Shatdal

મા, તું અહીં ક્યાંથી?

By GS Team
6 Oct 20265 mins read
મા, તું અહીં ક્યાંથી?
  • વહેતું જીવન-ડૉ. હર્ષદ કામદાર
  • ભૂલ સ્વીકારી તેને સુધારવાની હિંમત જ માણસને મહાન બનાવે છે.

અ મદાવાદની જાણીતી ક્લબમાં સુંદર સ્વીમીંગ પુલ હતો. સારા ઘરના માણસો તેનો લાભ લેતા. મહિલાઓ માટે સ્વીમીંગનો સમય અલગ હતો, જેથી તેમની સ્વીમીંગ કોસ્ચ્યુમમાં પ્રાઈવસી જળવાઈ રહે.
સાહિલ અને ઈશાન કોલેજના ફાઈનલ ઇયરમાં ભણતા નટખટ યુવકો હતા. તેમને મજાક કરવી બહુ ગમતી, પણ કેટલીક વખત તેમની મજાક મર્યાદા વટાવી દેતી હતી.
બપોરના સમયે સુંદર દેખાતી કોલેજીયન યુવતીઓ શનાયા અને આરિયા સ્વીમીંગ પુલમાં તરવા અને રિલેક્ષ થવા આવી. સાહિલ અને ઈશાને તેમને જોઈ અને જોતા જ રહી ગયા. 'વાહ, શું સુંદર રૂપ છે.? સાહિલે ઈશાનને કહ્યું. બને મજાકના મુડમાં હતા.
બંને યુવતીઓ નિર્દોષભાવે વાતચીત કરતા તરી અને બહાર આવી ચેન્જીંગ રૂમમાં ગઈ. સાહિલ અને ઇશાન પણ તેમની પાછળ ઉપડયા ચેન્જીંગ રૂમ તરફ. બંને યુવતીઓને ખબર જ ના રહી કે તેમનો પીછો થઇ રહ્યો છે. બંને ચેન્જીંગ રૂમમાં જઈ બારણું બંધ કરી, કપડા બદલવા લાગી. સાહિલ અને ઇશાન બંધ બારણે ઉભા હતાં, ત્યાં તેમણે એક મોટી તિરાડ જોઈ એટલે તેમાંથી આંખો માંડી અંદર જોવા લાગ્યા. આહા, પેલી કેટલી સેકસી દેખાય છે. વિચારતા સાહિલના મોમાંથી સિસકારો નીકળી ગયો. અચાનક શનાયાને શંકા ગઈ, તેમને કોઈ કપડાં ચૅન્જ કરતાં જોઈ રહ્યું છે. તેણે તરત આરીયાને વાત કરી. બંને ચોકન્ના બની ગયા અને મહેશ કોચને ફરિયાદ કરી.
'સર, અમને કોઈ કપડાં ચેન્જ કરતા જોઈ રહ્યું હતું.' શનાયાએ કહ્યું.
'એવું બને જ નહિ, ત્યાં પુરુષોને આવવાની મનાઈ છે.' કોચે કહ્યું.
આરિયાએ દુર ટેબલ પર કોફી પીતાં આરવ અને ઇશાનને બતાવ્યા, મહેશ કોચ તેમને જોતાવેંત ઓળખી ગયા.
'આ તો આપણા વોર્ડના કોર્પોરેટર રૂપેશ ભટ્ટનો દીકરો આરવ છે, છતાં પણ તેમને વાત કરવી પડશે.' મહેશ કોચે આરિયા અને શનાયાને સાંત્વના આપતા કહ્યું. 'તમે બંને આવી રીતે મહિલાઓના ચેન્જીંગ રૂમમાં ઝાંકી શકો નહી.' મહેશ કોચે આરવને કહ્યું.
આરવે જવાબ આપ્યો, 'તમને ખબર છે, મારા પપ્પા આ વોર્ડના કોર્પોરેટર છે. વધારે કચકચ કરીને તો તમને ટર્મિનેટ કરાવી દઈશ.' મહેશ કોચ ચુપ થઇ ગયા.
આ જ હરકત સતત ત્રણ દિવસ સુધી ચાલુ રહી. હવે યુવતીઓએ કલબના સેક્રેટરી દેસાઈ સાહેબને મળી ફરીયાદ કરી.
દેસાઈ સાહેબે કોચને બોલાવી હકીકત જાણી. કોચે બધી વાત કરી દેસાઈ સાહેબ વિચારમાં પડી ગયા. આ બંને યુવકો ખરાબ નથી, પણ મજાકથી કોઈના આત્મસન્માનને ઠેસ પહોંચી રહી છે, તે સમજ આપવી પડશે. તેમને સજાની નહિ, સમજની જરૂર છે. દેસાઈ સાહેબ કોર્પોરેટર રૂપેશ ભટ્ટ અને તેમના પત્ની નયનાબેનને સારી રીતે વ્યક્તિગત રીતે ઓળખતા હતા.
બંને યુવકો હજી મજાકના મુડમાં હતા, પણ વિજાતીય આકર્ષણથી આવી હીન હરકતો કરી રહ્યા હતા.
શનિવારની બપોરે બંને કોલેજથી છૂટીને સીધા ક્લબમાં પહોંચી ગયા.
