Entertainment

'બોલાતું તો છે નહીં, શું ગાશો?', દલેર મહેંદીને ભાજપના મંત્રીએ મંચ પર લગાવી ફિટકાર, ચાહકો ભડક્યાં

By GS Team
20 Oct 20262 mins read
TukuTouch Logo
ઉત્તરાખંડના ટીહરી જિલ્લામાં 'કુંજાપુરી મેળા'માં પંજાબી ગાયક દલેર મહેંદી પર કેબિનેટ મંત્રી સુબોધ ઉનિયાલ જાહેરમાં ભડક્યા હતા. દલેર મહેંદી દારૂના નશામાં હોવાનો આરોપ લગાવી મંત્રીએ સ્ટેજ પર જ તેમને ખખડાવ્યા હતા. જોકે, દલેર મહેંદીના ચાહકોએ મંત્રીના વર્તન સામે સોશિયલ મીડિયા પર ભારે રોષ વ્યક્ત કર્યો છે. દલેર મહેંદીએ શાંતિ જાળવી રાખી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

'બોલાતું તો છે નહીં, શું ગાશો?', દલેર મહેંદીને ભાજપના મંત્રીએ મંચ પર લગાવી ફિટકાર, ચાહકો ભડક્યાં

Daler Mehndi Controversy : પ્રસિદ્ધ પંજાબી ગાયક દલેર મહેંદીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહ્યો છે, જેમાં ઉત્તરાખંડ સરકારના કેબિનેટ મંત્રી સુબોધ ઉનિયાલ સ્ટેજ પર સરેઆમ ગાયક પર ભડકતા નજરે પડે છે. મંત્રીએ દલેર મહેંદી પર દારૂના નશામાં હોવાનો આક્ષેપ કરીને મંચ પર જ ફટકાર લગાવી હતી, જેના કારણે સોશિયલ મીડિયા પર મંત્રી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

શું છે સમગ્ર મામલો?
ઉત્તરાખંડના ટીહરી જિલ્લાના નરેન્દ્રનગરમાં આયોજિત પ્રખ્યાત 'કુંજાપુરી મેળા'માં મનોરંજન માટે પ્રખ્યાત ગાયક દલેર મહેંદીને બોલાવવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન જ્યારે દલેર મહેંદી ગીત ગાઈ રહ્યા હતા, ત્યારે તેમનો અવાજ થોડો લથડ્યો હતો. આ વાતથી ગુસ્સે ભરાયેલા ભાજપના નેતા અને મંત્રી સુબોધ ઉનિયાલ અચાનક સ્ટેજ પર ચઢી ગયા હતા.

મંત્રીએ માઈક હાથમાં લઈને ગાયક પર ગંભીર આક્ષેપ કરતા કહ્યું:

"અહીં મા દુર્ગાની આરાધના અને નવરાત્રિનું ધાર્મિક આયોજન ચાલે છે. આવા પવિત્ર અવસરે દારૂના નશામાં કાર્યક્રમ પ્રસ્તુત કરવો યોગ્ય નથી." "તમારાથી બોલાતું તો છે નહીં, ગાશો શું? અમે તમને એટલા બધા પૈસા આપીને એટલા માટે બોલાવ્યા કે લોકોનું મનોરંજન થાય, પણ તમે લોકોને બેવકૂફ બનાવી રહ્યા છો."

સોશિયલ મીડિયા યુઝર્સ મંત્રી પર ભડક્યા

મંત્રી દ્વારા સ્ટેજ પર કરવામાં આવેલી આ જાહેરમાં બેઇજ્જતી સામે સોશિયલ મીડિયા પર યૂઝર્સે ઉગ્ર નારાજગી વ્યક્ત કરી છે: એક યુઝરે લખ્યું કે, "દલેર મહેંદી દાયકાઓથી દિગ્ગજ કલાકાર રહ્યા છે. તેમની તબિયત ખરાબ હોઈ શકે છે, પરંતુ આ રીતે સરેઆમ અપમાન કરવું અશોભનીય છે." અન્ય એક નજીકના પરિચિતે દાવો કર્યો કે, "દલેર ભાઈ ક્યારેય દારૂ પીતા નથી. તે ક્ષણે તેમની તબિયત સારી નહોતી છતાં તેઓ લોકો માટે પરફોર્મ કરી રહ્યા હતા."

આ સમગ્ર વિવાદ દરમિયાન દલેર મહેંદી ખૂબ જ સંયમ અને વિનમ્રતાથી ચૂપચાપ ઊભા રહ્યા અને બાદમાં મંત્રીને મંચ પરથી નીચે ઉતરી જવા માટે કહ્યું હતું. સોશિયલ મીડિયા પર દલેર મહેંદીના આ શાંત અને સંયમી સ્વભાવની પણ ભારે પ્રશંસા થઈ રહી છે.