Shatdal

ચોમાસું એટલે પર્વો - ઉત્સવોની વણઝાર

By GS Team
18 Aug 20265 mins read
ચોમાસું એટલે પર્વો - ઉત્સવોની વણઝાર
  • .એક જ દે ચિનગારી-શશિન્
  • ઈશ્વરને યાદ કરવા માટે કોઈ મહિના કે પર્વ વિશેષની જરૂર નથી ૩૬૫ દિવસ ઈશ્વરની ભેટ છે અને તેની પ્રત્યેક પળ પોતે જ એક મહોત્સવ છે.

ચો માસું એટલે પર્વો-ઉત્સવોની વણઝાર. શ્રાવણમાં આકાશી વાદળીઓ પણ વરસે અને પર્વોની ઝડીઓ પણ વરસે. શ્રાવણ શ્રધ્ધા, ઉપાસના અને સમર્પણનો મહિનો છે. માણસને પ્રેમ અને લાગણી સિવાય ક્યારેય ચાલતું નથી ! સ્વાર્થ જગતને નર્કાગારસમું બનાવે અને ત્યાગ તથા સમર્પણ વિશ્વને નંદનવન બનાવી શકે.
પર્વો-ઉત્સવો માણસમાં રહેલા ઉદાત્ત ભાવોને વાગોળવા-ઢંઢોળવાને ચિરંજીવ બનાવવા યોજાતા આવ્યા છે. પર્વનો શાબ્દિક અર્થ છે 'ગાંઠ'. જેમ શેરડી કે વાંસમાં થોડાથોડા અંતરે એક ગાંઠ જોવા મળે છે, તેમ કાળગણના અથવા જ્યોતિષશાસ્ત્ર મુજબ કેટલાક વિશિષ્ટ પ્રસંગો-પર્વોને પણ જીવનની સંદર્ભમાં વિચારવામાં આવ્યા અને ઋતુકાળનો ખ્યાલ રાખીને તેની સાથે કેટલાક ધાર્મિક નિયમો જોડી દેવામાં આવ્યા. એ દ્વારા માણસને એકધારી જીવનમાંથી મુક્તિ મળે, નવો ઉમંગ જન્મે, ભાવનાઓ-લાગણીઓની અભિવ્યક્તિને સહજ મોકો મળે અને આધ્યાત્મિક ભાવોન્નતિ થાય સાથેસાથે સમાજમાં પ્રેમ, એકતા, બંધુત્વ, આતિથ્ય, ત્યાગ, સમર્પણ, ઉલ્લાસ વગેરેનું વાતાવરણ પરિતુષ્ટ થતું રહે.
પર્વો-વ્રતો-તહેવારો સાથે ઉપવાસ વગેરેના નિયમો-વિધાનો જોડીને સ્વાસ્થ્ય-સુરક્ષાને પણ વણી લેવામાં આવી. પર્વો-ઉત્સવો માનવજીવનમાં એક યા બીજા સ્વરૂપે મહત્વનું સ્થાન ધરાવતાં રહ્યાં છે. કોઈપણ દેશની પ્રજા એટલે જ ઉત્સવોના આકર્ષણથી મુક્ત રહી શકી નથી.
હકીકતમાં ઉત્સવનો અર્થ થાય છે નવો જન્મ. માણસ કામ કરીને થાકી જાય અને મશીન જેવો બની જાય તો મશીન અને માણસમાં અંતર ન રહે. એટલે જુદા જુદા વિશિષ્ટ દિવસો સાથે રજા અને આનંદ બન્નેના સંગમથી માણસ તાજોમાજો બની નવા જોમ અને ઉત્સાહ સાથે ફરી કામે લાગી જાય, એ માટે થોડા થોડા અંતરે પર્વો-ઉત્સવોની ગોઠવણ કરવામાં આવી છે.
