Shatdal

જાણો ચૂનાના ઔષધિય ઉપયોગો

By GS Team
8 Sep 20264 mins read
જાણો ચૂનાના ઔષધિય ઉપયોગો
  • આરોગ્ય સંપદા-વિસ્મય ઠાકર
  • દમનો હુમલો આવે ત્યારે બે ટીપાં મધના ૨ ટીપા ચૂનાનું નીતરેલું પાણી મેળવી ચાટવાથી રાહત થાય છે

પ્રા ચિન સમયથી મકાનોના બાંધકામમાં દિવાલોની મજબૂતાઈ માટે અને રંગકામમાં વપરાતા કે મુખવાસરૂપે ખવાતા પાનમાં કાથા સાથે મેળવવામાં આવતા ચૂના વિષે સૌ સુપરિચિત છે. હા, આજે આ ચૂનાના જ ઔષધિય ગુણો વિષે વાત કરવી છે. કેલ્શિયમનું ઘટકતત્ત્વ ધરાવતો ચૂનો (LIMESTONE) એ એક ખનીજ છે, જે કાર્બોનેટ, ઓક્સાઈડ અને હાયડ્રોક્સાઈડ સાથે રાસાયણિક સંયોજન ધરાવતી વિવિધ સ્વરૂપોમાં જોવા મળે છે. ચૂનાને નીચે જણાવેલી રીત પ્રમાણે તૈયાર કરી પછી જ ઔષધિય ઉપયોગમાં લેવો. દસ ગ્રામ ખાવાના ચૂનાને સો મી.લી. પાણીમાં સારી રીતે મેળવી, હલાવી ચોવીસ કલાક ઠરવા દેવો. ઠર્યા પછી ચૂનો તળિયે બેસી જશે. વધેલા પાણીને નીતારી કાચની સ્વચ્છ શીશીમાં ભરી લેવું. આવા પાણીનો આંતરિક ઔષધિય ઉપયોગ કરવો અને વધેલા ચૂનાને બાહ્ય ઔષધિય ઉપયોગ માટે વાપરવો.
વમન (VOMIT) : સો મી.લી. મલાઈ કાઢેલા ગરમ દૂધમાં પાંચ ગ્રામ ખડી સાકર મેળવી હલાવી ઠંડુ કરવું. તેમાં અડધા ભાગે ચૂનાનું નિતરેલું પાણી મેળવી દર અડધા કલાકે પી જવું. આમ બે-ત્રણ વખત કરવાથી ઉલટી બેસી જાય છે. સગર્ભાઓ પણ આ પ્રયોગ કરી શકે.
ઝાડા : વારંવાર પેટમાં ચૂંક સાથે પાણી જેવા પાતળા, દુર્ગંધયુક્ત ઝાડા થતાં હોય, ઝાડાં થયા પછી અશક્તિ વર્તાતી હોય, બાળકો સગર્ભા કે વૃદ્ધ વ્યક્તિ કોઈને પણ આ પ્રકારના ઝાડાની ફરિયાદ રહેતી હોય, વિશેષ કરીને ચોમાસામાં વાઈરલ ઇન્ફેકશનને કારણે થતાં ઝાડા હોય, ઝાડાં થયા પછી અશક્તિ વર્તાતી હોય, બાળકો કે સગર્ભા કે વિશેષ કરીને ચોમાસામાં વાઈરલ ઈન્ફેકશનને કારણે થતાં ઝાડા હોય તો ત્રણ નંગ બીલીના કૂમળા પાનને ચૂનાના નીતરેલા પાણી સાથે વાટી, લુગદી બનાવી તેમાં સૂંઠ મેળવી સવારે ઊઠીને નરણાં કોઠે, બપોરે ભોજન પહેલાં અને સાંજે સૂર્યાસ્ત પહેલાં ખાલી પેટે દિવસમાં ત્રણ વખત લેવું.
ટી.બી. (ક્ષય)ના રોગીઓ માટે: તમામ પ્રકારના ક્ષય, ખાસ કરીને અસ્થિ (હાડકા)નો ક્ષય હોય તેવા રોગીઓ માટે પાંચ મી.લી. ચૂનાનું નીતરેલું પાણી માખણ સાથે મેળવી ઘઉંની રોટલી પર લગાવી ખાવાથી રોગમાં ઝડપથી સુધારો થતો જોવા મળે છે.
છ મહિનાથી દોઢ વર્ષની આયુના બાળકોમાંદૂધ ન પચવાથી પેટમાં ચૂંક રહેતી હોય, મોઢે ફીણ વળતું હોય, દૂધ પીધા પછી ઉલટી થઈ જતી હોય તો ચૂનાના નીતરેલા પાણીના બે-બે ટીપાં દૂધમાં મેળવી દૂધ આપવું. એક અઠવાડિયા સુધી પ્રયોગ કરવો.
અવાજ બેસી જવો : બાળવના કૂણા પાનને ચૂનાના નીતરેલા પાણી સાથે લસોટી તેની લુગદી કરી મગના દાણા જેટલી ગોળી બનાવી મોં માં મૂકી ચૂસવાથી બેસી ગયેલો અવાજ ખુલી જાય છે.
