જો સંસાર એક સ્ટ્રેસ છે, તો કૃષ્ણ એ 'ટેસ' છે!

- અનાવૃત-જય વસાવડા
- કૃષ્ણ બહાર નહીં, પણ આપણા પોતાના હૃદયની ભીતર વાંસળી વગાડી રહ્યા છે; જરૂર માત્ર એ અવાજ સાંભળવા માટે થોભી જવાની અને જાગૃત થવાની છે
'જ્યા રે ચોરી કરવી એ પાપ છે, તો પછી કૃષ્ણની માખણ ચોરીને 'લીલા' કેમ કહેવાય છે?'
'પણ પહેલા એ કહો કે 'પાપ'
શું છે?'
'કોઈપણ ખોટું કામ જે નૈતિક રીતે યોગ્ય ન હોય.'
'તો કોઈના શરીરને કાપવું
યોગ્ય છે?'
ધબિલકુલ નહીં, હિંસા તો મહાપાપ છે.ધ
'તો જ્યારે કોઈ સર્જન દર્દીના શરીરને કાપે છે, ત્યારે તમે ફી કેમ આપો છો? સજા કેમ નથી આપતા?'
'કારણ કે તેનો ઈરાદો જીવ બચાવવાનો હોય છે.'
'એટલે કે એક જ ક્રિયાનો અર્થ સંદર્ભ, ચેતના, ઉદ્દેશ્ય, સમય અને સંજોગો પ્રમાણે બદલાઈ જાય છે. તો પછી નૈતિકતા અને ધર્મ એક કેવી રીતે થયા? મોરાલિટી તો માત્ર એક સીધો સવાલ પૂછે છે કે 'શું કર્યું?' પણ ધર્મ પૂછે છે કે 'કેમ કર્યું ? શા માટે કર્યું ? કઈ ચેતનાથી કર્યું ? કયા સત્યની સેવામાં કર્યું ? એમ તો મહાભારતમાં સૌથી મોટા અધર્મી કૃષ્ણ કહેવાત. કારણ કે તે જ છે જે અર્જુનને યુદ્ધ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. યુધિષ્ઠિર પાસે જૂઠું બોલાવડાવે છે, યુદ્ધના નિયમો તોડાવે છે. પણ એનો ઉદ્દેશ ન્યાય છે. સવાલ એ નથી કે કૃષ્ણે માખણ ચોરી કેમ કરી. સવાલ એ છે કે કૃષ્ણે ચોરી માખણની જ કેમ કરી? દૂધ, દહીં, મેવો, મીઠાઈ કે પછી ઘી કેમ નહીં?'
'તેમને માખણ ભાવતું હશે.'
'સારું એ કહો, માખણ બને છે કેવી રીતે?'
'દૂધમાંથી દહીં અને પછી દહીંને વલોવવાથી.'
'એક્ઝેક્ટલી ! અને આ જ આખી લીલાનો સાર છે.'
'કેવી રીતે?'
'દૂધ એ અનંત સંભાવનાઓ છે, દહીં એ જીવનના અનુભવો છે, અને વલોવવું એ આત્મચિંતન, વિવેક અને સાધના છે. જેમ વલોવ્યા પછી માખણ દહીંથી અલગ થઈને હળવું બની જાય છે અને ઉપર તરી આવે છે, તેવી જ રીતે, જ્યારે વ્યક્તિ પોતાના જીવનની પરિસ્થિતિઓ, નિર્ણયો અને અનુભવો પર આત્મચિંતન કરે છે, વિવેકપૂર્ણ મંથન કરે છે, ત્યારે પ્રગટ થાય છે માખણ… એટલે કે પ્રેમ, નિર્મળતા અને કરુણા.
એક એવું હૃદય જે અહંકારથી મુક્ત થઈને હળવું થઈ ગયું હોય. જે સંસારની વચ્ચે રહેવા છતાં તેમાં ડૂબતું નથી, પણ ઉપર ઉઠે છે. આપણું એ ઉચ્ચ સ્વરૂપ, જે હાઇએસ્ટ ફ્રીક્વન્સી પર કામ કરે છે - જે પ્રેમ છે ! અને ધ્યાન આપો કે કૃષ્ણ કઈ વસ્તુના ભૂખ્યા છે? માત્ર ભાવ યાને પ્રેમના. ભગવાનના અન્ય સ્વરૂપોથી વિપરીત કૃષ્ણને તમારી સાધના કે તમારું તપ નથી જોઈતું. બસ પ્રેમ જોઈએ છે! અને એટલે જ કૃષ્ણ સુધી પહોંચવાનો માત્ર એક જ માર્ગ છે - ગોપીભાવે ભક્તિ માર્ગ. અને પ્રેમ એ જ ભક્તિની પરાકાષ્ઠા છે.
