મૌન કાયરતાની નિશાની છે?

- ગુફતેગો- ડો.ચંદ્રકાન્ત મહેતા
- મૌન એ મહાશક્તિ છે, એ કાયરનું નહીં શુરાનું કામ છે. ભયજન્ય મૌનમાં કાયરતા છે, સંયમજન્ય મૌનમાં વીરતા! વાચાળતા સુલભ છે, પણ મૌન માટે સાધના કરવી પડે છે
પ્રશ્ન : મૌન સેવવું એ
શું કાયરતાની નિશાની છે ?
પ્રશ્નકર્તા : મનીષ જોષી
જ્યાં બોલવાની જરૂર હોય ત્યાં મૌન ધારણ કરીને નિષ્ક્રિય ન રહી શકાય અને જ્યાં મૌન ધારણ કરવાની જરૂર હોય ત્યાં બોલીને બાજી બગાડવાનું સાહસ ન કરવું જોઈએ.
ટુંકમાં સમજણ અને સંયમપૂર્વકનું મૌન અત્યંત હિતકારી નીવડે છે. આ પ્રકારના મૌનથી માણસ વિરોધીને નિરુત્તર બનાવવાની અને પોતાની જાતને કમજોર બનતા અટકાવવાની તક ઝડપી શકે છે.
સમજણપૂર્વકના મૌનમાં માણસને પોતાને હારને જીતમાં પરિવર્તન કરવા માટે આયોજન કરવાનો સમય મળી જાય છે.
સંયમ પૂર્વકના મૌનને કારણે વિરોધીને ક્રોધ અને આક્રમક બનવાની તક મળતી નથી. અને માણસને પોતાને પોતાનો બચાવ કરવા માટે વિચારવાનો સમય મળી જાય છે.
માણસને ક્યારેક એમ લાગે કે તે પોતે અમુક પરિસ્થિતિમાં કમજોર છે, તો મૌન દ્વારા પોતાના સ્વમાનનો મુદ્દો બનાવી લડવા કૂદી નહીં પડે અને મોકાની રાહ જશે.
વિરોધીને ઝેરથી મારવાને બદલે કુનેહપૂર્વક ગોળથી મારવા માટે મૌન એ અમોઘ શસ્ત્ર પૂરવાર થાય છે.
માણસને એવું લાગે છે કે કેટલાંક કારણસર પોતે કામચલાઉ ધોરણે નબળો પડયો છે તો ધૈર્યપૂર્વક મૌન દાખવી પુન: શક્તિ સંચિત કરી લેવા માટે તે ધીરજપૂર્વક જીતનો માર્ગ તૈયાર કરી શકશે.
સમયોચિત મૌન દ્વારા વિરોધીને પણ વિશ્વાસઘાત લાગે એવું વર્તન દેખાડી બગડેલી બાજી સુધારી લેવાની તક માણસ ઝડપી શકે છે.
મૌન અને સત્યની પણ ધર્મગ્રંથોમાં ગૌરવપૂર્ણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. વિષ્ણુપુરાણમાં કહેવામાં આવ્યું છે કે એ જ સત્ય ઉચ્ચારવું જોઈએ જે બીજાની પ્રસન્નતાનું કારણ હોય, જે સત્ય બીજાના દુ:ખનું કારણ હોય તેવી બાબતે બુધ્ધિશાળીએ મૌન રહેવું જોઈએ.
સત્યના બે લક્ષણો છે : શ્રેય અને પ્રેય. એટલે સત્ય શિવત્વની બાદબાકી પણ ન કરી શકે અને પ્રેયત્વ એટલે કે મીઠાશ કે મુધરતાની પણ બાદબાકી ન કરી શકે. અપ્રિય સત્ય ન બોલીએ તેમ પ્રિય અસત્ય પણ ન જ બોલીએ. આ સનાતન
ધર્મ છે.
