સ્પેન અને મોરક્કોની સરહદે થતી ઘૂસણખોરી અને કોલોનિયલ કાળ

- મીડ વીક- હસમુખ ગજજર
- પોર્ટુગિઝો પછી ૧૫૮૦માં મોરક્કોની સરહદ નજીકના સ્યૂટા વિસ્તાર સ્પેન કોલોનિયલનો ભાગ બન્યો હતો. કોલિનિયલ યૂગ પૂરો થયા પછી પણ સ્પેને ઉત્તર આફ્રિકાના મોરક્કો નજીકના સ્યૂટા અને મેલિલા પર નિયંત્રણ જાળવી રાખ્યું છે
તા જેતરમાં ઉત્તરી આફ્રિકી દેશ મોરક્કોમાંથી દક્ષિણ પશ્ચિમી યુરોપિયન દેશ સ્પેનના એન્કલેવ સ્યૂટામાં મોરક્કોના ૬૦ હજારથી વધુ નાગરિકોએ ઘૂસણખોરી કરતા અફરાતફરી મચી ગઇ હતી. મોટે ભાગે ફિનડેક શહેરથી દરિયાઇ માર્ગે ૫ કિમી જેટલું તરીને અથવા તો નાની મોટી હોડીઓમાં બેસીને સરહદ પાર કરનારા વિશાળ સમૂહનો જૂસ્સો એટલો પ્રચંડ હતો કે સ્પેનના સુરક્ષા ગાર્ડ પણ રોકી શકયા નહી. સોશિયલ મીડિયામાં ફરતા દ્વષ્યો અનુસાર તો કેટલાકે તો દરિયાના મોજાની તિવ્રતા ઘટાડવા માટેની બ્રેક વોટર દિવાલ તોડવા પણ પ્રયાસ કર્યો હતો. ઘૂસણખોરીનો આ મોટો પ્રયાસ રોકવા સ્પેને આર્મી ઉતારવાની ફરજ પડી હતી. સ્યૂટા ટાઉનમાં ઘૂસવાના પ્રયાસ અને પાછા ધકેલવાની કાર્યવાહી દરમિયાન ૭૦થી વધુના મુત્યુ થયા હતા. ઘૂસણખોરીના હોટ સ્પોટ ગણાતા સ્યૂટા અને મોરક્કો વચ્ચે ૧૦ કિમી લાંબી જમીન સરહદ છે. સ્યૂટા મોરક્કો સાથે જમીન માર્ગે જોડાયેલું છે જે સ્પેનથી ઘણું જ દૂર છે. બંને દેશોની હદ ગણાતો જમીન વિસ્તાર પૂરો થાય પછી નિર્જન જળ વિસ્તાર પાર કરીને સ્પેનના નિયંત્રણ હેઠળની ભૂમિમાં ઘૂસણખોરી થાય છે. વિશ્વમાં સરહદો પાર કરીને ગેર કાયદેસર ઘૂસવા-ઘૂસાડવાના મોટા રેકેટ ચાલે છે. આફ્રિકી દેશોમાં અવ્યવસ્થા, અરાજકતા, બેરોજગારી અને ગરીબીથી કંટાળીને મોટી સંખ્યામાં લોકો યૂરોપમાં વસવાટ કરવાનો મનસૂબો ધરાવે છે. આફ્રિકી દેશો જ નહી દુનિયાના વિવિધ ભાગોના લોકોમાં શાંત, સુવ્યવસ્થિત અને રમણીય ગણાતા યુરોપ અને પશ્ચિમી દેશો તરફ પ્રયાણ કરવાનું ચૂંબકીય આકર્ષણ જોવા મળે છે. સરહદ પાર કરવા માટે કોઇ વ્યકિતગત રીતે કે થોડા જથ્થામાં પ્રયાસ થઇ શકે પરંતુ હજારો લોકો એક સાથે ધસી આવે તે સુવ્યવસ્થિત આગોતરા પ્લાનિંગ વિના શકય નથી. કોઇની પ્રેરણા અને માર્ગદર્શન વિના દરેકનો સરહદ પાર કરવાનો સમય અને સંજોગ આમ એક સરખા હોય નહી. કોઇ પણ દેશનો પોતાના મૂળ જમીન વિસ્તારથી અલાયદો અને બીજા દેશની સરહદોથી ચારે તરફ ઘેરાયેલા ભૂમિ ભાગને એન્કલેવ કહેવામાં આવે છે. યુરોપ અને આફ્રિકાની વચ્ચે જિબ્રાલ્ટર સમુદ્વધુની પાસે મોરક્કોની ઉત્તરમાં