Shatdal

'મૈં સમય હૂં' : કાળચક્રમાં ડોકિયું કરવાનો જુવાળ

By GS Team
15 Sep 202612 mins read
'મૈં સમય હૂં' : કાળચક્રમાં ડોકિયું કરવાનો જુવાળ
  • બે અલગ અલગ પ્રકરણની તુલના કરવી અયોગ્ય છે: એક કડી જોડે બીજી કડી જોડાય તો જ સાંકળ બનતી હોય છે
  • વિવિધા-ભવેન કચ્છી
  • સમયની આગેકૂચમાં ભૂતકાળ તરફ કોઈ નજર નહીં નાખે તેમ મનાતું હતું ત્યારે અત્યારે દેશમાં 'ફ્લેશ બેક' તરફ જોવાનો ટ્રેન્ડ સુખદ કહી શકાય
  • AI પ્રતિકાત્મક ચિત્ર

આ જકાલ સોશિયલ મીડિયા ખોલીએ તો અચાનક એવું લાગે કે ભારતે સમયની ઘડિયાળને સાડા ચાર દાયકા પાછળ ફેરવી દીધી છે. એ. આઈ.ની મદદથી લોકો પોતાની આજની તસવીરને ૧૯૮૦ના દાયકાના ચહેરા, વાળ, કપડાં, ઘરની સજાવટ, બજાર, સિનેમા કે જૂના શહેરના વાતાવરણમાં ફેરવીને સોશિયલ મીડિયામાં મૂકી રહ્યા છે.
આ એ. આઈ. તસવીરોમાં એક આખી પેઢી પોતાની યુવાનીને શોધી રહી છે. પરંતુ આવી તસવીરોના ટ્રેન્ડ વચ્ચે આ લખનારને એક રસપ્રદ પ્રશ્ન થયો કે ''આપણે જે ૮૦ના દાયકાને હવે ફિલ્ટર લગાવીને સુંદર બનાવીને જોઈ રહ્યા છીએ, તે સમયનું ભારત ખરેખર કેવું હતું?''
આજના યુવાનો માટે ૧૯૮૦નું ભારત કદાચ કલ્પના જેવું લાગે. મોબાઇલ નહોતા, ઇન્ટરનેટ નહોતું, સોશિયલ મીડિયા નહોતું, ઓ. ટી. ટી.નહોતું, ૨૪ કલાકની ન્યૂઝ ચેનલો નહોતી અને ઘરમાં ટીવી પણ હોય તો તેના પર એક જ સરકારી ચેનલ હતી - દૂરદર્શન. પરંતુ એ જ દાયકામાં ભારતે એક સાથે અનેક વિપરીત અનુભવો કર્યા.
ઇન્દિરા ગાંધીની હત્યા
દાયકાની શરૂઆત રાજકીય રીતે પણ નાટકીય હતી. ૧૯૭૭માં ઇન્દિરા ગાંધીની સરકારને હરાવી સત્તામાં આવેલી જનતા પાર્ટીનો પ્રયોગ લાંબો ચાલ્યો નહીં અને ૧૯૮૦ની લોકસભા ચૂંટણીમાં ઇન્દિરા ગાંધીના નેતૃત્વ હેઠળ કોંગ્રેસ ફરી જોરદાર રીતે સત્તામાં આવી. ૧૯૮૦ની ચૂંટણીમાં કોંગ્રેસે ૩૫૧ બેઠકો જીતી હતી. પાંચ વર્ષ પછીનું દ્રશ્ય તો વધુ નાટકીય બનવાનું હતું. ૧૯૮૪માં ઇન્દિરા ગાંધીની હત્યા બાદ થયેલી લોકસભા ચૂંટણીમાં રાજીવ ગાંધીના નેતૃત્વ હેઠળ કોંગ્રેસે ઐતિહાસિક બહુમતી સાથે ૪૧૫ બેઠકો જીતી અને આશરે ૪૮.૧ ટકા મત મળ્યા હતા.