ધર્મશાસ્ત્રોએ 'આપદ્ ધર્મ' તરીકે અસત્ય બોલવાને દોષિત ગણ્યું હશે. પણ મહાભારત-આદિપર્વમાં વ્યાસજીએ કહ્યું છે : 'રાજન્, હસી-મજાકમાં ઉચ્ચારાયેલાં વચનો અસત્ય હોવા છતાં હાનિકારક નથી હોતાં. પોતાની પત્ની પ્રત્યે, લગ્ન પ્રસંગે, પ્રાણ સંકટમાં હોય ત્યારે તથા સર્વસ્વનુ અપહરણ થતું હોય એવા પ્રસંગે લાચારીપૂર્વક જૂઠું બોલવું પડે તો તે દોષયુક્ત નથી.
'ન બોલ્યામાં નવ ગુણ' - જેવી ઉક્તિઓ ઉચિત સમયે ઉચિત મૌનની મહત્વનો પ્રતિઘોષ કરે છે. 'વગર બોલાવ્યે બોલે, એ તણખલાની તોલે.' મહાભારત એ વાતનું સમર્થન કરતાં જણાવે છે કે કોઈપણ પ્રશ્ન પૂછવામાં ન આવે ત્યાં સુધી બોલવું નહીં. કોઈ વ્યક્તિ બીજા સાથે વાત કરતી હોય ત્યારે પણ વચ્ચે કૂદી ન પડવું. કોઈ વ્યક્તિ અન્યાય પૂર્ણ રીતે કોઈ પ્રશ્ન પૂછતી હોય ત્યારે પણ ન બોલવું. એવા સંજોગોમાં ડાહ્યા માણસે પણ મૂર્ખની જેમ વર્તવું. મતલબ કે સમયોચિત મૌન ધારણ કરવું.
રમણ મહર્ષિની દ્રષ્ટિએ મૌનનો અર્થ કર્મનો અભાવ, જડતા, અકર્મણ્યતા અથવા નિષ્ક્રિયતા અને આળસનો ભાવ નથી. મૌન એટલે વિચારશૂન્યતા કે તર્ક થી ખાલી રહેવાપણું પણ નથી. મૌન એ રચનાત્મક ભાવ છે, સકારાત્મક પદાર્થ છે, પરાશાંતિ છે.
મૌનમાં શબ્દો કરતાં પણ વધારે શક્તિ છે. એટલે મૌન મોટે ભાગે માણસનું ભક્ષક નહીં પણ રક્ષક બને છે. મૌન તેના ઉપાસક સાથે વિશ્વાસઘાત કરતું નથી. એટલે જ એક અંગ્રેજ લેખકે કબૂલ્યું કે મને એ વાતનું ક્યારેય દુ:ખ નથી કે મેં શા માટે મૌન રહેવાનું પસંદ કર્યું, પરંતુ મને એ વાતનું દુ:ખ અવશ્ય રહ્યું છે કે મેં ઉતાવળે બોલી નાખવાનું શા માટે વિચાર્યું ? પણ એનો અર્થ એ નથી કે સ્વાર્થ ખાતર કે બદઈરાદાથી મૌન ધારણ કરવું. મૌન દુરાશયનું સમર્થક નથી, કારણ કે મૌન એ પાવનતમ વિચારોનું પવિત્ર ધર્મસ્થાન છે, મૌન મન-મંદિરનો દેવતા છે. એની સાથે ન પ્રપંચ થાય કે ન પ્રપંચ માટે એનો ઉપયોગ થાય. કવિ દિનકર એટલે જ કહેતા કે વાણી એ ચાંદી છે અને મૌન એ સુવર્ણ છે.
મૌનનો ઉપયોગ પલાયન તરીકે કે જૂઠની ઢાલ તરીકે ન જ કરી શકાય. બોલકાપણું માણસને નાનો બનાવે છે. અને મૌન ઉન્નતિને માર્ગે લઈ જાય છે. ઝાંઝર બોલકું છે એટલે એને પગમાં સ્થાન મળ્યું છે અને હાર મૌનધારી છે એટલે કે અવાજ કરતો નથી એટલે તેને ગળામાં સ્થાન પ્રાપ્ત થયું છે.