સ્યૂટા આ એક એવું લોકેશન જે યુરોપ પહોંચવા માટે એન્ટ્રી પોઇન્ટ સમાન છે. અહીંયા ઉંચી વોટર વોલ ઉપરાંત સ્પેનના સિવિલ ગાર્ડ અને નેશનલ પોલીસ ૨૪ કલાક ચોકી પહેરો ભરે છે. ઘૂસણખોરીનું પહેલું કારણ તો ગત ૮ જુલાઇમાં સ્પેનની સુપ્રિમ કોર્ટના એક ચુકાદા સાથે જોડવામાં આવ્યું હતું. સ્પેનની સુપ્રિમ કોર્ટેના એક ચુકાદામાં જણાવાયું હતું કે જે લોકો દરિયાઇ માર્ગે સ્પેનમાં આવ્યા છે તેમને યોગ્ય કાર્યવાહી કર્યા વિના તરત જ પાછા મોકલી શકાય નહી. આ નિર્ણયનો ઘૂસણખોરો દ્વારા એવો મતલબ કાઢવામાં આવ્યો કે જો આપણે સ્પેનના ગણાતા વિસ્તારમાં ઘૂસી જઇશું તો પછી આપણને કોઇ કાઢી શકશે નહી. હકીકતમાં તો કોર્ટના ચુકાદા માટેની આ એક ગેર સમજણ જ હતી. ધીમે ધીમે મોરક્કોથી નાગરિકો ઘૂસવાનું શરુ કર્યુ ત્યારે દ્વીધામાં મુકાયેલા સ્થાનિક પ્રશાસને જે આંખ આડા કાન કર્યા તે ભારે પડી ગયું હતું.
મેલિલાની જેમ સ્યૂટા યુરોપીય સંઘ અને આફ્રિકા વચ્ચે જમીનથી જોડાયેલી બે સરહદોમાંનો એક વિસ્તાર છે. મોરક્કોની સરહદ નજીકના સ્યૂટા પર કોલોનિયલ કાળમાં સૌ પ્રથમ પોર્ટુગિઝોએ આધિપત્ય જમાવ્યું હતું. પોર્ટુગિઝો પછી ૧૫૮૦માં આ વિસ્તાર સ્પેનનો ભાગ બની ગયો હતો. કાળક્રમે કોલિનિયલ યૂગ પૂરો થયો છતાં સ્પેને ઉત્તર આફ્રિકાના મોરક્કો નજીકના સ્યૂટા અને મેલિલા પર નિયંત્રણ જાળવી રાખ્યું છે. દાયકાઓથી સ્પેનના કબ્જો હેઠળ રહેલા સ્યૂટા અને મેલિલાને મોરક્કો પોતાનો ભાગ ગણાવે છે. આ સ્પેનનો વિસ્તાર હોવાની કોઇ દલીલ માન્ય રાખતું નથી. મોરક્કો તો પશ્ચિમી સહારા પર પણ પોતાના સાર્વભૌમત્વનો દાવો કરે છે. મોરક્કોએ ૧૯૭૫માં પોતાના અધિકારક્ષેત્રમાં લઇ લીધું હતું. એક સમયે આ પશ્ચિમી સહારામાં સ્પેનનું કોલોનિયલ શાસન હતું. સ્પેન અને મોરક્કો વચ્ચેના સંબંધો હંમેશા ખટાશવાળા રહયા છે તેના મૂળમાં કોલોનિયલકાળના સ્થળો બાબતે આધિપત્યની ભાવના છે. પશ્ચિમી સહારામાં પોલિસારિયો ફ્રન્ટ મૂખ્ય રાજકીય શકિત ગણાય છે જે મોરક્કોના શાસનનો વિરોધ કરીને આઝાદી ઇચ્છે છે. પશ્ચિમી સહારાના વિદ્રોહી નેતા બ્રાહિમ ઘાલીને ૨૦૨૧માં કોરોના મહામારી દરમિયાન સ્પેનની હોસ્પિટલમાં સારવાર મળવાથી મોરક્કો નારાજ થયું હતું. મોરક્કો ઘાલીને એક ગેર કાનુની અલગાવવાદી વિદ્વોહી નેતા અને અપરાધી માને છે. મોરક્કોએ સ્પેનથી પોતાના રાજદૂતને પાછા બોલાવી લીધા હતા. મોરક્કોએ સ્પેન તરફની સરહદને ખૂલ્લી મુકી દેતા ૧૦ હજાર નાગરિકો સ્યૂટામાં ઘૂસી ગયા હતા.