ભાજપનો ઉદય
૧૯૮૯ સુધીમાં રાજકીય પવન ફરી બદલાઈ ગયો. કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી તો રહી, પરંતુ તેની બેઠકો ઘટીને ૧૯૭ થઈ અને જનતા દળ તથા ભાજપનો ઉદય રાષ્ટ્રીય રાજકારણમાં સ્પષ્ટ દેખાવા લાગ્યો.
આ જ દાયકામાં આજે ભારતની સૌથી મોટી રાજકીય શક્તિઓમાંની એક બનેલો ભાજપ પોતાનું બાળપણ જીવી રહ્યો હતો. ભારતીય જનતા પાર્ટીની સ્થાપના ૧૯૮૦માં થઈ હતી. ૧૯૮૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપે પહેલીવાર રાષ્ટ્રીય ચૂંટણી લડી અને માત્ર બે બેઠકો જીતી. પરંતુ ૧૯૮૯માં ભાજપ ૮૫ બેઠકો સુધી પહોંચી ગયું હતું.
ઉગ્રવાદ અને બોફોર્સ
આ દાયકાની રાજનીતિ માત્ર ચૂંટણી સુધી મર્યાદિત નહોતી. પંજાબમાં ઉગ્રવાદ અને ઓપરેશન બ્લૂ સ્ટાર, ઇન્દિરા ગાંધીની હત્યા અને ત્યારબાદના ૧૯૮૪ના રમખાણો, આસામ આંદોલન, શ્રીલંકામાં ભારતીય શાંતિસેના મોકલવાનો ૧૯૮૭નો નિર્ણય, બોફોર્સ સોદાને લઈને ઊભો થયેલો રાજકીય વિવાદ- આ બધાએ દેશના સામાજિક અને રાજકીય વાતાવરણને ઊંડે અસર કરી. રાજીવ ગાંધીને આધુનિક ભારતનો નવું ચહેરો માનનારી પેઢી પણ હતી અને બોફોર્સને કારણે સરકાર સામે પ્રશ્નો ઊભા કરનારી પેઢી પણ હતી. ૧૯૮૯ની ચૂંટણી સુધીમાં ''ભ્રષ્ટાચાર'' અને ''સત્તાના કેન્દ્રીકરણ'' જેવા મુદ્દા ભારતીય રાજકીય ચર્ચાના કેન્દ્રમાં આવી ગયા હતા.
લેન્ડ લાઈન ફોનનો વટ
પરંતુ ૮૦ના દાયકાનું ભારત માત્ર દિલ્હી કે સંસદમાં બનતું ભારત નહોતું. સામાન્ય માણસનું ભારત સાવ જુદું હતું. આજે એક જ મોબાઇલમાં બેન્ક, સિનેમા, સમાચાર, ખરીદી, શિક્ષણ અને મનોરંજન બધું આવી ગયું છે. ત્યારે ફોન કરવો હોય તો ઘરમાં લેન્ડલાઇન હોવી જ મોટી બાબત હતી. એસ. ટી.ડી. ફોન માટે બૂથ શોધવું પડતું હતું. લાંબા અંતરની વાતચીત માટે ક્યારેક રાહ જોવી પડતી. ફોન સ્ટેટ્સ સિમ્બોલ મનાતો હતો. પત્ર લખવો અને પોસ્ટ કરવો સામાન્ય વાત હતી. મની ઓર્ડરથી પૈસા મોકલાતા. કોઈ સંબંધી વિદેશથી ફોન કરે તો આખું કુટુંબ આસપાસ ભેગું થઈ જતું.
'રામાયણ' અને 'હમ લોગ'
ઘરમાં મનોરંજનનો અર્થ પણ આજે જેવો નહોતો. ટીવી એક ખૂણામાં રાખવામાં આવતું અને પરિવાર તેની આસપાસ બેસતો. ૧૯૮૨નું એશિયન ગેમ્સ ભારતના ટેલિવિઝન ઇતિહાસમાં રંગીન પ્રસારણ સાથે વળાંક લાવનારું બન્યું, તે પહેલાં ટીવીની દુનિયા મુખ્યત્વે કાળા-સફેદ પડદા સુધી મર્યાદિત હતી. રંગીન ટીવી ખરીદવું સામાન્ય મધ્યમવર્ગીય પરિવાર માટે નાનો ખર્ચ નહોતો. પરંતુ એકવાર રંગીન ટીવી ઘરમાં આવી ગયું પછી તે માત્ર મશીન નહોતું રહેતું - તે પરિવારનું નવું કેન્દ્ર બની જતું.
