Shatdal

કૃષ્ણને હરપળે તમારા મનના મથુરામાં જન્મવા દો

By GS Team
1 Sep 20265 mins read
કૃષ્ણને હરપળે તમારા મનના મથુરામાં જન્મવા દો
  • એક જ દે ચિનગારી-શશિન્
  • શ્રીકૃષ્ણ ભગવાને પ્રબોધેલું મહાસૂત્ર 'મા ફલેશુ કદાચન' ફળની આશા ન રાખો. જીવનમાં કર્તવ્યનિષ્ઠાને પ્રાધાન્ય આપો

ગો કુળને ઘેલું કરનાર, પૃથ્વીમાંથી પાપ અને પાખંડને વિચ્છેદનાર, રાધાના બાળસખા, દ્રોપદીના ધર્મસખા, ઉધ્ધવના અંતરસખા અને સુદામાના આત્મસખા, અર્જુનના યોગસખા અને રુકમણીના જીવનસખા, … અજબ વિષ્ટિકાર અને ગજબ દ્રષ્ટિકાર પાર્થસારથિ અને ધર્મયોદ્ધા, શ્રાવણ વદ આઠમના દિવસે અવતરેલા શ્રીકૃષ્ણ ભગવાનને કોટિ કોટિ વંદન.
ભગવાન શ્રીકૃષ્ણ વિષ્ણુનો આઠમો અવતાર મનાય છે. તેમણે દુષ્ટ જનોનો સંહાર કરવા અને સાધુજનોને સુખી કરવા, ધર્મનીતિની સ્થાપના કરવા દ્વાપરયુગમાં યદુવંશી દેવકી વસુદેવને કારાગૃહમાં પોતાનું ચતુર્ભુજ સ્વરૂપ બતાવી બાળકરૂપ ધર્યું હતું. તેઓ ગોકુળમાં નંદને ઘેર ઊછર્યા.
શ્રીકૃષ્ણ ભગવાનનું સમગ્ર જીવનચરિત્ર એક ચમત્કારથી ઓછું નથી. તેમના ચરિત્રના અગત્યના અંશોમાં બાળલીલા, કંસવધ, શિક્ષા, વિવાહ, જરાસંઘવધ, શિશુપાલવધ, મહાભારત યુદ્ધ અને નિર્વાણનો સમાવેશ થાય છે.
કૃષ્ણચરિત્ર અપૂર્વ અને અદ્ભૂત છે. જન્મથી શરૂ કરીને નિર્વાણ સુધીની પ્રત્યેક અવસ્થા અસામાન્ય છે. મહાભારતના યુદ્ધમાં અર્જુનના સારથી તથા કુશળ વિષ્ટિકારની તેમની ભૂમિકા અદ્ભુત હતી. યુદ્ધની શરૂઆતમાં અર્જુન દ્વિધામાં હતો ત્યારે શ્રીકૃષ્ણએ ગીતા સંભળાવી યુદ્ધ કરવા અર્જુનને તૈયાર કર્યો. ભગવદ્ ગીતા તથા ઉધ્ધવને ઉપદેશ આ બે અધ્યાત્મશાસ્ત્રના અપૂર્વ ગ્રંથો છે. આ ગ્રંથો દ્વારા શ્રીકૃષ્ણનો બોધ અમર થઇ ગયો. અને શ્રીકૃષ્ણને પૂર્ણાવતાર બનાવી દીધા.
કૃષ્ણચરિત્રમાં વિશ્વરૂપદર્શન પણ એક અગત્યનો ભાગ છે. ૧. બાળલીલામાં યશોદા માને પોતાના મોઢામાં વિશ્વરૂપ દર્શન કરાવ્યું. ૨. અક્રૂરને વિશ્વરૂપ દર્શન કરાવ્યું. ૩. દુર્યોધન શ્રીકૃષ્ણ બંદી બનાવવા ગયો ત્યારે શ્રીકૃષ્ણએ ઉગ્ર વિશ્વરૂપ દર્શન કરાવ્યું. ૪. મહાભારત યુદ્ધના પ્રારંભમાં ગીતાના અગીયારમાં અધ્યાયમાં અર્જુનને વિશ્વરૂપપદર્શન કરાવ્યું. ૫. મહાભારતના યુદ્ધમાં અર્જુનને ભીષ્મ સામે હારતો જોઇને શ્રીકૃષ્ણે ચતુર્ભુજ રૂપ ધારણ કરી ભીષ્મને શસ્ત્રો હેઠા મૂકવા મજબૂર કર્યા. ૬. દ્વારકા પાછા ફરવાના સમયે મરુભૂમિમાં કૃષ્ણની ઉત્તંક ઋષિ સાથે મુલાકાત થઇ. ત્યારે ઉત્તંક ઋષિએ કૃષ્ણના હોવા છતાં મહાભારતનું યુદ્ધ થયું તેની નિંદા કરી ત્યારે ઉત્તંક ઋષિની સાંત્વના માટે શ્રીકૃષ્ણએ વિશ્વરૂપ દર્શન કરાવ્યું. ૭. યુદ્ધમાં બધાં બાંધવોના મૃત્યુને કારણે યુધિષ્ઠિર દુ:ખી હતા ત્યારે શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરના મનને ધર્મજ્ઞાન દ્વારા શાંત કર્યું જે શાન્તિ તથા અનુશાસન પર્વમાં ઉપલબ્ધ છે.
