મક્કા પેક્ટ : પાકિસ્તાન, તુર્કી અને સાઉદી અરબનું નવું નાટો બનશે?

- મીડ વીક- હસમુખ ગજજર
- મક્કા પેકટ સમજૂતી અનુસાર આ ત્રણેય દેશમાંથી કોઇ પણ એક દેશ પરનો સશસ્ત્ર હુમલો ત્રણેય સભ્ય દેશો પરનો હુમલો ગણવામાં આવશે. આ સમજૂતીની ભાષા નાટો અનુચ્છેદ ૫ માં જોવા મળતા સામુહિક રક્ષા સિધ્ધાંતને મળતી આવે છે.
ગ ત ઓગસ્ટ મહિનાની શરુઆતમાં સાઉદી અરબના પવિત્ર ધાર્મિક સ્થળ મક્કા ખાતે સાઉદી અરબ, પાકિસ્તાન અને તુર્કી વચ્ચે એક સહિયારી સંરક્ષણ સમજૂતી માટે હસ્તાક્ષર થયા હતા જેને મક્કા સંયુકત રક્ષા સમજૂતી (મક્કા પેકટ) કહેવામાં આવે છે. પશ્ચિમ એશિયામાં વધતા જતા તણાવ અને સુરક્ષા સંબંધી ચિંતાઓની વચ્ચે મક્કા પેકટ મુસ્લિમ દેશોનો એક સંયુકત રક્ષા સમૂહ બનાવવાની દિશામાં મહત્વનું પગલું છે. આમાં જોડાવા ઇચ્છતા દેશોના વિસ્તૃત રોડમેપ પર કામ ચાલી રહયું છે અને બાંગ્લાદેશે તો પહેલાથી જ મક્કા પેકટમાં જોડાવાની ઇચ્છા જાહેર કરી દીધેલી છે. મહત્વની વાત એ છે કે ગત ૩૧ ઓગસ્ટના રોજ મક્કા સંયુકત સુરક્ષા સમજૂતી (એમજેડીએ) ની સ્ટ્રેટેજિક,પોલિટિકલ અને ડિફેન્સ કમિટીની પ્રથમ બેઠક તુર્કીના પાટનગર ઇસ્તાંબૂલ ખાતે યોજાઇ હતી. આ બેઠકમાં તુર્કીના વિદેશમંત્રી, તુર્કીની સેનાના પ્રમુખ જનરલ, સાઉદી અરબના વિદેશમંત્રી અને સેના પ્રમુખ, પાકિસ્તાનની ત્રણેય પાંખના સેના પ્રમુખ ફિલ્ડ માર્શલ આસિમ મુનીર અને તેમનું ડેલિગેટ હાજર રહયું હતું. મક્કા સંયુકત સુરક્ષા સમજૂતી બેઠકમાં નાટો જેવા સંગઠનનું સ્થાયી હેડ કવાટ્ર સાઉદી અરબમાં સ્થાપવાનો નિર્ણય લેવાયો હતો. આગામી ૩ વર્ષ માટે જનરલ સેક્રેટેરિયટ (સામાન્ય સચિવાલય)નું નેતૃત્વ પાકિસ્તાન કરશે.આમ પાકિસ્તાનને શરુઆતથી જ મક્કા સમજૂતીમાં મહત્વની કામગીરી સોંપવામાં આવી છે. આ તો પ્રથમ બેઠક હતી જેમ જેમ આગળ વધતા જશે તેમ આ ગઠબંધન વિશે વધુને વધુ નિયમો અને નિર્ણયો લેવાતા રહેશે. મક્કા સમજૂતી અનુસાર ત્રણેય (સાઉદી અરબ,પાકિસ્તાન અને તુર્કી) દેશોમાંથી કોઇ પણ એક દેશ પરનો સશસ્ત્ર હુમલો જોડાયેલા તમામ સભ્ય દેશો પરનો હુમલો ગણવામાં આવશે. આ સમજૂતીની ભાષા નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન (નાટો)ના અનુચ્છેદ ૫ માં જોવા મળતા સામૂહિક રક્ષા સિધ્ધાંતને મળતી આવે છે.