માખણ તો પ્રેમ, કરુણા અને પૌષ્ટિક એવી શુધ્ધ નિર્મળતાનું રૂપક છે, જે દરેક વ્યક્તિની અંદર રહેલું છે. બસ તે અહંકાર, વાસના અને કન્ડિશનિંગના પડ નીચે ક્યાંક દબાઈ જાય છે. મંથન એ પ્રેમ રૂપી માખણને પેદા નથી કરતું, માત્ર તેને પ્રગટ કરે છે. અને કૃષ્ણનું માખણ ચોરવું એટલે એ જ પ્રેમથી ભરેલા હૃદયને ચોરવું. અને કદાચ એટલે જ કૃષ્ણ 'ચિત્તચોર' કહેવાય છે !'
કૃષ્ણ પર સુંદર વીડિયો શેર કરતી રહેતી જેન ઝી યુવતી રૂબી રાજાવતનું આ મનમોહક અર્થઘટન છે ! કૃષ્ણની મજા જ એ છે કે એમાં એટલા કલર છે કે નવા નવા અર્થો નવી નવી પેઢી મુજબ નીક્ળ્યા જ કરે ! જેમ કે, જળ કમળ છાંડી જા ને બાળા વાળી નાગ ને નાથવાની કથા. જવાહર બક્ષીએ એનું આધ્યાત્મિક અર્થઘટન કરેલું. પણ જેન ઝી મીનિંગ વિચારવો હોય તો ?
કાલિનાગ એટલે બીજું કઈ નહીં, પણ આપણો અહંકાર, જૂના જામી ગયેલા બાયસ નેગેટિવ કન્ડિશનિંગ (માન્યતાઓ) અને ઝેરી વિચારોનું પ્રતીક ! યમુના નદીની આસપાસની વનસ્પતિનું સૂકાવું, જીવજંતુઓ અને ગોપ-વાળાઓનું બેભાન થઈ જવું- આ બધું આપણી માનસિક સ્થિતિ સાથે સીધી રીતે જોડાયેલું છે. આપણી જેવી અંદરની માનસિક સ્થિતિ હોય છે, બિલકુલ એ જ આપણી આસપાસના વાતાવરણમાં અને વાસ્તવિકતામાં રિફ્લેક્ટ થવા લાગે છે. વ્યવહારમાં પણ જોઈએ તો, કોઈ ટૉક્સિક કે અહંકારી વ્યક્તિ માત્ર પોતાની જાતને જ નહીં, પણ પોતાના ઘર, પરિવાર, સંબંધો અને વર્કસ્પેસ- આખા માહોલને ઝેરી બનાવી દે અને બધા એને લીધે પીડાતા રહે.
કૃષ્ણ એ ઝેરી યમુના નદીમાં કૂદ્યા જ કેમ ? એન્સર ઇઝ અવેરનેસ એન્ટરિંગ અનકૉન્શિયસ ! આપણી જૂની કન્ડિશનિંગ કે માનસિકતાને માત્ર ઉપર-ઉપરના પૉઝિટિવ સૂત્રોથી નથી બદલી શકાતી. મનોવિજ્ઞાન મુજબ તેના માટે આપણા અચેતન મન યાને અનકૉન્શિયસ માઇન્ડના ઊંડાણ સુધી પહોંચવું પડે. એટલા માટે જ 'ચેતના' રૂપી કૃષ્ણ, 'મન' રૂપી યમુનામાં છલાંગ લગાવે છે.
પરંતુ, જેવી કૃષ્ણ યમુનામાં છલાંગ લગાવે છે, ત્યારે જ કાલિયા નાગ તેમને પોતાની કુંડળીમાં લપેટી લે છે. કારણ કે, કોઈ પણ જૂની આદત કે કન્ડિશનિંગને તોડવી એ એક આખી લાંબી પ્રોસેસ છે. એ પ્રોસેસ છે- જાગૃતિના વિસ્તારની ને એ અનુભવ કરવાની કે તમે એટલેતમારો ઈગો નહીં ! અહંકાર તો આપણા અસ્તિત્વનો માત્ર એક હિસ્સો છે. તઆપણે તો એનાથી ક્યાંય વધુ મોટા, વિસ્તૃત અને એનાથી પણ ઉપર રહીને આ બધી જ બાબતોના સાક્ષી છીએ. (ગીતામાં રહેલી ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞા, શરીરને ખેતરના આત્મારૂપી ખેડૂતની વાત વાંચી છે?) અને એટલા જ માટે, શ્રીકૃષ્ણ કાલિયા નાગના ફણો પર ચઢીને પોતાના સ્વરૂપનો વિસ્તાર કરે છે અને નૃત્ય કરે છે. એ એને મારતા નથી. નાચે છે એના ઉપર એ ખાસ નોંધજો !
