નાના પાટેકર : માસ્ક પહેરીને ફરતા ગ્લેમરવર્લ્ડમાં ફિલ્ટર વિનાનો સ્ટાર સોલ્જર એક્ટર!

- અનાવૃત-જય વસાવડા
- નાનાનો વટ હતો. હીરોથી વધુ પૈસા વસૂલ કરે, કમાણી કરે ને પછી સોનાલી કુલકર્ણીએ કહ્યું એમ માત્ર ૨૫% રાખે. બાકી ડાયરેક્ટ ચેરિટી કરી દે!
''જે ગીતામાં છે, બાઇબલમાં છે, એવું જ કુરઆનમાં પણ છે. મને હંમેશા એવું લાગે છે કે આપણાં અંદરના ભાગેથી પવિત્ર થવા માટે, પાક થવા માટે, સુરોના આરોહ-અવરોહથી જ આ શ્લોક, આ કલમા બધું બન્યું છે. એવું મને લાગે છે. કારણ કે આ પઢવાથી મને અંદરથી જ ખૂબ સારું અનુભવાય છે. ઁ ભૂર્ભુવ: સ્વ: તત્સવિતુર્વરેણ્યમ્… બિસ્મિલ્લાહિર રહેમાનિ રહીમ…તો મને સારું લાગે છે, હું બધું જ વાંચું છું, બોલું છું. મને શફી ઇનામદારે આયત અલ-કુર્સી શીખવેલી. એંશીના દાયકામાં એની કારમાં હું નવો નવી જાણીતો થયેલો નીકળતો ને મુંબઈની ભીડ મને જોઈ હાથ હલાવતી થયેલી ત્યારે હું શફીને કહેતો કે જો લોકો માને છે કે આ કાળાકલૂટા મરાઠીએ નવી કાર લીધીને ગોરોચિટ્ટો ડ્રાઈવર રાખ્યો છે. શફી કહેતો કે અમારા પૂર્વજો કન્વર્ટ થયા હશે ને હું હસીને કહેતો કે પ્રેમનો ધર્મ પાળવો હોય તો પછી શું હિંદુ ને શું મુસ્લિમ !
પણ મને એ સવાલ હંમેશા અહીં તકલીફ આપે છે, કે જેહાદના નામી આતંકી હરકતો કરવા માટે… આટલા નાના-નાના બાળકો છે, ૧૮-૨૦ વર્ષના કેમ બીજાને મારવા તૈયાર થતા હશે ? એવી કઈ વાત છે કે એમને આવું કરવાનું મન થાય છે? એ બધા (યુવાન ત્રાસવાદીઓ) પહેલાં તો પોતાની જાતને મારતા હશે ને, ત્યારે જઈને આ કરી શકે ! પોતાના મનને ક્યાંક તો તકલીફ થતી હશે કે નહિ આવી હિચકારી હિંસા કરતી વખતે ! એમને ફિદાયીન થઈને કઈ જન્નત નસીબ થવાની છે આવું કર્યા પછી?
જુઓ, ધારો કે મારી પાસે રૂપિયા છે. વચ્ચે રસ્તો છે. ત્યાં સામે ફૂટપાથ છે, ત્યાં ઝૂંપડપટ્ટી છે. આ બાજુ હું રહું છું, હું આલીશાન ફ્લેટમાં રહું છું. ત્યાં ભૂખ્યા બાળકો છે. હું સવારે મારા બાળકને દરવાજા સુધી છોડવા જાઉં છું, ગાડી આવે છે, ગાડીમાં બેસાડું છું. ચોખ્ખા કપડાં પહેરેલા છે, તે જતો રહે છે. ત્યાં એક ભૂખ્યું બાળક છે, કપડાં વગરનું, નાક વહી રહ્યું છે, હાડકાં દેખાઈ રહ્યાં છે, તે રોઈ રહ્યું છે. અહીંથી મારું ધ્યાન શિફ્ટ થઈને ત્યાં નથી જતું. મારું બાળક જેવું ગાડીમાં બેસે છે, તે જાય છે અને હું મારા ઘરમાં જતો રહું છું. વાસ્તવમાં બંનેમાં ફરક કેટલો છે? પરિસ્થિતિનો? ના એ ફરક નથી, માત્ર વચ્ચે એક રસ્તો છે.