દૂરદર્શનના આ યુગમાં 'હમ લોગ', 'બુનિયાદ', 'રામાયણ' અને 'મહાભારત' જેવી શ્રેણીઓએ ભારતીય ઘરોની સામૂહિક કલ્પનાને બદલી નાખી. રામાયણ આવે ત્યારે રસ્તાઓ શાંત થઈ જતા, પ્રસંગોનો સમય આ શ્રેણીના સમય જોડે ટકરાય નહીં તેનો ખ્યાલ રખાતો.સાંજે દૂરદર્શન પર દર રવિવારે ફિલ્મ બતાવાતી ત્યારે કે ક્રિકેટ મેચ વખતે જેના ઘેર ટીવી હોય તેનું ઘર પાડોશીઓથી ભરાઈ જતું.
'એક દુજે કે લિયે' અને 'ક્યામત..'
ફિલ્મોની દુનિયામાં ૮૦નો દાયકો અત્યંત રસપ્રદ હતો. ૧૯૭૦ના દાયકાના ''એન્ગ્રી યંગ મેન'' પછી હિન્દી સિનેમા નવી દિશા શોધી રહ્યું હતું. પ્રેમકથાઓ અને સંગીત પણ પોતાનું સ્થાન બનાવી રહ્યા હતા. ''એક દુજે કે લિયે'' , ''ડિસ્કો ડાન્સર'' , ''ઉમરાવ જાન'', ''અર્થ'' , ''જાને ભી દો યારો'' , ''અર્ધ સત્ય'', ''મિસ્ટર ઇન્ડિયા'', ''પરિંદા'' જેવી ફિલ્મોએ ૮૦ના દાયકાના સિનેમાને અનેક રંગો આપ્યા.
દાયકાના અંતમાં તો જાણે હિન્દી ફિલ્મોમાં નવી પેઢીનો જન્મ થયો. ૧૯૮૮માં ''કયામત સે કયામત તક'' સાથે આમિર ખાન અને જુહી ચાવલા યુવા પેઢીના ચહેરા બની ગયા. ૧૯૮૯માં ''મૈને પ્યાર કિયા'' સાથે સલમાન ખાનનું આગમન થયું. ''ચાંદની'', ''રામ લખન'', ''તેજાબ'', ''ત્રિદેવ'' જેવી ફિલ્મોએ પણ સિનેમાના માહોલને બદલી નાખ્યો. આ બદલાવ માત્ર કલાકારોનો નહોતો. ફિલ્મી સંગીતમાં પણ કેસેટ ક્રાંતિ આવી રહી હતી. ગીતો હવે માત્ર ફિલ્મના ભાગ નહોતા રહેતા, તેઓ ઘરમાં, દુકાનમાં, બસમાં, લગ્નમાં અને મિત્રોની મહેફિલમાં અલગ જીવન જીવતા થયા હતા.
કેસેટ અને સંગીત ક્રાંતિ
આ દાયકાની એક મોટી સાંસ્કૃતિક ક્રાંતિ ''કેસેટ'' હતી. આજની જેમ ગીત તરત ડાઉનલોડ કરી શકાતું નહોતું. ગીત સાંભળવા માટે કેસેટ ખરીદવી, ટેપ રેકોર્ડર પર વગાડવી અને ક્યારેક ગમતું ગીત વારંવાર રીવાઇન્ડ કરવું પડતું. કેસેટની એક બાજુના ગીતો પુરા થાય પછી બીજી બાજુ ફેરવવાની રહેતી. લોન્ગ પ્લે રેકોર્ડ કે એક કેસેટ પરથી બીજી કેસેટ રેકોર્ડ કરવામાં આવતી. વિદેશમાં વસતા સગા સંબંધી સોની કે ટી. ડી. કે. ની કેસેટ લાવતા તો ધન્યતા અનુભવતા.
