કેનેડિયન કાવ્યની હોડીમાં....

- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી
- દરેક વ્યક્તિ એક ઊર્જાકેન્દ્ર છે. કશુંક નવું શરૂ કરવાની શક્તિ ઇશ્વરે તેને આપી છે. પોતાનાં સપનાંઓને સાકાર કરવાનું કૌવત પણ તેનામાં હોય છે
ક્યા રેક આ, તે, પેલું કે એવું તેવું વિચારતાં વિચારતાં હું થાકી જાઉં છું. મારો ઉછાળ શમી જાય છે. એવી ક્ષણોમાં હું મને ફંફોસ્યા કરું છું. થોડોક હું ખુદ મારી જાતને ઉપર-તળે કરું છું. એમ કરતાં કરતાં અટકી જાઉં છું ત્યારે મને કવિતાની હોડીમાં બેસી જવાનું મન થાય છે. હોડી-જળ અને કવિતા. અહીં પેલી-પાર જવાની કે કાંઠા સુધી પહોંચવાની વૃત્તિ નથી રહેતી. બસ, કવિતાની હોડીમાં બેસી રહો. ત્યાં આપણે જ હલેસાં, આપણે જ શઢ. ત્યાં ખુદને હંકારો પછી કવિતાનો જ માત્ર સહારો. પ્રયત્ન કરી જોજો કવિતાની હોડી ક્યાં ક્યાં કેવી કેવી સફર કરાવે છે ! નવા દેશ, નવા દરવેશ, નવી હવા, નવી ભૂમિ, નવાં જળ અને માણસ પણ કંઈક નવો-ખરું ને ?
આ વરસાદી દિવસોમાં એવી કાવ્યહોડીમાં સફર કરી રહ્યો છું. કેનેડિયન કવિતા પાસે, તેના કેટલાક કવિઓ પાસે પહોંચી ગયો છું. અહીં કંઈ કવિતાનું ભાષ્ય નથી કરવું. કોઈ દ્રશ્યોની વાત પણ નથી કરી. ખરું તો કવિતા બોલે તો કેવું બોલે, કવિતા કાનમાં કેટલીક વાતો કહી જાય, કેટલાક શબ્દો પાસે મૂકી આપે ત્યારે આપણી મન:સ્થિતિઓ કેવી હોય એની જરાતરા આ ગોઠડી રહી છે. આ રેન્ડી લન્ડી આજના કેનેડાનો આગળ પડતો કવિ છે. પ્રકૃતિ અને મનુષ્ય બંનેને અપાર પ્રેમ કરે છે. અછત-અભાવવાળા તદ્રેશીય લોકો માટે તેને ભારે અનુકંપા છે. કેનેડામાં પ્રકૃતિ તો જ્યાં ને ત્યાં ઇશ્વરે છુટ્ટા હાથે નર્યા વરદાન રૂપે આપી છે. આ કવિ તેનો એક અંશ બનીને ખીલવે છે. જાણે કે કાલિદાસનો બીજો અવતાર હોય તેમ પ્રકૃતિસૂત્રમાં મનુષ્યની ગૂંથણી પણ બરાબર કરી જાણે છે. થોડાકમાં ઘણુંક કહી દેવાનો કસબ તે જાણે છે. તેથી તો કાંટાના છોડને જોઈને, સરળ છતાં કંઈક વિલક્ષણ ભાષામાં કહે છે કે તમે વિસ્મૃત, શુષ્ક ટેકરીઓ પર બેઠા છે. તમારી આસપાસ રેતના ઢગ છે. સેજબ્રશના છોડ છે અને નીચાણવાળા ભાગમાં બફેલો પાઉન્ડ તેમજ તળાવ વિસ્તરેલું છે. આમ તો સાદી