જે દિવસે તેઓ ઈચ્છશે, તે રસ્તો ઓળંગીને આ ફૂટપાથ પર આવી જશે, તમારા ઘરમાં ઘૂસી જશે. તો તમારી એ જવાબદારી બને છે કે આજે તમારી પાસે જે છે, તે તેમની સાથે વહેંચો. મને લાગે છે કે હું પણ એક દિવસ ત્યાં હતો. હું અહીં આવ્યા પછી એ ભૂલી નહીં શકું, કારણ કે હું પણ તેમનામાંથી જ એક છું. હું પહેલાં મારી જાતને કહું છું. મને લાગે છે કે મારું ખિસ્સું ભરેલું છે તો મારી જવાબદારી છે કે હું મારા ખિસ્સામાં હાથ નાખું. હું સાચું કહું છું, આ એક રસ્તો ઓળંગવો ખૂબ સરળ છે. (એ થવા લાગ્યું તો રોકી નહિ શકો)
''જુઓ ને, મારી પાસે શું છે? મારી પાસે આ એક માધ્યમ છે. (સિનેમા) આ માધ્યમ દ્વારા જ હું કંઈક કરી શકું છું. પોલિટિક્સમાં તો હું જઈ ન શકું. આજે હું કોઈ પાર્ટી જોઈન કરીશ, કાલે સાચું બોલીશ તો મને કાઢી મૂકશે, પછી બીજી પાર્ટીમાં એવું થશે. દસ પંદર દિવસમાં બધી પાર્ટીઓ પૂરી થઈ જશે, પછી હું પાછો ફિલ્મોમાં આવીશ. મને લાગે છે કે હું હજુ સુધી કંઈ કરી નથી શક્યો. જ્યારે કોઈ આવી ફિલ્મો બનાવવા ઈચ્છે છે, તો હું તેનો હિસ્સો બનું છું. મારી પાસે આ આટલું પ્રભાવશાળી માધ્યમ છે, હું કંઈક કહું… ગુમરાહ થયા છે તેમની સાથે વાત કરું. બની શકે કે એમાંથી એક દીકરો કાલે મારો પણ હોય. જો એ આતંકવાદી બની જાય, તો હું શું કરીશ? તો આ એ માધ્યમ છે જેના દ્વારા હું મારા બધા બાળકો સાથે વાત કરવાની કોશિશ કરું છું.''
એટલું તો સમજી ગયા હશો કે આ વાતો નાના પાટેકરની છે. એટેક્સ ઓફ ૨૬/૧૧ ફિલ્મ જેના બ્રિલિયન્ટ ક્લાઈમેક્સનો ઉલ્લેખ ગયા સપ્તાહના લેખમાં કરેલો, એની રિલીઝ વખતે રામગોપાલ વર્મા સાથે ઉભા રહી સાહિત્ય આજ તક માટે ત્યારે ત્યાં કામ કરતા પત્રકાર પુણ્ય પ્રસૂન વાજપેયીને નાનાએ આ વાતો કરેલી. ગયા સપ્તાહે લખેલું એમ ક્રાંતિવીરના હિંદુ કા ખૂન, મુસલમાન કા ખૂન જેવા ઘણા સંવાદો તો નાનાએ જ ત્યારે એમ જ બોલેલા, મતલબ ખુદ લખેલા. ગુજરાતી મેહુલકુમાર (મૂળ નામ મહમદહુસેન બલોચ) સાથે છેલ્લા શ્વાસ સુધી નાનાનો વિશ્વાસનો સંબંધ. આ ફિલ્મ જ મુંબઈમાં બોમ્બલાસ્ટ અને રમખાણો વખતે નાનાએ જે એકલા રઝળપાટ રાતના કરેલી એમાંથી જન્મેલી. નાનાએ વારંવાર કહેલું કે ''આ તો રાજકારણીઓ ઉશ્કેરે છે અને આપણે વગર કારણે એકબીજાના માથા ફોડીએ છીએ. બાકી તો આપણે કેટલાય વર્ષોથી સાથે જ રહીએ છીએ ને.''