વર્લ્ડ કપ ચેમ્પિયયન
..અને પછી આવ્યું ક્રિકેટનું એ ઐતિહાસિક પ્રકરણ, જેને કદાચ ૮૦ના દાયકાની સૌથી મોટી સિદ્ધિ કહી શકાય - ૧૯૮૩નો ક્રિકેટ વર્લ્ડ કપ. કપિલ દેવની ટીમે વેસ્ટ ઇન્ડિઝ જેવી મહાશક્તિને હરાવીને લોર્ડ્સના મેદાન પર વિશ્વકપ જીતી લીધો. તે સમયે ભારતમાં ક્રિકેટનું પ્રસારણ આજના જેટલું સર્વવ્યાપક નહોતું, છતાં આ વિજયે ક્રિકેટને માત્ર રમતમાંથી રાષ્ટ્રીય લાગણીમાં ફેરવવામાં મોટી ભૂમિકા ભજવી. ૧૯૮૫માં ભારતે ઓસ્ટ્રેલિયામાં બેન્શન એન્ડ : હેજીસ વર્લ્ડ ચેમ્પિયનશીપ જીતી હતી. ૧૯૮૭માં ભારતે પાકિસ્તાન સાથે મળીને વર્લ્ડ કપનું આયોજન કર્યું. એ જ વર્ષે સુનીલ ગાવસ્કર ટેસ્ટ ક્રિકેટમાં ૧૦,૦૦૦ રન કરનાર પ્રથમ બેટ્સમેન બન્યા.
પરંતુ ૮૦ના દાયકાની રમતગમતની સફળતા ક્રિકેટ પૂરતી જ સીમિત નહોતી. ઘણી મોટી હતી. ૧૯૮૦માં પ્રકાશ પાદુકોણે ઓલ ઇંગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયશીપ જીતી અને વિશ્વ રેન્કિંગમાં નંબર વન બન્યા. ૧૯૮૦ મોસ્કો ઓલિમ્પિક્સમાં ભારતીય પુરુષ હોકી ટીમે ગોલ્ડ મેડલ જીત્યો - તે પછી ભારત બીજા ૪૬ વર્ષમાં ઓલિમ્પિક હોકી ગોલ્ડ જીતી નથી શક્યું. ૧૯૮૪ લોસ એન્જલસ ઓલિમ્પિક્સમાં પી.ટી. ઉષા માત્ર એક સેકન્ડના સોમા ભાગથી બ્રોન્ઝ મેડલ ચૂકી ગઈ, છતાં તે દોડ ભારતની રમતગમતની સૌથી યાદગાર ક્ષણોમાંની એક બની. ૧૯૮૬ એશિયન ગેમ્સમાં ઉષાએ ચાર ગોલ્ડ સહિત પાંચ મેડલ જીત્યા. અને ૧૯૮૮માં વિશ્વનાથન આનંદ ભારતના પ્રથમ ચેસ ગ્રાન્ડમાસ્ટર બન્યા.
૧૯૮૨ની એશિયન ગેમ્સ પોતે જ એક રાષ્ટ્રીય અનુભવ હતી. દિલ્હીમાં નવા સ્ટેડિયમો, રસ્તાઓ, ફ્લાયઓવર અને એશિયાડ વિલેજ ઊભું થયું. આશરે ૫,૦૦૦ ખેલાડીઓએ ભાગ લીધો અને ભારતે તે સમય સુધીનું પોતાનું શ્રે એશિયન ગેમ્સ પ્રદર્શન કરતાં ૫૭ મેડલ જીત્યા. એ જ રમતોને કારણે રંગીન ટીવીનું મહત્વ પણ સામાન્ય ભારતીય ઘરો સુધી પહોંચ્યું.