વાત લાગે. પણ આ સાદી વાત કવિની છે. અને કવિ સહજ-સાદો હોય ત્યારેય એ ખરેખર સહજ-સાદો હોય છે ખરો ? અરે, રૅન્ડી તો અહીં એક નાનું સરખું ઉપનિષદ રચી આપે છે. વાત અહીં નીરવ શાંતિની છે, એકાન્તની પણ, સભર એકાન્તનો સંકેત છે. અને ધ્યાનની પણ વાત છે. પ્રકૃતિનું એક જીવંત ચિત્ર છે. બફેલો તળાવના ઊંચા ભાગ પર છે. પ્રકૃતિની આ સહજ પણ વિનીત લીલા મનુષ્યને તેનામાં એકલીનતાનો અનુભવ કરાવે છે, આત્મચિંતન પ્રતિ વાળે છે. માણસ પોતાને વધુ પામતો રહે તેવો એ પરિવશ છે. 'સૂકી ટેકરીઓ', 'રેતી', 'સેજબ્રશ', 'તળાવ' વધું પ્રતીકરૂપે આવ્યું છે. સૂકી ટેકરીઓમાં જીવનની કઠિનતા સૂચવાય છે. રેત શાંતિની સાથે ઊંડા અનુભવ અને સમયરૂપને પ્રકટ કરે છે. સાદી-સહજ બાની બોધિત્વને, અધ્યાત્મ વિસ્તારને રજૂ કરે છે, દુનિયાના શોરબકોરથી દૂર લઈ જતી તેની કવિતા છે. મને કેનેડાનો રેન્ડેલ એડ્જી પણ જુદી રીતે સ્પર્શી રહ્યો છે. કવિતા વિમુખ થતી યુવાપેઢીને તેણે પોતાનાં કાવ્યો દ્વારા જબરું આકર્ષણ, કહો કે ઘેલું લગાડયું છે. એન્ટારિયોનો એ પ્રથમ રાજકવિ હતો. ઘાનામાં જન્મેલો, સ્કાર્બરો, એન્ટારિયોમાં તેનો ઉછેર થયો હતો. તેની ખરી કરામત પોતાની કાવ્યબાનીની છે. તે યુવાનોની, માણસની રોજિંદી ભાષામાં લખે છે. વધુ સાચું કહીએ તો તેનાં કાવ્યો એક અર્થમાં આપણી સાથેનો, યુવાપેઢી સાથેનો સહૃદય વાર્તાલાપ છે. તે આશાવાદી છે, સામાજિક સંઘર્ષ અને ન્યાય જેવા તેના પ્રિય વિષયો છે. તેણે તેની એક વિખ્યાત થયેલી રચના 'હું મારો ખુદનો સંઘર્ષ નથી'માં વ્યક્તિ ચેતનાનું ગૌરવ કરતાં કહ્યું છે કે દરેક વ્યક્તિ એક ઊર્જાકેન્દ્ર છે. કશુંક નવું શરૂ કરવાની શક્તિ ઇશ્વરે તેને આપી છે. પોતાનાં સપનાંઓને સાકાર કરવાનું કૌવત પણ તેનામાં હોય છે. સરળ, બોલચાલની ભાષામાં તે યુવાનોને આગળ વધવા પ્રેરે છે. દુનિયાને સાચા અર્થમાં યુવાનો ઓળખે તેવો તેનો કાવ્યમર્મ છે. સકારાત્મક પરિવર્તનની શક્તિ કેવળ યુવાનોમાં છે તેવું ય તેને ભારપૂર્વક કહે છે. સમાજ સાથે યુવાન પોતાને પણ ઓળખે તેવું પણ તેના આ કાવ્યમાંથી સૂચવાય છે. આત્મવિશ્વાસ એ યુવાનોની સાચી ઓળખ છે. તેવું ય તેની કવિતામાંથી વ્યંજિત થતું આવ્યું છે.