અને ધર્મથી આગળ દેશને મુકતા આ તિરંગાપ્રેમી સૈનિકે લલ્લનટોપને જે મેરેથોન ચારેક કલાકનો ઈન્ટરવ્યું આપેલો એમાં પણ કહેલું કે ''હું ૭૫નો થવા આવ્યો પણ હજુ આ હિંદુ મુસ્લિમ વાળો મામલો સમજાતો નથી મને!'' નાના પાટેકરની કઝીન હતી. શશી. સગી બહેન જેટલો જ ભાવ. ડોક્ટર હતી. એ બીજા ડોક્ટર અબ્બાસને લવ મેરેજમાં પરણી ગઈ. (ઈન્ટરનેટ પર એક મુસ્લિમ બાળકને તેડીને નાનાનો વિડીયો વાઈરલ થાય છે એ આ પરિવારનો. નાના પાટેકરનો એકમાત્ર પુત્ર મલ્હાર તો કદાચ પરણ્યો નથી ને નાનાને કોઈ ગ્રાન્ડચાઈલ્ડ નથી) એ વખતે નાનાએ પબ્લિકલી કહેલું કે ''મેં મારી શશી ગુમાવી છે, એવું શું કામ વિચારું. ઉલટું મેં અબ્બાસ મારા ફેમિલીમાં મેળવ્યો છે ! બેઉ હાઈલી એજ્યુકેટેડ ડોક્ટર છે અને એકમેકના પ્રેમમાં છે. આમાં ધર્મ ક્યાંથી ધુસી ગયો વચ્ચે !''
બીજા કોઈ આવું કરે તો લુખ્ખાઓના ટોળા પાછળ પડી જાય. પણ નાના પાટેકારમાં તો આજે પણ આ વાંચીને સમસમી જાય તો બીજું શું કહી શકો ? બોલવામાં બેબાક એવા આ માથાફરેલ માનવીએ તો વિવેક અગ્નિહોત્રી માટે વેક્સીન વોર જેવી ફિલ્મો પણ કરી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એને જાહેર અંજલિ આપતી વખતે એને ''કોઈ પિંજરામાં કેદ ના થાય એવું પંખી'' યોગ્ય રીતે જ કહેલો ! શરદ પવાર સાથે એને ભળતું ને બાલાસાહેબ ઠાકરે સાથે ખાસ ઘરોબો હતો. પણ નાનાનું સ્ટેન્ડ હતું કે કોઈ સારા કામ માટે જરૂર નેતાઓની ઓળખાણ કામે લગાડવાની. પણ આપણા કામ માટે નહિ !
અને છતાં પણ નાના પાટેકરના કલાકાર તરીકે કોમી એખલાસ માટે ધબકતા દિલ માટે કોમેન્ટ કરવી હોય કી પેડ ને મફત ઇન્ટરનેટના જોરે વિદેશી સોશ્યલ મીડિયા પર. તો, એ ક્યાં કોઈ નાના પાટેકરની જેમ યુદ્ધ લડવા ગયા છે ? નાના પાટેકર બાકાયદા આર્મી મેજર હતા. કડક આર્મી ટ્રેનિગ લીધેલી. અને આ માનદ હોદ્દો નહોતો, ક્રિકેટર બેંક મેનેજર હોય એવો. કારગિલ યુદ્ધ વખતે તત્કાલીન વિદેશમંત્રી જ્યોર્જ ફર્નાન્ડીસની મંજૂરી લઇ રીતસર મશીનગન હાથમાં રાખી સ્પેશ્યલ ફોર્સના ભાગરૂપે ભારત માટે પાકિસ્તાન સામે સાચુકલું યુદ્ધ લડેલો એકટર હતો આ જાંબાઝ. પણ એને કટ્ટરવાદી ગુનેગાર દુશ્મન અને ધાર્મિક છતાં સરળ સજ્જન દોસ્ત વચ્ચેનો ફર્ક સમજાય એટલું સાબૂત દિમાગ હતું એની પાસે. જે આજે હવે એકધારા બ્રેઈનવોશને લીધે સંકોચાઈને અખરોટની જ સાઈઝનું થઇ ગયું છે બહુમતી ભારતવાસીઓનું.