'સારે જહાં સે અચ્છા'
આ દાયકામાં ભારતે વિજ્ઞાન અને અંતરિક્ષ ક્ષેત્રે પણ શાંત પરંતુ ઐતિહાસિક પ્રગતિ કરી. ૧૮ જુલાઈ ૧૯૮૦ના રોજ ભારતે એસ. એલ. વી -૩ મારફતે રોહિણી ઉપગ્રહને કક્ષામાં સ્થાપિત કર્યો અને ભારત સ્વદેશી રીતે ઉપગ્રહને કક્ષામાં પહોંચાડનારા દેશોના વિશિષ્ટ સમૂહમાં સામેલ થયું. ૧૯૮૧માં એપલ ઉપગ્રહ, ૧૯૮૩માં INSAT-1B અને ૧૯૮૮માં IRS-1A જેવી સિદ્ધિઓએ ભારતના અંતરિક્ષ કાર્યક્રમને આગળ ધપાવ્યો. ૧૯૮૪માં રાકેશ શર્મા સોવિયેત અવકાશયાન દ્વારા અંતરિક્ષમાં જનાર પ્રથમ ભારતીય બન્યા.સ્વ. ઇન્દિરા ગાંધીએ પ્રશ્ન કર્યો કે અંતરિક્ષથી ભારત કેવું દેખાય છે ત્યારે રાકેશ શર્માએ ''સારે જહાં સે અચ્છા'' જેવો ઉત્તર આપ્યો હતો તે આજે પણ ભારતના અંતરિક્ષ ઇતિહાસની સૌથી જાણીતી યાદોમાં છે.
ટેકનોલોજીની દુનિયામાં કોમ્પ્યુટર શબ્દ સામાન્ય લોકો માટે અજાણ્યો નહોતો રહ્યો, પરંતુ કમ્પ્યુટર હજી ઘરની સામાન્ય વસ્તુ બન્યું નહોતું. બેન્કો, સરકારી કચેરીઓ અને મોટી સંસ્થાઓમાં કમ્પ્યુટરીકરણ અંગે ચર્ચા શરૂ થઈ. રાજીવ ગાંધીની સરકાર ટેકનોલોજી અને આધુનિકીકરણ તરફ વધુ ખુલ્લું વલણ ધરાવતી હતી. C-DOT જેવી પહેલ અને ટેલિકોમ ક્ષેત્રમાં થયેલા પ્રયાસોએ આગળ જઈને ભારતના સંચાર ક્ષેત્રને બદલવા માટે પાયો તૈયાર કર્યો. આજે જે ડિજિટલ ભારત દેખાય છે તેની દૂરની શરૂઆત શોધવી હોય તો ૮૦ના દાયકાની આ ટેકનોલોજીકલ હલચલ સુધી પહોંચવું પડે.
મારૂતિ - ૮૦૦
મધ્યમવર્ગના જીવનમાં બીજી એક મોટી ઘટના હતી - મારુતિ. ૧૯૮૩માં Maruti ૮૦૦ ભારતીય રસ્તાઓ પર આવી અને કાર સામાન્ય મધ્યમવર્ગીય પરિવારના સ્વપ્નનો વધુ વ્યવહારુ ભાગ બનવા લાગી. કાર ખરીદવી ત્યારે પણ મોટી બાબત હતી, પરંતુ Maruti ૮૦૦ એ ''અમારા ઘરની પોતાની કાર''નું સ્વપ્ન વધુ લોકોની પહોંચમાં લાવ્યું. તેની આસપાસ ઊભી થયેલી નવી કાર સંસ્કૃતિ, સર્વિસ સેન્ટરો, ઓટો પાર્ટ્સ અને શહેરી મધ્યમવર્ગની જીવનશૈલી આજે પાછળ વળીને જોઈએ ત્યારે ૮૦ના દાયકાના ભારતના આર્થિક પરિવર્તનનું મહત્વનું ચિહ્ન
લાગે છે.
