Shatdal

દેશ-વિદેશમાં સંખ્યાબંધ સ્કૂલોને ખંભાતી તાળાં !

By GS Team
25 Aug 20264 mins read
દેશ-વિદેશમાં સંખ્યાબંધ સ્કૂલોને ખંભાતી તાળાં !
  • ટોપ્સીટર્વી-અજિત પોપટ
  • કેળવણી ક્ષેત્રે માત્ર ભારતમાં જ સમસ્યાઓ છે એવું નથી. દુનિયાના લગભગ બધા દેશોમાં વધતે ઓછે અંશે આવી સમસ્યાઓ સર્જાતી રહી છે.

ભા રતના પાટનગર નવી દિલ્હીના જંતર મંતર વિસ્તારમાં થયેલા કહેવાતા વિદ્યાર્થી આંદોલનના છાંટા છેક ઝારખંડ, બિહાર અને દક્ષિણ ભારતની શિક્ષણ સંસ્થાઓ સુધી ઊડયા. એ આંદોલનના પગલે શિક્ષણનું ધોરણ કેટલું સુધરશે અને પેપર લીક જેવાં કૌભાંડો કેટલી હદે ઓછાં થશે એે તો અયોધ્યાના ભગવાન શ્રી રામ જાણે. પરંતુ કેળવણીના ક્ષેત્રે આપણી આજુબાજુ બીજું ઘણુ બધું બની રહ્યું છે. આંદોલન કે વાંદોલન (કોક્રોચ ) ના બહાને જે ગોકીરો થઇ રહ્યો છે એને લઇને આપણા સૌનું ધ્યાન બીજી બાબતો તરફ જલદી જતું નથી. કેળવણી ક્ષેત્રે માત્ર ભારતમાં જ સમસ્યાઓ છે એવું નથી. દુનિયાના લગભગ બધા દેશોમાં વધતે ઓછે અંશે આવી સમસ્યાઓ સર્જાતી રહી છે.
અમેરિકાનો જ દાખલો લ્યોને. અણુશક્તિના બહાને ઇરાનને હંફાવવા નીકળેલા અમેરિકાના એક મહત્ત્વના સ્ટેટમાં સંખ્યાબંધ સ્કૂલોને તાળાં લાગી ગયાં છે. ભારત જેવા વિકાસશીલ દેશોના ટીનેજર્સને અમેરિકા ભણવા જવાનો અભરખો હોય એ સમજી શકાય છે. પરંતુ મૂળ અમેરિકી પ્રજામાં સ્થાનિક શિક્ષણ સંસ્થાઓ વિશે જે લાગણી પ્રવર્તે છે એ તરફ આપણું ધ્યાન જતું નથી. તાજેતરમાં એક અહેવાલ પર ઊડતી નજર નાખવાની તક મળી. અહેવાલનો સાર એટલોજ હતો કે કેલિફોર્નિયા સ્ટેટમાં સંખ્યાબંધ સ્કૂલો ટપોટપ બંધ પડી રહી છે. સ્કૂલ છે પરંતુ વિદ્યાર્થીઓ નથી. આ અહેવાલનો ટૂંક સાર જોઇએ તો સ્કૂલો બંધ થવાનાં જે ત્રણ ચાર કારણો આપ્યાં છે એ આપણને નવાઇ લાગે એવાં છે. સૌથી મહત્ત્વનું કારણ આપણી જેમ અમેરિકામાં પણ છૂટાછેડાના કેસ વધ્યા છે. સાવ ક્ષુલ્લક કારણે દંપતીઓ છૂટાં પડી જાય છે. તો કેટલાક પરિવારમાં હવે ઓછાં બાળકોની પરંપરા વધી રહી છે. એકાદ બે બાળક બસ એવું લોકો મોંઘવારીના કારણે માનતા થયા છે. અન્ય રાજ્યોની તુલનાએ કેલિફોર્નિયામાં બર્થ રેટ ખૂબ નીચો ઊતરી ગયો. બાળકોની સંખ્યા પૂરતી ન હોય તો સ્કૂલ ચલાવવી કેવી રીતે ?
બીજું મહત્ત્વનું કારણ શહેરી જીવન સતત વધી રહેલી મોંઘવારીના પગલે હવે લોકને રુચતું નથી. એટલે લોકો શહેરથી થોડે દૂર વસવાટ કરવા ચાલ્યા જાય છે. બહુ લાંબે રહેવા જાય એટલે ત્યાંથી સંતાનને દૂર દૂર સ્કૂલમાં મોકલતાં માબાપનો જીવ ચાલે નહીં. છેલ્લા એક દાયકામાં પાંચ લાખથી વધુ બાળકો આ રીતે દૂર રહેવા ચાલ્યા ગયા પરિણામે સ્કૂલને આર્થિક દ્રષ્ટિએ ચલાવવાનું પોષાય એવું રહ્યું નહીં. એ સંજોગોમાં કેટલીક પ્રતિષ્ઠિત સ્કૂલ પણ બંધ થઇ ગઇ.
