Shatdal

ન વાગે જો હૃદયવીણા, કહો, ગાનાર શું જાણે ?

By GS Team
18 Aug 20262 mins read
ન વાગે જો હૃદયવીણા, કહો, ગાનાર શું જાણે ?
  • અન્તર્યાત્રા-ડો.સર્વેશ પ્ર. વોરા
  • ઊંડાણની વાતો કહેનાર અને સાંભળનારના સંબંધમાં જરા થોભીને, સાવચેતીપૂર્વક સરખામણી કરવા જેવું છે

'અગમનાં જ્ઞાન સાંભળવા,
ભરી મહેફિલ ગમારોની,
ન વાગે જો હૃદયવીણા,
કહો, ગાનાર શું જાણે ?'
ઊંડાણ કદી શબ્દો કે વ્યાખ્યાથી માપી શકાય નહીં. ઊંડાણ માપવા માટે મરજીવા હોવું કે અંદર ઊતરવાનું સાધન હોવું જરૂરી છે. અર્ધદગ્ધ લોકો પાણીના રંગને આધારે, પોતે અન્ય પાસેથી સાંભળેલી વાતોને આધારે ઊંડાણ અંગે અભિપ્રાય આપી દેતા હોય છે. આપણે ત્યાં તો જીવ, આત્મા, પરમાત્મા કે ફિલસૂફીની ચવાઈને ચુથ્થો થઈ ગયેલી વાતો અહીં તહીંથી એકઠી કરી, તેનું 'એસેમ્બલીંગ' (જુદા જુદા ભાગો એકત્ર કરીને મશીન બનાવવું) કરી, તમે તમારી 'બ્રાન્ડ' મારી દો એટલે પત્યું, તમને 'ઊંડાણ'નું લેબલ લાગી જાય. મીરાં, નરસિંહ કે અન્ય કોઈ કવિના વિચારોના શબ્દો, છંદ થોડા આઘાપાછા કરીને 'સંતકવિ' બનતા લોકો વરસાદનાં અળસિયાં જેમ બહુમતીમાં હોય છે એ જ્યારે ખબર પડે ત્યારે સમજુ માણસ ભારે આશ્ચર્ય પામે !
પણ આ વાતમાં આશ્ચર્ય પામવા જેવું કશું નથી.
પેલી જાણીતી કહેવત મુજબ શિખર પર હમેશાં ઓછી જગ્યા હોય છે. તળેટી પર ભારે ગર્દી હોય છે, કારણ કે ઊંચાણ ચઢવાં કે તાગવાં બહુ વીરલાઓ જ સાધી શકે છે. એ બહુમતીના બસની વાત નથી.
બહુમતી લોકો છીછરા હોય છે. ઊંડાણપૂર્વક, પ્રતીતિપૂર્વક બોલનાર, મૌલિક અન્તર્યાત્રા કરીને બોલનાર વ્યકિત એમને હકીકતમાં કોઈ અજાણ્યા- વિદેશી જેવો લાગતો હોય છે. અને અજાણ્યો વિદેશી જોઈને ભડકેલા ગામવાસીઓ (''ગમારો'' કહેશું ?) પથરા મારે, એને ક્યાંક પૂરી દેવા, ધરબી દેવા મથામણ કરે એવું પણ બને !
પણ અગમની વાતો, અનુભવની વાતો, ઊંડાણની વાતો કહેનાર અને સાંભળનારના સંબંધમાં જરા થોભીને, સાવચેતીપૂર્વક સરખામણી કરવા જેવું છે. ઊંડાણની વાતો કહેનાર અને સાંભળનારના સંબંધમાં જરા થોભીને, સાવચેતીપૂર્વક સરખામણી કરવા જેવું છે. ઊંડાણની કે ઊંચાઈની વાત કહેનારનો પ્રતિકાર હંમેશાં ન સમજાવાને કારણે નથી હોતો, આપણી મમત, આપણા હઠાગ્રહને કારણે પણ હોય છે. આપણે આજ સુધી ગોખતા રહ્ય છીએ, આપણે કંઠસ્થ કર્યું છે તેના કરતાં જૂદું અને સત્યના પ્રકાશને કારણે - આકરૃં લાગતું સાંભળવું બહુ ડંખતું હોય છે. તમારે ત્યાં કોઈ સન્માનીય, મૂઠી ઊંચેરી વ્યકિત હોય, તેને તમે અન્ય વામણાઓથી અલગ તારવીને એ ઊંચી વ્યકિતને ઓળખી ન શકો તો એ ગમારપણું વહેલું મોડું દૂર કરી શકાય, પણ ઓળખવા છતાં માત્ર તમારી લઘુતાગ્રંથિને કારણે, તમારી 'અસૂયા'ને કારણે તમે પેલી ઊંચી વ્યકિતને સ્વીકારો નહીં તો તમારૃં 'ગમારપણું' કેન્સર માફક અસાધ્ય હોય છે.
હા, ભોગ જોગે, સદ્નશીબે કે કમનશીબે, ઊંડાણ ધરાવતા કે ઊંચાઈ ધરાવતા વક્તા કે વિચારકે જ્યારે કાંઈ વાત કરવાની હોય, ને - એની વાતના લયમાં મુઠ્ઠીભર શ્રોતાઓની હૃદયવીણા બજી ઉઠે, તો નવાઈ ન પામતા ! કારણ કે કૃષ્ણની વાંસળીના સૂર ઝીલવા - જન્મજન્માંતરની તૈયારી જોઈએ !