Shatdal
વ્યક્તિ અને સમુદાયોની રહસ્યમય રીતે ગુમ થઈ જવાની ઘટનાઓ
By GS Team
22 Sep 20266 mins read

- ગોચર-અગોચર-દેવેશ મહેતા
- સોના, હીરા- ઝવેરાતથી ભરેલી ટ્રેન પોલેન્ડના પર્વતોની વચ્ચે બનેલી એક ગુપ્ત સુરંગમાં પ્રવેશી હતી પરંતુ તે ક્યારેય સુરંગની બહાર નીકળી જ નહીં ‘There are more things in heaven and earth, Horatio, than are dreamt of in your philosphy હે હોરેશિયો, આ આકાશ અને પૃથ્વી પર તમારી કલ્પના અને ફિલસૂફી કરતા પણ ઘણી વધારે અકલ્પનીય વસ્તુઓ (અને રહસ્યો) અસ્તિત્વ ધરાવે છે.
- William Shakespeare (વિલિયમ શેકસપિયર (Hamlet)
‘Mystery is the basic element of all myth and history.
રહસ્ય એ તમારા પૌરાણિક કથાઓ અને ઇતિહાસનું મૂળ
તત્વ છે. - Michael Moorcock (માઈકલ મૂરકોક)
‘History is a graveyard of secrets, where entire armies vanish into the fog of time.'
ઇતિહાસ એ રહસ્યોનું શ્મશાન છે જ્યાં આખેઆખી સેનાઓ સમયના ધુમ્મસમાં ગાયબ થઇ
જાય છે'
‘The greatest mysteries are not about what happened but about what was never found.
સૌથી મોટા રહસ્યો શું બન્યું તેના વિશે નહીં, પણ જે ક્યારેય મળ્યું નહીં તેના વિશે હોય છે.'
ઈતિહાસમાં એકલ-દોકલ વ્યક્તિઓ અને આખી બટાલિયન જેવા જૂથો ગાયબ થઇ જવાની વાસ્તવિક અને રહસ્યમય ઘટનાઓ નોંધાઈ છે જેનો ઉકેલ આજે પણ વિજ્ઞાનીઓ કે ઈતિહાસકારો મેળવી શક્યા નથી. આવી કેટલીક સૌથી પ્રખ્યાત, સાચી, અચરજભરી ઘટનાઓ પર દ્રષ્ટિપાત કરીએ.
ઇ.સ. ૧૯૧૫માં પ્રથમ વિશ્વયુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે ઇંગ્લેન્ડની નોરફોક રેજીમેન્ટની ચોથી બટાલિયન તુર્કસ્તાનમાં આવેલી ગેલીપોલી નામના સ્થળે તુર્કો સાથે લડી રહી હતી ત્યારે આ ઘટના બની હતી. આ સેનાની બટાલિયનને નાની સરખી પહાડી પર રહેલા દુશ્મનો પર હુમલો કરવાનો આદેશ મળ્યો હતો. તે આદેશનો અમલ કરતા તે સેના પહાડી પર હુમલો કરવા આવી પહોંચી. આ દ્રશ્યને નીચે ઊભા રહેલા ઉચ્ચ અધિકારીઓ, અફસરો જોઈ રહ્યા હતા. તે વખતે પહાડી પરથી વાદળો પસાર થયા એટલે તેમને તે બટાલિયન દેખાતી બંધ થઈ ગઈ. વાદળો પસાર થઇ જતા ફરી પાછું બધું પહેલાંની જેમ દેખાવા લાગ્યું. સેનાની બટાલિયન શું કરે છે તે જોવા તેમણે નજર કરી પણ ત્યાં તેનું નામોનિશાન નહોતું. તેમણે પહાડી પર ચઢીને જોયું તો આખી બટાલિયન જ ગાયબ હતી. તે મૃત્યુ પામ્યા હોય તો તેમના મૃતદેહ તો ત્યાં જ હોય. પણ તેમના મૃતદેહ તેમની બંદૂકો કે લડાઇની વસ્તુઓ કશું જ ત્યારે કે ત્યાર પછી ક્યારેય ક્યાંયથી મળ્યું નહીં. એ બટાલિયનના આશરે ૨૫૦ થી વધુ સૈનિકો આંખના પલકારામાં એક સાથે અલોપ થઇ ગયા હતા.
