Shatdal

જોધપુરી ફોર્ટ મહેરાનગઢ-મહેરબાનગઢ

By GS Team
22 Sep 20265 mins read
જોધપુરી ફોર્ટ મહેરાનગઢ-મહેરબાનગઢ
  • રસવલ્લરી-સુધા ભટ્ટ

સુસજ્જ શાસનના જાગૃત રાજવીઓ
આ પૃથ્વી પર ઉપર જેટલા ખંડો છે. ઉપખંડો છે, દેશો છે એ દરેકે દરેક સ્થળે એના સંચાલનમાં એક સમયે રાજાશાહી પ્રવર્તતી હતી. બ્રિટન સહિત યુરોપમાં અને અન્ય દેશોમાં આજે પણ રાજા-રાણીનાં પદ અણનમ રહ્યાં છે. એશિયન દેશોમાં પણ એ પ્રણાલીના પદચાપ હજુય કાન સરવા કરવા પ્રેરે છે. આપણા દેશના દરેક પ્રાંતમાં પોતાનું શાસન અડીખમ રાખીને રાજ કરતા અને રાજાઓએ પોતાનાં રાજયોનો પ્રસાર-પ્રચાર કરવામાં કોઈ તક છોડી ન્હોતી. એ તો ઠીક; નાનાં નાનાં રાજા રજવાડાંઓ તો માંહ્યોમાંહ્ય બાખડયાવિના રહેતા ન્હોતા. એ રાજાશાહી અને બાપુશાહીના વાહકોને મન પરસ્પર સ્પર્ધાનો ભાવ મોટો હતો અને તેથી જ પોતાની વડાઈને પુરવાર કરવા તેઓ સતત સદાય તત્પર રહેતા એને માટે કાંક કરવું તો પડે ને ? કાંઈક નવું કરવાની ઝંખનામાં તેઓ મહેલો, કિલ્લાઓ, વાવ, કૂવા, તળાવ આદિ ચણાવતા. 'કિલ્લો' સંદર્ભ આવે એટલે નજર સમક્ષ લશ્કર તરવરે. યોદ્ધાઓ દેખાય એટલે અસ્ત્ર-શસ્ત્ર અને તેના સરંજામ સાથેની યુદ્ધની તૈયારી દેકાય. એમાંય પાછા મોટી મોટી તોપ, એના ગોળા અને એના પ્રહરીઓ પણ મનમાં મોટા મનસૂબા ધારણ કરીને સજ્જ થયેલા દેખાય. વળી, કેટલાક શાસકો તો યુદ્ધ સામગ્રીને હૈયે અને હાથે તૈયાર જ રાખતા. પણ આવું શા માટે ? વધુને વધુ જમીન, રાજ-પાટ અને ધનદોલતને અંકે કરી લેવાના દીવા સ્વપ્નોને કારણે, કારણ કે અકારણ-બસ, આક્રમણ કરવાની સજ્જતા એ રાજાઓ બતાવતા અને એને પાર પાડતા.
'આ ધરખમ સ્થાપત્ય રચનાનું કામ તો સામર્થ્યશીલ લોકોનું છે'