આર્મી બેકગ્રાઉન્ડને લીધે જ નાનાએ જીવનમાં એકમાત્ર ફિલ્મ જે ડાયરેક્ટ કરી એ આર્મી પર ઓથેન્ટિક લાગતી પ્રહાર હતી. દેશ માટે બોર્ડર પર આકરી લડાઈ લડેલો માણસ પણ દેશની અંદર લુખ્ખા મવાલીઓથી પરેશાન થાય છે અને સામો પ્રતિકાર કરવામાં કોઈ મદદ કરવા આવતું નથી એ સંદેશ હતો એ હાર્ડ હિટીંગ ફિલ્મનો. જેમાં મેક અપ વિનાની માધુરી બેહદ સુંદર લાગેલી. અને નાનાના મિત્ર સદગત મંગેશ કુલકર્ણીનાં લાજવાબ ગીતો… પર્સનલ ફેવરિટ 'હમારી હી મુઠ્ઠી મેં આકાશ સારા, જબ ભી ખુલેગી ચમકેગા તારા' તો અનેક વકતૃત્વ સ્પર્ધામાં વાપર્યું છે !
સારું થયું કે ફિલ્મોના પ્રમોશનમાં ઉભા થઈને જતા રહેતા નાનાએ ગદ્દરવાળા અનિલ શર્માની વનવાસ ફિલ્મ માટે ગમતા મિત્રો એની સાથે વાતો કરે એવું કેમ્પેઈન કર્યું તો ઘણું જાણવા મળેલું. જેમ કે વિશાલ ભારદ્વાજ સાથેની વાતમાં એનો શાયરી અને જૂના હિન્દી ફિલ્મસંગીતનો શોખ બહાર આવેલો. નાનાએ વાતવાતમાં કહેલું ''યાર, ગાડી બંગલા શું અમીર બનાવે, આ ગુલઝારસાહેબ જો ને એમની પાસે શબ્દોની કેવી સમૃદ્ધિ છે. એમને વાંચીને કોલ કરવાનું મન થઇ જાય. આપણું શબ્દભંડોળ સુધરી જાય. આ પણ અમીરાઈ નથી?'' નાના પાટેકરને આજે પણ જે સોલોલોકી ''કૈસે બતાઉં મૈં'', માટે યાદ કરાય છે એ પોતાને સવારની પાંચ વાગ્યાની ફ્લાઈટ હોવા છતાં પણ જાવેદ અખ્તરે રાત જાગીને આરોહ અવરોહ પોઝ એક્સપ્રેશન સહિત તૈયાર કરાવેલી.
ગુલઝારના ભૂતપૂર્વ આસિસ્ટંટ એવા 'અંકુશ' બનાવનાર એન ચંદ્રા 'તેજાબ' પછી ફેમસ થયા પણ નાનાને ફિલ્મમાં દસ હજાર જ મળવાના હતા (એમાં પણ સાત હજાર ફિલ્મ વેંચાય પછી) પણ અંકુશ અટકી જતા નાનાએ ઘર ગીરવે રાખી બે લાખ ઉધાર આપેલા ! કેમ? તો મરાઠી કોમેડી એક્ટર અશોક શરાફ નાના સામે પત્તા રમવામાં જાણી જોઇને થોડું હારતા જેથી ત્યારે સ્ટ્રગલર નાનાને થોડું માગ્યા વગર મળે. એમણે ૧૯૭૮માં ત્યારે આર્થિક મુશ્કેલી વખતે નાનાને કોરો ચેક લખી દીધેલો. કે ખાતામાં પંદર હજાર (આજના તો કદાચ કરોડ ગણાય!) છે. ઉપાડી લે જોઈએ એટલા. નાના પાછળથી સગવડ થઇ તો ઉધાર ચૂક્વવા ગયા (એ મોટી વાત છે!) ત્યારે અશોકે કહ્યું કે એની ક્યાં ઉતાવળ હતી તો નાનાનો જવાબ એના કોઈ ફિલ્મી ડાયલોગ જેવો જ ચોટદાર હતો ''પૈસે હી તો લૌટા રહ હૂં, વક્ત કહાં લૌટા રહ હૂં !''