૧૦ ડિસેમ્બર ૧૯૩૯ના રોજ ચીનના નાનજિંગ (Nanjing / Nanking) શહેરમાંથી આશરે ૩૦૦૦ સૈનિકો રહસ્યમય રીતે ગાયબ થઇ જવાની ઘટના ઇતિહાસની વણઉકેલાયેલી ઘટના મનાય છે. આ ઘટનાને ઇતિહાસમાં 'ધ વેનિશિંગ બટાલિયન ઓફ નાનજિંગ' તરીકે ઓળખવામાં આવે છે. બીજા ચીન-જાપાન યુધ્ધ (Second Sino-Japanese War) દરમિયાન જાપાની સેના ચીનની તત્કાલીન રાજધાની નાનજિંગ તરફ આગળ વધી રહી હતી. નાનજિંગને બચાવવા અને જાપાની સૈનિકોને રોકવા માટે ચીનના રાષ્ટ્રવાદી સેનાપતિ લિ ફૂ સિએને યાંગત્ઝે નદી પર બનેલા એક વ્યૂહાત્મક પુલની સુરક્ષા માટે ૨,૯૮૮ સૈનિકોની એક બટાલિયન ખડી કરી હતી. ૧૦ ડિસેમ્બર ૧૯૩૯ની રાત્રે આ સૈનિકો ત્યાં ફરજ પર હતા. બીજા દિવસે સવારે જ્યારે સેનાપતિ લિ ફૂ સિએન તથા બીજા અધિકારીઓ ત્યાં નિરીક્ષણ કરવા ગયા ત્યારે ત્યાં એક પણ સૈનિક હાજર નહોતો. પુલ પર સૈનિકોના હથિયારો, ભારે તોપો અને ખાવા-પીવાનો સામાન અને કેમ્પ ફાયર (તાપણું) બધુ ંજ એમને એમ પડયું હતું. ત્યાં લડાઇ થઇ હોય, કે ગોળીબાર થયો હોય એવા કોઇ પુરાવા કે લોહીના ડાઘા નહોતા. નજીકની અન્ય ચોકીઓ પર ફરજ બજાવતા ચીની સૈનિકોએ જણાવ્યું કે તેમણે રાત્રે ગોળીબાર કે નાનો સરખો અવાજ પણ સાંભળ્યો નહોતો. ૨૯૮૮ જેટલા સૈનિકોની મોટી બટાલિયન એકાએક અદ્રશ્ય કેવી રીતે થઇ ગઈ ? એકાએક એક સાથે ગુમ થયેલા એ સૈનિકોની આખા ચીનમાં તપાસ કરવામાં આવી પણ ક્યાંયથી એકે સૈનિક જીવતો કે મરેલો મળી આવ્યો નહોતો. યુધ્ધ પછી જાપાનનો રેકોર્ડ તપાસવામાં આવ્યો તો એ જાણીને વધારે અચરજ થયું કે જાપાની હુમલાખોરો તો એ જગ્યા સુધી પહોંચી શક્યા જ નહોતા એટલે તે એ બધા સૈનિકોનું અપહરણ કરીને લઇ ગયા હોય એવી શંકાને પણ કોઇ સ્થાન ના રહ્યું.
ઇ.સ. પૂર્વે ૫૨૪માં પર્શિયાના રાજા કેમ્બિસેસ દ્વિતીયે ઇજિપ્તના એક મંદિરનો નાશ કરવા માટે ૫૦,૦૦૦ સૈનિકોની વિશાળ સેના મોકલી હતી. આ આખી સેના રણની વચ્ચે પહોંચી તે પછી તે ગુમ થઇ ગઇ હતી. ઇતિહાસકાર હેરોડોટસે આ ઘટનાનો ઉલ્લેખ કરેલો છે. કેટલાકે એવું માન્યું હતું કે ભયાનક રેતીના તોફાનમાં આખી સેના રણની રેતીમાં દટાઇ ગઈ હતી.
૧૯૩૦માં કેનેડામાં પણ આવી એક ઘટના બની હતી. કેનેડાના ઉત્તર ભાગમાં આવેલા અજીકુની નામના ગામના આશરે ૨૦૦૦ થી વધુ લોકો રહસ્યમય રીતે ગાયબ થઇ ગયા હતા. એક શિકારી જયારે ત્યાં પહોંચ્યો ત્યારે ઘરોમાં ચૂલા પર ખાવાનું બની રહ્યું હતું. કપડાં સીવેલાં હતાં, પણ આખું ગામ માણસો વગર ખાલી હતું. રહસ્યની પરાકાષ્ઠા તો એ છે કે ત્યાંની કબરોમાંથી પણ લાશો ગાયબ થઈ ગઈ હતી.