  • કવિ રૂડયાર્ડ કિપલિંગ
    આજથી હજારો વર્ષો પહેલાં આરંભાયેલી પરંપરાગત રાજાશાહીને એના વાહકોએ જાણે કે હમણાં સુધી ચલાવી. ભારત દેશ આઝાદ થયો પછી લોકશાહીની શરણાઈ વાગી અને સરદાર પટેલના નિષ્ઠાવાન પ્રયત્નોને કારણે શાસકોએ પણ મન મોટું કરી એ અભિયાનમાં ઝંપલાવીને નવી જીવન શૈલીને અપનાવવાની તૈયારી બતાવી. હવે; નવું ગ્રહણ કરવાની સાથે સાથે જ તેમની પાસે જે જૂનું હતું તેનું કરવું શું ? મોટા મોટા મહેલો, વિશાળકાય પ્રચંડ કિલ્લાઓ અને એમાં સંગ્રહાયેલી જણસોનું શું થાય ? તેના ભાવિની ચિંતામાં અનેક રાજાઓએ મન મોટું કરીને પોતાની સ્થાવર-જંગમ સંપત્તિને દેશના ચરણે ધરવા નવા પ્રકલ્પો ઉપર કામ કર્યું. હા, અનેક રાજ્યોના અગણિત રાજાઓએ પોતાના કિલ્લાઓ અને મહેલોની રચનામાં ફેરફારો કરી તેમાં સંગ્રહાલયો બનાવ્યાં. પર્યટન ઉદ્યોગ સાથે ચર્ચા-વિચારણા કરીને વિશાળ આવાસોને એમણે હૉટલમાં પરિવર્તિત કર્યા. આને કારણે, જનતાને માટે સદાય જે આશ્ચર્યરૂપ સ્થળો હતાં તેનાં દ્વાર ખૂલ્યાં અને અભ્યાસુઓ, રસિકો અને પર્યટકો માટે નવાં જોણાંની શક્યતા ઉભી થઈ. રાજા-મહારાજાઓએ પોતાની દીર્ઘદ્રષ્ટિથી બનાવડાવેલ ઇમારતો સહિત પોતાની સુરક્ષાનો પણ જે પ્રબંધ કરેલો તેમાં રહેલી તેમની ચોકસાઇની નોંધ લેવાઈ. રાજાઓની કળાદ્રષ્ટિ, તેમનો કળાપ્રેમ કળાકર્મીઓના જીવનનું ભાથું હતું તે પણ સાબિત થયું. સમાજ સાથેની એમી નિસ્બત રંગ લાવી. શિક્ષણ અને સ્વાસ્થ્ય ક્ષેત્રે એ મોવડીઓ ઝંપલાવ્યા. હા, પ્રાચીન મંદિરો, સ્થાપત્યો, ચિત્રકળા, શિલ્પકળા આદિ પર પણ તેમની નજર ઠરી અને એનો ઉધ્ધાર થયો. શું મળ્યું એનાથી એ શાસકોને ?
    સ્થાનિક લાલ રેતિયા પથ્થરને અહીંના લોકો 'ચિત્ર' કહે છે.
    પ્રસ્તુત કિલ્લાનું સ્થાપત્ય તેની વાસ્તુકળા અલભ્ય છે. અભેદ્ય પથ્થરની દીવાલે વીસમી સદીમાં પણ તેની સ્થાપત્ય કળાની વિશેષતાઓ જાળવી રાખી છે - જેમાં પાંચમી શતાબ્દીની પાયાની બુનિયાદી વાસ્તુકળાની શૈલી નજરે ચડે છે. કિલ્લામાં ૬૮ ફૂટ પહોળી અને ૧૧૭ ફૂટ લાંબી દીવાલો છે. ૫૦૦ વર્ષોની તેની વિકાસ યાત્રા નિર્વિઘ્ને પસાર થઇ ગઇ છે. મહારાજા અજિતસિંહના શાસન દરમ્યાન કિલ્લાની ઘણી ઇમારતોનાં નિર્માણ મુઘલ શૈલીમાં કરવામાં આવ્યા. મહેરાનગઢ ફોર્ટની વિશેષતા એ છે કે તે રાજસ્થાનનો સૌથી મોટો સુરક્ષિત અને સંરક્ષિત પ્રભાવશાળી સ્મારકોમાંનો એક છે. તે લાંબા આડા પટ્ટે ચટ્ટાન ઉપર બનેલો છે. આ વિશાળ અર્ધગોળાકાર પર્વતની ધાર પર ઊભેલી ઇમારતને કારણે જોધપુરની આકાશરેખા અતિ આકર્ષક લાગે છે. ઘસીને ચળકતો થયેલો લાલ પથ્થર આજેય અજેય છે. અદ્ભુત આશ્ચર્યકારક જકડી રાખતું તીવ્ર સૌંદર્ય જાણે કે બેકન લાઇટની જેમ પ્રકાશ ફેંકે છે. જે સાચી દિશાનું સૂચન કરે છે. સૂર્યનો જ બનેલો કિલ્લો હોય તેમ તેના અસરકર્તા મહાકાય માપદંડો પ્રમાણે હજી યથાવત રહ્યો છે. જોધપુર નગરના કપાળ પરનો શિર્ષ ઉપરનો તાજ છે મહેરાનગઢ. ખંડિત કિનાર ઉપરનો આ વૈભવ કાલાતીત છે. દંતકથાઓ અને વીરતાપૂર્ણ ભેદી વાતોની તવારીખનો આ ઉદાહરણરૂપ ઇતિહાસ છે. વારસાગત કળા - સંસ્કૃતિનો છડીદાર આ કિલ્લો પાત્રોની વ્યક્તિગતતા મુજબની વાર્તાઓને હૃદયમાં સંઘરીને બેઠો છે. ખોલીએ એ રહસ્યના પટારાને…ચાલો…
    લસરકો :
    ઊંચે કિલ્લાની અગાશીમાં દેખા દે છે રહેંટ ! (મારવાડીમાં રહાટે) એ સમયે રાજાએ કિલ્લામાં પ્રવર્તતી પાણીની તંગીને ખાળવા તળાવ ખોદાવી રહેંટ ટેકનોલોજી વડે પરિસરમાં પાણી ચડાવ્યું !