મને રસ પડયો છે એવી બીજી સુખ્યાત કવયિત્રી તે ચિમ્વેમવે ઉન્ડી છે. વિની-પેગની - કેનેડાની આ કવયિત્રી વકીલ પણ છે, સાથે રાજકવયિત્રી તરીકે પણ પોંખાયેલી છે. તેની કવિતામાં સ્થળાંતર કરી રહેલી પ્રજાની વેદના છે, તેઓનો સંઘર્ષ, તેમની સમસ્યા છે. પ્રકૃતિ અને પરિવર્તનશીલ-બહુસંસ્કૃતિ સમાજની છબી પણ તેની કવિતામાં ઝીલાઈ છે. ૨૦૨૪માં તેનો પાંચમો કાવ્યસંગ્રહ 'સાયન્ટિફિક મારવેલ' ને ૨૦૨૪ નો ગવર્નર જનરલ્સ લિટરરી એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે. ન્યાય-અન્યાયનાં ચિત્રો પણ તેની કવિતામાં છે. તેની શૈલી કંઈક વધુ શિષ્ટ સાથે વિચારપ્રેરક છે. આધુનિક કેનેડિયન પ્રજાનો સૂર-સ્વર પણ તેના શબ્દમાં સાંભળવા મળે. ઉપરાંત વ્યવહારની, લોકભાતનો પણ તેણે કાવ્યમાં વિનિયોગ કર્યો છે. તેના મતે કવિતા કંઈક જુદી જ વશ રહી છે. પોતે એવી કવિતા લખવાનું ઉચિત માને છે કે મલમનું કામ કરે, ગરમ પાણીની બોટલ કે દર્પણ હોય. અસંતુષ્ટ જમીન માલિકો વિશે તેમજ ઘરોમાં અરક્ષિત સ્ત્રીઓની વેદના પણ તેના કાવ્ય વિષય રહ્યો છે. 'અણગમતાથી બનેલાં ઘરોનો ઇતિહાસ' તેની મહત્વની કૃતિ છે. જેમાં નારી ચેતના અને નારીપીડાનાં અનેકરૂપો જોઈ શકાય છે.
એમ તો મને પ્રિય એવી માર્ગારેટ એટવૂડ પણ આ કેનેડાની જ સશક્ત કવયિત્રી સાથે નવલકથાકાર-વિવેચક પણ અહીં સ્મરણમાં આવી રહે.
તેણે માનવીય સંબંધોની, સ્ત્રી ઓળખની, પર્યાવરણ સામાજિક સમસ્યાઓ વિશે સરળ છતાં વેધક બાનીમાં લખ્યું છે. તેનું સંવેદના જગત સ્પર્શી જાય તેવું છે.
આ સાથે જ હમણાં હમણાં બીજી એક કેનેડિયન (મૂળ ભારતનાં) રૂપી કૌરની કવિતા પણ મને વાંચવી-આનંદવી ગમી છે. ટોરોન્ટોમાં ઉછરેલી આ વિખ્યાત કવિયત્રી છે. તેની રચનાઓમાં એટવૂડ જેવો સ્ત્રી ચેતનાનો અનેક સ્તરેથી ઉઘાડ થતો જોવા મળે છે. પ્રેમ-પરિવાર, દુ:ખ, સ્ત્રીજગત, આંતરસંઘર્ષો વ. ઘણું બધું તેનામાં અવતરતું રહ્યું છે. 'મિલ્ક એન્ડ હની', 'ધ સન એન્ડ હર ફ્લાવર્સ' તેમની પ્રચલિત કૃતિ ઓ છે. તેની કવિતાનું યુવાનોમાં પણ એક જુદા જ કારણસર ખેંચાણ રહ્યું છે. તે ટૂંકા, સાવ ટૂંકા કાવ્યો લખે છે. તેની ભાષા યુવાનોને ઝટ ગળે ઊતરી જાય તેવી હોય છે. સરળ અને સીધી.
કેનેડિયન કવિતાના બગીચામાં કે પછી કાવ્યની હોડીમાં આમ જ હું નિરાંતે લટાર મારી રહ્યો છું. આ વરસાદી દિવસો મને એ રીતે માફક આવ્યા છે. અહીં નિર્દેશેલા કવિઓની કવિતા પરથી લાગ્યું કે દરેકની વ્યક્તિગત ઓળખ ભલે જુદી હોય. પણ તે સૌ સમાજના પ્રશ્નોને, બહુ સંસ્કૃતિ, માનવતાને આશા અને પરિવર્તનને, પર્યાવરણને, શોષિત વર્ગને, યુવાનોને કેન્દ્રમાં રાખીને આગળ ચાલ્યા છે.