લાયસન્સ રાજ
પરંતુ આ બધું સાંભળીને એવું માનવું ૮૦નું ભારત આજના ભારત કરતાં વધુ સુખી કે સરળ હતું તો તે યોગ્ય નહીં કહેવાય. આર્થિક વ્યવસ્થા ભારે નિયંત્રણોથી ભરેલી હતી. ઉદ્યોગ શરૂ કરવા માટે લાઇસન્સ, મંજૂરી અને સરકારી પ્રક્રિયાઓનો લાંબો રસ્તો હતો. વિદેશી વસ્તુઓ સરળતાથી મળતી નહોતી. આયાત પર ભારે નિયંત્રણો હતા. સામાન્ય ગ્રાહક માટે ''વિકલ્પ'' બહુ ઓછા હતા. આજે એક જ વસ્તુની દસ બ્રાન્ડમાંથી પસંદગી કરીએ છીએ.
૧૦ ગ્રામ સોનાના રુ ૧૮૦૦
આર્થિક જીવન સમજવા માટે તે સમયના સોના, ચાંદી અને ડોલરના ભાવ ખૂબ રસપ્રદ છે. રિઝર્વ બેન્કના આધારિત ઐતિહાસિક આંકડા પ્રમાણે ૧૯૮૩-૮૪માં ૨૪ કેરેટ સોનાનો સરેરાશ ભાવ લગભગ ૧,૮૫૮ પ્રતિ ૧૦ ગ્રામ હતો અને ૧૯૮૯-૯૦માં તે આશરે ૩,૨૨૯ થયો. એટલે આખા દાયકામાં સોનાના ભાવમાં નોંધપાત્ર વધારો થયો હતો. ચાંદીના ભાવ પણ ૧૯૮૧માં લગભગ ૨,૭૧૫ પ્રતિ કિલોથી વધીને ૧૯૮૯માં આશરે ૬,૭૫૫ પ્રતિ કિલો થયા હતા.
ડોલર એટલે રુ. ૧૧
ડોલર સામે રૂપિયાની વાત કરીએ તો ૧૯૮૦માં એક અમેરિકન ડોલર માટે સરેરાશ આશરે રુ.૭.૮૬ ચૂકવવા પડતા હતા. ૧૯૮૪માં આ દર લગભગ રુ.૧૧.૩૭ અને ૧૯૮૯માં લગભગ રુ.૧૬.૨૨ સુધી પહોંચી ગયો હતો. એટલે માત્ર નવ વર્ષમાં રૂપિયાની ડોલર સામેની કિંમતમાં મોટો ઘટાડો થયો. આજના યુવાન માટે ''એક ડોલર = રુ.૮ આસપાસ'' સાંભળવું કદાચ અવિશ્વસનીય અને સસ્તું લાગે પણ તે વખતે આવક અને રોજગારી પણ આજની સરખામણીએ ઘણી ઓછી હતી.
ભોપાલ ગેસ દુર્ઘટના
આ દાયકામાં કુદરતી અને માનવસર્જિત દુર્ઘટનાઓએ પણ દેશને હચમચાવી નાખ્યો. ૧૯૮૨માં સૌરાષ્ટ્રના ચક્રવાત, ૧૯૮૭માં આસામ, બિહાર અને પશ્ચિમ બંગાળના પૂરોએ જાનમાલને ભારે નુકસાન કર્યું. ૧૯૮૮માં બિહાર - નેપાળના વિનાશક ભૂકંપે આશરે એક હજાર લોકોના જીવ લીધા હોવાના સરકારી આંકડા છે. તે જ વર્ષે પંજાબમાં ભયાનક પૂર, કેરળમાં રેલવે દુર્ઘટના અને વિવિધ રોગચાળાએ દેશને ઝંઝોળી નાખ્યો.
પરંતુ ૮૦ના દાયકાની સૌથી ભયાનક માનવસર્જિત દુર્ઘટના તરીકે ભોપાલ ગેસ દુર્ઘટનાનું નામ હંમેશાં યાદ રહેશે. ૧૯૮૪ની આ ઔદ્યોગિક દુર્ઘટનાએ માત્ર હજારો પરિવારોને અસર કરી નહોતી, પરંતુ ભારતને ઔદ્યોગિક સલામતી, પર્યાવરણ અને કોર્પોરેટ જવાબદારી વિશે ગંભીર પ્રશ્નો પૂછવા મજબૂર કર્યું.
