નેપાળ ટ્રેજેડી: વાતાવરણમાં ગરમી નહીં, આપણી વિચારહીનતા જમા થઈ રહી છે

- રાપ્ચીક રીલ
થો ડા ફ્લેશબેકમાં જઈએ. સિક્કિમ, ઓક્ટોબર ૨૦૨૩. અડધી રાત્રે ઉપર પહાડોમાં એક સરોવર ફાટે છે. ગણતરીના કલાકોમાં ૩૦ માળ ઊંચો બંધ એ રીતે તણાઈ જાય છે જાણે રેતીનો બનેલો હોય. ૧૦૦થી વધુ લોકોનાં મોત. કોઈ વાદળ ફાટયું નહોતું, કોઈ તોફાન આવ્યું નહોતું, માત્ર એક સરોવર ફાટયું હતું. આ ઘટનાનું એક નામ છે, ગ્લેશિયર લેક આઉટબર્સ્ટ ફ્લડ - જીએલઓએફ (હિમ સરોવરનું ફાટવું). આ શબ્દપ્રયોગ તમારે યાદ રાખવો પડશે, કારણ કે આ વારંવાર બનતું રહેવાનું છે.
હિમ સરોવર કેવી રીતે બને છે? જ્યારે ગ્લેશિયર (હિમનદી) પીગળીને પાછળ હટે છે, ત્યારે તેનું પાણી એક વિરાટ ખાડામાં જમા થતું જાય છે. એ પાણીને રોકે છે કોણ? એન્જિનીયરોએ બનાવેલો ડેમ નહીં, પણ કાટમાળની એક કાચી દીવાલ, જે ગ્લેશિયર પોતે પાછળ છોડી ગયો છે. આ દીવાલમાં છે પથ્થર, કાંકરી અને અંદર દબાયેલો બરફ.
હવે વિચારો કે ઉપરથી સરોવર દર વર્ષે મોટું થઈ રહ્યું છે, કારણ કે ગરમી વધી રહી છે અને ગ્લેશિયર ઝડપથી પીગળી રહ્યો છે. સાથે સાથે નીચે દીવાલ દર વર્ષે નબળી પડી રહી છે, કારણ કે તેની અંદરનો બરફ પણ પીગળી રહ્યો છે. એક તરફ વધતું દબાણ અને બીજી તરફ ઘટતી તાકાત. પરિણામ શું આવશે એ સવાલ નથી, સવાલ માત્ર એ છે કે પરિણામ ક્યારે દેખાશે?
…અને જ્યારે એ દીવાલ તૂટે છે, ત્યારે કરોડો લિટર પાણી મિનિટોમાં ખીણ પર ત્રાટકે છે. ન વરસાદ, ન કોઈ ચેતવણી. આકાશ સાફ હોય છે અને અને મોત તેજ ગતિથી નીચે ધસી આવે છે. એટલા માટે જ જીએલઓએફની ઘટના મોટે ભાગે સવારે બને છે, નવેક વાગ્યાની આસપાસ, કે જ્યારે બજારો ખૂલવાની તૈયારીમાં હોય છે અને લોકો કામે લાગ્યા હોય. હવે આ આંકડો સાંભળો, જે તમારી ઊંઘ ઉડાડી દેશે. હિમાલયમાં આવાં હજારો સરોવરો બની ચૂક્યાં છે. હા, હજારો! અને તેમાંથી કેટલાંક બરાબર એ જગ્યાઓની ઉપર લટકી રહ્યાં છે, જ્યાં આપણે ગામ વસાવ્યાં છે, બંધ બાંધ્યા છે, હાઈવે બનાવ્યા છે.
૨૦૨૩માં સિક્કિમની દુર્ઘટના પછી ૨૦૨૪માં માઉન્ટ એવરેસ્ટ પાસે થામે ગામમાં બે સરોવરો ફાટયાં, પછી તિબેટનું સરોવર ફાટયું અને નેપાળની ત્રિશૂલી નદીમાં તારાજી સર્જાઈ. (તાજેતરમાં, ૨૬ ઓગસ્ટે, ગ્લેશિયર તૂટી પડતાં તિબેટની લ્હેન્ડે ખોલા રિવર સિસ્ટમ અને નેપાળની ભોતે કાશી રિવર સિસ્ટમ તૂટી પડી, ને ભયંકર તારાજી સર્જાઈ). આ યાદી હવે દર વર્ષે લંબાતી જવાની છે.
આપણા પૂર્વજોએ પહાડને દેવતા કહ્યા, પણ આપણે એ જ પહાડના માથા પર દારૂગોળો જમા કરી દીધો અને નીચે ઘર બનાવ્યાં. પરંતુ સરોવરને ભર્યું કોણે? ગ્લેશિયરને પીગળાવ્યો કોણે? વાતાવરણનું તાપમાન આપણા ભોગવાદને કારણે, જરૂરિયાત કરતાં વધારે ચીજવસ્તુઓનો ઉપભોગ કરવાને કારણે વધ્યું છે. આપણી દરેક બિનજરૂરી ખરીદી, દરેક સુવિધા જે આપણે વગર વિચાર્યે ભોગવી તેની ગરમી ક્યાંય ગઈ નથી. એ વાતાવરણમાં ઉપર જમા થતી રહી, સરોવરોને ગરમ
કરતી રહી.
તો આ ફાટતાં સરોવરો વાસ્તવમાં આપણાં કર્મોનો હિસાબ છે. ઉપર ગરમી નથી જમા થઈ રહી, આપણી વિચારહીનતા જમા થઈ રહી છે. પહાડ ધૈર્યવાન છે, એ ચેતવણી આપે છે, ફરી ફરીને યાદ અપાવે છે… પણ યાદ રહે, પહાડનું ધૈર્ય
અનંત નથી.
પ્રશ્ન એ નથી કે હવે પછીનું હિમસરોવર કે ગ્લેશિયર ક્યારે ફાટશે. પ્રશ્ન એ છે કે આપણે ક્યારે જાગીશું?
- આચાર્ય પ્રશાંત