નાના માટે અમિતાભને પણ એટલું સન્માન. ને નાના અમિતાભને પગે લાગે. કોહરામના એક સીનમાં અમિતાભ બોલ્યા વગર નાનાના ડાયલોગનો મુકાબલો કરે છે એ ટક્કર લાજવાબ છે. અનિલ કપૂર, ડેની અને મિથુન નાનાના ખાસ એક્ટર દોસ્ત. નાનાને મોતીલાલ, જોની વોકર, નૂતન, દિલીપકુમાર ગમે. એમ તો નાનાએ શાહરુખના કાયમ ભરપૂર વખાણ કર્યા કે કોઈ રાઈ નથી સફળતાની. ખૂબ સારો છોકરો. અને નાના માટે શાહરૂખખાને તો જે અદ્ભૂત અંજલિ લખી છે એ તો જાણે એક કવિતા છે ! જેમાં એણે નાનાને ગુરુ કહી ને એમની 'એક્ટર બનના સ્ટાર નહીં' વાળી ટકોર યાદ કરીને લખ્યું એ ''આ માણસ આપણને પોતાના સમજીને ખીજાય ત્યારે પણ એ તમને વ્હાલથી ભેટતા હોય એવું લાગે. આસમાન રોશન થશે હવે એમના તેજથી!''
નાના પાટેકરનું સંજીવકુમાર જેવું હતું. પોતે લીડ રોલમાં ના હોય પણ એમને લીધે ફિલ્મમાં વજન ઉમેરાઈ જાય. નાનાની મસ્ટ સી અબ તક છપ્પનમાં પત્ની બનેલી રેવતીની લાશ સામે બેઠેલો ઇન્સ્પેકટર સાધુ અગાશે રોવાને બદલે જે કોરી આંખે ને ઠંડા અવાજે 'શી ઈઝ ડેડ' બોલે ત્યારે તમને એની અંદર કશુંક મારતું પણ દેખાય અને ખલનાયક માટે અંતનો આરંભ પણ ! ખુદ જે માણસ એવું માનતો હોય કે એમને ચહેરો નથી મળ્યો સરખો એ અભિનયમાં ડૂબી જાય ત્યારે એમની મર્યાદા એની શક્તિ બની જાય. તમે ફેસ ભૂલીને ટેલન્ટ માટે બિરદાવવા લાગો. પલ્લવી જોશી અને આલોક નાથ સાથે બ્રહ્મચર્ય બાબતે અસમંજસમાં રહેલા બૌદ્ધ ભિખ્ખુનું આંતરદ્વંદ્વ ઓછા શબ્દોમાં દાયકાઓ પહેલા આબાદ ઉપસાવેલું પાટેકરે.
નાના પાટેકરની આવડત નાટકોને લીધે કેળવાયેલી મેમરી હતી. કમલેશ પાંડેએ નાના પાટેકરના જ ગેંગસ્ટર કઝીન મન્યા સુર્વેની બાયોપિક 'બયાન' લખેલી. એન ચંદ્રા સાથે નાનાની એ ફિલ્મ ના બની. પણ કમલેશ પાંડેએ અમોલ પાલેકર માટે 'થોડા સા રૂમાની હો જાયે' લખી, એની આખી સ્ક્રિપ્ટ નાનાને છેક સુધી યાદ. એની કવિતા લહેકા સાથે સંભળાવે ને કહે કે ડાયલોગ યાદ હોય પછી અભિનય તો સહજ થઇ જાય. રિટેક વિના ! અગ્નિસાક્ષીની જ ટીમ સાથે પર્સનલી નાનાની ફિલ્મોમાં ટોપ ફેવરિટ 'યુગપુરુષ'માં એમણે દોસ્તોયવસ્કીના મિસફિટને સાકાર કરેલો, આ જણ પણ એવો હતો. ગ્લેમરવર્લ્ડ જ નહિ. શહેરમાં પણ મિસફિટ. એટલે ગામડે એકલો રહે. રસોઈ કરે, ખેતી કરે, પુસ્તકો વાંચે.
