Shatdal

પ્રામાણિક કર્મ કરવા ઇચ્છો તો ગેબી સહાય પણ હાજર છે!

By GS Team
29 Sep 20264 mins read
પ્રામાણિક કર્મ કરવા ઇચ્છો તો ગેબી સહાય પણ હાજર છે!
  • ટોપ્સીટર્વી-અજિત પોપટ
  • કંઇક નવું શોધવાના પ્રયાસો દરમિયાન એમના હાથમાં કબાટના કોક ખૂણેથી એક સામયિક હાથમાં આવ્યું. એ સામયિક જોઇને દાદા ચોંક્યા

લ ગભગ રોજ જ્યાં ગોળીબારની એકાદ ઘટના બને છે એવા, હિંસા અને અપરાધખોરીથી ખદબદતા અમેરિકામાં સૌથી સુરક્ષિત ગણાતું એક રાજ્ય છે. અમેરિકાના ઇશાન ખૂણે આવેલા ન્યૂ ઇંગ્લેંડ નામના વિસ્તારમાં આવેલા આ રાજ્યનું નામ નોર્થ હેમ્પશાયર છે. આ રાજ્યમાં ચારેકોર સફેદ દૂધ જેવા પહાડો રળિયામણાં સરોવરો આવેલાં છે. ખૂબ સરસ રહેવા લાયક એવા આ શહેરની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં ઇન્કમ ટેક્સ અને રિટેલ સેલ્સ ટેક્સ નહીંવત્ છે એટલે અહીં લોકો ઘણા સુખી છે. સૌથી રસપ્રદ તો આ શહેરનો મુદ્રાલેખ છે. એ છે- મોજથી જીવો અથવા મરી જાઓ.
એવા આ શહેરમાં ૮૪ વર્ષના એક દાદા રહે. જ્હૉન હાન્સન એમનું નામ. વડીલોએ બનાવેલા બંગલામાં એ મોજથી જીવી રહ્યા હતા. બંગલાના એક ખંડમાં મોટ્ટા કબાટો હજારો પુસ્તકોથી ભરેલાં. દાદા પણ પોતાના પિતા અને દાદાની જેમ વાંચવાના શોખીન. બંગલાનાં કબાટોમાં રહેલાં લગભગ બધાં પુસ્તકો એમણે એક પછી એક તથા એક કરતાં વધુ વખત વાંચી નાખેલાં. એક દિવસ કંઇક નવું શોધવાના પ્રયાસો દરમિયાન એમના હાથમાં કબાટના કોક ખૂણેથી એક સામયિક હાથમાં આવ્યું. એ સામયિક જોઇને દાદા ચોંક્યા. કેમ ચોંક્યા એની વાત કરવા પહેલાં એક આડવાત. આપણે ત્યાં એક સમયે ઇલસ્ટ્રેટેડ વીકલી ઑફ ઇન્ડિયા નામે અંગ્રેજી સાપ્તાહિક પ્રગટ થતું. કદાચ તમને યાદ હશે. એમાં એમ વી કામથ અને ખુશવંતસિંઘ જેવા ધુરંધર તંત્રીઓ હતા. એક કાળે ખૂબ વંચાતું. ૧૯૯૩માં એનું પ્રકાશન બંધ થયું.
ન્યૂ હેમ્પશાયરમાં પણ ધ સેન્ચુરી ઇલસ્ટ્રેટેડ મેગેઝિન નામે માસિક પ્રગટ થતું. જ્હૉનદાદાના હાથમાં આ મેગેઝિન આવ્યું. તમને થશે કે એમાં શી નવાઇ ? ઘરની ખાનગી લાયબ્રેરીમાં કોઇ સામયિક હોય તો એમાં વિસ્મયજનક શું છે ? વિસ્મયજનક વાત એ હતી કે દાદાને મળેલા એ માસિક સામયિકનો અંક ૧૮૯૪ના સપ્ટેંબરનો હતો. અત્યારે ૨૦૨૬નો સપ્ટેંબર મહિનો ચાલે છે. આજે ત્રીસમી તારીખે એનો છેલ્લો દિવસ છે. આટલું ઓછું હોય એમ આ અંક શહેરની એક અતિ પ્રતિષ્ઠિત લાયબ્રેરીનો હતો. શક્ય છે, જ્હૉનના પિતા કે દાદા લાયબ્રેરીમાંથી લાવ્યા હશે. વાંચી લીધા પછી લાયબ્રેરીને પરત આપવાનું ભૂલી ગયા હશે. એનો અર્થ એ કે છેલ્લાં એકસો બત્રીસ વર્ષથી કોન્કોર્ડ ફ્રી પબ્લિક લાયબ્રેરીનો આ અંક જ્હૉનદાદાના ઘરમાં પડી રહ્યો હતો. જ્હૉનદાદા મૂંઝાયા. હવે એ લાયબ્રેરીમાં આ અંક આપવા જાય તો ૧૩૨ વર્ષની પેનલ્ટી ચૂકવવાની તૈયારી રાખવી પડે. શું કરવું, શું ન કરવું એની દ્વિધામાં દાદા એક ખંડમાં આંટા મારતા હતા.