'યાર, આજે તો બંને છોકરીઓ અને એક આંટી પણ આવ્યા છે. મજા પડશે.' ઈશાને આરવને મુડમાં કહ્યું.
'શું વાત છે? આંટી પણ છે?' કહેતા આરવ અને ઇશાન બંને બારણાની તિરાડમાંથી અંદર જોવા લાગ્યા, આંટી ઉભા ઉભા કપડા બદલી રહ્યા હતા. 'જો તો આરવ, આ આધેડ આંટી પણ રોમેન્ટિક લાગે છે.'
આરવે અંદર જોયું, ત્યાં જ આંટીએ સાઈડ ફરતા આરવની નજર તેમના ચહેરા પર પડતા જ તે ચકરાઈ ગયો. 'અરે આ તો મારી મમ્મી છે.'
કપડા ચેન્જ કરી બહાર આવતા નયનાબેનને જોઈ આરવ ચિલ્લાયો, 'મમ્મી, તું અહી ક્યાંથી? શરમ નથી આવતી'?
'બેટા, શરમ મને નહિ, તને આવવી જોઈએ. મને તો ડોકટરે વર્ક આઉટ માટે સ્વીમીંગનું સુચન કરેલ છે અને હું તો લેડીઝના ટાઈમે જ આવી છું.' નયનાબેન ગુસ્સે થતાં બોલ્યા.
આ સાંભળી આરવ નિ:શબ્દ થઇ ગયો. ઇશાન પણ શરમથી નીચું જોઈ ગયો. શું કહેવું અને શું નહિ બંને ગભરાઈને નીચું જોઈ ઉભા રહ્યા. ત્યાં દેસાઈ સાહેબ સાથે શનાયા અને આરિયા બંને યુવતીઓ આવી.
નયનાબેને કહ્યું, 'બેટા, મને જોઈ તું ઉશ્કેરાટમાં ગુસ્સે થઇ ગયો, તો તમે બંને આ બેટીઓનો વિચાર કર્યો કે નહિ, તે બંને પણ કોઈની બહેન છે, બેટી છે. તારી બહેન શાન્વીને આ રીતે કોઈ વ્યક્તિ જુએ તો તને કેવું લાગશે ?'
આરવ અને ઈશાનને પોતાની ભૂલ સમજાઈ. બંનેના મનમાં ગીલ્ટનો ભાવ ઉભો થયો. બંને રડવા જેવા થઇ ગયા.
આરિયા બોલી, 'અમે અહીં સુરક્ષા સાથે સ્વીમીંગ માટે આવીએ છીએ. અમારી ઈજ્જત સાથે આવી મજાક થાય તો અમારું શું થાય ? અમે મહેશ કોચને વાત કરી, પણ તમે તો તેમને ગણકાર્યા જ નહિ અને ધમકી આપી શાંત કરી દીધા.
'સાચી વાત છે.' નયનાબેન બોલ્યા, 'દેસાઈ સાહેબનો કાલે જ ફોન હતો ત્યારે મને બધી વાત કરી હતી.' જો તમને બંનેને સજા કરી હોત તો તમે બીજી ક્લબમાં જઈ આ ગંદી હરકત ચાલુ જ રાખત. પણ આ તો એમની સલાહથી જ અમારે આવું નાટક કરવું પડયું.
'મમ્મી, અમારી ભૂલ થઇ ગઈ, અમારા મનમાં બીજી કોઈ ગંદી બાબત હતી જ નહિ, પણ હવે અમને અમારી ભૂલ સમજાઈ ગઈ છે. અમે હવે મહિલાની ઈજ્જત અને સન્માનનું ધ્યાન રાખી ભવિષ્યમાં ક્યારેય આવી ભૂલ નહિ કરીએ.' આરવે સમજીને ભૂલ સ્વીકારી.
નયનાબેને બંનેના માથે હાથ ફેરવ્યો, 'ભૂલથી માણસ ખરાબ નથી બનતો, આ ઉંમરનો પડાવ જ એવો છે, પણ ભૂલ સ્વીકારી તેને સુધારવાની હિંમત જ માણસને મહાન બનાવે છે.' દેસાઈ સાહેબે પણ સંતોષ સાથે જવાબ આપતા કહ્યું, 'સારું, ચાલો આપણી મહેનત સફળ થઇ.'
બંને મિત્રોને સમજાયું કે સાચી મર્દાનગી મહિલાને અસહજ બનાવવામાં નથી, પણ મહિલાને સુરક્ષા, અને સન્માન આપવામાં જ છે.
સમય પસાર થતો ગયો. હવે આરવ અને ઇશાન કોલેજમાં અને ક્લબમાં દરેકને સમજાવતા. 'દરેક છોકરી કોઈની બહેન, કોઈની બેટી કે કોઈની મા છે. જુવાનીના જોશમાં તેમની બેઈજ્જત કે ગંદી હરકત કરવાને બદલે તેમની ઈજ્જત કરો અને પાન આપો.
હવે બંને યુવકો શરારતી કે છેલબટાઉને બદલે સંસ્કારી અને સંવેદનશીલ તરીકે ક્લબમાં અને કોલેજમાં ઓળખાવા લાગ્યા.