વિમાન ક્રેશ અને બોમ્બિંગ
૧૯૮૫માં એર ઇન્ડિયાની ફલાઈટ પર ઉગ્રવાદીઓ દ્વારા બોમ્બ હુમલો અને ૧૯૮૮માં અમદાવાદની વિમાન દુર્ઘટનાએ પણ દેશને શોકમાં ગરકાવ કર્યો. આજે સ્માર્ટ ફોન અને સોશિયલ મીડિયાને લીધે પલકવારમાં જ વિશ્વભરના સમાચાર પ્રસરી જાય છે તે વખતે એક શહેરમાં બનેલી ઘટના બીજા શહેર સુધી પહોંચે ત્યાં સુધી અખબાર કે રેડિયોની રાહ જોવી પડતી.
અને અખબાર તથા રેડિયો - આ બંને ૮૦ના દાયકાના ભારતના બે મહત્ત્વના માહિતી સ્તંભ હતા. સવારે ચાની સાથે અખબાર વાંચવું એક દૈનિક વિધિ હતી. રેડિયો પર સમાચાર સાંભળવા માટે નાગરિકો સમય પ્રમાણે બેસતા. ટીવી પર પણ સમાચારનો નિશ્ચિત સમય હતો. ''બ્રેકિંગ ન્યૂઝ'' નામની કોઈ વસ્તુ નહોતી.
૨૪ અને ૩૬નો કેમેરા રોલ
૮૦ના દાયકાના શહેરો પણ આજના કરતાં ઘણાં અલગ હતાં. આજના જેવા વિશાળ મોલ, મલ્ટિપ્લેક્સ, ફૂડ કોર્ટ અને એપ આધારિત કેબ નહોતા. બજાર એટલે મુખ્યત્વે સ્થાનિક દુકાનો, હાટ, કપડાંની બજાર, સિનેમા હોલ અને રેસ્ટોરન્ટ. બહાર જમવાનું આજની જેમ દૈનિક જીવનનો ભાગ નહોતું. ઘરમાં બનાવેલું ભોજન અને પરિવાર સાથેનું જીવન વધારે કેન્દ્રસ્થાને હતું. રેસ્ટોરન્ટમાં વાનગીઓ પણ મર્યાદિત હતી.
ઘરોમાં ફર્નિચર પણ અલગ હતું.નેતરનો સોફા સેટ,એક જ ડિઝાઇનનો શો કેસ, ટીવી કેબિનેટ, રેડિયો, દિવાલ ઘડિયાળ અને ક્યારેક ટેપ રેકોર્ડર - આ બધું મધ્યમવર્ગીય ઘરની ઓળખ રહેતી. લગ્નની તસવીરો સ્ટુડિયોમાં લેવાતી. ફોટોગ્રાફર ફ્લેશ સાથે આવે. ૩૬ કે ૨૪ ફોટાની ફિલ્મ પૂરી થાય પછી રોલ ડેવલપ કરાવવો. આજે એક મિનિટમાં સો તસવીરો ખેંચી નાખીએ છીએ, ત્યારે એક તસવીર લેતા પહેલાં ''ફોટો બરાબર આવશે કે નહીં?'' એવો વિચાર થતો.
બેલ બોટમની ફેશન
કપડાંમાં પણ દાયકાની પોતાની ઓળખ હતી. પુરુષોમાં બેલ-બોટમથી લઈને પેન્ટ-શર્ટ અને પછી જીન્સનો વધતો પ્રભાવ, મહિલાઓમાં સાડી સાથે નવી ફેશન, બાળકોમાં રંગબેરંગી કપડાં - આ બધું ૮૦ના દાયકાના સામાજિક પરિવર્તનનો ભાગ હતું. ફિલ્મી કલાકારોની હેરસ્ટાઇલ અને કપડાંનું પ્રચંડ અનુસરણ થતું.
