Shatdal

ધોળે દિવસે સળગતાં ભેદી ઝુમ્મરો!

By GS Team
1 Sep 20265 mins read
ધોળે દિવસે સળગતાં ભેદી ઝુમ્મરો!
  • રજનીગંધા-વિભાવરી વર્મા
  • 'એ પણ ભેદી વાત છે. એ બે પ્રેતાત્માઓ સ્ત્રીઓને કશું નથી કરતા! પણ પુરુષ કે યુવકને જુએ તો ચોવીસ કલાકમાં એને શેકીને ખાઈ જાય છે!

'આ વા ધોળે દિવસે આખા કોટેજમાં તમામ લાઇટો ચાલુ કેમ રાખી હશે?'
સ્કોટલેન્ડમાં એક નાનકડા ટાઉનના છેડે આવેલી એક ટેકરીની ટોચ ઉપર આ ઘેરા લાલ રંગની દિવાલોવાળું કોટેજ હતું. ટેકરી ઉપપર ચડવા માટે પથ્થરોથી બનેલી નાનકડી કેડી સિવાય બીજો કોઈ રસ્તો જ નહોતો.
યજુવેન્દ્ર અહીંથી ત્રણ માઇલ નીચે એક બસ સ્ટોપ પર ઉતર્યો હતો. ખભે ભેરવેલી મોટી મોટી બે બેગો સાથે આ પથરાળ કેડી ચડતાં ચડતાં તે હાંફી ગયો હતો.
આજુબાજુ ઊંચા ઊંચા વૃક્ષોનું ઘટાદાર જંગલ હતું. દૂર દૂર સુધી બીજાં કોઈ મકાનોનું નામોનિશાન નહોતું. 'શું આવી અટુલી જગ્યાએ આખું વરસ કાઢવું પડશે ?'
આવા વિચારથી યજુવેન્દ્ર બે ઘડી થરથરી ગયો હતો. એમાંય, આ કોટેજની તમામ લાઇટો ધોળે દિવસે ચાલુ જોઇને તેને વિચિત્ર ફિલીંગ થઇ રહી હતી.
થોડો ડર, થોડો થાક અને થોડા ટેન્શન સાથે તેણે ડોરબેલ દબાવી. તેના આશ્ચર્ય વચ્ચે એક પાતળી સરખી યુવતીએ દરવાજો ખોલ્યો. તે દેખાવે ઇન્ડિયન જ લાગતી હતી !
'યેસ ?' યુવતી અધખુલ્લા દરવાજાને વચ્ચેવચ ઊભી હતી. 'શું કામ છે ? કોણ છો તમે ?'
યજુર્વેન્દ્ર મુંઝાયો. શું કહેવું ? છતાં જરા હિંમત કરીને બોલ્યો : 'તમે ઇન્ડિયન છો ને ? હું પણ ઇન્ડિયન છું. મારું નામ યજુવેન્દ્ર છે.'
'તો ?' યુવતીના ચહેરો સાવ સપાટ જ રહ્યો.
'આઈ મિન, કમ સે કમ મને અંદર તો આવવા દો ? મારી પાસે ભલામણ પત્રો છે.'
'ભલામણ પત્રો ? શેના ? અંદર આવવા માટે દરવાજો ખોલવાના ?'
યુવતી જરૂર મજાક કરતી હશે એવું ધારીને યજુર્વેન્દ્રએ હસી પડવા સિવાય છૂટકો જ નહોતો. તે નકલી હાસ્ય સાથે બોલ્યો :
'દરવાજો ખોલવા માટે તો માત્ર તમારી મહેરબાની જ પુરતી છે ! જરા કરશો એટલી મહેરબાની ?'
યુવતીના ચહેરા પર હળવું સ્મિત આવ્યું. યજુર્વેન્દ્ર અંદર આવ્યો. અહીં મુખ્ય ઓરડામાં મોટાં મોટાં ચાર શાનદાર ઝુમ્મરો ઝળહળી રહ્યાં હતાં. આ ઉપરાંત દિવાલો ઉપર મોટા મોટા છ લેમ્પ હતા. તેમાંથી પણ ભરપૂર રોશની રેલાઈ રહી હતી.
