મહુડી : ચેતનાસભર જાગૃત ઘંટાકર્ણ સ્વામીનું સ્થાનક

- એવી માન્યતા છે કે હવનના સમયે પોતાના પગથી ચોટી સુધીની અખંડ નાડાછડી લઈ તેને ૧૦૮ વાર ઘંટનો રણકાર થવાની સાથે ૧૦૮ ગાંઠો મારવાથી મનવાંછિત કાર્ય પૂર્ણ થાય છે.
ઘંટાકર્ણ મહાવીર જૈનશાસનરક્ષક,
તસ્ય સહાય સિધ્યર્થમ્ વચ્મિ શ્રદ્ધાનુસારત.
જૈન શાસનના રક્ષક અને બાવન વીરો પૈકીના ત્રીસમા વીર એવા મહુડી સ્થિત ઘંટાકર્ણ મહાવીર શ્રદ્ધાળુઓને અવશ્ય સહાય કરે છે, એવું શાસન દેવનું વચન છે.
અમદાવાદથી ૭૦ કિલોમિટરના અંતરે ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના છેવાડે સાબરમતી(મધુમતિ) નદીના કિનારે વસેલું નાનકડું મહુડી ગામ. આ ગામ જાગૃત દેવતા ઘંટાકર્ણ મહાવીરના સ્થાનકના કારણે વિશ્વવિખ્યાત તીર્થસ્થાન બની ગયું છે. જૈન ધર્મનું આ પાવન સ્થળ અઢારે આલમના લોકો માટે શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર ગણાય છે.
ભારતની આઝાદીનો પૂર્વકાળ. વીસમી સદીના ત્રીના દસકાનો સમય. એ સમયે ઉત્તર ગુજરાતમાં જૈનોની વસ્તી મોટા પ્રમાણમાં હતી. આજીવિકા, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર અને આરોગ્ય સેવાઓનાં સંશાધનો ખૂબ જ મર્યાદિત હતાં. મોટા ભાગનો સમાજ નિરક્ષર, ગરીબ હતો અને છુટક વ્યાપાર ખેતમજુરી પર નિર્ભર હતો. જનમાનસ ભૂત-પ્રેતની કનડગત, દેવ-દેવીઓના પ્રકોપ તથા આધિ-ભૈતિક શક્તિઓથી પરેશાની થતી હોવાનું માની શ્રદ્ધા-અંધશ્રદ્ધાની અનેક માન્યતાઓના વમળોમાં અટવાતું હતું. દુથખ દર્દ અને આધિ-વ્યાધિ-ઉપાધિના નિરાકરણ માટે પ્રજાજનો દેવી-દેવતાઓ દરગાહોનો સહારો લેતાં. એ સમગ્ર પંથકમાં ઉંઝા પાસેની મિરાંદાતારની દરગાહનો આસ્થાનું કેંદ્ર હતી. જ્યાં મોટાભાગના શ્રધ્ધાળુઓ ધર્મ વિરુદ્ધના આચરણ, પાખંડ અને દુર્વ્યવહારનો ભોગ બનતા. અંતે લોકો વહેમ અને અંધશ્રદ્ધાની ગર્તામાં ધકેલાઈ જતા! આવા દુષણોને નાબૂદ કરવાનું બીડું પ્રખર જૈનાચાર્ય બુદ્ધિસાગરજીએ ઝડપ્યું. સતત ત્રણ દિવસ અન્ન-જળ લીધા સિવાય સુધી એક જ આસન અને પલાંઠીએ હાલ્યા ચાલ્યા વિના યોગ સાધનામાં રત બન્યા. મંત્ર સિદ્ધિના પરિપાક રૂપે એક દિવ્યાત્માનાં દર્શન થયાં. કાને કુંડળ, માથે મુગટ અને હાથમાં ધનુષ બાણ સહિતની શૌર્યવાન મહા વીરપુરુષની એક ભવ્ય આકૃતિ તેમની નજર સમક્ષ પ્રગટ થઈ. જે કેટલાક દિવસો સુધી આચાર્યના માનસપટ પર સતત ઝાંખી આપતી રહી. સાધના પૂર્ણ થતાં બહાર આવેલા આચાર્યશ્રીએ એ મૂતનું સ્વરૂપ ઉપાશ્રાયની દીવાલ ઉપર ચોકથી ચિતરી દીધું. એ જ પ્રમાણેની આબેહૂબ મૂત બે ચારિત્રવાન શિલ્પીઓએ પોરબંદરી ખારા પથ્થરના એક જ ખડકમાંથી માત્ર ૧૨ જ દિવસમાં કંડારી. આ મૂતિને વિ.સં.૧૯૭૮ (સને ૧૯૨૧)માં શ્રી પદ્મપ્રભુના જિનાલયની બાજુમાં મૂળ સ્થાનકે તથા ત્યારબાદ હાલના સ્થાનકે વિ.સં.૧૯૮૦ માગસર સુદ ૩ને સોમવાર, સને ૧૯૨૩ના ડીસેમ્બરની ૧૦મી તારીખના રોજ પ્રાણ પ્રતિા પૂર્વક સ્થાપિત કરવામાં આવી.