દરમિયાન, એમનો પૌત્ર કૉલેજમાંથી આવીને પોતાના કોઇ દોસ્ત સાથે મોબાઇલ ફોન પર વાત કરી રહ્યો હતો. એમાંના થોડા શબ્દો દાદાના કાને પડી ગયા. એ વાતનો સાર એટલો જ કે કોન્કોર્ડ લાયબ્રેરીના સંચાલકોએ સોશ્યલ મિડિયા પર એક જાહેરાત મૂકી હતી. એ જાહેરાતમાં જણાવાયા મુજબ લાયબ્રેરીના કોઇ પણ સભ્ય કોઇ પુસ્તક કે સામયિક લાંબા સમયથી પાછું ન આપી ગયા હોય તેમને માટે એક ઑફર હતી. તમે સ્વેચ્છાએ એ પુસ્તક કે સામયિક પાછું આપી જાઓ. તમારી પાસે કોઇ દંડ લેવામાં નહીં આવે, તમને કોઇ ઠપકો પણ નહીં આપે.
જ્હૉનદાદાને તો નાચી ઊઠવાનું મન થયું. એમણે એક સરસ બ્રશ અને કાપડના ટુકડા વડે મેગેઝિન પર જામેલી ધૂળ સાફ કરી. એને સરસ રીતે સાફ કર્યા બાદ એ બીજે દિવસે સવારે ભગવાન ઇસા મસીહને પ્રાર્થના કરીને કોન્કોર્ડ ફ્રી પબ્લિક લાયબ્રેરીએ પહોંચી ગયા. રિસેપ્શનીસ્ટને કહ્યું કે મારે એક અત્યંત જૂનું સામયિક પાછું આપવું છે. કોને મળવાનું છે ? યુવતીએ દાદાને જવાબદાર અધિકારી પાસે મોકલ્યા. પેલો તો દાદાએ આપેલું સામયિક જોઇને દંગ થઇ ગયો. કારણ ? સેંચુરી ઇલસ્ટ્રેટેડ મન્થલી મેગેઝિનનું પ્રકાશન ૧૯૩૦માં બંધ થઇ ગયેલું. આ સામયિક ૧૮૮૧માં શરૂ થયેલું અને ૧૯૩૦માં એનું પ્રકાશન કોઇ કારણે બંધ થઇ ગયેલું.
એટલે આ અંક હવે કલેક્ટર્સ આઇટમ કે અમૂલ્ય ગણાય. એ અધિકારીએ દાદાને પૂછયું કે અત્યાર સુધી તમે આ અંક કેમ આપવા ન આવ્યા ? જ્હૉને ખુલાસો કર્યો કે હું તો કંઇક નવું વાંચવાનું શોધવા મારા દાદાએ બનાવેલી લાયબ્રેરી ખુંદી રહ્યો હતો ત્યાં આ અંક મારા હાથમાં આવ્યો. ૧૩૨ વર્ષ સુધી પાછા નહી આપેલા અંકનો દંડ કેટલો થાય એ વિચારે હૂં ડરી ગયો હતો. તમારા ધારાધોરણ મુજબ લગભગ બાર હજાર ડૉલર દંડ રૂપે ચૂકવવા પડે. એટલે હું આવતાં ડરતો હતો. મારા પૌત્રને કોઇ સાથે મોબાઇલ પર વાત કરતાં સાંભળી ગયો. એ વાતનો સાર એટલો હતો કે આ રીતે લાયબ્રેરીને જૂનાં પુસ્તકો કે સામયિક પાછું આપવા આવનારને તમે કોઇ દંડ નહીં કરો એટલે મારામાં હિંમત આવી. હું આ સામયિક પાછું આપવા આવ્યો. લાયબ્રેરીએ દાદાનું જાહેર સન્માન કર્યું. આવો અનુભવ મારા તમારા જેવા કેટલાને થયો હશે એ વિચાર જ રોમાંચક છે. મિત્રને વાંચવા આપેલું કે કોઇ લાયબ્રેરીમાંથી વાંચવા લાવેલું પુસ્તક પાછું આપવાનું ભૂલાઇ જાય એવો આ વિરલ અનુભવ છે.