીતળ જ્યોતને.
કોઈ પ્રગટાવે ત્યાં પ્રગટે ના ગમા ના અણગમાં,
સર્વ અંધારા વહાલા સર્વ મંગળ જ્યોતને.
ગાઢ અંધારે નિરાશાની પરાકાષ્ઠા હતી,
ને પછી આંસુએ દેખાડી એ ઝળહળ જ્યોતને.
હોય નીર્જળ કે સજળ મિસ્કીન ફરક પડતો નથી,
ઓળખે છે બ્હારના ભીતરના વાદળ જ્યોતને.
- રાજેશ વ્યાસ મિસ્કીન
તાજિયાની આગલી સાંજે ૩૦-૯-૧૭ શનિવારે સંધ્યાકાળે અમદાવાદમાં આવેલી શાહેઆલમની દરગાહ ઉપર બેઠો છું. શાહેઆલમ એ બિરૂદ છે ઈન્કલાબ છે. મૂળ આ દરગાહ છે હજરત સિરાજદ્દીન. સિરાજ એટલે સૂર્ય, દીન એટલે ધર્મ. ધર્મનો સૂર્ય, મુસ્લિમ ધર્મના સંતની બિલકુલ સામે ચોકમાં એક અખંડ જ્યોત પ્રગટતી રહે છે સતત બળતી રહે છે. આ જ્યોતને નરસિંહજીની દીવડી કહે છે. સિરાજુદ્દીન એક એવા ઓલિયા હતા જેમને હિંદુ સંત નરસિંહજીની સાથે મિત્રતા હતી. અતૂટ મૈત્રી. નરસિંહજી અને શાહે આલમ રોજ એકબીજાને મળે. બંનેને એકબીજા ઉપર અપાર પ્રેમ. આ વાત ઈ.સન. ૧૪મી સદીની આસપાસની છે. તેના વિશે વિગતે સંશોધન મુસ્લિમ ઈતિહાસના જાણકાર એવા અમદાવાદના ઈતિહાસકાર તિર્મીઝી સાહેબે કરેલું છે. બંને મિત્રો વચ્ચે એકવાર વાત થઈ કે બેમાંથી જે પહેલો મિત્ર જાય તો એની યાદમાં શું ? નરસિંહજીના આ પ્રશ્નના જવાબમાં શાહે આલમે કહ્યું કે તારી યાદમાં હું કાયમ જ્યોત પ્રગટાવીશ. અને બન્યું પણ એવું જ. નરસિંહજીના મૃત્યુ પછી નરસિંહજીની સ્મૃતિમાં શાહે આલમે ત્યાં અખંડ જ્યોત પ્રગટાવી. કાળક્રમે શાહે આલમ પણ અવસાન પામે છે અને તેમની દરગાહ પણ આ નરસિંહજીની દીવડી સામે તૈયાર કરવામાં આવી છે. આ વિશે સુંદર ડોક્યુમેંટરી ફિલ્મ અમદાવાદ દૂરદર્શન કેન્દ્રએ હિંદુ-મુસ્લિમ હુલ્લડ વખતે સાદિક નૂર પઠાણના સહયોગથી બનાવી છે. શાહે આલમના પિતા હજરત કુત્બેઆલમ એ પણ મોટા વલી હતા. તેમની વટવામાં દરગાહ છે. મુસ્લિમ ધર્મના ઈતિહાસ પ્રમાણે જોઈએ તો અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારમાં અનેક મુસ્લિમ સંતો થઈ ગયા છે.
શાહે આલમ રોજ મસ્જિદના એક ખૂણામાં મુસ્લિમ બાળકોને માટે મદરેસા ચલાવતા હતા. ધર્મનું શિક્ષણ આપતા હતા. એક દિવસ તે ભણાવવા ના જઈ શક્યા. બીજે દિવસે આવીને તેમણે છોકરાઓને બે દિવસ પહેલાનો જે પાઠ ભણાવ્યો હતો તે બોલવા માટે કહ્યું. પણ બાળકો તો એ પછીનો પાઠ મોંઢે બોલ્યા. શાહે આલમ ભણાવવા જઈ શક્યા જ નહોતા પણ બધા બાળકોએ કહ્યું કે તમે ગઈકાલે આવ્યા હતા અને અમને ભણાવી ગયા છો. શાહે આલમ મૂંઝાઈ ગયા. તેમને મરાકબામાં એટલે કે ધ્યાનમાં જોયું કે આવું કઈ રીતે બન્યું હશે ત્યારે હજરત અલી જાતે આવીને એ બાળકોને ભણાવી ગયા હતા એની પ્રતીતિ થઈ. હજરત અલી જ્યાં પ્રગટ થયા હતા એ સ્થળની મુલાકાત જાણે કોઈ સંકેત કરે છે. નરસિંહજીની દીવડીમાં ઝળહળતી જ્યોતના અજવાળે જાણે મને મારી ભીતર ડોક્યું થઈ ગયું. રાત્રે સમગ્ર દેહમાં અસંખ્ય જ્યોત ઝળહળતી હોય એવું લાગ્યું. અને આ ગઝલ લખાઈ.
આકાશ હિંદુ છે કે મુસલમાન ? જ્યોત-અજવાળું ક્યા ધર્મના હોય છે ? પરદેશના ચર્ચોમાં મિણબત્તીનું અજવાળું હોય કે ગામડાની નાનકડી દેરીમાં માટીના કોડિયામાં પ્રગટેલી જ્યોતનું અજવાળું હોય મને તો બધા જ અજવાળા સરખા લાગ્યા છે. કોડિયાના નામ ભલે જુદા-જુદા હોય, કોડિયા ભલે જુદા-જુદા આકારના હોય અજવાળું તો એક જ પ્રગટે છે. આ ગઝલ લખાઈ અને જાણે જીંદગીભર જોયેલા તમામ તીર્થસ્થળોના, તમામ ધર્મોના અજવાળાની જાણે યાત્રા થઈ હોય એવું લાગ્યું.