'આમ જોયા શું કરો છો ? આ બધું ચોવીસે કલાક ચાલુ જ હોય છે ! પણ એ છોડો, તમે શેની ભલામણ લઇને આવ્યા છો ?'
'વેલ, વાત એમ છે કે અહીંની સ્કોટલેન્ડ યુનિવર્સિટીમાં એક રિસર્ચ માટે મને ફેલોશીપ મળી છે. પરંતુ ફેલોશીપના સ્ટુડન્ટને હોસ્ટેલમાં એડમિશન મળી શક્તું નથી.' નીચે ટાઉનમાં જો ભાડેથી રહેવા જાઉં તો એ-
'ખુબ જ મોઘું છે ! મને ખબર છે!'
'યસ. એટલે હું ભારતના વિદેશ મંત્રાલયના એક અધિકારીનો ભલામણ પત્ર લઇને આવ્યો છું. કે પ્લીઝ મને આ કોટેજમાં રહેવા દો. ભોજનનો ખર્ચ હું આપી શકું છું.'
'હું પણ એ જ રીતે અહીં રહું છું.' યુવતી હવે જરા ખુલીને બોલવા લાગી. 'હું પણ અહીં રિસર્ચ કરી રહી છું. પણ આ કોટેજ જરા ભેદી છે. ખાસ કરીને યુવકો માટે ! અહીં તમને ફાવશે ?'
'ભેદી ? હું સમજ્યો નહીં.'
'વાત એમ છે કે આ કોટેજની જે માલિકણ છે એ જરા ચસકેલ છે ! એનો પતિ અને એનો એકનો એક દિકરો મરી ગયાને આજે દસ વરસ થયાં છે, છતાં એ માને છે કે એ લોકો ગમે ત્યારે પાછા આવશે ! જો એ રાત્રે પાછા આવે તો ? કોટેજમાં અંધારું જોઇને પાછા જતાં રહે તો ? એટલે ચોવીસે કલાક ઝુમ્મરો અને લેમ્પો સળગતાં જ રાખે છે !'
'વિચિત્ર કહેવાય ! પણ તમે અહીં શી રીતે રહો છો ?'
'એ પણ ભેદી વાત છે. એ બે પ્રેતાત્માઓ સ્ત્રીઓને કશું નથી કરતા ! પણ પુરુષ કે યુવકને જુએ તો ચોવીસ કલાકમાં એને શેકીને ખાઈ જાય છે ! જો કે આ વાત ઘરની માલિકણ હરગિઝ માનવા તૈયાર નથી ! પણ ટાઉનના તમામ લોકો જાણે છે કે આ કોટેજમાં છેલ્લા દસ વરસમાં જે કોઈ પુરુષ કે યુવક રહેવા આવે છે તે જીવતો પાછો નીકળી શક્યો નથી. એટલું જ નહીં, જો ભૂલેચૂકે અહીંથી નીકળી શકે તો પેલા બે પ્રેતાત્માઓ એને ગમે ત્યાંથી શોધીને ખાઈ જાય છે !'
યજુર્વેન્દ્ર શરીરમાંથી ભયનું એક લખલખું પસાર થઇ ગયું. આટલી ઠંડીમાં એની હથેળીમાં પરસેવો વળી ગયો. એ હજી વિચાર કરતો હતો કે અહીંથી ચાલ્યા જવું કે રોકાવું, ત્યાં તો એક સાંઇઠ વરસની લાગતી સ્ત્રી રૂમમાં આવી.
'આહા !' યજુર્વેન્દ્રને જોતાં જ તે બોલી ઊઠી : 'યુ મસ્ટ બિ યજુર્વેન્દ્ર ફ્રોમ ઇન્ડિયા ! રાઇટ ? મને ઇન્ડિયન એમ્બેસીમાંથી મેસેજ મળી ગયો છે. વેલકમ ટુ માય કોટેજ !'