મૂતના કાન-કુંડળ ઘંટાકારે હોવાથી આ દેવ શ્રી ઘંટાકર્ણ મહાવીરના નામે પ્રસિદ્ધિ પામ્યા. આચાર્ય ભગવંત બુદ્ધિસાગર સુરિશ્વરજી મહારાજને પોતાને થયેલા યોગદર્શનના સાક્ષાત્કાર સ્વરૂપની આ મૂતને સ્વહસ્તે પરમાથક ભાવે પ્રતિતિ કરતાં આ જાગૃત દેવતાને વચનબદ્ધ કરેલા કે અનિષ્ટ તત્વોની પીડાથી ધર્મભ્રષ્ટ, આચારભ્રષ્ટ થયેલા જૈનોને પીડામુક્ત કરવા તથા જેઓ સાત્વિક ભાવે સાચી શ્રદ્ધાથી દર્શને આવે તેમને પ્રત્યક્ષ અનુભૂતિ આપવી. આજે પણ મહાવીરના નેત્રોમાં બે મિનિટ ધ્યાન માત્ર કરવાથી જાગૃત અહોભાવ અનુભવી શકાય છે. જે દિવસે મહારાજશ્રીને મહાવીરના સ્વરૂપ દર્શન થયા તે દિવસ સંભવત:
આસો વદ ૧૪નો હતો. તેથી અહીં વર્ષમાં ફક્ત એકવાર કાળીચૌદશના દિવસે મૂતનું પ્રક્ષાલન કરી જમણા અંગૂઠે કેસરથી પૂજા કરવામાં આવે છે. આ દિવસે વિજય મુહૂર્ત ૧૨ કલાક ૩૯ મિનિટે યોજાતા યજ્ઞામાં લાખો શ્રદ્ધાળૂઓ ભાગ લે છે. એવી માન્યતા છે કે હવનના સમયે પોતાના પગથી ચોટી સુધીની અખંડ નાડાછડી લઈ તેને ૧૦૮ વાર ઘંટનો રણકાર થવાની સાથે ૧૦૮ ગાંઠો મારવાથી મનવાંછિત કાર્ય પૂર્ણ થાય છે. મંદિરની બહાર સ્થાપિત ૩૦૦૦ કિલોનો પંચધાતુમાંથી નિર્માણ થએલો મહાકાય ઘંટ આજના દિવસ તથા માગસર સુદ ૬ને ધ્વજારોહણના દિવસ પૂરતો જ રણકી ઊઠે છે. આ ઘંટારવના ધ્વનીનો અવાજ એક કિલોમિટર સુધી પ્રસરે છે.
એવી લોકવાયકા છે કે ઘંટાકર્ણ પૂર્વાવતારમાં મહાબલ(તુંગભદ્ર) નામના ક્ષત્રિય રાજા હતા. શ્રી પર્વત ઉપર ત્રેવીસ તીર્થંકરના ધામની યાત્રાએ આવતા યાત્રાળુઓની વન્ય હિંસક પ્રાણીઓ તેમ જ અનાર્ય પ્રજાથી રક્ષણ કરતા. સતી-સાત્વિક ીઓની, બાળકો તથા સાધુ મહાત્માઓને કનડગત કરતા દુષ્ટો સામે ધનુષ બાણ અને ખડગ સાથે લડતાં આ વીર યોદ્ધા વીરગતિને પામેલા. આવા અનુપમ દેવની શક્તિઓને બુદ્ધિસાગર સુરિજીએ પોતાના યોગબળથી જાગૃત કરી છે. જે આજે પણ શ્રદ્ધાવાનોને રક્ષણ આપે છે. આ દેવનું કોઈ વાહન નથી. પોતાના ભક્તોની વહારે દોડતા જ આવે છે. દેવની પ્રસન્નતા મેળવવાની કોઈ સ્તુતિ નથી, માત્ર તેમના પરાક્રમની પશંસા કરતું સ્તોત્ર ગવાય છે. તેમજ 'ઓમ હ્રીં શ્રીં ઘંટાકર્ણ મહાવીરાય નમોસ્તુતે ઠ: ઠ: ઠ: સ્વાહા' મંત્રજાપથી દેવની આરાધના કરવામાં આવે છે.