કારણ કે ડાન્સ એ વાતનું પ્રતીક છે કે તમારી અંદરની ટેન્ડન્સીઝ કે એક્ટિવિટીઝ પર તમારી પૂરતી માસ્ટરી છે અને જીવનમાં એક સંપૂર્ણ બેલેન્સ છે. લય ને તાલ છે. હેતુ યમુનાને નષ્ટ કરવાનો નહોતો, પણ મનના નેચરલ ઑર્ડર અને તેના બેલેન્સને પાછું લાવવાનો હતો ! અહંકારની હત્યા કરવાનો અર્થ નથી. કારણ કે અહંકાર કે સેલ્ફ એસ્ટીમ વગર વ્યવહારિક જીવન શક્ય જ નથી. આ દુનિયામાં જીવવા માટે તમને આઈડેન્ટિટી જોઈએ, એજન્સી જોઈએ અને બાઉન્ડ્રીઝ પણ જોઈએ. સમસ્યા 'હું' ના હોવાની નથી, સમસ્યા માત્ર 'હું' ને જ કેન્દ્રમાં રાખતા અતિરેકની છે.
માટે, કૃષ્ણ નાગને મારતા નથી, પણ માત્ર એના પ્રભાવ અને ઝેરને ખતમ કરે છે. કારણ કે, માત્ર તમારી ચેતના જ તમને અહંકારના ઓવરડોઝ વાળા ઝેરથી બચાવી શકે છે. કૃષ્ણ દ્વારા થયેલું 'કાલિય-મર્દન' ઈગોને કંટ્રોલ કરવા માટે છે. આપણી અંદર કોનું રાજ ચાલે છે ? કડવાશ, નકારાત્મકતા, અસલામતી, ક્રોધ, બળતરા કે લાલચનું ? શ્રીકૃષ્ણ નાગની ફેણ પર ચઢીને નાચે છે, અર્થાત અંદરના અહંકારને અને નકારાત્મકતાને દબાવતા નથી, પણ એને કાબૂમાં લઈને ન્યૂટ્રલ કરી
નાખે છે !
આમ ના પણ હોય, પણ આજે ઉપયોગી થાય તો આવું વિચારવું ખોટું નથી. આફ્ટરઓલ, કૃષ્ણનો મૂળ હેતુ તો માનવને થોડું સાચું જ્ઞાન આપવાનો જ હતો ને !
ઓશો રજનીશ વારંવાર કૃષ્ણ માટે એક શબ્દ વાપરતા. કૃષ્ણ શાશ્વત ઘટના યાને ઈટર્નલ ફિનોમિનન છે. કૃષ્ણ ભૂતકાળમાં પણ હતા, વર્તમાનમાં પણ છે અને ભવિષ્યમાં પણ રહેશે. કારણ કે કૃષ્ણ એ મનુષ્યની હસવાની, ગાવાની, પ્રેમ કરવાની, લડવાની અને જાગૃત રહેવાની સનાતન સંભાવનાનું નામ છે. કોઈ મનુષ્ય ગંભીરતાને છોડીને જીવનને ઉત્સવ તરીકે જીવે છે, ત્યારે તે કૃષ્ણ સાથે જોડાઈ જાય છે. કૃષ્ણ સમયના પ્રવાહમાં વહી જનારા નથી, પણ સમય જેની આસપાસ ફરે છે તે કેન્દ્ર છે. કૃષ્ણ બહાર નહીં, પણ આપણા પોતાના હૃદયની ભીતર વાંસળી વગાડી રહ્યા છે; જરૂર માત્ર એ અવાજ સાંભળવા માટે થોભી જવાની અને જાગૃત થવાની છે.