કેલિફોર્નિયામાં બાળકોની હાજરીની સંખ્યાના આધારે સ્કૂલને આર્થિક સહાય મળતી હોય છે. હવે બાળકો જ ન હોય તો સહાય શી રીતે મળે ? અને સતત આર્થિક ટંચાઇ હોય એવા સંજોગોમાં સ્કૂલ ચલાવવી શી રીતે એ એક યક્ષપ્રશ્ન બની રહે. પાંચેક વર્ષ પહેલાં કોવિડ રોગચાળા વખતે ફેડરલ ગવર્નમેન્ટ (કેન્દ્ર સરકાર) તરફથી આર્થિક મદદ મળતી થયેલી. રોગચાળાએ વિદાય લેતાં હવે એવી મદદ મળતી નથી. બાળકોનાં માતા પિતા પાસે વધારાની ફી કે બીજા આર્થિક માગણી કરી શકાતી નથી. અમેરિકામાં કાયદા ખૂબ કડક છે. મા બાપના ગજવાં ખાલી કરાવવા જેવું વર્તન ફક્ત ભારતમાં ચાલે જ્યારે સ્કૂલો મનમાની ફી ઊઘરાવે, પછી શિક્ષણ જેવું હોય તેવું. આર્થિક સંકડામણ હોય ત્યારે સારા શિક્ષકોને આકર્ષવા જેવો પગાર આપી શકાય નહીં.
એક દલીલ એવી પણ થઇ છે કે અમેરિકામાં ઇમિગ્રેશન લા કડક થવાથી કેટલાક વિસ્તારોમાં વસતિમાં થતી વધઘટ ડેમોગ્રાફિક સંતુલન ખોરવાઇ ગયું છે. કેલિફોર્નિયાના કેટલાક વિસ્તારોમાં વસતિ પાંખી થઇ ગઇ છે. આ વાતના સમજવા ઔર એક દાખલો લઇએ.
આજથી પાંત્રીસ ચાલીસ વર્ષ પહેલાં અમદાવાદની મોટા ભાગની વસતિ પોળમાં વસતી હતી. હવે પોળના રહેવાસી ઘટયા છે કારણ કે લોકો નદીપાર સેટેલાઇટ, બોડકદેવ, બોપલ, ઘુમા, શીલજ વગેરે વિસ્તારોમાં રહેવા જતા થયા છે. એવું જ મુંબઇમાં સાઉથ બોમ્બેના લોકો હવે દૂર દૂરનાં ઉપનગરોમાં રહેવા જતા થયા છે પરિણામે જૂના અમદાવાદ કે મુંબઇમાં પ્રતિષ્ઠિત ગણાતી કેટલીક સ્કૂલો હવે બંધ થઇ ચૂકી છે અથવા ઓછા વિદ્યાર્થીઓથી ગાડું ગબડાવે છે.
આવું ફક્ત અમેરિકામાં બને છે એવું નથી. ભારતમાં પણ બને છે. સામાન્ય નાગરિકનું એ તરફ ધ્યાન જતું નથી. તમે જાણો છો કે છેલ્લા એક દાયકામાં ભારતમાં ૯૪ હજાર સ્કૂલો બંધ થઇ ગઇ. બીજા શબ્દોમાં એમ કહીએ કે રોજની સરેરાશ પચીસ સ્કૂલો બંધ થતી રહી. ખાસ કરીને જે તે માતૃભાષા (ગુજરાતી, મરાઠી, હિન્દી, બંગાળી વગેરે)માં ભણાવતી સ્કૂલોને વિદ્યાર્થીઓ મળતા ઓછા થઇ ગયા. ભારતમાં બંધ થનારી મોટા ભાગની સ્કૂલો સરકાર દ્વારા સંચાલિત હતી. અહીં પણ કુટુંબોનું સ્થળાંતર, હમ દો હમારે દો જેવી બાવા આદમના યુગની અધકચરી નીતિ, પેપર લીક જેવાં કૌભાંડો વગેરે કારણો જવાબદાર ગણી શકાય. હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘથી માંડીને બધા પોલિટિશ્યનો હિન્દુ પરિવારોને કહે છે કે બાળકોની સંખ્યા વધારો. પરંતુ ભ્રષ્ટાચાર, કમરતોડ મોંઘવારી, બેરોજગારી વગેરે પરિબળો એટલા મજબૂત છે કે હવે તો દંપતીઓ એક બાળકથી સંતોષ માની લે છે. આવા સંજોગોમાં સ્કૂલો બંધ થઇ જાય તેમાં કોઇ નવાઇ ખરી ?