રિલેશનશિપમાં પણ એ મિસફિટ. ગામડામાં રહેતી મા નિર્મલા પાસેથી એક્ટિંગ શીખી એવું કહેતા નાના પાટેકરે ૨૦૧૯માં માને જૈફ વયે ગુમાવ્યા બાદ પોતાની ઉંમર અને એકલતાની વાતો શરુ કરેલી એમ તો નાટકો કરતા મળેલી દેખાવડી અભિનેત્રી સખી નીલકાંતિ (જેણે 'છાવા'માં અભિનય કર્યો છે) પત્ની બની ત્યારે બેંક જોબમાં વધુ કમાતી. પણ પહેલા દીકરા દુર્વાસા જેને જન્મજાત ખોડ હતી, એના નાનપણમાં અવસાન બાદ સુખેથી સંસાર ચાલ્યો નહિ. બેઉ ડિવોર્સ લીધા વિના આજીવન અલગ રહ્યા.
નાનાનું નામ દિપ્તી નવલ બાદ સિરિયસલી મનીષા કોઈરાલા સાથે જોડાયું. અતિસુંદર મનીષા નાનાના પ્રેમમાં પડી પછી એનામાં અભિનયનું આખું અનોખું ઉંડાણ આવી ગયું કદાચ નાનાના સંગને લીધે. તનુશ્રી જેવી ફરિયાદ નાના સાથે કામ કરેલી કોઈ હીરોઈને કરી નથી. પૂર્વ પ્રેમિકાઓ ગણાય એમણે પણ ભાવભીની અંજલિ જ આપી છે. તનુશ્રીને નાનાના ગુસ્સાને લીધે વાંધો ઈગો હર્ટ થતા કંઇક બીજો પડયો હોય પણ દાવ જાહેરમાં બીજું બહાનું ઉભું કરીને લેવામાં આવે એવું થઇ શકે. કારણ કે એ શૂટ પણ સેંકડો લોકો વચ્ચે થયેલું ને ત્યારે એ કશું નહોતી બોલી વર્ષો સુધી. નાના ચાલુ શૂટિંગે નડતા કોઈ દર્શકને પણ હમણાં તમાચો મારેલો એવા મરચાંવાળા મગજના. ગમે ત્યારે કમાન છટકે.
બાકી એ સમયે ને આજે પણ તનુશ્રીથી સોગણી સુંદર મમતા કુલકર્ણી નાનાની સાથેના બિલ્ડીંગમાં રહેતી ને નાના જોડે કામ પણ કર્યું. એણે અંજલિ આપતા કહ્યું કે 'નાના મને નાની બચ્ચીની જેમ સાચવતા. બહેના વાળ રાખી ઉતાવળે સેટ પર જતી હતી તો શરદી થઇ જશે એમ કહેતા. એક વાર એમના બે રૂમના નાનકડા ફલેટમાં ગઈ તો પૂછયું 'ચા પીવી છે?' મમતાએ હા કહી તો નાના કહે 'આ રહી તપેલી, આ ચા, આ ખંડ ને આ દૂધ' જાતે બનાવીને પી લે!'
ઈરફાન, પરેશ રાવલ, નાના પાટેકર, ઓમ પૂરી આ બધા એવા અભિનેતાઓ કે કેરેક્ટર રોલમાં હીરોથી વધુ છવાઈ જાય ને ચહેરો ખૂબસુરત ના હોય તો પણ લોકચાહના ને તગડા દામ મેળવે. રાજા ફિલ્મમાં નાનાને રિપ્લેસ કરનાર પરેશ રાવલે કોઈ પ્રોડયુસરને ''મટન ખાઈશ?'' કહી જમવા બેસાડયા બાદ નાનાએ વાસણ ધોવડાવેલા, એ વાત કરી છે. પણ નાનાનો વટ હતો. હીરોથી વધુ પૈસા વસૂલ કરે, કમાણી કરે ને પછી સોનાલી કુલકર્ણીએ કહ્યું એમ માત્ર ૨૫% રાખે. બાકી ડાયરેક્ટ ચેરિટી કરી દે !
