વરસાદી ફળ જાંબુનાં ઔષધીય ઉપયોગો

- આરોગ્ય સંપદા-વિસ્મય ઠાકર
- સ્વાદે તૂરા, મધૂર અને ખાટા તથા ગુણથી લુખા અને શીતળ હોવાથી વાયુ વધારવાવાળા છે
પ્રા ચીન કાળથી આપણા દેશમાં ફલાહારનું મહત્વ રહ્યું છે. અરણ્ય સંસ્કૃતિના સમયમાં જ્યારે ખેતીની શોધ થઈ ન હતી ત્યારે ઋષિઓ કંદમૂળ અને ફૂલહારથી જ પોતાના દેહનું અસ્તિત્વ ટકાવી રાખતા. આજે, આધુનિક આહારશાસ્ત્રીઓ ફલાહારને ખનીજ, ક્ષાર અને વિટામીનની પ્રાપ્તિનું શ્રેષ્ઠ સાધન ગણે છે. એટલું જ નહિ, ફલાહારને વિષ તત્વોના નિકાલની વ્યવસ્થા માટેના ઉપાય તરીકે આહારમાં આગવું સ્થાન મળ્યું છે. ફળો પાચક રસોથી ભરપૂર છે અને ફળ શર્કરા (ફ્રુકટોઝ) પચવામાં સહેલી છે. પ્રત્યેક ઋતુના બદલાવ સાથે શરીરમાં થતાં અસંતુલન કે વિષમતાઓને સમ કરવા માટે પ્રકૃતિ અવનવા ફળોની ભેટ આપણને આપે છે. આવા ફળો કેટકેટલાં રોગો દૂર કરી સ્વાસ્થ્યની સંભાળ રાખી શકે ? આજે, વરસાદના શરૂઆતના દિવસોમાં પ્રકૃતિની અણમોલ દેન એવા જાંબુ ફળના ઔષધીય ગુણો વિષે વાત કરીએ.
જાંબુ વર્ષાના પ્રારંભકાળનું ફળ છે. ભારે વરસાદ પછી જાંબુની મોસમ પૂરી થવા માંડે છે. જાંબુની બે જાતો બજારમાં મળે છે. મોટા અને નાના, સ્વાદની દ્રષ્ટિએ મોટા અને ઔષધીય ગુણની દ્રષ્ટિએ નાના જાંબુ સારા છે. એના રૂપરંગ જોતા 'શયામલા અને પોપટને ભાવતા હોવાથી 'શુકપ્રિય એવા નામો પણ જાંબુ માટે વપરાય છે. સ્વાદે તૂરા, મધૂર અને ખાટા તથા ગુણથી લુખા અને શીતળ હોવાથી વાયુ વધારવાવાળા છે. આધુનિક વિજ્ઞાનની દ્રષ્ટિએ પ્રત્યેક સો ગ્રામ જાંબુમા ૬૫ k.cal, ૧૫ મીગ્રા. કેલ્શીયમ, ૦.૩૪ મી.ગ્રા. આર્યન, ૫૫ મી.ગ્રા પોટેશીયમ, ૨૫ મીગ્રા. સોડિયમ અને ૩ મીગ્રા. ફોલિક એસીડ હોય છે.
જાંબુના ઔષધીય ઉપયોગ
૧. મૂત્રમાર્ગની પથરી : જાંબુમાં રહેલાં એસીડ દ્રવ્યો પથરીને ઓગાળવાનો ગુણ ધરાવે છે. ખાસ કરીને બાળકો જેમને માટી અને સ્લેટની પેન તથા ચોક ખાવાની ટેવને કારણે પથરી થતી હોય તેમના માટે નમક અને મરી મેળવેલા પાકા જાંબુનું સેવન લાભદાયી છે.
