Shatdal

જોજો, ત્રિયોગ તૂટે નહીં...

By GS Team
6 Oct 20265 mins read
જોજો, ત્રિયોગ તૂટે નહીં...
  • ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી
  • 'વિચારવાનું' આપણે લગભગ તજી દીધું છે. આપણે આપણા વિશે વિચારવાનું પણ હવે કંઈક બીજા પર છોડી દીધું છે!

જ રા હળવા મૂડમાં કહું તો આ કોરા કાગળ સાથે હવે તારામૈત્રક રચવામાં સમય કંઈક ઠેલાતો જાય છે. એવું નથી કે એની સાથેની દોસ્તીમાં અમે પરસ્પર કંઈક ઊણા ઊતરતા જઈએ છીએ. ક્યારેક કાગળના એવા ખેલમાં કલમ પણ સાથ આપતી જણાય. હું એવી ક્ષણે વિવશ થાઉં છું પણ સાથે એવુંય વિચારું છું કે જરૂર મારા માટે, કાગળ માટે, કલમ માટે સમય પણ કંઈક બદલાયો છે. કક્કો-બારખડી જેમ હવે પરિવર્તન ઈચ્છે છે, લોક જે રીતે બધું ચલાવી લેતાં શીખ્યો છે અથવા વધારે સાચી રીતે કહું તો ગતાનુગતિક માર્ગે સડસડાટ દોડી રહ્યો છે એ જોતાં લખવું તો કોના માટે ? લખ્યા પછી ત્યાં કોઈ સાચ્ચે જ પહોંચવા મથે છે ? સત્યને જાણવાની હવે તાલાવેલી બચી છે ખરી ? અથવા વાંચવું-વિચારવું એ રીતે જીવવું - એવું આપણે વિચારીએ છીએ ખરા ? જો તેનો ઉત્તર 'ના' છે તો પછી આ કાગળ અને કલમને રિસાવાનો હક્ક ખરો કે નહીં ? અને છતાં ક્યારેક કાગળ હજી તડપન અનુભવે છે. પોતાની ઉપર કશુંક અલોપ્ય એવું વિસ્તારવા કાગળ હજી ઈચ્છે છે. કારણ કે કાગળે એના હોળાપણામાંથી હજી શ્રધ્ધા ગૂમાવી નથી. કલમનું પણ સત્ય એવું જ છે. હા, એ અટકે છે જરૂર, પણ પદ્ધતિએ તે અનિદ્રિત છે. એની આલબેલ ચાલુ હોય છે. હજારો વર્ષોનો ઈતિહાસ સાક્ષી પૂરતો આવ્યો છે કે કદાપિ કોઈ કલમને તત્ક્ષણ ટૂંપાવી જરૂર દે પણ કલમ વડે પ્રકટ થયેલું સત્ય અમર્ત્ય છે. તેની યાત્રા ક્યારેય જોવાતી નથી, પણ દ્રષ્ટિ હોય, સંવેદના હોય તો અનુભવી જરૂર રહેવાય છે.
પ્રશ્નો તો છે જ. ક્યારેક કાગળ-કલમ-લેખક બધાંની સામે રાતોરાત દીવાલો ઊભી થઈ જતી હોય છે. એ જાણેને મૂંગાંમંતર કરી દેવાની પેરવી પણ થતી હોય છેે. એ ત્રણેય સંભવ છે કે થોડાક સમય મૂંગાં થઈ જતાં હશે. પણ ત્યારેય તેમનું મૂંગાપણું ભીતરથી તો ચાક લેતું જ હોય છે. એ પણ ભેગાં થાય છે, સંકલ્પબધ્ધ બને છે ત્યારે તે ધાર્યું - પરિણામ લાવીને
રહે છે'…
પણ આ બધા વચ્ચે એક ચોથા તત્વની મારે જે વાત કરવી છે તે 'લોક' ની છે, 'પ્રજા'ની છે. આપણો સમય એ સંદર્ભે હતાશ કરે તેવો છે. એક આખી પ્રજા 'સાયલેન્ટ મોડ' પર મૂકાઈ જાય, કોઈ 'અવાજ' ને ગ્રહણ કરવાનું જ ન વિચારે, વિચારવું કે જીવવું બંનેથી હાથ ધોઈ નાખે તો ? તો બિચારો દેકાર્ત એ માર્લોપૉંતિ બંનેનાં સત્યો અર્થહીન બની જાય. એકને કહેવું છે કે 'હું વિચારું છું તેથી હું છું', બીજાને કહેવું છે કે 'હું જીવું છું માટે હું છું' આ 'વિચારવાનું' આપણે લગભગ તજી દીધું છે. આપણે આપણા વિશે વિચારવાનું પણ હવે કંઈક બીજા પર છોડી દીધું છે! જ્યોર્જ ઑરવેલે એવા માણસોની દયા ખાતાં કહેલું કે તો પછી તમાશા વિશે બીજા જ વિચારશે અને એનું જ આધિપત્ય રહેશે. આપણા સમયના 'લોક' માટે આ મોટો અભિશાપ છે. તેણે વિચારવાનું તો છોડી જ દીધું છે, સંભવત : આંતરિક ક્ષમતા પણ તેણે ગૂમાવી દીધી છે અને એટલે જ પછી પેલું પૉંન્તિનું 'હું જીવું છું' એ વિધાન પણ તેવાઓ માટે એટલું જ અ પ્રસ્તુત