આમ બાલકૃષ્ણ, મુરલીધર, ગોપાલકૃષ્ણ, રાધાકૃષ્ણ, ભગવાન કૃષ્ણ વગેરે અનેક અવસ્થાઓમાં એમની ઉપાસના આજસુધી પ્રચલિત છે. પ્રત્યેક અવસ્થા પર કેટલાય ગ્રંથો રચાયા છે. વાસ્તવમાં શ્રીકૃષ્ણનો પૂર્ણાવતાર ગણાય છે.
ભગવાન શ્રીકૃષ્ણ આમ આદમીના હૃદયસમ્રાટ હતા. તેમના મહિમામંડિત વ્યક્તિત્વને સમજવા માટે એક જ વાક્ય પૂરતું છે કે એ કર્મયોગી, સન્યાસપૂત કર્મયોગી હતા. ફલાસક્તિના પરિત્યાગનું એમણે ગીતામાં પ્રબોધેલું મહાસૂત્ર વૈશ્વિક તત્ત્વજ્ઞાન પરંપરામાં મૂર્ધન્ય સ્થાને વિરાજે છે. વાત તો આમ વિચિત્ર લાગે ! કર્મ કરવું અને ફળની ઇચ્છાનો ત્યાગ ? મંજિલ વગર માણસ દોડી શકે ખરો ? લક્ષ્ય વગર માણસ ચાલી શકે ખરો ? ફળની ઇચ્છા વગર પરિશ્રમની પ્રેરણા ટકી શકે ખરી ?
આ બાબતમાં આચાર્ય રજનીશે કૃષ્ણના વ્યકિત્વને મૂલવતાં કહેલી વાત વિચારવા જેવી છે. તેમણે કહ્યું છે કે કૃષ્ણે સન્યાસની આખી ધારણા જ બદલી નાખી. એમણે એ વાત પર ભાર મૂક્યો છે કે સન્યાસ વેશાન્તર નથી, પરંતુ એ અંતરાત્માનું રૂપાંતરણ છે. સન્યાસ જીવનનો ત્યાગ નથી પણ પરંતુ જીવવાનો વિશુધ્ધ પરમ ભોગ છે.
શ્રીકૃષ્ણ આપણને સમજાવવા માગે છે કે તમે જીવનને વાસના અને આકાંક્ષાઓમાં બાંધવાની કોશિશ કરશો તો જીવન તેટલું જ તમારા હાથની બહાર રહી જશે. જીવનને ખુલ્લું રાખો. કારણ કે જીવન પોતે જ એક આનંદ છે. પલાયનવાદી સંન્યાસી બનશો તો પણ ઇચ્છાઓ તો તમારો પીછો છોડવાની નથી. એવા સંન્યાસીરૂપે તમે 'જંગલમાં નવું મંગલ' કરશો, કારણ કે સંન્યાસનું સરનામું સંસારત્યાગ નહીં, પણ મનસંયમ છે. જેના મનમાં ઇચ્છાઓના તોફાન ન હોય એ સંસારમાં રહ્યા છતાં સન્યાસી છે.
કૃષ્ણનો આદર્શ ગૃહસ્થ પણ નિર્મળ વ્યક્તિત્વવાળા, ઇચ્છાઓના દોરે નહીં નાચનારા અણીશુધ્ધ સજ્જનનો હતો. માણસ કર્મ છોડીને જીવી ન શકે, એટલે કર્મ છોડીને ભાગવું એ તો પ્રમાદ થયો. ઇચ્છાઓનો ત્યાગ એટલે કર્મ પર પૂર્ણવિરામ નહીં. 'કરવા જોગ' હોય તે જ કર્મ. એવું શ્રીકૃષ્ણ માનતા હતા. ઇચ્છાઓનો ત્યાગ કરો એટલે ખોટાં કર્મો સાથેનો નાતો અને ચસ્કો આપોઆપ ઘટવાનો છે.