માની લો કે આતંકી પાકિસ્તાન ભારતને ઉશ્કેરે અથવા તો કાર્યવાહી કરવા મજબૂર કરે તો આ દેશોની ભૂમિકા શું રહેશે તે સમજવા જેવું છે. ભારતે સાઉદી અને તુર્કી સાથે સ્પષ્ટતા કરવા જેવી છે કે પાકિસ્તાન સાથેના કલેશનો ઇતિહાસ જુદા પ્રકારનો રહયો હોવાથી બંને દેશો વચ્ચેની વર્તમાન દુશ્મનાવટની પરિસ્થિતિમાં સંધી લાગુ પાડવામાં આવે નહી. પાકિસ્તાન જેવા આતંકી દેશનું ઉપરાણું લેવાનું હોય જ નહી. મક્કા સુરક્ષા સમજુતી ઇઝરાયેલ વિરોધી હોવાના હાલમાં કોઇ સંકેત મળતા નથી તેમ છતાં નોંધવા જેવું છે કે ઇઝરાયેલ અને તુર્કી વચ્ચે સંબંધો જરાંય સારા નથી. પેલેસ્ટાઇન અને ગાઝાપટ્ટીમાં ઇઝરાયેલની સૈન્ય કાર્યવાહીનું તુર્કી મોટું ટીકાકાર રહયું છે. વર્ષોથી સત્તા પર ટકી રહેલા રાષ્ટ્રપતિ રેચપ તૈય્યપ એદોર્ગાન ઇસ્લામિક જગતના ખલીફા થવાના અભરખા ધરાવે છે. પાકિસ્તાન અને ઇઝરાયેલને નાહવા નિચોવવાના સંબંધો નથી પરંતુ બંનેને અમેરિકા સાથે સારા સંબંધો છે. થોડીક વાર માટે કલ્પના કરો કે ઇઝરાયેલ તુર્કી પર સૈન્ય કાર્યવાહી કરે કે આતંકવાદના ખાતમા માટે પાકિસ્તાન પર હુમલો કરે તો સાઉદી અરબ કોના પક્ષે જોડાશે ? આમ પણ મીડલ ઇસ્ટ વર્સિસ ઇઝરાયલ દાયકાઓથી લડતા રહયા છે. દુનિયા જાણે છે કે જો સાઉદી અરબને અમેરિકા સાથે સારા સંબંધો છે તો ઇઝરાયેલ તો અમેરિકાનું સૌથી ખાસ છે.
ભવિષ્યમાં પાકિસ્તાન, સાઉદી અરબ અને તુર્કીમાંથી કોઇ પણ એક દેશે સૈન્ય સંકટનો સામનો કરવાનો થાય ત્યારે દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે. તેમ છતાં મક્કા સમજૂતી એટલા માટે મહત્વની છે કે આમાં જોડાયેલા સાઉદી અરબ પાસે કાચા તેલનો ભંડાર છે. સાઉદી અરબ અમેરિકાની રક્ષા પ્રણાલીઓ પર મોટો આધાર રાખે છે. સાઉદી પાસે આર્થિક સંસાધન, ઉર્જા શકિત, વ્યૂહાત્મક ભૌગોલિક સ્થિતિ અને ઇસ્લામી જગત પરનો વ્યાપક પ્રભાવ છે. આંતરરાષ્ટ્રીય નાણાકિય ભંડોળ (આઇએમએફ)ના અંદાજ મુજબ સાઉદી અરબનો નોમિનલ જીડીપી આશરે ૧.૩૯ ટ્રિલિયન ડોલર છે અને ખરીદશકિત સમાનતા (પીપીપી) જીડીપી લગભગ ૨.૮૯૫ ટ્રિલિયન છે.સાઉદી અરબ પોતાના ક્રુડ તેલ ઇન્ફ્રાસ્ટ્રકચર પર વારંવાર થતા હુમલા અને ઉભા થતા ક્ષેત્રીય સંકટોના લીધે એક વ્યૂહાત્મક સુરક્ષા આશ્વાસન ઇચ્છે છે. સાઉદીએ કોઇ એક સુરક્ષા ગેન્ટર પર ભરોસો રાખવાના સ્થાને હવે આ પ્રકારની સુરક્ષા સમજુતી પર ભાર મુકયો છે. ઇરાન સાથે સાઉદી અરબને સીધી સ્પર્ધા જોવા મળે છે. ઇરાન મિડલ ઇસ્ટમાં શકિતશાળી તરીકે ઉભરી રહયું છે.તુર્કી અને પાકિસ્તાનની સરહદો ઇરાન સાથે જોડાયેલી છે. અમેરિકા અને ઇઝરાયેલે મળીને ઇરાનને ખૂબ નુકસાન પહોંચાડયું તેમ છતાં ઇરાન હજુ પણ હાર માનવા તૈયાર નથી.ઇરાનની મિસાઇલો મિડલ ઇસ્ટમાં યુએસ આર્મી ઠેકાણાઓને ટાર્ગેટ કરવામાં સફળ રહી છે.સાઉદી અરબને પણ ઇરાનનો માર પડયો છે. અમેરિકા મિડલ ઇસ્ટમાંથી સૈન્ય થાણા દૂર કરીને ઉચાળા ભરે એવી ઇરાનની નેતાગીરી માંગ કરતી રહી છે. ઇરાન પોષિત હુથી જેવા અતિવાદી સંગઠનો તરફથી પણ સાઉદીને ખતરો રહયો છે.
