Shatdal

નાની નાની વાતોમાં જ વતન સચવાતું હોય છે...

By GS Team
8 Sep 20263 mins read
નાની નાની વાતોમાં જ વતન સચવાતું હોય છે...
  • ગેસ્ટ પોસ્ટ
  • ભાષા માત્ર શબ્દોમાં થોડી હોય છે? એની ખરી મજા તો લહેકામાં છે. એક જ વાક્ય જુદા પ્રદેશનો માણસ બોલે તો એનો સ્વાદ બદલાઈ જાય. કાઠિયાવાડી બોલીમાં તો શબ્દ સાથે માણસનો મિજાજ પણ આવે જરાક આગ્રહ, જરાક હક, ભરપૂર આત્મીયતા અને ક્યાંક મીઠી મજાક પણ.

આપણે કાઠિયાવાડી શબ્દોની વાત કરીએ ત્યારે એનો એક જીવતો જાગતો દાખલો મારાં એક લેખિકા મિત્ર છે. સુચિતાબેન વ્યાસ.
૫૬ વર્ષથી અમેરિકામાં રહે છે, પણ એમની સાથે વાત થાય ત્યારે એમની કાઠિયાવાડી ભાષા સાંભળીને મારું મન રાજી રાજી થઈ જાય. એવા એવા શબ્દો વાપરે કે સામેવાળાને વિચાર કરતાં કરી મૂકે. એકવાર એમના એક મિત્રનાં ચશ્માં પર એટલા ધાબા હતા કે સુચિબેનથી બોલાઈ ગયું કે, 'તારાં ચશ્માં' તો ઓઘરા ઓઘરા લાગે છે.' સામેવાળાને તો સાવ ઉપરથી ગયું. કાંઇ ન સમજ્યાં. અમેરિકામાં આવા શબ્દો સાચવનારા અને વાપરનારા કોણ મળે?
એમાંય એમનો આવકારવાની તો વાત ન પૂછો! અમેરિકામાં એના ઘરે કોઇપણ મહેમાન કે સાહિત્યકાર પણ આવે તો એમના મોઢે કાઠિયાવાડી આવકાર મળે. ચોખ્ખું શુધ્ધ ગુજરાતી બોલવાની કોશિશ પણ ન કરે અને હૃદયમાંથી શબ્દ જે સરે તે માત્ર આ જ હોય.
'હાઇલા આવો…'
હું જ્યારે એમના મોઢે આ સાંભળું ત્યારે મને થાય, વાહ! કેટલો મીઠો શબ્દ! ક્યાંય દેખાડો નહી! કોઇ દંભ નહી! મને એની નિખાલસતા સ્પર્શી જાય. અહી આવકારો માત્ર શબ્દ નથી, આપણી સંસ્કૃતિ છે.
સુચિતાબેનનું 'હાઇલા આવો' સાંભળું ત્યારે મને દુલા ભાયા કાગની પેલી જાણીતી પંક્તિ યાદ આવે-
'હે જી તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે રે,
આવકારો મીઠો આપજે…'
મને થાય, કાઠિયાવાડમાં આ 'મીઠો આવકારો' માત્ર ગીતમાં ક્યાં હતો? એ તો આપણી બોલીમાં જ હતો. કોઈને 'આવો' કહેવું અને કોઈને વહાલથી 'હાઇલા આવો' કહેવું, બંનેમાં ફરક માત્ર ભાવનો વધારે છે.
'આવો', 'આવજો', 'પધારો', 'ઘરે આવજો' એવું 'હાલ્યા આવો' તો આપણે બધા કહીએ, પણ 'હાઇલા આવો'માં કંઈક જુદું જ છે. એમાં માત્ર આવવાનું આમંત્રણ નથી. જાણે કોઈ વહાલથી હાથ પકડીને કહે… અરે, હાલો ને, અંદર આવો!