શ્રીકૃષ્ણએ એટલે જ એ વાત ઠસાવવાનો પ્રયત્ન કર્યો છે કે ભાઈ, તારી ઇચ્છાઓ ઘટશે એટલે બૂરાં કર્મો આપોઆપ ઘટશે અને સારા કર્મો તારો સંગ છોડશે નહીં. ઇચ્છાઓના રખેવાળ, પાલક અને પોષક બનવામાં માણસ અટવાયેલો રહે તો ઇચ્છાઓની ભીડમાં પોતે ખોવાઈ જાય. જીવનની એને તક જ ન રહે. જીવનકેવળ ઢસરડો બની જાય.
શ્રીકૃષ્ણ નિષ્ઠાવાન છે. એમનું મન નિષ્ઠાથી ભર્યું છે. કર્તવ્ય એ તો મનુષ્ય જીવનનો અહમ હિસ્સો છે.
કૃષ્ણજન્મદિન એ પાપનો ભાર વધી પડયો છે માટે 'પ્રભુ, તમે પધારો એવા' કાલાવાલા કરવાનો ઉત્સવ નથી, પરંતુ શ્રીકૃષ્ણના જીવનમાંથી શીખવા અને અપનાવવા જેવા આદર્શોનો મહાઉત્સવ છે.
અનેક સમસ્યાઓ વચ્ચે ઘેરાયેલા શ્રીકૃષ્ણે ક્યારેય લાચારી કે દૈન્યભાવ ભજવ્યો નહોતો. કૃષ્ણનો જીવન સંદેશ-ઉત્સવ બહાર નહીં અંદરથી ઊજવો. કારણ કે તમને મળેલી આજ, 'આજની ઘડી રળિયામણી, મારો વહાલો આવ્યાની વધામણી' છે. એટલે વહાલાને આવકારવા માટેનું પવિત્ર મન જોઇએ.
જન્માષ્ટમીએ જ નહીં હર પળે કૃષ્ણને તમારા મનના મથુરામાં જન્મવા દો. કૃષ્ણને તિથિ સાથે નહીં, જીવનતીર્થ સાથે લેવા દેવા છે.
સૌના લાડલા શ્રીકૃષ્ણ ભગવાનના કેટલા ય નામો છે. 'હરિ તારા નામ છે હજાર' જેમાંના કેટલાક છે ઉપેન્દ્ર, વિષ્ણુ, નારાયણ, વૈકુંઠ, સ્વંયભૂ, દૈત્યારિ, પુંડરીકાક્ષ, જનાર્દન, ચતુર્ભુજ, દેવકીનંદન, વિશ્વંભર, માધવ, વનમારી, નંદકિશોર, કનૈયા, શામળિયા, વાસુદેવ, નટવર, મદનમોહન, કેશવ, મધુસૂદન, ગોવિંદ, દામોદર, ગોપાળ, ગિરધારી, વ્રજરાજ, મૂરારિ વગેરે.
વાણી દ્વારા શ્રીકૃષ્ણભગવાનનું વર્ણન કરવું શક્ય નથી. એમના જીવનચરિત્રમાંથી ઘણું શીખી શકાય છે, એમનું સમગ્ર જીવન જ એક ઉપદેશ સમાન છે.
ભગવાન શ્રીકૃષ્ણના જીવનચરિત્રમાંથી નીપજેલો ઉપદેશ
૧. 'મા ફલેષુ કદાચન' કર્મ કરો પણ ફળની આશા ન રાખો. જીવનમાં કર્તવ્યનિષ્ઠાને પ્રાધાન્ય આપો.
૨. પરિવર્તન સંસારનો નિયમ છે, તેથી સુખમાં છકી ન જવું અને દુ:ખમાં હિંમત ન હારવી. સ્થિતપ્રજ્ઞા રહેવું.
૩. મન પર નિયંત્રણ - નિયંત્રિત મન વ્યક્તિનો સૌથી મોટો મિત્ર છે. જ્યારે અનિયંત્રિત મન વ્યક્તિનો સૌથી મોટો શત્રુ છે.
૪. મોહ અને આસક્તિનો ત્યાગ બધી જ મુશ્કેલીઓનું મૂળ મોહ અને ક્રોધ છે. ક્રોધની બુધ્ધિનો નાશ થાય છે, તેથી શાંતિ અને ધૈર્યથી નિર્ણય લો.
૫. આત્મા અમર છે મૃત્યુ એ માત્ર શરીરનો અંત છે, આત્માનો નહીં.
૬. મિત્રતા સુદામા જેવી નિ:સ્વાર્થ અને સચ્ચાઈવાળી મિત્રતા. નિભાવવી જોઇએ.
૭. ધર્મ અને ન્યાય - ગમે તેવી વિપરીત પરિસ્થિતિ હોય, હંમેશા સત્ય અને ધર્મને સાથ આપવો.
૮. વચનબધ્ધતા આપેલા વચનને અને જવાબદારીઓને પૂરી પ્રામાણિકતાથી નિભાવવી.