India

CEC જ્ઞાનેશ કુમાર વિરુદ્ધના આંદોલન પર બ્રેક: સાથીઓ જેલ ભેગા થતાં અભિજિત દીપકેની આંખો છલકાઈ

By GS Team
20 Oct 20263 mins read
TukuTouch Logo
કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજિત દીપકેએ મુખ્ય ચૂંટણી કમિશનર સામેનું આંદોલન હાલ પૂરતું મોકૂફ રાખ્યું છે. સહયોગી સૌરભ દાસ અને આશુતોષ રાંકા જેલમાં હોવાથી અને કાનૂની મુશ્કેલીઓ વધતા આ નિર્ણય લેવાયો. દીપકેએ 16 મિનિટના વીડિયો સંદેશમાં કાર્યકરોને તહેવારોમાં પરિવાર સાથે રહેવા અપીલ કરી. તેઓ સૌરભ અને આશુતોષ માટે ભાવુક પણ થયા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

CEC જ્ઞાનેશ કુમાર વિરુદ્ધના આંદોલન પર બ્રેક: સાથીઓ જેલ ભેગા થતાં અભિજિત દીપકેની આંખો છલકાઈ

Abhijit Dipke On CJP Protest Against CEC : કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અને રાષ્ટ્રીય સંયોજક અભિજિત દીપકેએ દેશના મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) સામે ચાલી રહેલા આંદોલન પર હાલ પૂરતી રોક લગાવી દીધી છે. પાર્ટીના સાથીઓ સૌરભ દાસ અને આશુતોષ રાંકા જેલમાં હોવાથી અને કાનૂની મુશ્કેલીઓ વધતાં દીપકેએ આ નિર્ણય લીધો છે. તેમણે એક 16 મિનિટના વીડિયો સંદેશમાં કાર્યકરોને સલાહ આપી છે કે, તેઓ તહેવારોના સમયે પોતાના પરિવાર સાથે રહે. સૌરભ અને આશુતોષની વાત કરતા તેઓ અત્યંત ભાવુક થઈ ગયા હતા અને તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા.

મેં જે કહ્યું હતું, તે સાચું પડ્યું : અભિજિત દીપકે

અભિજિત દીપકેએ કહ્યું કે, ‘હું જોઈ રહ્યો છું કે છેલ્લા કેટલાક દિવસોથી તમે બધા સંઘર્ષ કરી રહ્યા છો. તમે લોકોએ ઘણું બધું સહન કર્યું છે. જે રીતે આખી સિસ્ટમ તમને દબાવવામાં લાગેલી છે. હું ભાગ્યશાળી છું કે તમારા જેવા લોકો નિઃસ્વાર્થ ભાવથી સંઘર્ષ કરી રહ્યા છે અને મારા, આશુતોષ તથા સૌરભ સાથે ઊભા છે. મારી હવે એક અપીલ છે કે છેલ્લા કેટલાક દિવસો આપણા માટે સરળ નહોતા. હું શરૂઆતથી જ કહેતો રહ્યો છું કે આગળ બાબતો મુશ્કેલ બનવાની છે. આપણને આટલી સરળતાથી કંઈ કરવા નહીં દે. બરાબર એવું જ થઈ રહ્યું છે. મેં કહ્યું હતું કે થોડા દિવસોમાં આપણી પાછળ પોલીસ લગાવી દેશે, કેસ કરી દેશે, ગમે તે રીતે ફસાવવાનો પ્રયત્ન કરશે, અને એવું જ થઈ રહ્યું છે. આ બધું જાણતા હોવા છતાં તમે જે હિંમત અને એકતા સાથે લડી રહ્યા હતા તે પ્રશંસનીય છે. હું આ માટે તમને સલામ કરું છું અને દિલથી આભાર માનું છું.’

‘થોડા દિવસ પોતાના પરિવાર સાથે રહો’

કાર્યકરોને પરિવાર સાથે સમય વિતાવવા જણાવતાં સીજેપીના સ્થાપકે કહ્યું કે, ‘જેટલી બાબતો સૌરભ દાસ અને આશુતોષ રાંકા માટે મુશ્કેલ છે, તેટલી જ તમારા માટે પણ છે. ઘણા લોકોને રસ્તા પર માર મારવામાં આવ્યો, ડિટેઈન કરવામાં આવ્યા. આપણા કરતાં વધુ આપણા પરિવારો માટે આ મુશ્કેલ છે, કેમ કે આ નિર્ણય તેમનો નહોતો, આપણો હતો. હું તમામ કોકરોચને અપીલ કરું છું કે થોડા દિવસો માટે તમે તમારા પરિવાર સાથે સમય વિતાવો. તહેવારો આવી રહ્યા છે. છેલ્લા 10-12 દિવસોમાં જે કંઈ થયું તેનાથી પરિવાર ખૂબ જ ચિંતિત છે. સૌરભ અને આશુતોષની જેમ તમારો પરિવાર પણ ચિંતિત હશે. થોડા દિવસ પોતાના પરિવાર સાથે રહો, થોડો સમય પોતાના સ્વજનો સાથે વિતાવો.’

જેલમાંથી બહાર આવશે ત્યારે આખો દેશ સલામ કરશે

દીપકેએ સૌરભ દાસ અને આશુતોષ રાંકાના પરિવારજનો સાથે વાતચીત કરી હોવાનું જણાવતા દીપકેએ કહ્યું કે, સૌરભની માતાએ મારું મનોબળ વધાર્યું છે. બંને સાથીઓ અંગે અભિજિત દીપકેએ કહ્યું કે, ‘જ્યારે તેઓ બહાર આવશે ત્યારે આખો દેશ તેમને સલામ કરશે. જે લોકોને લાગે છે કે સૌરભ અને આશુતોષને જેલમાં પૂરીને ડરાવી દેશે, તો એવું થવાનું નથી. તેઓ જ્યારે બહાર આવશે ત્યારે એ જ સ્મિત સાથે ઈન્કિલાબ ઝિંદાબાદના નારા લગાવતા બહાર આવશે.’

ભાવુક થવા અંગે ટ્રોલર્સને આપ્યો જવાબ

તેમણે વધુમાં કહ્યું કે, ‘હમણાં બે રૂપિયાના ટ્રોલર્સ કહેશે કે ઈમોશનલ થઈ ગયો છે. જુઓ કેવી રીતે રડાવી દીધો. આપણી ભાવના આપણી કમજોરી નથી, તાકાત છે. હું ઈમોશનલ એટલા માટે થઈ રહ્યો છું કારણ કે સૌરભ દાસ અને આશુતોષ રાંકા મારા ભાઈ છે, મારો પરિવાર છે. લાગણી એટલા માટે છે કે હું તેમની કાળજી લઉં છું. હું ડરેલો નથી. મને પણ જેલમાં રાખ્યો હતો, પણ હું ડર્યો નથી. મારા મનમાં તેમના માટે પ્રેમ છે અને એ જ મારી તાકાત છે. તમને લોકોને આ ઈમોશનલ કમજોરી લાગતી હશે કારણ કે તમે ક્યારેય કોઈની ચિંતા નથી કરી. પ્રેમ અને કરુણા શું છે તે તમને શું ખબર, કેમ કે તમે નફરત ફેલાવો છો. એ નફરત જ તમારી નબળાઈ છે.’