નાનાએ મકરંદ અનાસપૂરે સાથે મળીને જે નામ ફાઉન્ડેશન બનાવી મહારાષ્ટ્રના ખેડૂતો માટે કરેલા બેનમૂન સામાજિક સેવાકાર્યો વિષે બહુ લખાઈ ગયું છે, પોતાની કાર માટે બચાવેલા પૈસા સમાચાર જોઇને દાનમાં આપી દેવા માટે પણ કલેજું જોઈએ. પણ નાનાને પડી નહોતી. એટલે ઉંમર એની વધે છે એવું લાગ્યું નહિ ક્યારેય. એની ફિલ્મો ઘટી, પણ પ્રભાવ નહિ. શરીર જોઈ એવું લાગે કે તબિયત ફાંકડી છે. ને છેલ્લે સુધી એક્ટીવ પણ રહ્યા. મોતના થોડા દિવસો પહેલા ખેતરમાં સાપ પકડી જાતે ને છોડી દીધેલો. એને એના જ શબ્દોમાં ગામડે જઈ આખું આકાશ દેખાય એમ રહેતા આવડતું. ને છતાં એ અફસોસ કરતો કે બીજા પાત્રો ભજવવામાં આપણી જિંદગી જીવવાનું ભૂલાઈ જાય છે.
એડ એજન્સીમાં સુંદર અક્ષર સાથે ગ્રાફિક કરતો આ નટસમ્રાટ (એ અદ્ભૂત મરાઠી ફિલ્મ જુઓ તો ગુજરાતી વર્ઝન કેટલું નબળું છે એ ખબર પડશે!) દરેક સમ્રાટની જેમ આખરે એકલો પડી ગયેલો. એણે સૌરભ દ્વિવેદીને કહેલું કે ''હું ભગવાન કરતાં માણસોમાં વધારે વિશ્વાસ રાખું છું. ભગવાને આપણને માણસનો અવતાર આપ્યો, એ જ બહુ થઈ ગયું, હવે એમને હેરાન ના કરો! આઠ આના ફેંકીને લાખો રૂપિયા ના માંગો. હવે મને ખીજાય કે વઢે એવું તો કોઈ રહ્યું જ નથી. મા, બાપ, ભાઈ બહેન બધા જતા રહ્યા. એમ મારા જવાથી કંઈ અટકી જવાનું તો નથી. પવન તો આમ જ વા'તો રહેશે, ચાંદો આમ જ આવશે, સૂરજ પણ રોજની જેમ જ ઊગશે… બધું જ રોજ થવાનું છે. બસ એક ક્ષણ માટે લોકો કહેશે કે અરરર જતા રહ્યા !''
પણ પડદા પર ઘણી કલાકો આપી હોઈને એમ જવા થોડા દઈશું બડે પાટેકર !
ઝિંગ થિંગ
નાનાને ચેઈન સ્મોકિંગની એવી આદત કે બાથરૂમમાં પણ સિગારેટ જોઈએ. રોજની ૬૦ પી જાય. ભાણેજ ગુજરી ગયો ત્યારે ઉધરસ આવતી જોઇને બહેને એટલું જ કહ્યું કે 'મારે હજુ કેટલા મોત જોવાના !' ઘેર જી નાનાએ સિગારેટના પાકીટ ફેંકી દીધા. એમણે હમણાં જ કહેલું 'હું રોજ સવારે ઉઠીને કહેતો કે આજે નથી પીવી. કોઈ મોટો દાવો નહિ. આજ નથી પીવી. એમ એક એક દિવસ કરતા ૨૨ વર્ષથી હાથ નથી લગાડયો !'