યજુર્વેન્દ્ર હજી આમતેમ જોતો ઊભો હતો.
'વેલ ? તમને આ સળગતાં ઝુમ્મરો જોઇને નવાઇ લાગે છે ને ?' એ સ્ત્રી બોલી. 'એમાં એવું છે કે મારા પતિ અને મારો પુત્ર રોજ અહીંના જંગલોમાં શિકાર કરવા જાય છે. એમને આવતાં ક્યારેક મોડું થઇ જાય છે. પણ પ્રોબ્લેમ શું છે…'
એ સ્ત્રીએ ઝુમ્મરો તરફ હાથ બતાવતાં કહ્યું : 'ઘરમાં એટલાં બધાં ઝુમ્મરો અને લેમ્પો છે કે વારાફરતી એને સળગાવીને ચાલુ કરવામાં એકાદ કલાક થઇ જાય છે ! બીજી તકલીફ એ છે કે અમુક દવાઓ લીધા પછી મને સખત ઘેન ચડે છે. મારે ફરજિયાત સૂઈ જ જવું પડે છે. ક્યારેક તો સળંગ આઠ આઠ કલાક ઊંઘ આવી જાય છે ! આવા સમયે જો એ બાપ-દિકરો જંગલમાંથી આવે, તો ઘરમાં શી રીતે પ્રવેશી શકે ? ટેકરીની તળેટીથી અહીં સુધીનો રસ્તો શી રીતે જડે ? એટલે હું ઝુમ્મરો અને લેમ્પો સળગતાં જ રાખું છું…'
બહાર અંધારું ઘેરાવા લાગ્યું હતું. પેલી સ્ત્રીએ વારાફરતી બારીના પરદાઓ ખોલવા માંડયા. 'હું બારીના પરદા પણ એટલા માટે જ ખોલીને રાખું છું જેથી કરીને અજવાળું દૂર સુધી ફેલાય…'
એવામાં એક બારીનો પરદો ખોલતાં જ એની આંખો ચમકી ઊઠી !
'જુઓ ! જુઓ ! એ બન્ને જણા આવી રહ્યા છે ! આજે તો એમણે એકાદ નર રેન્ડિયરનો શિકાર કર્યો લાગે છે ! આ બાપ દિકરા પણ ખરા છે ! હંમેશાં નર પ્રાણીનો જ શિકાર કરશે ! વિચિત્ર ટેવ છે નહીં ?'
સ્ત્રીએ યજુર્વેન્દ્રનો હોંકારો સાંભળવા માટે પીઠ ફેરવી. પણ યજુર્વેન્દ્ર ત્યાં હતો જ નહીં ! એ પોતાની બેગો ખભે ભેરવીને પાછલે રસ્તેથી સડસડાટ નીચે ઉતરી રહ્યો હતો !
સ્ત્રીને નવાઇ લાગી : 'કમાલ છે ? ભલામણ પત્ર લઇને આવ્યો હતો. છતાં જતો રહ્યો ?'
પેલી તરફ કોટેજની બારીમાંથી યુવતી યજુર્વેન્દ્રને ભાગી જતો જોઇને હસી રહી હતી. તે મનમાં બબડી :
'બેટમજી ! તું અહીં આવ્યો કે તરત જ હું તને ઓળખી ગઇ હતી ! તું એ જ યજુર્વેન્દ્ર છે, જેણે મને સ્કુલની પિકનિકમાં અડધી રાત્રે ભૂત બનીને મને બહુ જ ખરાબ રીતે બીવડાવી મારી હતી… એ પછી સળંગ છ વરસ સુધી મને રાતના પથારીમાં પેશાબ થઇ જતો હતો ! હવે બેટમજી તું પણ જિંદગીભર આ બે ભૂતના ડરથી થથરતો રહીશ…'