આ સમજૂતી સાઉદી અરબ અને પાકિસ્તાન વચ્ચેના લાંબા સમયથી સ્થિર થયેલા સૈન્ય સંબંધો પર આધારિત છે તથા તેમાં તુર્કીની મહત્વપૂર્ણ પરંપરાગત સૈન્ય ક્ષમતા પણ જોડાઇ ગઇ છે. તુર્કી પાસે નાટોની સૌથી મોટી સેના છે. તુર્કી સ્વદેશી રક્ષા ઉધોગ ખાસ કરીને ડ્રોન અને માનવ રહિત પ્રણાલીઓના વિકાસમાં ઘણું આગળ છે. તુર્કીના રાષ્ટ્રપતિ રેચેપ તૈય્યપ એર્દોગાને તુર્કી નાટોમાં હોવા છતાં રણનીતિક સ્વાયતતાની નીતિ અપનાવી છે. તુર્કી આ સમજૂતીથી ખાડી અને દક્ષિણ એશિયા સુધી પ્રભાવ પાથરીને પોતાના રક્ષા ઉધોગ માટે નવા અવસરોનું સર્જન કરવાની મહેચ્છા ધરાવે છે. પાકિસ્તાનની વિશ્વની ૧૫ માં નંબરની સેના, પાકિસ્તાનનો સાઉદી અરબ સાથે વ્યાપક સૈન્ય સહયોગનો અનુભવ અને સૌથી મહત્વપૂર્ણ બાબત પરમાણુ શસ્ત્રો છે. પાકિસ્તાન અણુબોંબ ધરાવતો એક માત્ર ઇસ્લામિક દેશ છે. જો કે આ સમજૂતી અલગ પ્રકારની છે તેમ છતાં બિન પરંપરાગત યુધ્ધની વાત આવે ત્યારે આ પાસુ મહત્વનું બની જાય છે. પાકિસ્તાન માને છે કે મક્કા સમજૂતીનો હેતું કોઇ પણ પ્રકારની આક્રમકતા વિરુધ સામૂહિક પ્રતિરોધ મજબૂત કરવાનો છે. સાઉદી અરબ આ સમજુતી અંગે માને છે કે આ સહયોગ કોઇ પણ પ્રકારની પરમાણુ મહત્વકાંક્ષા સાથે જોડાયેલો નથી. તુર્કીએ પણ જ્ઞાન પ્રગટ કર્યુ છે કે આ રક્ષા સમજૂતી કોઇ ખાસ દેશને નિશાન બનાવવા માટે નથી. કુલ મિલા કે સાઉદીની આર્થિક તાકાત, તુર્કીની પરંપરાગત મજબૂત સેના અને પાકિસ્તાનની સૈન્ય અને પરમાણુ ક્ષમતાનું સંયોજન થયું છે. પાકિસ્તાન, સાઉદી અરબ અને તુર્કીના સુરક્ષા ગઠબંધનને ભલે અમેરિકાએ આવકાર આપ્યો હોય પરંતુ આ સમજૂતી પશ્ચિમ એશિયામાં અમેરિકાની વિશિષ્ટ સુરક્ષા પ્રભૂતા અપેક્ષાકૃત નબળી પડવાનો સંકેત જરુર આપે છે. આ બહુધુ્રવીય પશ્ચિમ એશિયાઇ સુરક્ષા વ્યવસ્થાનો ચેપ બીજા દેશોને પણ લાગી શકે છે. આવતીકાલે બીજા દેશો પણ પોતાનું સૈન્ય એલાયન્સ બનાવવા પ્રેરાઇ શકે છે.