ખરેખર અખંડ જ્યોતને તેના નિર્મળ અજવાળાને કોઈ ધર્મ નથી હોતો. કોઈ ધર્મ નડતો નથી. અજવાળાને કોઈ સાંકળ બાંધી શકતી નથી. આ મંદિરનું અજવાળું, આ મસ્જિદનું, આ ચર્ચનું એવા નામ આપીને એ જ્યોતનું જાણે આપણે રમકડામાં રૂપાંતર કરી નાંખ્યું છે. જે જ્યોત શુદ્ધ સ્વરૂપે સૌની ભીતર પ્રગટેલી છે એની પ્રતીતિ કરાવવા માંગે છે તેની સાથે આપણે ક્યારેક કદાચ મોટાભાગે જાણે અજાણે રમકડું ગણીને રમી લઈએ છીએ. અસંખ્ય ગરીબોની સાથે આ મિસ્કીન પણ આંખ મીંચીને શ્રધ્ધાથી એ જ્યોત પાસે ઊભો હતો અને સાવ સહજ મારી ભીતર હું ડોકિયું કરી રહ્યો હતો. ગરીબો જ્યોતના અજવાળામાં પોતાના હૃદયમાં ડોકિયું કરી લે છે. શ્રીમંતો અને સત્તાધીશો એ જ્યોતની બોલી બોલી લે છે. તોલી છે.
ટાઢ-તડકા-વરસાદમાં સતત સૌની શ્રધ્ધાને ખાતર બળતી એ જ્યોત ખરેખર તો સૌના હૃદયને શીતળતા આપતી હોય છે. પ્રત્યેક વ્યક્તિને પોતાનો એક અંગત ધર્મ હોય છે. પ્રત્યેક વ્યક્તિના હૃદયમાં અંગત શ્રધ્ધા હોય છે અને એ શ્રધ્ધામાં એક અખંડ જ્યોત પ્રગટેલી હોય છે. જ્યોતની અને કોડિયાની વિશેષતા એ છે કે એને કોઈ ગમા કે અણગમા નથી. એને કોઈ વધારે વહાલું કે ઓછું વ્હાલું નથી. પ્રત્યેક જ્યોત એટલી મંગલમય હોય છે કે બધા જ અંધારા કરૂણાવશ વ્હાલા હોય છે.
જીંદગીની નિરાશાની પળોમાં, સાવ ભાંગી પડયો હોય એવી હાલતમાં, પૂજાય કરવાનું મન ના થાય એવી મનોદશામાં, ક્યાંક ચાલ્યા જવાનું કે આપઘાત કરવાનું મન થાય એવી હાલતમાં, ટૂંકમાં નિરાશાની પરાકાષ્ઠાએ ક્યારેક માત્ર આંસુ વહી જતા હોય છે. અને એ આંસુઓ જ આપણી દ્રષ્ટિને આપણા મનને શુદ્ધ હળવું બનાવીને એ ઝળહળતી જ્યોતના દર્શન કરાવતા હોય છે. જીવનમાં દુ:ખ આવે ત્યારે જાણવું કે ઈશ્વરનું સ્મરણ કરવાનો, ઈશ્વરની નજીક જવાનો અવસર સાંપડયો છે. મને મારા આંસુઓએ જ એ ઝળહળતી જ્યોતના દર્શન કરાવ્યા છે. જ્યોત એ તો જાણે પ્રતીક છે. આત્માનું અને પરમાત્માનું. જ્યોત એ પ્રાણ છે. તેજ છે. એ જ્યોત જ્યાં સુધી આપણી ભીતર પ્રગટેલી રહે છે ત્યાં સુધી આપણે જીવંત રહીએ છીએ. એ જ્યોત ઊડી જાય છે ત્યારે કહીએ છીએ પ્રાણ ચાલ્યો ગયો. હું પ્રત્યેકમાં રહેલી એ જ્યોતને વંદન કરું છું. જે પેલી અખંડ જ્યોતનો જ અંશ છે.
વાદળ બે પ્રકારના હોય છે. નિર્જળ અને સજળ. પાણી ભરેલા અને પાણી વગરના. વાદળ બે પ્રકારના હોય છે બ્હારના અને ભીતરના. બ્હારના વાદળ ચોમાસું લાવે, ભીતરના વાદળ આંસુ લાવે. દુ:ખના પણ વાદળા કહેવાય છે. દુ:ખના નિર્જળ વાદળ ઊમટતા હોય છે અને એ પણ વરસાદ લાવતા હોય છે. એકવાર અખંડ જ્યોત પ્રગટી જાય છે પછી એ જ્યોતને બ્હારના કે ભીતરના કોઈ વાદળ સ્પર્શતા નથી. નડતા નથી. આ અખંડ જ્યોત, આ નિર્મળ જ્યોતની યાત્રા સતત ચાલતી રહે છે. આ ક્ષણે બાળપણમાં ગાયેલી એક આરતી યાદ આવે છે.
જ્યોત સે જ્યોત જગાઓ સદ્ગુરૂ જ્યોત સે જ્યોત જગાઓ,
મેરા અંતર તિમિર મિટાવો સદ્ગુરૂ જ્યોત સે જ્યોત જગાઓ.
અંદરના તિમિરને, જીવનના અંધારાને જે દૂર કરે એ સાચી જ્યોત.