પરંતુ આ દાયકાને માત્ર રંગીન ચશ્માથી જોવું યોગ્ય નથી. એ જ ભારતમાં ગરીબી મોટી સમસ્યા હતી, શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓમાં અસમાનતા હતી, મહિલાઓ માટે સામાજિક મર્યાદાઓ હતી, જાતિ આધારિત અસમાનતા અને હિંસા હતી, ગ્રામ્ય ભારત અને શહેરી ભારત વચ્ચે મોટું અંતર હતું. આજે આપણને ૮૦નો દાયકો ''સાદો અને સુખી'' લાગે છે કારણ કે આપણે ઘણી વાર તે સમયની માત્ર પસંદગીની યાદો જ યાદ કરીએ છીએ - કસેટ, જૂની ફિલ્મો, દૂરદર્શન, ક્રિકેટ, સ્કૂટર અને પરિવાર. પરંતુ ઇતિહાસમાં દરેક દાયકાની જેમ તેમાં પણ સુખ અને દુ:ખ બંને હતાં. ગરીબી, મોંઘવારીની વેદના પણ ખરી.
ધીમી ગતિનું જીવન
આ દાયકાની એક ખાસ વાત એ હતી કે ભારત ધીમે ધીમે એક નવા યુગ તરફ આગળ વધી રહ્યું હતું. ૧૯૮૦ની શરૂઆતનું ભારત હજુ મોટા ભાગે પરંપરાગત, નિયંત્રિત અને મર્યાદિત વિકલ્પો ધરાવતું ભારત હતું. ૧૯૮૯ સુધી પહોંચતાં કમ્પ્યુટર, રંગીન ટીવી, નવી કાર, સેટેલાઇટ ટેકનોલોજી, રાષ્ટ્રીય ટેલિવિઝન નેટવર્ક, નવા ફિલ્મી કલાકારો, ક્રિકેટનું વ્યાપારીકરણ અને રાજકારણમાં નવા પક્ષોનું આગમન - આ બધું આગામી દાયકાની આગાહી કરતું હતું.જીવન થોડું ધીમું હતું. કોઈને પત્રની રાહ જોવાની યાદ આવે છે, કોઈને દૂરદર્શન સામે પરિવાર સાથે બેસવાની, કોઈને કેસેટના ગીતોની, કોઈને સ્કૂટર પર આખું કુટુંબ બેસાડીને ફરવાની, કોઈને સિનેમા હોલની બહારની લાંબી લાઇનની અને કોઈને ક્રિકેટ મેચ દરમિયાન આખું ઘર એક જ ટીવી સામે બેઠેલું યાદ આવે છે.
નવયુગ તરફ..
૮૦ના દાયકાને ફ્લેશ બેકમાં જોવાની ઈચ્છા માટે સૌથી મોટું કારણ કદાચ એ નથી કે તે સમય આજ કરતાં સારો હતો. દરેક રીતે નહોતો. પરંતુ તે એવો સમય હતો જ્યારે ભારત પરિવર્તનની દહેલીજ પર ઊભું હતું. જૂનું ભારત હજુ મજબૂત હતું અને નવું ભારત દરવાજા પર ટકોરા મારી રહ્યું હતું. ૧૯૮૦માં જે દેશ રંગીન ટીવીના આગમનથી આશ્ચર્યચકિત થતો હતો, એ જ દેશ થોડા વર્ષોમાં ઉપગ્રહ, કમ્પ્યુટર, નવી કારની કંપનીઓ, મોડેલ્સ, વિશ્વ બજાર ભારતના આંગણે આવ્યું અને નવી રાજકીય શક્તિઓના આગમનનો સાક્ષી બન્યો.
જ્ઞાન પોસ્ટ
૮૦ના દાયકાનો આપણે માત્ર આપણો જૂનો ચહેરો જ શોધવો ન જોઈએ. તે પછીના પ્રત્યેક દાયકામાં ભારત તો બદલાયું પણ આપણે પોતે અગાઉ હતાં તેના કરતા વધુ સારા બન્યા કે નહીં તે પણ આત્મદર્શન કરવું જોઈએ.