બની જાય છે. જે વિચારતો જ નથી, એ કેવું અને કયા પ્રકારનું જીવે કહો જોઈએ ? યુનિવર્સિટીનાં બારણાં હવે જેલો તરફ ખૂલી રહ્યાં છે. જે જેલો બંધ કરવામાં જ્ઞાન નિમિત્ત બનતું હતું એ જ્ઞાનસ્ત્રોત જ હવે દિશાભ્રાન્ત બની રહ્યા છે અથવા તો સકારણ એની દિશા જ બદલી નાખવામાં આવી છે. બસ, આજ આપણા સમયનાં 'લોક'ને લાગુ પડેલો જીવલેણ વ્યાધિ છે. પોએલ કોહેલો જેવા આપણા સમયના લેખકે આવા જ કોઈ સંદર્ભેમાં કહેલું કે - તમે તમારો સમય સ્પષ્ટતા કરવામાં વેડફી ન નાખશો કારણ કે લોકો તો જે ઈચ્છે છે એ જ સાંભળવાનું પસંદ કરે છે, તમારી બધી સ્પષ્ટતાઓ તેથી નિરર્થક બની રહે છે..
હું એવા 'લોક' ને નિત્ય સમજવા મથામણ કરું છું એવા 'લોક' માં રખે માનતા કે ઓછા શિક્ષિત કે અશિક્ષિત હશે ! અરે પૂરા-શૂરા ભણેલાઓ, યુનિવર્સિટીની ડિગ્રી ધારકો, કહેવાતા ધુરીણો અને સમાજ મોભીઓનો એમાં સમાવેશ થાય છે. એ તમને એવો પ્રશ્ન કરશે કે જાણે તમારે કોઈ સાચની પરીક્ષા આપવાની જ હોય! અથવા એ લોકો તમારી પરીક્ષા લેવા જાણે ન બેઠા હોય! આજનો, આ લખું છું એ દિવસ તો રાધાષ્ટમીનો છે. પ્રાંત:કાળથી જ મન કંઈક હળ હળુ હળુ અને રાધા-કૃષ્ણમય હતું. અને જરા વધુ હરખઘેલા કે મિત્રોને વોટ્સએપ પર આજે ખાસ રાધાષ્ટમીની ખુશાલી પ્રકટ કરી. પણ એક સુજ્ઞા મિત્રએ ફોન કર્યો કે તમે 'રાધા અને કૃષ્ણના સંબંધ વિશે શું માનો છો ? રાધા તો પરણેલાં હતાં, કૃષ્ણ પણ પરણેલાં હતા તો પછી આવો સંબંધ નૈતિક કહેવાય ? સ્ત્રી-પુરુષ વચ્ચેના એવા સંબંધને તમે શું કહેશો ?' પછી તો આગળ ઘણા પ્રશ્નો થયા, ઉત્તરોની આપ-લે થઈ, સમુચિંત સંદર્ભોની વાત થઈ પણ મૂળ પ્રશ્ન એ છે કે યુગો બદલાયા પછી, બૌદ્ધિક હોવાનો દાવો કરતા હોવા છતાં આપણે સ્ત્રી-પુરુષ વચ્ચેના વિજાતીય સંબંધને હજી એના યોગ્ય પરિપ્રેક્ષ્યમાં જોઈ શક્યા નથી એ છે. આપણી વિચારણા કે જીવન પદ્ધતિના સંદર્ભે આ એક નાનું તાજું લોકવૃત્તિનું દ્રષ્ટાંત આપું છું. મૂળ વાત એ કે આપણે વિચારણાઓની પણ સરહદો બાંધી દીધી છે. સમયાતીત સત્યો સુધી પહોંચવામાં હજી આપણી સમજ ઊણી ઊતરે છે. આપણે નીતિ-પુણ્ય-પાપનાં ખાનાંથી ઉપર ભાવનાત્મક સત્યોનું જે અદકે શું મૂલ્ય છે તે પામી શક્યા નથી. કૃષ્ણ મહાભારતનો, કૃષ્ણ ભાગવદ કે ગીતાનો જો સમજ્યા હોઈએ રાધાને ગોપી રૂપે જોઈ, સમર્પણભાવની પરાકાષ્ટનુ સત્ય અનુભવ્યું હોય તો કદાચ આ કે આવા પ્રશ્નો આપણા મનમાં જશે જ નહીં. આપણું વિચારનૃત્ય - ત્રણ ફૂટની જગા ઉપર જ કૂદકા ભરતું રહ્યું છે. હજારો વર્ષોથી બદલાતી સામાજિક ચેતનાથી આપણું ચિત્ત હજી ઉત્ક્રાંન્ત થયું નથી રાધા-કૃષ્ણને સભર ચૈતન્ય કે ચેતના રૂપે જોવા, સમર્પણભાવની પરાકાષ્ટ કેવી હોય એના દ્રષ્ટાંતરૂપે હજી એ વાતનો સ્વીકાર થઈ શક્યો નથી. વળી સ્ત્રી અને પુરુષ બંને મહત્ શક્તિ છે. એક અર્થમાં પરસ્પર માટેની સંપૂર્તિ છે. એક વિના બીજું અધૂરું છે. મૈત્રી સંબંધ, ચેતનાગત સંબંધો વિશે આપણા પૂર્વ-ગણિતો હજી બદલાયાં નથી, પરિણામે આપણા ટૂંકા ગજ ટૂંકા રહે છે સત્ય દૂરને દૂર 'લોક' ની જડતાને સરસ્વતી હજી પરહરી શકી નથી!ં
કલમ, કાગળ અને લેખક સામે આજે પાર વિનાના પ્રશ્નો છે. આ ત્રિયોગ તૂટે નહીં, એવું સમય સદા-ઈચ્છે છે - પાર વિનાનાં વિઘાતક બળો સામે પણ!