ઇ.સ. ૧૮૦૯માં બ્રિટિશ રાજદૂત બેન્જામિન બાથર્સ્ટ (Benjamin Bathurst) યુરોપમાં પ્રવાસ કરી રહ્યા હતા. તે જર્મનીના પેટલેબર્ગ નામના શહેરમાં એક ધર્મશાળા / હોટલમાં રોકાયા હતા. ૨૫ નવેમ્બર ૧૮૦૯ની સાંજે તે ધર્મશાળામાંથી બહાર નીકળ્યા અને પોતાની ઘોડાગાડી તરફ ગયા. ત્યાર પછી જે બન્યું તે આજ સુધી રહસ્ય છે. આ ઘટનાને નજરે જોનારાએ કહ્યું કે બાથર્સ્ટ અચાનક હવામાં ઓગળી ગયા હોય તેમ અદ્રશ્ય થઇ ગયા. તેમની કેટલીક વસ્તુઓ મળી આવી, પણ તે પોતે ક્યાં ગયા તેનો કોઇ પત્તો મળ્યો નહીં.
જ્યારે બીજા વિશ્વયુધ્ધમાં હિટલરની હાર નજીક હતી ત્યારે નાઝીઓએ પોલેન્ડ અને આસપાસના વિસ્તારોમાંથી લૂંટેલું ટનબંધ સોનું, હીરા, ઝવેરાત અને હથિયારો એક ટ્રેનમાં ભરી
દીધા હતા.
લોકવાયકા પ્રમાણે ૧૯૪૫માં આ સોના, હીરા- ઝવેરાતથી ભરેલી ટ્રેન પોલેન્ડના પર્વતોની વચ્ચે બનેલી એક ગુપ્ત સુરંગમાં પ્રવેશી હતી પરંતુ તે ક્યારેય સુરંગની બહાર નીકળી જ નહીં. યુધ્ધ પછી પૂરેપૂરી સુરંગો અને પહાડો ખૂંદી વળવામાં આવ્યા પરંતુ આખી ટ્રેન ક્યાં ગઇ તેનો કોઇ પત્તો ન લાગ્યો. ન ક્યાંયથી ટ્રેન મળી ન એમાં ભરેલું સોનું અને હીરા-ઝવેરાત. કદાચ માની લઇએ કે તે સોનું-હીરા વગેરે કોઇએ લૂંટી લીધા હોય પણ ખાલી ટ્રેન તો મળવી જોઇએ ને ? આવી એકલ દોકલ વ્યકિતની કે મોટા સમુદાયોની એકાએક પળભરમાં ગુમ થઇ જવાની તો અનેક ઘટનાઓ ઇતિહાસમાં આલેખાયેલી છે.
અર્વાચીન ભૌતિકવિજ્ઞાનીઓએ અવકાશમાં અનેક મોટા અને નાના બ્લેકહોલ હોવાનું શોધી કાઢ્યું છે. તેની અંદર પડેલી વસ્તુ ગમે તેટલી મોટી હોય તો પણ તેમાં ગરકાવ થઇ જાય છે. એની અંદરનું ગુરુત્વાકર્ષણ બળ એટલું પ્રચંડ હોય છે કે તેમાં મોટા તારાઓ અને ગ્રહો પણ ગરકાવ થઇ જાય. એ રીતે કવોન્ટમ ભૌતિકવિજ્ઞાનીઓ કહે છે કે કવોન્ટમ ફોમમાં મીની બ્લેકહોલ્સ આવેલા છે. તે ૧૦ ૩૩ (Ten raised to thirty tree) સેન્ટિમીટર વ્યાસ અને 10 5 (Ten raised to five) દ્રવ્યરાશિ (mass) ધરાવે છે. બ્રિટિશ ખગોળ-ભૌતિક વિજ્ઞાની (Astro-Physicist) સ્ટીફન હોકિંગ કહે છે કે બ્રહ્માંડમાં અનેક સ્થાને આવા મીની-બ્લેકહોલ્સ હોય છે જે ગમે ત્યાં ભટકતા હોય છે જે કોઇ નાની-મોટી વસ્તુ, વ્યકિત કે સમુદાય એના મુખ સામે આવી જાય તેમને તે ખેંચીને પોતાની અંદર ગરકાવ કરી દે છે. કેટલાક એવું માને છે કે એકલદોકલવ્યકિત કે સમુદાયો કોઇ પોર્ટલ (બીજી દુનિયાના દરવાજા)માં પ્રવેશી ગયા હોય અથવા પરગ્રહવાસીઓ (Aliens) દ્વારા તેમનું અપહરણ કરવામાં આવ્યું હોય !