ભારતની વાત કરીએ તો પાકિસ્તાન, સાઉદી અરબ અને તુર્કીની મક્કા સુરક્ષા સમજૂતી (મક્કા પેકટ) માત્ર પાકિસ્તાનના દ્વષ્ટીકોણથી જ જોવી જોઇએ નહી. ભારત સાઉદી અરબ સાથે આર્થિક, રાજકીય ખાસ કરીને ઉર્જા નિવેશ અને પ્રવાસી ભારતીયો બાબતે મહત્વપૂર્ણ સંબંધો ધરાવે છે. રિયાધ અને નવી દિલ્હી વચ્ચેના સુદ્રઢ સંબંધો જોતા સાઉદી ભારત-પાકિસ્તાનના દરેક વિવાદમાં પાકિસ્તાનનું સમર્થન કરે તેવી શકયતા ઓછી છે. મક્કા સમજૂતીને માત્ર પ્રતિકાત્મક માનીને હળવાશથી પણ લેવી જોઇએ નહી. બીજું કે પશ્ચિમ એશિયાઇ નાટો તરીકે વધારી ચડાવીને પણ રજૂ કરવી જોઇએ નહી. વિશ્વનું સૌથી મોટું મિલિટરી સંગઠન નોર્થ એટલાન્ટિક ટ્રીટ્રી ઓર્ગેનાઇઝેશન (નાટો) ૭૭ વર્ષ જુનું છે. નાટો મિલિટરી અભિયાનો ચલાવવાનો બહોળો અનુભવ ધરાવતું હોવાથી કોઇની પણ નાટો સાથે સરખામણી થઇ શકે નહી. ભારતે આવા કોઇ સંગઠનથી ડરવાની કે ચિંતા કરવાના સ્થાને સ્થિતિ સ્થાપક વિદેશનીતિ અને રાષ્ટ્રીય કુટનીતિક આધારિત વલણ અપનાવવું જરુરી છે. આ પ્રકારે નવા એલાયન્સ બનતા રહે કે તૂટતા રહે માત્ર રાષ્ટ્રીય હિતો પર જ ફોકસ કરવું જરુરી બને છે.પશ્ચિમ એશિયામાં બદલાતી સુરક્ષા સંરચના, ભારતની ઉર્જા સુરક્ષા, વ્યાપાર, પ્રવાસી ભારતીયોના કલ્યાણ તથા સમુદ્રી હિતો પર નકારાત્મક પ્રભાવ ના પડે તેનો વિચાર કરતા રહેવું જરુરી છે. મક્કા સંયુકત સુરક્ષા સમજૂતી (મક્કા પેકટ) ના ત્રણ દેશોમાંથી સાઉદીને બાદ કરતા પાકિસ્તાન અને તુર્કી હાડોહાડ ભારત વિરોધી વલણ ધરાવે છે. કાશ્મીર મુદ્વે તુર્કીનો પૂર્વગ્રહવાળો દ્વષ્ટીકોણ તથા પાકિસ્તાન સાથે તેના ગાઢ રાજકીય અને સંરક્ષણ સંબંધો જાણીતા છે.પાકિસ્તાનને સમજાવવું અસંભવ છે ત્યારે કેટલાક નિષ્ણાતો સાઉદી અરબની સાથે સાથે રાજનીતિક મતભેદો છતાં તુર્કી સાથે વ્યવહારિક સંવાદો જાળવી રાખવા પર ભાર મુકે છે. કાશ્મીર અને પાકિસ્તાન સંબંધિત ભારતના પક્ષને સ્પષ્ટ રીતે રજૂ કરવા પર ભાર મૂકે છે. ભારતે ક્ષેત્રીય દુશ્મનીમાં ગુંચવાવાના સ્થાને ઇરાન-ઇઝરાયેલ અને અરબ દેશો સાથે સંતુલિત સંબંધો ચાલું રાખવા જોઇએ એ સમયનો તકાજો છે.