ઉત્સવો માણસને ઊંઘાડવા માટે નહીં પણ જગાડવા માટે છે. સર્વધર્મસમભાવની દ્રષ્ટિ કેળવવા માટે છે. ઉત્સવ એટલે જાત સાથેનો સંવાદ. દરરોજ કામની વ્યસ્તતાને કારણે જાત સાથે વાતચીતનો સમય ફાળવી શકાતો નથી. ઉત્સવ એટલે આત્મદર્શન. માણસ પોતાનો નવો જન્મ થયો એમ ક્યારે અનુભવે ? સદવિચાર, સદચિંતન, આત્મસુધાર, આંતરિક પવિત્રતા કર્તવ્યો પ્રત્યેની નિષ્ઠામાં વૃદ્ધિ, પ્રેમ અને સેવાનાં કાર્યોમાં રુચિ અને પ્રત્યેક પરિસ્થિતિમાં પ્રસન્ન રહેવાની મન:સ્થિતિ જન્મે તો ઉત્સવોની સાર્થકતા રહે.
ચતુર્વિધ પુરુષાર્થમાં હિન્દુધર્મે પ્રથમ સ્થાન ધર્મને અને અંતિમ લક્ષ્ય મોક્ષને બતાવ્યું છે. મોક્ષપ્રાપ્તિના સાધન તરીકે ધર્મનું સદાય સ્મરણ રાખવું જોઈએ. પણ જે 'પરભવ' સુધારવાની આપણે વાતો કરીએ છીએ એનો પાયો તો વર્તમાન જીવન છે. એટલે મોક્ષની શરૂઆત વર્તમાન જીવનની પ્રત્યેક ક્ષણને ધર્મનિષ્ઠ, કર્મનિષ્ઠ, અને માંગલ્યપૂર્ણ રાખીને જ થઈ શકે.
એટલે સારા બનવા માટે કોઈ વિશેષ મહિના કે પર્વ-ઉત્સવની જરૂર નથી. કારણ કે જીવવા મળેલી પ્રત્યેક પળ પોતે જ એક મહોત્સવ છે.
ખરૃં પૂછો તો ધર્મનું પરિપાલન એ ફાયદા માટે નહીં પણ કાયદા કે નિયમ તરીકે વિચારવું જોઈએ. ઈશ્વરને યાદ કરવાની કોઈ ઋતુ, કોઈ મહિનો કે પર્વ વિશેષની જરૂર નથી. ૩૬૫ દિવસ ઈશ્વરની ભેટ છે. એટલે ઈશ્વરને સદાય સમજવો એના વિભૂતિ તત્વનું મનોમન પરિપાલન કરવું એ જ પૂજા છે. ઘણાં લોકો માને છે કે શ્રાવણ કે અધિક માસમાં દેવદર્શન કરવા જવું, ઉપવાસ કરવા, ભજન કીર્તન કરવું, દાન કરવું… એટલે બસ બાકીના અગિયાર મહિના કરેલા પાપ ધોવાઈ જાય છે અને ઈશ્વર માફ કરી દે છે. આમ મોટાભાગના માણસો પુણ્ય પ્રાપ્તિ માટે કે મનોવાંછિત ફળ પ્રાપ્ત કરવા માટે દેવો અને આરાધ્યોને ખુશ કરવા માટે ઉપવાસ કરતાં હોય છે. અહીં એક પ્રસંગ રજુ કરવાનું મન થાય છે. ''નદીએ સ્નાન કરીને પાછાં જતાં એક ભાઈએ બીજા ભાઈને કોઈ ત્રીજા વિષે વાત કરી એટલે પેલા ભાઈએ કહ્યું : યાર, હમણાં એમની વાત રહેવા દો. આ શ્રાવણ મહિનો પૂરો થાય પછી એમના કારસ્તાનની - એવી એવી વાતો તમને કહીશ કે તમેય દંગ રહી જશો. અત્યારે શ્રાવણ મહિનામાં કૂથલી કરવા નથી માગતો.''
