Shatdal

ચાલો, રશિયાના રહસ્યમય 'M- ટ્રાયેન્ગલના પ્રવાસે...

By GS Team
25 Aug 20264 mins read
ચાલો, રશિયાના રહસ્યમય 'M- ટ્રાયેન્ગલના પ્રવાસે...
  • નોર્થ અમેરિકા કે સાઉથ અમેરિકા જતી વખતે પ્રવાસીને ફફડાટ રહે કે પ્લેન ક્યાંક પેલા કાળમુખા બર્મ્યુડા ટ્રાયેન્ગલ પરથી તો પસાર નહીં થાયને! સામે પક્ષે, રશિયા જનારાઓ એમ ટ્રાયેન્ગલની મુલાકાત લેવાનું વિશેષપણે પ્લાનિંગ કરતા હોય છે.

અ મુક સ્થળો ભેદભરમના આટાપાટાથી એવી વીંટળાયેલી હોય છે કે તે જગ્યાની મૂળ હકીકત કરતા તેના વિશેની વાયકાઓ અને માન્યતાઓ વધુ પ્રસિદ્ધ થઈ જાય છે. આવી જગ્યાઓના રહસ્યો આધુનિક વિજ્ઞાાન માટે એક પડકાર સમાન છે. અહીં જેની વાત કરવી છે તે જગ્યાનું નામ છે, 'એમ ટ્રાયેન્ગલ'. ટ્રાયેન્ગલ એટલે ત્રિકોણ. આ ત્રિકોણાકાર જગ્યા રશિયામાં આવેલી છે.
એમ ટ્રાયેન્ગલનું નામ આંખે પડતાં જ તમને તરત બર્મ્યુડા ટ્રાયેન્ગલ યાદ આવી ગયો હશે, ખરું? તે પણ અજબગજબનો અને જબરો ભેદી છે. તો ચાલો, એમ ટ્રાયેન્ગલ વિશે વાત કરતાં પહેલાં બર્મ્યુડા ટ્રાયેન્ગલ વિશે ટૂંકમાં વાત કરી લઈએ.


ઇવાન સેન્ડરસન નામના અમેરિકન બાયોલોજિસ્ટ અને લેખકે એવું શોધી કાઢયું છે કે પૃથ્વીના વિષુવવૃત્તની ઉત્તર અને દક્ષિણમાં ૩૬ અક્ષાંશ પર બાર સ્થળો એક સીધી કતારમાં આવેલા છે. જ્યાં નાની- મોટી વસ્તુઓ અને વિશાળ માનવ સમુદાયો રહસ્યમય રીતે અચાનક ગુમ થઈ જાય છે! બારમાંથી બે સ્થળ ઉત્તર ધુ્રવ અને દક્ષિણ ધુ્રવમાં છે, પાંચ ઉત્તર ગોળાર્ધ અને પાંચ દક્ષિણ ગોળાર્ધમાં છે. આ બધામાંથી માત્ર બે સ્થળ જમીન પર છે, આઠ ઊંડા સમુદ્રમાં છે. ચીન અને ભારતની સીમા પર હિમાલય પર્વત પર એક સ્થળ છે અને આફ્રિકા તથા સ્પેન વચ્ચેના પર્વતોમાં બીજું એક સ્થળ છે.
આ બાર સ્થળો શેતાનની સ્મશાનભૂમિ તરીકે ઓળખાય છે, કેમ કે ત્યાં અનેક લોકો મોતના મુખમાં ભરખાઈ ગયા છે. ઇવાન સેન્ડરસનના સંશોધન પ્રમાણે ઉત્તર એટલાંટિક મહાસાગરના પશ્ચિમના ભાગમાં પ્યુએર્ટો રિકોથી બર્મ્યુડા અને ત્યાંથી ફલોરિડાને જોડતી કાલ્પનિક રેખાથી બર્મ્યુડા ત્રિકોણ સર્જાય છે. 'બર્મ્યુડા ટ્રાયેન્ગલ'ને ડેવિલ્સ ટ્રાયન્ગલ (શેતાનનો ત્રિકોણ) પણ કહેવાય છે. બર્મ્યુડા ટ્રાયન્ગલનો વિસ્તાર પણ આ બાર સ્થળોમાંનો જ એક છે!
બર્મ્યુડાના વિસ્તારને સદીઓ પૂર્વેથી શેતાની અને ખતરનાક માનવામાં આવી રહ્યો છે. ઇ.સ.૧૫૧૫માં જુઆન ડી.બર્મ્યુડીઝ નામના સાહસિક દ્વારા આ ટાપુઓ શોધી કાઢવામાં આવ્યા હતા. એટલે એના નામ પરથી બર્મ્યુડા નામ પડયું હતું. હવામાન, જમીનની ફળદ્પતા વગેરે ઘણીબધી બાબતો અનુકૂળ હોવા છતાં લોકો તે સ્થાને રહેવું ઓછું પસંદ કરતા. તેમને કોઈ વિચિત્ર અનુભૂતિ થતી બીજા લોકો ત્યાંના રહેવાસીઓથી પણ ભયભીત થતા. મહાન અંગ્રેજ નાટયકાર વિલિયમ શેક્સપિયરે પણ તેમના વિશે સ્ટીલ વેક્સ્ડ બર્મૂથન્સ એવું વિધાન કર્યું હતું. કદાચ, તે વખતે પણ તે સ્થળે આવી રહસ્યમય ઘટનાઓ બનતી હશે તેથી તે સ્થળ અને ત્યાંના રહેવાસીઓથી બીજા લોકો ગભરાતા હશે!
કંપાવી મૂકે તેવી વાત આ છે - નાના- મોટા જહાજો, હવાઈ જહાજો, એમાં મુસાફરી કરતાં માનવો સાથે આ વિસ્તારમાં એકાએક અદશ્ય થઈ ગયાં છે. ગમે તેટલું શોધવા છતાં એમનો ભંગાર, મૃતદેહો કે કોઈ અવશેષ ક્યારેય કોઈના હાથમાં આવ્યો નથી. જાણે કે વહાણો, હવાઈજહાજો કે પ્રવાસીઓ કોઈ બીજા આયામમાં ખેંચાઈ ન ગયા હોય! બીજા કોઈ વિસ્તારમાં આંખના પલકારા જેટલા સમયમાં ગાયબ થઈ જવાની ઘટનાઓ આટલા મોટા પ્રમાણમાં બની નથી.