૨. મીઠી પેશાબ : જ્યારે પેશાબમાં શર્કરાનું પ્રમાણ વધતું હોય અને વારંવાર પેશાબ માટે જવું પડતું હોય તેવા રોગીઓએ જાંબુના ઠળિયાનું ચૂર્ણ (બે ગ્રામ) સવારે ઠંડા પાણી સાથે લાંબા સમય સુધી લેવાથી ફાયદો થાય છે. સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટીટયૂટ (લખનઉ)માં કરાયેલા સંશોધન અનુસાર જાંબુના ઠળિયામાંથી બનાવવામાં આવેલી ઔષધી થકી ડાયાબીટીસના દર્દીના પેશાબમાં વધતા શુગર લેવલમાં ઘટાડો નોંધાયો હતો.
૩. જૂનો મરડો, વારંવાર થતા ઝાડા અને સંગ્રહણી : આવી તકલીફ ધરાવતા રોગીઓ માટે લાંબા સમય સુધી જાંબુના ઠળિયાનું ચૂર્ણ (આશરે પાંચ ગ્રામ) છાશ અથવા દહીં સાથે દિવસમાં એક વખત લેવાથી સફળ પરિણામ મળી શકે છે.
૪. નસ્કોરી ફૂટે ત્યારે : નસ્કોરી ફૂટી, નાકમાંથી, લોહી નીકળે ત્યારે બે ટીપાં જાંબુના કૂણા પાનનો રસ નાકમાં પાડવો.
૫. દુઝતા હરસ અને મસા : પાકા જાંબુ નમક અને મરી સાથે ખાવા.
૬. કમળો, લીવર તથા બરોળનો સોજો : આવી સમસ્યામાં જાંબુના સેવન ચમત્કારી પરિણામ લાવી શકે.
૭. કાનમાંથી પરૂ : પાકા જાંબુનો રસ બે-બે ટીપાં કાનમાં પાડવો.
૮. શ્વેતપ્રદર (White Discharge) ચોખાના ઓસામણમાં બે ગ્રામ જાંબુના ઠળિયાનું ચૂર્ણ મેળવી દિવસમાં એક વખત લેવું.
૯. લોહી વિકારથી થતા ગૂમડા પર જાંબુના વૃક્ષની છાલનું ચૂર્ણ લગાવવું.
૧૦. પાયોરિયા સાથે મોઢાની દુર્ગંધ અને દાંતમાંથી પરૂ નીકળતું હોય ત્યારે જાંબુના ઠળિયા ખૂબ ચાવી, એનો રસ થોડીવાર મોમાં રાખી થૂંકી નાખવો.
૧૧. પેટના કૃમિની સમસ્યામાં તથા ત્વચાનો વર્ણ સુધારવા માટે જાંબુનું સેવન હિતકારી છે.
૧૨. ગ્રામ્યજીવનમાં ઢોરના ખોળ સાથે દસ ટકા જાંબુના ઠળિયા મેળવવાથી ઢોર પુષ્ટ થાય છે અને દૂધના પ્રમાણ તથા ગુણવત્તામાં વધારો થાય છે.
જાંબુનું સેવન કરતાં પહેલાં આટલી બાબત ધ્યાનમાં રાખજો જાંબુ અગ્રેસર છે. તેથી સાંધાનો દુ:ખાવો, રાંઝણ (સાયટિકા), વાઈ, આંચકી, કબજિયાત અને પેરાલીસીસના રોગીઓએ જાંબુનું સેવન ક્યારેય ન કરવું. તદુપરાંત જેને શરીરે સોજા રહેતા હોય, ઉલટી થતી હોય, માસિકધર્મના દિવસો હોય કે ગર્ભિણી (પ્રેગનન્ટ) સ્ત્રીએ જાંબુ ત્યાગવા.
- જાંબુ ખાવાથી સ્વરપેટીના વોક્લ કોર્ડ સૂકાઈ જાય છે જેથી અવાજ ખોખરો અને કર્કશ થાય છે. તેથી ગાયકો અને વકતાઓએ જાંબુ ત્યાગવા યોગ્ય છે.
- ભૂખ્યા પેટે અને ઉપવાસ દરમ્યાન જાંબુ કદી ન ખાવા, જ્યારે પણ જાંબુ ખાવ ત્યારે એની સાથે નમકનો ઉપયોગ અચૂક કરો.









