Shatdal

ઘાત ગઈ

By GS Team
9 Nov 20265 mins read
ઘાત ગઈ
  • વહેતું જીવન-ડૉ. હર્ષદ કામદાર
  • શેઠ, અત્યારે એડવાન્સ પચાસ હજાર અને બાકીના પૈસા કામ પુરૂ થયા પછી.' છગને ધંધાદારી વાત કરી

શ હેર આખું દિવાળીની તૈયારીમાં વ્યસ્ત હતું અને ચારે તરફ રોશની જગજગાટ થઇરહી હતી. લોકો તહેવારની ખરીદીમાં મસ્ત હતા.
મિહિર પણ તેની સેક્રેટરીને દિવાળીની ખરીદી માટે લઇ આનંદ કરી ઘરે જતા રસ્તામાં છગનછરીને મળવા ગયો.
'જો છગન છરી, આ બૈરીને ટપકાવવાની છે.' મિહિરે કહયું.
'શેઠ, મારો ભાવ બે લાખ રૂપિયા છે. પણ એક વખત સોપારી આપો, એટલે કામ કોઈને ખબર પડયા વગર સો ટકા થઇ જશે. મને તેનો ફોટો આપો..' છગને વિશ્વાસથી કહયું.
મિહિરના હાથ સોપારી આપતાં ધુ્રજી રહ્યા હતા. તેણે ખિસ્સામાંથી મીરાના બે ફોટા કાઢીને આપ્યા.
'શું વાંધો છે, શેઠ પોતાની બૈરીને કેમ ટપકાવવા માંગો છો ? સાડી પહેરેલી સંસ્કારી, સુશીલ બૈરીને મારીને શું મળશે ?' છગન છરીને નવાઈ લાગી, જોકે તેણે ધંધાના નિયમ રૂપે આવા પ્રેશ્નો પૂછવા જોઈએ નહીં, પણ તેનાથી રહેવાયું નહીં.
'જવાદે ને, છગન, હમણા પંદર દિવસથી તે બીજાના લફરામાં પડી છે. રોજ સાંજે મને કહ્યા વગર બે કલાક તેના પ્રેમીને મળવા જતી રહે છે, પછી મારી સાથે જમતી પણ નથી, અને આખી રાત બાજુના રૂમમાં મોબાઈલમાં તેના પ્રેમીને ચેટ કરતી રહે છે.' મિહિર ગુસ્સામાં બોલ્યો.
'હોય નહીં, ચહેરા પરથી તો સુશીલ લાગે છે. ખેર કઈ નહીં. શેઠ, અત્યારે એડવાન્સ પચાસ હજાર અને બાકીના પૈસા કામ પુરૂ થયા પછી.' છગને ધંધાદારી વાત કરી.
'ભલે, લે આ એડવાન્સ, જો તારે રવિવારે બેસતાં વર્ષે અમે ગાડીમાં ધોળકાથી દર્શન કરીને આવતાં હોઈએ, ત્યારે મદદ માટે નિર્જન રસ્તા ઉપર ગાડી રોકાવી તેને ચાકુની અણીએ દુર એકાંતમાં લઇ જઈ કામ પતાવવાનું છે.' મિહિરે કહ્યું.
'વાહ, શેઠ, તમે તો સરસ પ્લાન પણ બનાવી આપ્યો.' છગન ખુશ થતાં બોલ્યો.
મિહિર ગભરાતાં ગભરાતાં ઉભો થઇ પોતાની ગાડીમાં બેઠો. બે વરસના લગ્નજીવનને યાદ કરતાં તે ભૂતકાળમાં ડૂબી ગયો. સાવ ડફોળ, ગામડીયણ બૈરી મારા નસીબમાં મમ્મી પપ્પાએ વળગાડી દીધી. કોઈ રોમાન્સ નહીં, ગ્લેમર નહીં, અને તેને તેની રોમેન્ટિક સેક્રેટરી મમતા યાદ આવી ગઈ. આહ ! કેટલી ગ્લેમરસ ! કેટલી સેક્સી ! રાત્રે ડીનરમાં જઈને હોટલની રૂમમાં કેવી મજા કરાવે ! પણ..તે લગ્ન માટે માનીજ નહીં. પહેલા તમારી ડફોળ બૈરીનો કાંટો કાઢો, પછી જ હું લગ્ન કરીશ ! અંતે મિહિરે મીરાથી છુટા થવાનો આ અંતિમ રસ્તો પસંદ કર્યો. વકીલે કહયું કે, છૂટાછેડાના કેસમાં તો દસ, પંદર વરસ નીકળી જશે.
ત્યાં તેના સદાચારી મને તમાચો માર્યો, મિહિર, આ તું શું કરવા જઈ રહ્યો છે ? એક વખત મન કુશંકા પર ચડી જાય પછી તેના ગલત વિચારો જ આવે છે.
ડ્રાઈવિંગ કરતાં તેના હાથ ધ્રુજવા લાગ્યા. શરીર પરસેવે રેબઝેબ થઇ ગયું. દિવાળીની અમાસના અંધકારમાં અચાનક સામેથી ટ્રક આવતા તેણે જોરથી સ્ટીયરીંગ ગુમાવ્યું. ધડામ… ધડાકા સાથે તેની કાર સામેના ઝાડ સાથે અથડાઈ. તેના હાથ જોરથી સ્ટીયરીંગ સાથે અથડાયો, અને કડાક કરીને તેને હાથનું ફ્રેકચર થઇ ગયું.