હવે આપણે પુન: એમ ટ્રાયેન્ગલ પાછા ફરીએ. રશિયાની રાજધાની મોસ્કોથી અંદાજે ૬૦૦ માઈલ પુર્વની તરફ ઉરાલ પર્વતો પાસે મોલ્યોબ્કા નામનું એક ગામ આવેલું છે. અસલમાં એમ ટ્રાઈએંગલનો અર્થ મોલ્યોબ્કા ટ્રાઈએંગલ છે. સ્ ફોર મોલ્યોબ્કા. આ જગ્યા રશિયાની સૌથી રહસ્યમયી જગ્યાઓ પૈકી એક છે. એક સમય એવો હતો કે આ જગ્યા અહીંના સ્થાનિક લોકો માટે પવિત્ર માનવામાં આવતી હતી, પણ હવે આ જગ્યા આખી દુનિયા માટે રહસ્યમયી બની ચુકી છે.
એમ ટ્રાઈએંગલ જગ્યા વિશે એવું મનાય છે કે જો કોઈ માણસ અહીં થોડા દિવસો સુધી રહે તો તેની બુદ્ધિમત્તા તીવ્ર બની જાય છે. એનો આઇક્યુ વધી જાય છે. અહીં આવ્યા બાદ મુલાકાતીને જરુર એવી અનુભૂતિ થાય છે કે અહીં જરૂર કોઈક ચમત્કારિક શક્તિ છે. એવું પણ કહેવાય છે કે જો કોઈે ગંભીર રૂપે બીમાર હોય તો એ અહીં આવીને પોતાની બીમારી ઠીક કરીને જાય છે.
એમ ટ્રાઈએંગલ વિશે વિશ્વને સૌથી વધુ આશ્ચર્ય પમાડતી કોઈ બાબત હોય તો તે એ છે કે અહીં ઘણી કંપનીઓના મોબાઈલ નેટવર્ક ઉપલબ્ધ છે તેમ છતાં આ જગ્યા પર ફોન કામ કરવાનું બંધ કરી દે છે. જો કે અહીં એક રહસ્યમયી માટીનો ટેકરો છે જેના પર ચઢીને તમે વિશ્વના કોઈપણ ખૂણે ફોન લગાવો તો ફોન લાગી જાય છે. જેવા તમે એ ટેકરા પરથી નીચે ઉતરશો તો તરત જ તમારો ફોન કપાઈ જશે. આ રહસ્યમયી ટેકરાને કોલ બોક્સ પણ કહેવામાં આવે છે.
માણસભૂખ્યા બર્મ્યુડા ટ્રાયેન્ગલ અને માણસની બુદ્ધિ અને તબિયત સુધારી દેતા એમ ટ્રાયેન્ગલ વચ્ચે કેટલો ફર્ક, કેટલો વિરોધાભાસ છે! નોર્થ અમેરિકા કે સાઉથ અમેરિકા જતી વખતે પ્રવાસીને ફફડાટ રહે કે પ્લેન ક્યાંક પેલા કાળમુખા બર્મ્યુડા ટ્રાયેન્ગલ પરથી તો પસાર નહીં થાયને! સામે પક્ષે, રશિયા જનારાઓ એમ ટ્રાયેન્ગલની મુલાકાત લેવાનું વિશેષપણે પ્લાનિંગ કરતા હોય છે. કુદરતે પૃથ્વી પર એમ ટ્રાયેન્ગલ જેવી વધારે જગ્યાઓ બનાવી હોત તો કેવું સારું થાત!