ગીતામાં ગાંધીજીને ગમતો એક શબ્દ હતો. અસંગ. યાને ડિટેચમેન્ટ. પ્રેમ કરો, સંબંધો નિભાવો, પણ તેનાથી બંધાઈ ન જાઓ. જેમ કોઈ માળી બગીચામાં ફૂલોની સંભાળ રાખે છે, તેમને પ્રેમ કરે છે, પણ જ્યારે ફૂલ કરમાઈને ખરી જાય છે ત્યારે તે દુ:ખી નથી થતો, કારણ કે તે જાણે છે કે આ પ્રકૃતિનો નિયમ છે. કૃષ્ણ રાધા સાથે પ્રેમ કરે છે, પણ વૃંદાવન છોડતી વખતે પાછળ વળીને જોતા નથી; તેઓ રુક્મિણી સાથે પણ રહે છે અને રાજધર્મ પણ નિભાવે છે. તેઓ દરેક સંબંધને પૂરી તીવ્રતાથી જીવે છે, પણ કોઈ પણ સંબંધની જાળમાં ફસાતા નથી. આ જ છે મસ્તીથી મુક્ત જીવન જીવવાની સાચી કળા !
જે માણસ જાતજાતના ભયથી મુક્ત થઈ જાય છે, તે જ ખરા અર્થમાં જીવી શકે છે. આજનો માનવી વૃદ્ધ કે બીમાર થવાના, નિષ્ફળ જવાના, લોકોની ટીકાના, સંબંધો કે સંપત્તિ ગુમાવવાના કે મૃત્યુના ડરથી સતત ટેન્શનમાં રહે છે. કૃષ્ણ આપણને ભય અને અંતની આરપાર જોવાની દ્રષ્ટિ આપે છે. એમને સાચી રીતે સમજો ત્યારે જીવનમાંથી બધો જ બિનજરૂરી ડર ગાયબ થઈ જાય અને જીવન એક નિખાલસ ઉત્સવ બની જાય !
અને અમર આત્મા માટે નિષ્ક્રિય સાધના કરવાની જરૂર જ નથી. અને કૃષ્ણ કહે છે કે આ ક્રિયાને જ ધ્યાનમાં બદલી નાખો ! જ્યારે તમે કોઈ પણ કામ કારણ વગરના અભિમાન વગર, સંપૂર્ણ સમર્પણથી અને પૂરા હોશ સાથે મન લગાવીને તલ્લીન થઈ કરો છો, ત્યારે તે કામ કર્મ નથી રહેતું, પણ એક ધ્યાનનું તપ બની જાય છે.
આધુનિક માનવી માટે આ બહુ મોટો સંદેશ છે. આપણે એવું માની લઈએ છીએ કે આપણે ઓફિસના કામકાજ કે પારિવારિક જવાબદારીઓમાં ફસાયેલા હોવાથી મેડિટેશન નથી કરી શકતા. પણ કર્મ કરતા આવડે તો તમારા જીવનની દરેક સામાન્ય પ્રવૃત્તિ ખાવુંપીવું, ચાલવું, ફરવું, જોવું, વાંચવું, સાંભળવું વાત કરવી કે કસરત કરવી, ફિલ્મ જોવી કે મોબાઈલમાં પોસ્ટ લખવી મગરે ધ્યાન ારચૈ જાય છે.
દુ:ખ હોય કે સુખ, યુદ્ધ હોય કે પ્રેમ, એકાંત હોય કે ભીડ.. સ્થિતપ્રજ્ઞા કૃષ્ણ દરેક અવસ્થામાં સંતુલિત અને આનંદિત રહેવાની કળા શીખવે છે. મહાભારતમાં ભીષણ યુદ્ધમાં કૃષ્ણ સંપૂર્ણપણે શાંત છે. એ યોધ્ધા નથી થતા. સારથિ રહે છે. બહાર યુદ્ધ છે, પણ કૃષ્ણની અંદર પરમ મૌન અને આનંદ છે.
તમે દુનિયાની ભીડભાડમાં હોવ, નોકરી-ધંધાના તણાવમાં હોવ કે પરિવારની જવાબદારીઓમાં ઘેરાયેલા હોવ- જો તમારા ભીતર એકાંત અને સાક્ષીભાવ જળવાઈ રહે, તો બહારની કોઈ પણ પરિસ્થિતિ તમને દુ:ખી કરી શકતી નથી. કૃષ્ણ આપણને અલગ પ્રકારના એક્ટર બનવાનું શીખવે છે, ભોગવીને બંધાઈ જનાર ગુલામ બનવાનું નહીં. જેમ શૂટિંગ પૂરું થયા પછી અક્ટર પોતાની ભૂમિકામાંથી બહાર આવી જાય છે, તેમ જીવનમાં દરેક કર્તવ્યમાં ખૂંપી જતી વખતે પણ એના કાયમી મોહથી મુક્ત રહો. વિદેશ મોજથી ફરો. પણ ઘર ભોળી ત્યાં રહી પડવાની આસક્તિ ના રાખો.