મહાત્મા ગાંધી મૌનના મહાન ઉપાસક હતા. એમણે કહ્યું હતું કે હું પ્રત્યેક ક્ષણે અનુભવું છું કે મૌન સર્વોત્તમ ભાષણ છે. જો બોલવું જ હોય તો ઓછામાં ઓછુ બોલો. એક શબ્દથી કામ ચાલે તો બે શબ્દો વાપરશો નહીં.
સત્ય પણ હિતકર હોઈ શકે, પ્રિય વચનો પણ હિતકર હોઈ શકે, તેમ મૌન પણ હિતકર હોઈ શકે. પરંતુ આ બધાનો હિતકર સાબિત થવાનો આધાર એને પ્રયોજનારની વિવેકદ્રષ્ટિ, પરિસ્થિતિ અનુસાર ઉચિત નિર્ણય લેવાની કોઠાસૂઝ અને હૃદયની પવિત્રતા પર છે. કસમયનું સત્ય ઉચ્ચારણ પણ કિનારે આવેલી નૌકા ડુબાડી શકે. ચાપલૂસી ભર્યા મધુર વચનો પણ સત્યને ઝાંખપ લગાડી અહિતકારક નીવડી શકે અને શઠતાપૂર્વક મૌન માણસની વાણી અને વર્તનમાંથી અન્યનો વિશ્વાસ સદંતર ઊઠી જવાનું નિમિત્ત બની શકે. એટલે સત્ય બોલતી વખતે શ્રેયત્વ અને પ્રિયત્વને વિસ્મરવું ન જોઈએ અને મૌન સેવતી વખતે મનનો પવિત્ર ભાવ ટકાવી રાખી પ્રપંચ-યુક્તિ તરીકે તેનો ઉપયોગ ન કરવો જોઈએ.
સત્ય અને મૌન બન્ને મહાશક્તિઓ છે. એ કાયરનું નહીં, શૂરાનું કામ છે. સત્ય અને મૌનની તાકાત પિછાણી શકે અને તેમને પ્રયોજનની વિવિકદ્રષ્ટિ હેમખેમ રાખી શકે એજ તેનાથી સહજ રીતે લાભાન્વિત થઈ શકે.
માણસ શોરને જન્મસિધ્ધ અધિકાર માને છે, એને બદલે મૌન એ સર્વોત્તમ ભાષણ છે (ગાંધીજી) એવું માણસ સરજજતો હોત તો એની કેટલી બધી ઉપાધિઓ ઓછી થઈ જાત.
વાણી એ શબ્દોની અનાવશ્કય લહાણી માટેનું માધ્યમ નથી. હકીકતમાં 'શોર' એ માણસની સમજશક્તીનું દેવાળું છે. આંતરિક ખાલીપણાવાળા માણસો ગરજે છે. આંતરિક સમૃધ્ધિવાળા લોકો મૌનનો મહિમા સમજીને મલકે છે.
ભયજન્ય મૌનમા કાયરતા છે, સંયમજન્ય મૌનમાં વીરતા! વાચાળતા સુલભ છે, મૌન માટે સાધના કરવી પડે છે. લોકપ્રિયતા માણસના નસીબમાં 'શોરબકોર' લખે છે અને આત્મમૈત્રી પ્રદાન કરે છે, મૌનની મહાશક્તિ.
ઈશ્વર આપણી સાથે સંવાદ સાધવા આતુર છે, પણ ધાંધલ-ધમાલ અને શોરબકોરમાં આપણે તેનાં પગલાંનો અવાજ સાંભળી શકતાં નથી.
સંસ્કૃતિ મૌન-મહિમાની ગાયિકા છે, જ્યારે વિકૃત છે શોરબકોરની છડીદાર!