'હાઇલા' શબ્દ કદાચ 'હાલવું'માંથી આવ્યો હશે. હાલવું એટલે ચાલવું, નીકળવું. આપણે કાઠિયાવાડમાં 'હાલો', 'હાલ્યા', 'હાઇલા' જેવા શબ્દો કેટલી સહજતાથી બોલતા. ત્યારે કોઈએ એનો અર્થ પૂછયો નહોતો. ઘરમાં બધા બોલતા એટલે આપણે પણ બોલતા.
હવે આવા શબ્દો સાંભળવા મળે ત્યારે ખ્યાલ આવે છે કે અરે, આ તો ધીમે ધીમે આપણી બોલચાલમાંથી ઓછા થતા જાય છે.
સુચિતાબેનને સાંભળું ત્યારે મને બીજી પણ એક મજા આવે છે. માણસ વર્ષોથી અમેરિકામાં રહેતો હોય, આસપાસ અંગ્રેજી બોલાતી હોય, જીવનની રીત બદલાઈ ગઈ હોય, છતાં જીભ પર પોતાની ઘરબોલી એવી ને એવી જ બેઠી હોય!
કોઈ Come over કહે તો વાત સમજાય, પણ કોઈ કહે, 'હાઇલા આવોને…' તો માત્ર વાત નથી સમજાતી, વતન સંભળાય છે.
મને ઘણી વાર થાય છે કે ભાષા માત્ર શબ્દોમાં થોડી હોય છે? એની ખરી મજા તો લહેકામાં છે. એક જ વાક્ય જુદા પ્રદેશનો માણસ બોલે તો એનો સ્વાદ બદલાઈ જાય. કાઠિયાવાડી બોલીમાં તો શબ્દ સાથે માણસનો મિજાજ પણ આવે જરાક આગ્રહ, જરાક હક, ભરપૂર આત્મીયતા અને ક્યાંક મીઠી મજાક પણ.
એટલે સુચિતાબેનનું 'હાઇલા આવો' મને માત્ર એક જૂનો શબ્દ નથી લાગતો. એ સાંભળું ને એની પાછળ ઘરનો ઓટલો દેખાય, ઓળખીતા ચહેરા દેખાય અને મને તો મારા મામાનો ડેલો પણ દેખાઈ જાય. જાણે અંદરથી મામાનો અવાજ આવે…
'ઊભી શું છો? અંદર હાઇલી આવ!'
બસ, એક શબ્દ આપણને ક્યાંથી ક્યાં લઈ જાય! પરદેશમાં રહીને કદાચ આવી નાની નાની વાતોમાં જ વતન સચવાતું હશે. આપણે ઘર બદલીએ, દેશ બદલીએ, રહેણીકરણી બદલીએ. ભાષામાં પણ કેટલાય નવા અંગ્રેજી શબ્દો આવી જાય. પણ કેટલાક શબ્દો આપણી સાથે એવા ચોંટી જાય છે કે આપણે દેશ છોડીએ, એ શબ્દો આપણને છોડતા નથી.
મને તો થાય છે, આવા શબ્દોને શબ્દકોશમાં સાચવવા કરતાં પહેલાં સુચિતાબેનની જેમ આપણી જીભ પર સાચવવા જોઈએ. ભાષા જીવંત ત્યારે જ રહે છે, જ્યારે કોઈ એને સહજતાથી બોલે અને કોઈ બીજું એને મનથી સાંભળે.
નહીં તો એક દિવસ શબ્દકોશમાં 'હાઇલા' મળી જશે, એનો અર્થ પણ મળી જશે, પણ વહાલથી 'હાઇલા આવો…' કહેનારાં અને એમના બોલવામાં જીવતું એ કાઠિયાવાડ ક્યાંથી લાવીશું?
એના કરતાં પણ વધારો મોટો સવાલ-
સાચુકલા માણસો ક્યાંથી લાવીશું?

  • પ્રજ્ઞા દાદભાવાળા