પાંચ મિનીટ તો તેને કઈ સુઝયું નહીં. પછી થોડું હોશ આવતા તેણે મીરાને મોબાઈલ જોડી હકીકત જણાવી. 'મને જલ્દી લોકેશન મોકલો, હું તરત ત્યાં આવું છું.' કહેતા મીરા રડી પડી.
'અરે ! મારે તો હવે મમતા સાથે લગ્ન કરવાના છે.' તેણે મમતા ને મોબાઈલ જોડયો.
'મને અત્યારે રાત્રે કેમ ડીસ્ટર્બ કરે છે, રાત્રે ડીનરમાં કે હોટેલમાં આનંદ કરવા તો જવાનું નથી. તારે ઘેરથી કોઈને બોલાવી લે ને.' મમતા ગુસ્સે થઇ ગઈ.
મિહિર દુઃખથી બુમો પાડી રહ્યો હતો. વીસ મિનિટમાં મીરા, મિહિરની બહેન આશા સાથે ઘટના સ્થળે પહોંચી ગયા. બન્ને રડમસ ચહેરે, તત્કાલ તેને હોસ્પિટલ પહોંચાડી સારવાર ચાલુ કરાવી.
આખી રાત બન્ને તેના સ્પેશીયલ રૂમમાં જાગતા બેસી રહયા. સવારે મિહિરે આંખ ખોલતા આશાએ ખુશ થતાં કહ્યું 'ચાલો, ઘાત ગઈ.'
'કેમ આવું બોલે છે ?' મિહિરને નવાઈ લાગી.
'ભાઈ, તમને ખબર નથી. મીરાભાભીને તમારી બહુ ચિંતા રહેતી હતી. તેથી તેણે ખ્યાતનામ જ્યોતિષ પોપટલાલ જોષીને તમારી જન્મકુંડળી બતાવી હતી. આ આસો મહિનામાં તમારા માથે મોટી ઘાત હતી. ભાભીએ રડતાં રડતાં એનો ઉપાય માગ્યો તો કહયું કે તમારે આખો મહિનો વ્રત કરવું પડશે. કોઈને ખબર ન પડવી જોઈએ. તમારે દરરોજ રાત્રે ઉંધા પગે ચાલીને મહાદેવના દર્શન કરીને એકટાણું કરવાનું. ભાભીએ રડતાં રડતાં તમારા માટે વ્રત ચાલુ કરવા સ્વીકાર્યું.'
'ધઉપરાંત આખી રાત જાગરણ કરવાનું. જે ભાભીથી થાય તેમ જ નહોતું એટલે મેં તેમના મોબાઈલમાં જુદીજુદી ગેઈમ નાખી દીધેલી, જે ભાભી તમારી ઊંઘ ના બગડે એટલે બાજુના રૂમમાં બેસી રમ્યાં કરતા. માંડમાંડ આખી રાત જાગી શકતા, પણ તમારી જીંદગી માટે ભાભી આ વ્રત કરતાં હતા.'
'હે ! ' મિહિર હેબતાઈ ગયો. આતો મારા ભલા અને દીર્ઘાયું માટે વ્રત કરતી હતી, ને મેં ઉંધો અર્થ લઇ લીધો. તેનું પવિત્ર મન તેને કોસવા લાગ્યું. હવે શું ?સોપારી તો અપાઈ ગઈ હતી.
ત્યાં તેની પ્રેમિકા મમતાનો મોબાઈલ આવ્યો, 'સોરી, ડાર્લિંગ, હું આવી શકી નહીં. હવે સારો થાય ત્યારે જાણ કરજે, આપણે બ્લ્યુ હેવનમાં ડીનર માટે જઈશું.'
ઓહ ! આને તો ફક્ત મોજશોખ કરવામાં જ રસ છે. પત્ની તરીકે આવી સ્ત્રી ના ચાલે. મિહિરે મનમાં જ નિર્ણય કરી દીધો, અને છગન છુરીને મોબાઈલ જોડયો,' છગન, રહેવા દે, હમણાં સોપારીનો પ્રોગ્રામ કેન્સલ સમજ.'
'કેમ? પણ હું એડવાન્સના પચાસ હજાર પરત નહીં કરું.' છગનને અચાનક મિહિરે નિર્ણય કેમ બદલ્યો, તેની નવાઈ લાગી.
'વાંધો નહીં, પણ મારે તો મારી પત્ની મીરાં સાથે જ રહેવું છે.' કહેતા મિહિર રડમસ થઇ ગયો.
છગનને પણ આ સારા નિર્ણયથી ખુશી થઇ, અને મોબાઈલ જોડી કહ્યું, 'હું તારા પચાસ હજાર પાછા મોકલી દઈશ. મારે એવા પૈસા ના ખપે.'
સાંભળીને મિહિર ભાવ વિભોર બની, વિચારવા લાગ્યો, 'હાશ ! આવી પ્રેમાળ સમજુ અને ઘરરખ્ખું પત્નીને હું ઓળખી શક્યો નહિ અનેમોટી ઘાતમાંથી બચી ગયો.' તેની આંખો ભરાઈ ગઈ.
આ જોઈ મીરા અને આશા પણ મિહિર બચી ગયો અને'મોટી ઘાત ગઈ' વિચારતાં રડી પડયાં. બન્નેની ઘાત અલગ હતી પણ બચી ગયાનો આનંદ સૌના ચહેરા પર ચમકી રહયો હતો.
લાસ્ટ સ્ટ્રોક
જીવનના કપરાં સમયે જ તમારા જીવનમાંસાચા સાથીદાર કોણ છે, એ પરખાઈ જાય છે, તેનો દ્રોહ કરતા પહેલા તેને સમજવાનો પ્રયત્ન જરૂર કરશો.