બોલો નદીએ નાહીને ઘરે જનાર માણસ જેમ કૂથલીનો કાર્યક્રમ શ્રાવણ મહિના પૂરતો જ સસ્પેન્ડ ન કરીને, સદા માટે કૂથલીને આપણે તિલાંજલિ ન આપી શકીએ ?
હવે વાત કરીએ શ્રાવણ માસ દરમિયાન કરેલા ઉપવાસની. એક માણસ સંત પાસે જઈને કહે છે, ''મારે ઉપવાસ કરવા છે. ફલાહારમાં શું શું ખવાય ? આમ તો હું અન્ન લેતો નથી. મોરૈયાની ખીચડી, સૂકી ભાજી, રાજગરાની પૂરી અને રાજગરાનો શીરો તથા સાબુદાણાના બફવડા લઉં છું. આ બધી વસ્તુઓ અનાજ નથી એટલે ખાવાનો વાંધો નહીં ને ?''
સંતે કહ્યું : ''તમારા ઉપવાસની વાનગીઓની યાદી સાંભળી કોઈપણ માણસને આવા વૈભવશાળી ઉપવાસ કરવાનું મન થાય. જ્યારે કશું જ ખાવાની વૃત્તિ મરી જાય ત્યારે મને મળવા આવજો.''
ખરેખર તો આપણે ઉપવાસનો સાચો અર્થ સમજવાની જરૂર છે. ઉપ એટલે નજીક અને વાસ એટલે રહેવું. મતલબ કે આરાધ્યની મન-વચન-વાણી વ્યવહારથી નજીક રહેવાની ક્રિયા તે ઉપવાસ. તેમાં પાપથી દૂર રહેવું, ભૂખ્યા રહેવાનું વ્રત રાખવું, વગેરે સ્વેચ્છાએ સ્વીકારેલી પવિત્ર ક્રિયાઓનો સમાવેશ થાય છે.
આપણું કર્મ સ્થીર જેવું હોય અને ભક્તિનું ફળ માગવા ઉત્સવો ઉજવીએ તો પરમ પિતા પરમેશ્વરને આનંદ ક્યાંથી આવે ? ઉત્સવ એટલે મનને કંચન જેવું બનાવવાનો સંકલ્પ. આવો સંકલ્પ એક દિવસનો કે વિશેષ દિવસનો ન હોય પરંતુ પ્રત્યેક દિવસનો હોય.
માણસ પોતાની કંપની કે બિઝનેસનું ઓડીટ કરાવે છે, તેમ એણે પોતાના મનનું ઓડીટ જાતે કરવું જોઈએ. અને તેમાં જણાતી સઘળી અનિયમિતતાઓ અને વિસંગતિઓ દૂર કરવી જોઈએ. ઉત્સવોને જાત-ઓડીટનો અવસર બનાવીશું તો ભગવાન વધુ ખુશ થશે. ઉત્સવો-પર્વોની ઉજવણીમાં યાદ રાખવા જેવી કેટલીક બાબતો.
૧. પ્રત્યેક પર્વે કે ઉત્સવના દિવસે પોતાની જાતને એક શ્રેષ્ઠ મનુષ્ય બનાવવાનો સંકલ્પ કરો.
૨. જ્યાં સુધી અંત:કરણ સુગંધીમય નહીં હોય ત્યાં સુધી પૂજાની કોઈ અગરબત્તી તમારો પયગામ ઈશ્વર સુધી પહોંચાડશે નહીં.
૩. પર્વને અંધશ્રધ્ધા ક લાભાર્થી દ્રષ્ટિકોણથી ન ઊજવો પણ પ્રસન્ન રહેવા પરમેશ્વરે આપેલું વરદાન માની એને સહુ સાથે મળીને ઊજવો.
૪. બાળકોને ઉત્સવ-પર્વોનું મહત્વ ચમત્કાર સંદર્ભે નહીં પણ જીવન સંદેશ રૂપે સમજાવો.
૫. ઉત્સવને ધાંધલ-ધમાલનો અવસર નહીં પણ આત્મા સાથે પરમાત્માના સંવાદની અણમોણ તક બનાવો.