૨૦૨૨માં સ્પેને વર્ષો જૂની વિદેશનીતિમાં ફેરફાર કરીને પશ્ચિમી સહારાના મૂળ નિવાસીઓે સમર્થન આપવાના સ્થાને મોરક્કો સાથે સંબંધો ગાઢ બનાવ્યા હતા. જો કે મોરક્કોનો એક કટ્ટર દુશ્મન દેશ આફ્રિકી દેશ અલ્જીરિયા પોલિસારિયો ફ્રન્ટને હજુ સમર્થન આપે છે. ૨૨ જુલાઇના રોજ સ્પેનના વડાપ્રધાન સાચેઝે મોરક્કો વિરોધી અલ્જીરિયાની સત્તાવાર મુલાકાત લીધી ત્યાર પછી મોરક્કો અને સ્પેન વચ્ચેના સંબંધોમાં વધુ ખોટકયા છે. સૌથી નવાઇની વાત તો એ છે કે સ્પેન અને મોરક્કો વચ્ચે એક ટૂંકી આંતરરાષ્ટ્રીય સરહદ આવેલી છે. અમેરિકા અને કેનેડા વચ્ચેની ૮૮૯૧ કિમી આંતરરાષ્ટ્રીય સરહદ જે વિશ્વમાં સૌથી લાંબી છે પરંતુ એ જાણીને નવાઇ લાગશે કે વિશ્વમાં સૌથી ટુંકી સરહદ સ્પેન અને મોરક્કો વચ્ચે આવેલી છે જે માત્ર ૮૫ મીટરની છે. આ સરહદ બે નાની ચટ્ટાનોથી જોડાયેલી છે. આ ચટ્ટાનનું નામ 'પેનોન ધ વેલેજ દે લા ગો મેરા' એવું છે. ચટ્ટાનનું કુલ ક્ષેત્રફળ અંદાજે ૧૯૦૦૦ ચો મીટર છે. ઇસ ૧૫૬૪માં સ્પેનમાં એક સેનાપતિ પેડ્રો દે એસ્ટોપિનને આના પર કબ્જો કર્યો હતો. બસ ત્યારથી જ આ સરહદ સ્પેનનો એક ભાગ છે. મોરક્કોએ અનેક પ્રકારની રજૂઆત કરી પરંતુ સ્પેને કયારેય આ વિસ્તારને છોડયો નથી. સ્પેનના સૈનિકો લાઇનબધ્ધ ગોઠવાઇને રક્ષણ કરતા રહે છે. મોરક્કો સાથેની ૮૫ મીટર (૨૭૯ ફૂટ) ની સરહદ સીમાપેનનો દે વેલેજને મોરક્કોના કાંઠા વિસ્તાર સુધી જોડે છે. આ એક એવો વિસ્તાર છે જયાં પીવાનું શુધ્ધ પાણી અને વીજળી પણ નસીબમાં નથી. લોકો પગપાળા કે કાર લઇને સરહદ નજીક આવી શકતા નથી. સ્પેનની નૌકા સેનાના જહાજો સૈનિકોને જરુરી સામાન પૂરો પાડે છે. હાડમારી ખૂબ હોવાથી સ્પેનના સૈનિકોની ટુકડીઓ દર મહિને બદલાતી રહે છે. ૨૦૧૨માં મોરક્કોના કેટલાક લોકો નાના પહાડ પર ચડી ગયા હતા. સ્પેનનો ઝંડો ઉતારીને મોરક્કોનો લગાવ્યો હતો. આ એક નાના આક્રમણને ખાળીને સ્પેનના સૈનિકોએ ફરી પોતાનો ઝંડો ફરકાવી દીધો હતો.