દમ (અસ્થમા) : દમનો હુમલો આવે ત્યારે બે ટીપાં મધના ૨ ટીપા ચૂનાનું નીતરેલું પાણી મેળવી ચાટવાથી રાહત થાય છે. આ પ્રયોગ દર અડધા કલાકના અંતરે ચાર-પાંચ વખત કરી શકાય.
ચૂંક, અજીર્ણ, આફરો : ચૂનાના નીતરેલાં પાણી (પાંચ મીલી)માં કેમિકલ રહિત દેશી ગોળ બે ગ્રામ તથા બે ચપટી સંચળ મેળવી ભોજનની ઉપર લેવાથી ચૂંક, આફરો તુરંત શમી જાય છે.
છાતીમાં બળતરા રહેતી હોય, પેશાબ જતી વખતે પેશાબ ગરમ આવી મૂત્રમાર્ગમાં બળતરા રહેતી હોય, દિવસ દરમિયાન આંખોમાં બળતરા રહેતી હોય તો એક ચમચી ચૂનાના નીતરેલા પાણીમાં સરખા ભાગે ગુલાબજળ મેળવી બપોરે અને સાંજે ભોજનની પંદર મિનિટ પછી લેવું. ચૂનાનું નીતરેલું પાણી એસિડનું શમન કરવાની ક્ષમતા ધરાવે છે. ઉપરાંત તે ગુણથી શીતળ-ઠંડુ હોઈ શરીરના કોઈપણ ભાગમાં થતી દાહ-બળતરા પર યોજી શકાય.
વારંવાર પેશાબ જવાની ફરિયાદ રહેતી હોય, રાત્રે ઊંઘમાંથી ઊઠી પેશાબ માટે જવું પડતું હોય જેના કારણે નિદ્રામાં ખલેલ પડતો હોય તો પાંચ મી.લી. ચૂનાનું પાણી અને પાંચ મી.લી. ફુદિનાનું પાણી સૂર્યાસ્ત પહેલા કોઈપણ સમયે એક વખત લેવું. પંદર દિવસ સુધી પ્રયોગ કરી શકાય.
હાડકાં પોચા કે નબળાં પડતાં હોય (OSTEOPOROSIS) જેના કારણે સાંધાનો દુ:ખાવો રહેતો હોય અને સામાન્ય આઘાતથી વારંવાર ફ્રેક્ચર થતા હોય તેવી વ્યક્તિઓએ સવારના દૂધમાં બે-ત્રણ ટીપાં ચૂનાનું નીતરેલું પાણી મેળવી ત્રણ મહિના સુધી નિત્ય સેવન કરવું. સાથે સવારના કૂણા તડકામાં સૂર્યસ્નાન કરવું. હાડકાના બંધારણ માટે જરૂરી એવું કેલ્શીયમ ચૂનામાં કુદરતી રીતે રહેલું હોઈ જેમના શરીરમાં કેલ્શીયમ ખૂટતું હોય તેમના માટે પણ આ પ્રયોગ લાભદાયી છે.
બાહ્ય પ્રયોગો :
શ્વેતપ્રદર : યોનીમાર્ગમાંથી સફેદ પાણી પડવાથી ફરિયાદ રહેતી હોય તથા યોનીમાર્ગનું ઇન્ફેકશન રહેતું હોય તો ચૂનાના નીતરેલાં પાણીમાં રૂની વાટ પલાળી રાત્રિ દરમિયાન અંદરના ભાગમાં ધારણ કરવું.
ઝેરી મધમાખી, કરોળિયો કે જીવજંતુના કરડવા પર નીતરેલો ચૂનો લગાવવાથી વિષ ઊતરી જાય છે. વિશેષ કરીને વીંછીના ડંખ પર લીમડાના પાન વાટી, ચૂનો મેળવી લગાવવો.
અગ્નિથી દાઝવાથી તે ભાગ પર નીતરેલા ચૂનાનો લેપ કરવાથી તરત ઠંડક થાય છે અને ત્વચા પર તેનો દાગ રહેતો નથી.
એલર્જીજન્ય ખંજવાળ જેમાં ત્વચા પર લાલ-પીળા રંગના દાણા ઉપસી આવી બળતરા સાથે ખંજવાળ રહેતી હોય તો નીતરેલા ચૂનાનો લેપ કરવો.
અંગ મચકોડાઈ ગયું હોય તો નીતરેલો ચૂનો અને માખણ સમભાગે મેળવી તે ભાગ પર લેપ કરવો (માલિશ કરવી નહિ).
મોઢા પરના ખીલ : મુલતાની માટી, નીતરેલો ચૂનો ગુલાબજળમાં મેળવી સવારે લેપ કરવો. સૂકાય નહિ ત્યાં સુધી રહેવા દેવો.