'મહેરાન' એટલે સૂર્ય. સૂર્યોપાસક રાઠોડ રાજાઓના તે મુખ્ય દેવતા
આમ જનતાનો સહકાર આ નવીન પદ્ધતિને મળ્યો. રાજાઓએ જે રીતે પોતાના આવાસોમાં જીવનનિર્વાહની રીતોને અપનાવેલી એ એક નવા સમાચાર રૂપે લોકોને જાણવા મળી. વિસ્તારની દ્રષ્ટિએ દેશના સૌથી મોટા રાજ્ય-રાજસ્થાનના રાજા-મહારાજાઓના કિલ્લાઓ અને મહેલો વિશ્વભરમાંથી પ્રવાસીઓને ખેંચી આવે છે. 'સૂર્યનગરી' તરીકે ઓળખાતા, 'બ્લ્યૂસિટી'નું નામ પણ ધરાવતા જોધપુર નગર પાસે વિરાસતનો અમૂલ્ય ખજાનો છે. આ તપ્તનગર હંમેશ સૂરજથી ઝગમગે છે અને ભૂરા છાપરાવાળી તેની શેરીઓ શહેરને રંગબેરંગી બનાવે છે. ગામના સોદાગરના મહોલ્લા નજીક રાઠોડ વંશના શાસક રાજા જોધાએ લગભગ ઈ.સ.૧૪૫૯માં અહીં એક મહાકાય - વિશાળ કિલ્લો બંધાવ્યો હતો. આપણને પંદરમી સદીમાં લઇ જાય એવી દિલચસ્પ વાત એ છે કે રાજા જોધારામમલના પુત્રે જોધપુરથી નવ કિ.મી. છેટે આવેલા ગામ મંડોરથી શાસન શરૂ કરેલું પણ પછીથી તેમણે મોટી જગ્યાએ સ્થાનાંતરણ કર્યું. તેમને ભાઉચેરિયા પહાડી પર કિલ્લો બનાવવા માટે પાયો ખોદાવ્યો. પહાડની ટોચ પર આવેલ આ કિલ્લો આસપાસના મેદાનથી ૧૨૨ મીટર ઊંચે છે. આ પરિસર ૧,૨૦૦ એકરના વિશાળ વિસ્તારમાં ફેલાયેલું છે. નામ આપ્યું તેને 'મહેરાન ગઢ'. આ ગઢ પર્વતની કિનારીઓ પરની વિશાળ દીવાલોથી ઘેરાયેલો - સંરક્ષિત અને સુરક્ષિત છે. આ ભવ્ય ઐતિહાસિક સ્થળ સચવાયેલી કળાનો ખજાનો છે. તેની મોહક સુંદરતા તેના લાલ-પીળા બલુઆ (રેતિયા) પથ્થરોને આભારી છે. ૫૬૭ વર્ષ પહેલાં બંધાયેલા આ અચરજને સત્તરમી સદીમાં તેમના વંશવારસોએ નવલાં રૂપે સજાવ્યું. ચમકીલા પથ્થરોવાળો આ મહેરાનગઢ સૂરજના નામે અને પ્રતાપે વધુ ઝળહળ્યો. મહેરબાની !