Shatdal

લક્ષ્મી નિસ્પૃહતાને વરે છે!

By GS Team
22 Sep 20262 mins read
લક્ષ્મી નિસ્પૃહતાને વરે છે!
  • ઝાકળ બન્યું મોતી-કુમારપાળ દેસાઈ

દે વ અને દાનવોએ મળીને અમૃતની પ્રાપ્તિ માટે સમુદ્રમંથન કર્યું. આ સમુદ્રમંથનમાં હળાહળ ઝેર નીકળતાં સહુ કોઈ ભયભીત થઈ ગયા. અમૃતની પ્રાપ્તિના ઉત્સુકે ઝેર તો પીવું જ પડે ને!
સહુ કોઈ વિચારવા લાગ્યા કે આ હળાહળ વિષ પીશે કોણ ? ત્યારે ભગવાન શંકરે આ હળાહળ વિષ પીધું અને તેને પરિણામે પ્રજાની રક્ષા થઈ શકી. શંકર એ કલ્યાણના દેવ છે અને જગતકલ્યાણ ઇચ્છનારને ઝેર પીવાનો પણ વારો આવે છે. એ પછી કામધેનુ ગાય. ઉચ્ચૈ:શ્રવા અશ્વ, ઐરાવત હાથી અને કૌસ્તુભમણિ નીકળ્યા. ત્યારબાદ લક્ષ્મીનો આવિર્ભાવ થયો. દેવો અને દાનવો સહુ કોઈ લક્ષ્મીને પરણવા માટે લાલચિત બની ગયા. લક્ષ્મીની સમક્ષ સહુએ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. લક્ષ્મી વિચારમાં પડયાં કે આમાંથી કોની સાથે લગ્ન કરવાં ?
એણે વિચાર્યું કે દુર્વાસા જેવા તપસ્વી સાથે લગ્ન કરું, પરંતુ દુર્વાસા તો અત્યંત ક્રોધી છે. આથી લક્ષ્મીએ વિચાર્યું કે આવી ક્રોધવાળી વ્યક્તિને પરણવાનો શો અર્થ ?
બૃહસ્પતિ જ્ઞાની છે, પરંતુ તેઓ અનાસક્ત નથી.
બ્રહ્મા મહાન છે પણ એમણે કામ પર વિજય પ્રાપ્ત કર્યો નથી.
ઇન્દ્ર ઐશ્વર્યશાળી છે, પણ એમનું બધું ઐશ્વર્ય અન્ય પર આશ્રિત છે.
પરશુરામ ધાર્મિક છે, પરંતુ પ્રેમથી રહિત છે. શિવિમાં ત્યાગ છે પણ એમનામાં અન્ય ગુણો નથી.
કાર્તવીર્ય અત્યંત પરાક્રમી છે, પરંતુ એ મૃત્યુથી ભયભીત છે.
સનકાદિ ઋષિ અનાસક્ત છે પણ કશું કર્મ કરતા નથી. માર્કડેયનું આયુષ્ય લાંબું છે, પણ એ શીલરહિત છે.
શંકરમાં સર્વ ગુણો છે. પરંતુ લક્ષ્મીને એમની વેષભૂષા મંગલમય લાગતી નથી. લક્ષ્મી વિચારે છે કે વિષ્ણુમાં સર્વ ગુણો છે. એમની વેષભૂષા પણ આકર્ષક છે, કિંતુ એમને ક્યાં મારી પડી છે !
વિષ્ણુની આવી નિસ્પૃહતાએ લક્ષ્મીને આકર્ષિત કરી અને લક્ષ્મીએ એમના ગળામાં વરમાળા નાખી.
આજે લક્ષ્મી ધનનું પ્રતીક મનાય છે, પણ એને પોતાના સ્વામીની પસંદગીમાં એક વિવેકનો પરિચય આપ્યો. લક્ષ્મીવાને નિસ્પૃહ બનવું જોઈએ. એનું કેવું માર્મિક સૂચન કર્યું છે !