આજે બધા રિઝલ્ટ, ટાર્ગેટ, ઇમ્પ્રેશન અને સક્સેસની દોડધામના સ્ટ્રેસમાં છે ત્યારે કૃષ્ણ એક થેરેપી છે ! ફળની ચિંતા એટલે ભવિષ્યની ચિંતા, જે મનને વર્તમાનમાંથી તોડી નાખે છે. કર્તવ્યમાં મગ્ન રહેવું એટલે વર્તમાન ક્ષણમાં જીવવું. રિઝલ્ટ બાબતે બહુ વિચારનાર પ્રોફિટ એન્ડ લોસમાં ફોકસ કરી. કામમાં એકાગ્ર ન થઈ શકે. કર્મ સારી રીતે કરવું એના આનંદ પોતે જ એક રિવોર્ડ છે.
ઓશો કહે છે કે જ્યારે તમે ફળ વિશે વિચારો છો, ત્યારે તમારું ધ્યાન કામ પર નથી હોતું પણ તેના નફા-નુકસાન પર હોય છે. પરિણામે કામ બગડે છે. કૃષ્ણ શીખવે છે કે કર્મ એટલું સુંદર અને પૂર્ણ હોવું જોઈએ કે તે પોતે જ એક ઉત્સવ બની જાય.
કૃષ્ણ એક સુંદર શબ્દ આપે છે જેને આધ્યાત્મિક લોકો ય પકડી નથી શકતા ! એ છે… 'લીલા'.
જ્યારે આપણે કોઈ કામને 'જવાબદારી' માની લઈએ તો સિરિયસ થઈ જઈએ. પછી ગુસ્સો હતાશા ઘેરી વળે. બોજ ને થાક વધતા તણાવ વધે. પણ લાઈફને 'લીલા' સમજો યાને એક ખેલ, એક પ્લે. તો રમૂજી રીતે રાજી રહેવાશે. જોયફૂલ પ્લેફુલનેસથી લાઇફ લાઇટ લાગે. કૃષ્ણે પોતાના જીવનમાં જે કંઈ કર્યું 'ચાહે તે પ્રેમ હોય, યુદ્ધ હોય કે મિત્રતા- તે બધું જ એક લીલાની ભાવનાથી કર્યું. કૃષ્ણ પરિણામના ગુલામ નથી, પણ પ્રક્રિયાના સ્વામી છે ! સુખ, આકર્ષણ, પ્રેમ, સ્વાદ, ખુશી, લાગણી, લડાઈ વગેરેના સંસારથી ભાગવાનું નથી કે એને વખોડવાનો નથી. પણ એ કાયમી નથી એમ માની સહજ પસાર થઈ જવાનું છે !
કૃષ્ણ જીવનના તમામ વિરોધાભાસોને એકસાથે જીવે છે. સામાન્ય માણસ વિરોધાભાસથી ડરે છે- તે કાં તો સાધુ બનવા માંગે છે અથવા ભોગી બનવા માંગે છે, કાં તો અત્યંત ગંભીર રહે છે અથવા છીછરો મશ્કરો બની જાય છે. પરંતુ કૃષ્ણ : રાજા પણ છે અને ગાયો ચરાવનાર ગોવાળ પણ છે. સારથી પણ છે અને જગતના ગુરુ પણ છે. યુદ્ધના મેદાનમાં નિર્ણાયક આદેશ આપનાર યોદ્ધા પણ છે અને રાત્રે વૃંદાવનની રાસલીલામાં પ્રેમનું ગીત ગાનાર મુરલીધર પણ છે.
જે વ્યક્તિ જીવનના બંને કિનારાઓને (સુખ અને દુ:ખ, પ્રેમ અને યુદ્ધ, ભોગ અને યોગ) સ્વીકારી લે છે, તે જ સંપૂર્ણ જીવી શકે છે. પછી સ્વર્ગમાં જવાના સપના કરતા ધરતી પર સ્વર્ગ સર્જવાની તમન્ના થશે !
શુભ જન્માષ્ટમી.
ઝિંગ થિંગ
'પ્રેમમાં કોપીરાઇટ નહીં,
પણ ગોપીરાઇટ હોય !'
( મોરારિબાપુ)