છેલ્લા ત્રણ વર્ષમાં દુનિયાની ભૌગોલિક રાજનીતિમાં ધરખમ ફેરફારો થયા છે. ગાઝા પર હુમલો કરીને વિનાશ વેરવાની ઇઝરાયેલની નીતિનો સ્પેન સતત વિરોધ કરતું રહયું છે. ઇરાન પર હુમલો કરવા બદલ પણ ઇઝરાયેલ અને અમેરિકાની સ્પેને ટીકા કરેલી છે. અમેરિકાથી ઇઝરાયેલ માટે શસ્ત્રો લઇ જઇ રહેલા અમેરિકન કાર્ગો જહાજને અલ્જેસિરસમાં ઉતરવાની સ્પેને ના પાડી દીધી હતી. આનાથી વિપરીત મોરક્કો ઇઝરાયેલ અને અમેરિકા સાથે સારા સંબંધો ધરાવે છે. મોરક્કો પશ્ચિમી દેશોના ખાસ તો અમેરિકાના જહાજોને વ્યૂહાત્મક દ્વષ્ટીએ ઉતારા આપે છે. મોરક્કોએ પશ્ચિમ સહારામાંથી પસાર થતા ૧૦૫૫ કિમી લાંબા હાઇવેનું નામ ટ્રમ્પ હાઇવે રાખ્યું છે. અરબ દેશો ઇઝરાયેલને માન્યતા આપે તેના માટેની અમેરિકી પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પના મહત્વકાંક્ષી ઐતિહાસિક અબ્રાહમ એકોર્ડ સમજૂતી પર હસ્તાક્ષર કરનારા દેશોમાં મોરક્કો મોખરે રહયું હતું. સ્પેન પેલેસ્ટાઇન માટે હમદર્દી ધરાવતું હોવાથી ઇઝરાયેલ ચિડાયેલું રહે છે. ઇઝરાયેલ માને છે કે સ્પેનનું પેલેસ્ટાઇનને સમર્થન એક પાખંડ છે કારણ કે સ્પેન પોતે જ મુસ્લિમ બહુલ મોરક્કો દેશ નજીકના વિસ્તારો પર કબ્જો જમાવીને બેઠું છે. ખાસ કરીને સ્યૂટા અને મેલિલાના સંદર્ભમાં આ ટાંકવામાં આવે છે. ઉપનિવેશવાદનો યૂગ આથમી ગયો છે ત્યારે સ્પેન હજુ પોતાના ઉપનિવેશ વિસ્તાર કેમ છોડયા નથી એવું સ્પેન વિરોધી લોબી માની રહી છે. સ્પેન અને મોરક્કોની ક્રાઇસિસને આંતરરાષ્ટ્રીય રાજકારણનો પણ ભાગ માનવામાં આવે છે. સ્પેનને પરેશાન કરવા ઇઝરાયેલ અને અમેરિકાની દોરવણીની પણ કેટલાકને શંકા છે પરંતુ કોઇ આધાર પુરાવા મળતા નથી. જો કે સ્પેન અને મોરક્કો વચ્ચે હદ વિવાદ, ઘૂસણખોરી અને વિસ્તાર દાવાનો ઇતિહાસ ઘણો જૂનો છે. અગાઉ પણ અનેક વાર મોરક્કો તરફથી સ્પેનમાં ઘૂસણખોરી થઇ હોવાનું બન્યું છે. સ્પેન જેવા યુરોપના દેશો પણ હવે ચેતી ગયા હોવાથી સુરક્ષાના પગલા ભરવા માંડયા છે. એક માહિતી મુજબ યુરોપમાં ૨ કરોડથી વધુ લોકોએ એનકેન રીતે આવીને વસવાટ કર્યો છે. ૫ કરોડની વસ્તી ધરાવતા સ્પેનમાં ૯૦ લાખ લોકો એવા છે જેમનો જન્મ સ્પેનની બહાર થયેલો છે. આમ તો સદીઓથી માણસ જાતનો ઇતિહાસ માઇગ્રેશન (સ્થળાંતરણ)નો રહયો છે, માણસ બહેતર જીવનની શોધમાં એક સ્થળથી બીજા સ્થળે પ્રયાણ કરે ત્યારે સંઘર્ષનો સામનો કરવો પડે છે. કુદરતી આફતો કરતા પણ રાજકીય, સામાજિક અને ધાર્મિક પૃષ્ઠભૂમિ હેઠળ થતું માઇગ્રેશન વધારે જટિલ હોય છે. કયારેક મૂળ પ્રજામાં રાષ્ટ્રવાદ, ભાગલાવાદ અને સંસ્કૃતિવાદ ઉભો થવાથી ટંટો ઉભો થાય છે અને છેવટે લોહી રેડાય છે. લોહી રેડાવા માટે કયારેક આંતરિક તો કયારેક આંતરરાષ્ટ્રીય પરિબળો પણ જવાબદાર હોય છે એ ભૂલવા જેવું નથી.