અહીંના મુખ્ય જિનાલયમાં સ્થાપિત તિર્થંકર પદ્મપ્રભુ સ્વામીને મૂત આશરે ૧૨૫૦ કરતાં વધારે વર્ષ પુરાણી છે. જે જુના મહુડીમાંથી સાબરમતી નદીમાં આવતા પ્રચંડપૂથી બચવા આ જગ્યા પર શ્રીમદ્ બુધ્ધિસાગરજી એ સંવત ૧૯૭૪ના માગસર સુદ ૬ તા. ૧૯-૧૨-૧૯૧૭ને મંગળવારના રોજ સ્થાપિત કરેલી. તેની સાથે સાથે ૨૭ જિનાલયોનું પણ નિર્માણ કરવામાં આવેલ છે. આ મંદિરના દર્શનનો પણ ક્રમ છે. સૌ પ્રથમ પદ્મપ્રભુજીની પ્રતિમાના દર્શન કરવા ત્યાર બાદ ગુરૂપદે બિરાજેલ બુધ્ધિસાગરજીની મૂર્તિને નમન કરી અને છેલ્લે ઘંટાકર્ણ મહાવિર સમક્ષ સકામભાવે ભક્તિ કરવી. સુખડી પ્રસાદ ધરાવી રક્ષા સૂત્ર બાંધવાનું વચન છે. મંદિરના પરિસરમાં ઊંચાઈ પર લગાવેલો ઘંટ વગાડવાથી મનના સંકલ્પો સિદ્ધ થાય છે. આમ પણ ઘંટારવ આજુબાજુના વાતાવરણ ને શુદ્ધ કરે છે.
મંદિરમાં ધરાવવામાં આવતી સુખડી ઘઉં, શુધ્ધ ધી અને ગોળમાંથી બને છે. સામાન્ય રીતે જૈન પ્રણાલિમાં જિનાલય કે દેરાસરમાં અર્પણ કરેલો પ્રસાદ દર્શનાર્થીઓ આરોગી શકતા નથી, પરંતુ મહુડીમાં ઘંટાકર્ણ મહાવીરને ચોથા ગુણસ્થાનક દેવતા માનવામાં આવતા હોવાથી તેઓ ગૃહસ્થ જૈન શ્રાવકના બંધુ ગણાય. આમ, આ દેવ શ્રાવક હોવાથી તેમની આગળ ધરાવેલી સુખડી જૈનો ગ્રહણ કરી શકે છે.
આ ગામની પ્રજા અત્યંત ગરીબ હોવાથી તેમને પ્રોષણયુક્ત આહાર મળી રહે તેવા શુભ આશયથી મહારાજશ્રીએ સુખડીનો પ્રસાદ મહાવીરને ધરાવી વધેલો પ્રસાદ ગામના પરિવારોમાં વહેંચવાની પ્રથા પાડેલી. જેને ધામકતા સાથે જોડી દઈ આ સુખડીનો પ્રસાદ મંદિરની બહાર લઈ જવા પર પ્રતિબંધ મૂકેલો. આજે પણ ગામની શાળાના બાળકોને સુખડીના પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે. તેમજ બહારગામથી આવતા પર્યટક શાળાના બાળકોને સુખડીનો પ્રસાદ વિના મૂલ્યે આપવામાં આવે છે. રક્ષા પોટલી પવિત્ર વાસક્ષેપથી અભિમંત્રિત કરવામાં આવેલી હોયા છે.
સાંપ્રત પ્રવાહના લોકમાનસમાં પ્રવર્તતા ધામક માન્યતાઓના નૂતન વૈચારીક પ્રવાહોને લઈને લગભગ તમામ ધર્મો અને સાંપ્રદાયીક રૂઢીગત પ્રણાલિઓમાં સંક્રાન્તિ પ્રવર્તી રહી છે. તેથી દરેક સાંપ્રદાયીક વાડાઓ પોતની જડ માન્યતાઓમાંથી બહાર આવી રહ્યા છે. આવી જ અધુનિક વિચારસરણી કળિયુગના કલ્પતરુ તરીકે ઓળખાતા જૈનાચાર્ય શ્રીમદ્?બુદ્ધિસાગરજી(ઈ.સ. ૧૮૭૪-૧૯૨૫)એ આજથી સો વર્ષ પહેલાં અપનાવેલી. વિજાપુરના પટેલ પરિવારમાં જન્મેલા આ ક્રાંતિકારી સંતે પોતાના સ્વદેશી ચળવળના વિચારોથી મહત્મા ગાંધી, લોકમાન્ય તિળક, લાલા લજપત રાય, અરવિંદ ઘોષ, મદન મોહન માલવિયા જેવા વિદ્વાનોને આકર્ષેલા. તેમણે રચેલા ૧૪૦ પુસ્તકો પૈકી ૧૦૮ ગ્રંથો પોતાના સ્વહસ્તે લખેલા. જે પકી કર્મયોગ નામનું પુસ્તક વાંચીને લોકમાન્ય તિળકે કહેલું, ' જો મને પહેલેથી ખબર હોત કે આપશ્રી કર્મયોગ લખી રહ્યા છો, તો હું મારો કર્મયોગ ના લખત.'









